Kalmsh - 8 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | કલ્મષ - 8

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

કલ્મષ - 8

પ્રકરણ 8

પહેલીવાર નિશીકાંતને લાગ્યું હતું કે જિંદગીની ટ્રેન રફ્તાર પકડી રહી છે.
માસ્તરસાહેબની સુધાના લગ્ન ધામધૂમથી લેવાઈ ગયા હતા. પ્રકાશની ગાડી પણ હવે પાટે ચઢી રહી હોવાની નિશાનીઓ સાફ દેખાતી હતી.
માસ્તરસાહેબને માટે નાણાંની જોગવાઈ કર્યા પછી નિશીકાંતને લાગતું હતું કે આખરે જિંદગીએ એક મોકો આપ્યો હતો ઋણ ફેડવાનો. અન્યથા બિચારા થઈને લેવાનો જ યોગ જિંદગીએ સર્જ્યો હોય તેવી લાગણી સતત થતી રહેતી.

પ્રોફેસર શ્રીવાસ્તવે સમજીને જ પગાર વધારી આપ્યો હતો , છતાં એ લોન ચૂકવવા માટે પૂરતો નહોતો.હવે નિશીકાંતે દર મહિને ટ્યુશન કરવા શરુ કર્યા હતા, છતાં દર મહિને ત્રીસ હજાર રૂપિયાનો હપ્તો ચૂકવવા માટે બીજાં કામ કરવા અનિવાર્ય હતા. પ્રોફેસરે જ રસ્તો સૂઝવ્યો હતો કિશોરાવસ્થા માટેનું સાહિત્ય સર્જવા માટે.

'નિશિકાંત , મારું માને તો તું પુસ્તક લખ, તારી ભાષા સારી છે. અભિવ્યક્તિ પણ સરસ કરી શકે છે. આજકાલ પબ્લિકેશન સારી ચીજ માર્કેટમાં મૂકવા ચાહે તો લેખકો નથી મળતા. મારા ઓળખીતા પબ્લિશરને વાત કરી રાખી છે , એકવાર મિટિંગ થઇ જાય પછી તું એ કામ કરી શકે તો જો' પ્રોફેસરે રસ્તો ચીંધી દીધો હતો. હવે એ રસ્તા પર પગલાં પાડવાના હતા.

પ્રોફેસર માત્ર રસ્તો ચીંધીને મુક્ત નહોતા થઇ ગયા. એમને તો પોતાના પબ્લિશર મિત્ર સાથે મિટિંગ પણ ગોઠવી દીધી હતી.
પ્રોફેસર સાથે પબ્લિશરને મળવા ગયેલા નિશીકાંતનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. જિંદગીમાં કોઈ દિવસ આવી તક મળી નહોતી. હવે મળી છે તો ગુમાવવી પાલવે એમ નહોતી.

પબ્લિશર ત્રિપાઠી એન્ડ સન્સનું નામ હતું પુસ્તકોની દુનિયામાં. ઊંચી કક્ષાનું સાહિત્ય પ્રકાશિત કરતા હતા. પણ હવે જ્યારથી ટીવી અને સ્માર્ટ ફોન અસ્તિત્વમાં આવ્યા ત્યારથી પરિસ્થિતિ બદલાઈ રહી હતી. ત્યારથી દિનબદિન નવી ઉગતી પેઢીના વાચકો ઘટતાં ચાલ્યા હતા. આ નવી પેઢીને સાહિત્ય , સંસ્કાર સાથે કઈ રીતે જોડી શકાય તેના પ્રયાસમાં દિનકર ત્રિપાઠી યોજના બનાવતા રહેતા. પ્રોફેસરના સારા મિત્ર હતા એટલે નિશિકાંત સાથે સહેલાઈથી મુલાકાત માટે તૈયાર થઇ ગયા હતા.

ત્રિપાઠી એન્ડ સન્સની ઓફિસમાં મુલાકાતનો દોર ચા પાણીથી શરુ થયો. દિનકર ત્રિપાઠીએ નિશીકાંતને ઉપરથી નીચે નિહાળ્યો.

'હું આ નિશિકાંતની વાત કરતો હતો દિનકર..' પ્રોફેસરે ચાની ચૂસ્કી સાથે વાત શરૂ કરી. : એનું ધાર્મિક કથાઓ અને મહાન વિભૂતિના જીવન પરનું જ્ઞાન જબરું છે.

'એ તો સારી વાત છે વિનાયક, પણ પ્રશ્ન એ છે કે એ એવું લખવાવાળા સેંકડો છે , મુદ્દો એ છે કે આ વાતોને લોકભોગ્ય સ્વરૂપે ખાસ કરીને યુવાપેઢીને આકર્ષી શકે તેવી કેવી રીતે પ્રસ્તુત કરવી એ કામ વિકટ છે.

દિનકર ત્રિપાઠી પ્રોફેસર શ્રીવાસ્તવના લંગોટિયા મિત્ર હતા. બંને મિત્રો એકમેકને તુંકારે બોલાવી શકે તેવી નિકટતા ધરાવતા હતા.
વાતચીત દરમિયાન પ્રોફેસરે નિશિકાંત સામે જોયું. તું પણ વાતચીતમાં જોડાઈ જા , એવી કોઈક સંજ્ઞા દર્શાવવા માટે.

'હું કોઈક સુઝાવ આપી શકું ?' નિશીકાંતે થોડા ક્ષોભ સાથે કહ્યું.
'બિલકુલ , આપી શકે, એટલા માટે તો આપણે આ મિટિંગ કરી છે.' પ્રોફેસર શ્રીવાસ્તવે જ કહી દીધું.

દિનકર ત્રિપાઠીએ પણ હકારમાં માથું ધુણાવ્યું.
'હું માનું છું કે બાળકોમાં વાંચનની ભૂખ રહી નથી એ સર્જવી રહી. ' નિશિકાંત બોલતો રહ્યો : એ માટે સંસ્કાર વાંચનની શ્રેણી બજારમાં મુકાવી રહી પણ થોડાં જૂદા સ્વરૂપે. એક સમયે કોમિક્સ વેચાતા હતા. એ જ સ્વરૂપમાં ધાર્મિક કથાઓને ક્લાસિક સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો ભારેખમ વાંચન ન લાગતાં એ હળવું અને આકર્ષક લાગશે.
જરૂરી છે આકર્ષક રંગો, પોકેટ બૂકની સાઈઝ જેથી કિશોર સૂતાં સૂતાં પણ વાંચી શકે. રાત્રે કિશોર ફોનમાં કે ટીવી સામે ટકટકી લગાવીને બેસી રહે છે તેની બદલે એ પુસ્તક વાંચતા થાય. '

નિશિકાંત ક્ષણવાર માટે અટક્યો, એ જોવા કે પોતાની વાતની અસર બંને પર કેવી થાય છે.
પ્રોફેસરે તો હકારમાં માથું ધુણાવ્યું પણ ત્રિપાઠી ખાસ ખુશ થયા હોય એવું લાગ્યું નહીં, કે પછી એક પાકાં વ્યાપારીની જેમ મન ન કળાય તેની તકેદારી રાખી રહ્યા હતા.

નિશીકાંતએ પોતાનો બીજો વિચાર રજુ કર્યો.
આજનો એકેએક કિશોર ક્રિકેટનો કે ફિલ્મનો દીવાનો હોય છે. એના મનગમતાં સ્ટાર કે ક્રિકેટરે પોતાની કારકિર્દી જમાવવા કેવો સંઘર્ષ કર્યો છે એ સચિત્ર રીતે વર્ણવવામાં આવે તો એ વિષે એને વાંચવાની મજા પડે જ એ વાતમાં કોઈ બેમત ન હોય શકે. , બાકી રહી વાત માર્કેટિંગની તો એ માટે ચોકલેટથી લઈ ને સસ્તાં વૉચથી લઇ સ્નીકર્સ ઉત્પાદકો સાથે ટાઈઅપ કરી શકાય કે ચોક્કસ ગણતરીના જવાબ સાચા આપનારને ફ્રી ભેટ મળશે.

નિશિકાંત પાસે આઈડિયાની કમી નહોતી.
એક પછી એક પ્લાન રજૂ કરતો ગયો અને દિનકર ત્રિપાઠી અને પ્રોફેસર વિનાયક શ્રીવાસ્તવ પ્રભાવિત થતાં ગયા.

પ્રોફેસરને એક વાત તો ખબર હતી કે નિશિકાંત છે હોંશિયાર પણ આટલી હદે તેજસ્વી હશે એ કલ્પના નહોતી.

ત્રિપાઠીને નિશીકાંતના આઈડિયા ખરેખર પ્રભાવિત કરી ગયા હતા. એમણે નિશિકાંતને તરત જ બે ત્રણ પ્રોજ્ક્ટ સોંપી દીધા હતા.
હવે નિશિકાંત પાસે ન તો સમય હતો કે ન શક્તિ. દિવસ દરમિયાન પ્રોફેસરના રિસર્ચવર્કનું કામ પતાવ્યા પછી ટ્યુશન માટે ઘરે ઘરે જતો. ત્યાંથી પાછાં આવીને પોતાના પ્રોજેક્ટમાં મગ્ન થઇ જતો.
પ્રોફેસરને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઇ હતી એટલે બીજી તો ઝાઝી કડાકૂટ નહોતી પણ હવે માસ્ટર્સ કરવાનો પ્લાન પાછળ ઠેલાતો જતો હતો.


**********

ઘરમાં રહેતી ઇરાને લાગતું હતું કે નિશિકાંત પોતાના કામમાં એટલો મગ્ન હતો કે તેનું ધ્યાન પણ નથી કે ઘરમાં પોતે રહે છે.

અલબત્ત, મોડી રાત સુધી લખતો રહેતો નિશિકાંત હકીકતમાં બેધ્યાન નહોતો. એ સુપેરે જાણતો હતો કે પ્રોફેસર શ્રીવાસ્તવની ભાણેજ ઇરા પોતાનામાં રસ લઇ રહી છે. અકારણ જ વાત કરવી કે પછી અભ્યાસ ને લગતી વાતોમાં મત પૂછવો રોજનું થઇ પડ્યું હતું. વિના કોઈ કારણે અમસ્તી વાત કરવી એ નિશીકાંતના સ્વભાવમાં નહોતું અને એને એક વાત બરાબર નોંધી હતી તે હતી પ્રોફેસરસાહેબના બહેન સુમનનો અણગમો.

સુમન બીજી ઉમા હતી. માસ્તરસાહેબને ત્યાં જે વર્તન ઉમાનું હતું તેવું જ વર્તન સુમનનું હતું. એ કારણસર પણ નિશિકાંત ઇરાથી સુમનથી થોડું અંતર રાખીને જ ચાલતો હતો.

ઇરા પોતાના મામાને ત્યાં રહીને કમ્પ્યુટર સાયન્સ કરતી હતી. રોજ સવારે કોલેજ જતી અને બપોરના પછી ફરતી ત્યારે નિશિકાંતને ફાઇલોના કટિંગ કરતો કે લખતો જોતી રહેતી.
ઇરાએ પોતાના મામા પાસે નિશિકાંતની આખી કહાની સાંભળી હતી. એ સાંભળીને નિશિકાંત માટે તેનું માન કંઈગણું વધી ગયું હતું.
એણે મનોમન નક્કી કરી લીધું કે નિશિકાંત ન બોલે તો પોતે જ કોઇ રીતે પહેલ કરવી પડશે.

રજાનો દિવસ હતો ને ઇરા બગીચામાં પાણી છાંટી રહી હતી અને એ જ સમયે નિશિકાંત બહાર જવા નીકળ્યો. ઈરાને ન જાણે શું સૂઝ્યું તે એણે પાણીનો પાઇપ નિશિકાંત તરફ ફેરવી દીધો. પળવારમાં નિશિકાંત ભીંજાઈ ચુક્યો હતો.

'અરે અરે , આ શું કર્યું ?' નિશીકાંતએ જોયું પોતાના શર્ટ અને જીન્સ એક જ ક્ષણમાં ભીંજાઈ ગયા હતા.
સામે ઉભેલી ઇરા ખડખડાટ હસી પડી.
' આ કોઈ રીત છે? મારે બહાર જવાનું હતું ને તમે આ શું કર્યું ?' નિશીકાંતએ જરા ચિડાઈને પૂછ્યું.

'હા. મારે એ જ પૂછવું છે કે આ કઈ રીત છે કે એક જ ઘરમાં રહેવા છતાં કોઈ વાત સુધ્ધાં ન કરે? તો પછી આમ જ કરવું પડે ને ' ઇરા તો જવાબ આપતા પણ હસી રહી હતી.

નિશીકાંતને સમજાતું નહોતું કે પોતે કઈ રીતે ઈરાને જવાબ આપે. એ ચૂપચાપ અંદર જઈને કપડાં બદલી આવ્યો.
ઇરા તેના વર્તનથી છોભીલી પડી ગઈ હતી. એને હતું કે આ ઘટના પછી નિશિકાંત પોતે વાતચીત શરુ કરશે પણ એવું કંઈ બન્યું નહીં.
નિશિકાંત કઈ રીતે કરે ? જે ખ્વાબ જોવાની હેસિયત જ નહોતી તો શું કામ એ રસ્તે આગળ વધવું ?એવું લોજીક નિશીકાંતનું હતું.

************
ત્રણ મહિના વીતી ગયા હતા ત્રિપાઠીના પ્રોજેક્ટને.
સિરીઝની પહેલી ત્રણ ક્લાસિક બુક્સ તૈયાર હતી. એક હતી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરપર , બીજી હતી સ્વામી વિવેકાનંદ પર અને ત્રીજી હતી મહારાણા પ્રતાપની.
નિશિકાંત રોજ રાતે મોડે સુધી લખતો રહેતો અને પછી દિવસ દરમિયાન ચિત્ર બનાવનાર આર્ટિસ્ટ સાથે બેસતો અને સચિત્ર કહાની તૈયાર થતી. એની મહેનત રંગ લાવી રહી હતી. એને સહુ પ્રથમ પ્રોફેસર શ્રીવાસ્તવના હાથમાં ડ્રાફ્ટ મૂક્યા. લેખકનું નામ હતું નિશિકાંત નાયક.

પ્રોફેસર ચિરૂટનો ઊંડો કશ લઈને ઘણીવાર સુધી આ ડ્રાફ્ટ એક પછી એક એમ ધ્યાનથી નિહાળી રહ્યા હતા.
'નિશિકાંત , ખોટું ન લાગે તો એક વાત કહું ? જો તું પોઝિટિવલી લેવાનો હોય તો !!' પ્રોફેસરની નજર તો ડ્રાફ્ટ પર જ હતી.

'જી સર , તમે જે કહેશો એ મારા હિતમાં જ હશે એ હું જાણું છું.'
'નિશિકાંત, કદાચ તને ખબર નહીં હોય પણ મને મનોગત વિજ્ઞાનમાં ઊંડી રુચિ ધરાવું છું. એટલું જ નહીં એ માટે મેં અભ્યાસ પણ કર્યો છે.'

નિશિકાંત એ વાત તો જાણતો જ હતો. પ્રોફેસરની લાઈબ્રેરીમાં તેને અંકશાસ્ત્ર પર ઘણાં પુસ્તકો જોયા હતા.
પણ, એ અચંબામાં પડ્યો કે પ્રોફેસર આજે આ સમયે આવી વાત શા માટે કરી રહ્યા છે? પણ , એ કરી રહ્યા હશે તો કોઈક નક્કર કારણ તો જરૂર હશે.

'મારો સુઝાવ હું આપું છું પણ માનવો ન માનવો તારા પર નિર્ભર છે. ' પ્રોફેસર નિશિકાંત સામે જોઈ રહ્યા।
'જી' નિશીકાંતે માથું ધુણાવ્યું.

'નિશિકાંત તને ક્યારેય વિચાર આવ્યો છે કે નાનપણથી તારે સતત દુઃખનો સામનો કેમ કરવો પડ્યો છે ?' પ્રોફેસરે પૂછ્યું .

'નસીબ , બીજું શું ?' નિશીકાંતને જે સુઝ્યો તે જવાબ આપી દીધો.

'નસીબ તો ખરું જ પણ આથી વિશેષ પણ એક તત્વ છે. તેની તને ખબર છે?'

'એ શું ?' નિશીકાંતના સ્વરમાં કુતુહલતા હતી.

'ક્યારેય ન્યુમરોલોજી નામની વિદ્યાનું નામ સાંભળ્યું છે ?' પ્રોફેસરે પૂછ્યું.

'જી, મને ખ્યાલ છે.આપણી લાઈબ્રેરીમાં જ પુસ્તકો જોયા છે. '

'એ જ નિશિકાંત, શેક્સપિયર ભલે કહે કે નામમાં શું છે પણ વાસ્તવિકતા એ છે કે નામમાં જ નિયતિ છે.' પ્રોફેસરે ચિરૂટનો ઊંડો કશ લીધો: 'મારું એક સજેશન છે , માનવું ન માનવું તારી મરજી પર નિર્ભર છે, પણ હવે લેખક તરીકે તું એક નવી કારકિર્દી શરુ કરીશ. મારું માનવું છે કે તારા નામે તને દુઃખ સિવાય કશું નથી આપ્યું , હવે એ નામને ત્યાગવાનો સમય આવી ગયો છે. હું ચાહું છું તને નામ દામ શોહરત મળે ... '

'તો , તમારો સુઝાવ એમ છે કે હું નામ બદલી નાખું તો મારી નિયતિ બદલાઈ જશે ?' નિશિકાંતનો સવાલ નિર્દોષ હતો.

'ચોક્કસપણે , બદલાઈ જશે , હું કહું છું , કારણ કે હું એ સાયન્સમાં દ્રઢપણે માનું છું.' પ્રોફેસર પોતે પોતાના પુસ્તકોના નામ રાખવામાં સારો એવો સમય કેમ લગાડતા હતા એ ચમકારો નિશીકાંતને થયો.

'તો મારે શું નામ રાખવું જોઈએ ?' નિશિકાંતના મનમાં પણ વિચાર ઘૂમી રહ્યો હતો. પ્રોફેસરની વાત ખોટી તો ન હોય શકે. પોતાના બાળપણથી લઈ અત્યાર સુધીનો સમય સંઘર્ષમય જ રહ્યો હતો. જો એક નામ બદલાવાથી ભાગ્ય બદલાઈ જતું હોય તો એથી રૂડું શું ?

'મારે તારી જન્મતારીખ સાથે વિચારીને ગણતરી કરવી પડશે. એમાં થોડો સમય જોઈશે. તારા ડ્રાફ્ટ ભલે તૈયાર છે પણ આપણે નામ વિચારી લઈએ ત્યાં સુધી ત્રિપાઠીએ રાહ જોવી રહી.

પ્રોફેસરે જ પોતાના મિત્ર ત્રિપાઠીને બેચાર દિવસ ખમી જવા કહ્યું હતું.
રાત દિવસ પ્રોફેસર ભારતીય નામની યાદી લઈને બેસી ગયા હતા. એમને એવું નામ જોઈતું હતું જે ન્યુમરોલોજી પ્રમાણે નિશીકાંતને ફળે.
જયારે નામની વિચારણા થઇ રહી હતી ત્યારે એક વિચાર નિશીકાંતને આવ્યો હતો.
'સર, તમે મારું નામ જયારે આપો જ છો તો તમારી અટક કેમ ન આપી શકો ?'
નિશીકાંતના આ પ્રસ્તાવને લઈને પ્રોફેસર આભા થઇ ગયા હતા. એમને ખુશીથી પોતાની અટક વાપરવાની સહમતી આપી હતી.

બેચાર દિવસ ગુરુશિષ્યની જોડી નામ શોધવાના અભિયાનમાં રત રહી.
સંખ્યાબંધ નામ શોધ્યા પછી રિજેક્ટ થઇ જતા.ક્યારેક તેના અર્થ ગમતા નહોતા તો ક્યારેક અંકશાસ્ત્ર પ્રમાણે તેનું ધાર્યું પરિણામ આવતું નહોતું.

એ અભિયાનમાં નવી એન્ટ્રી થઇ ઈરાની,
પ્રોફેસરે તો નામની સુઝાવ મંડળીમાં આ નવા સભ્યને પણ દાખલ કરી દીધી હતી.
કેટકેટલા નામ પર વિચારણા થઇ ચૂકી હતી ત્યાં એક દિવસે ઇરાએ જ પ્રસ્તાવ મુક્યો હતો. માઈથોલોજી , ક્લાસિક પુસ્તકોના લખનારનું નામ પણ હિંદુ દેવતાના નામ પર, સંસ્કૃતમાં હોય એ કેવું રહે ? કહેવાની જરૂર નહોતી કે પ્રોફેસર અને નિશિકાંત બંનેને આ આઈડિયા ગમી ગયો હતો.

નિશિકાંત , આપણે તારું નામ વિવાન રાખીએ તો કેમ ? પ્રોફેસરે જ નામ વિચારી લીધું.
વિવાન એટલે ફૂલ ઓફ લાઈફ , જે સ્વયં શ્રી કૃષ્ણ છે તે.
પહેલીવાર થયું કે કોઈ એક નામને ત્રણે સભ્યોની સંમતિ મળી ગઈ.

આખરે નામ મળી પણ ગયું અને ત્રિપાઠીએ સિરીઝ છાપવાની શરૂઆત કરી પણ દીધી.
વિવાન , નામ શોધ્યું હતું પ્રોફેસરે. જીવંતતા , એ નામ સાથે જડાયેલી હતી. નિશિકાંત નામ સાથે રહેલી ચંદ્રકળા સમાપ્ત થતી હતી. હવે અમાસની જેમ એને અસ્ત થવાનું રહેતું નહોતું.
પુસ્તક છપાઈને આવી ચુક્યા હતા અને એની પર નામ ઝળકી રહ્યું હતું લેખક : વિવાન શ્રીવાસ્તવ.


ક્રમશ: