Pranay Parinay - 22 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 22

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 22


પાછલા પ્રકરણનો સાર:


રાકેશ દિવાનના કોઈ સગડ નહોતા મળી રહ્યાં. જોકે રઘુ અને વિક્રમે તપાસના બીજા મોરચાઓ પણ ખોલી રાખ્યાં હતાં. એ લોકોને ધીમે ધીમે કરીને ઘણી માહિતી મળી રહી હતી. પણ વચ્ચેની કડીઓ ખૂટતી હતી. એમાં રઘુનો માણસ મુન્નો માહિતી લાવે છે કે કાવ્યાના અકસ્માતના દિવસથી જ આરોહી ગાયબ હતી. તેના બોયફ્રેન્ડ જેવા લાગતા એક જણ પર તેમને શંકા આવે છે એટલે રઘુ તેને શોધવાની મુન્નાને સૂચના આપે છે.

આ બાજુ ડો. આચાર્યએ વિવાનને અમેરિકન ડોક્ટર સ્ટીફન વિશે માહિતી આપી. ડો. સ્ટીફન એક દિવસ માટે ચેન્નઈમાં હોય છે. વિવાન ખુદ ચેન્નઈ જઈને ડો. સ્ટીફનને મુંબઈ લઇ આવે છે. ડો. સ્ટીફન કાવ્યાને તપાસીને ઓપરેશન કરવાની તૈયારી બતાવે છે. સાથે સાથે ચેતવણી પણ ઉચ્ચારે છે કે આવા ઓપરેશનમાં પેશન્ટના બચવાના ચાન્સ ફક્ત દસ ટકા જ હોય છે. કૃષ્ણકાંતના કહેવાથી બધાં કઠણ હૃદયે ઓપરેશન કરવાનો નિર્ણય કરે છે. ડો. સ્ટીફન પંદર દિવસ પછીની એપોઇન્ટમેન્ટ આપે છે. સમાઈરાનો અભ્યાસ બગડે નહીં એ માટે તેને કાવ્યા વિશે કશું નહી કહેવાનું નક્કી થાય છે.

બીજી તરફ રઘુને કોઈ માહિતી મળી હોય છે એટલે તે વિવાનને લઇને હોસ્પિટલની બહાર નીકળે છે.


હવે આગળ..


**


પ્રણય પરિણય ભાગ ૨૨


હોસ્પિટલમાંથી બહાર આવીને વિવાન અને રઘુ ફાર્મહાઉસ પર જવા નીકળ્યા. રસ્તામાં રઘુએ વિવાનને થોડા ફોટા બતાવ્યા.


વિવાન અને રઘુ તેમના ફાર્મહાઉસ પર આવ્યા અને બેઝમેન્ટમાં આવેલી રૂમમાં ગયા.


રૂમમાં ખાસ પ્રકાશ નહોતો. એક ખુરશી પર એક જણને હાથ પગ બાંધેલી હાલતમાં બેસાડવામાં આવ્યો હતો. તેના મોઢા તથા આંખો પર પટ્ટીઓ બાંધવામાં આવી હતી એટલે તેને કંઈ દેખાતુ નહોતું. તે કંઇ બોલી શકતો નહોતો. તેની આજુ બાજુમાં બે પહેલવાન જેવા બોડીગાર્ડ ઉભા હતાં.


ઠક.. ઠક.. ઠક.. બુટનો અવાજ સાંભળીને તે ગભરાયો.. છુટવા માટે થોડો છટપટ્યો.


'ક્યાંથી મળ્યો આ?' વિવાને તેની સામે જોઈને પૂછ્યું.


'મૂનલાઈટ ક્લબમાંથી.' રઘુ બોલ્યો.


એ કંઇ બોલવાની કોશિશ કરી રહ્યો હતો પણ મોઢા પર પટ્ટી બાંધી હોવાથી એ બોલી શક્તો નહોતો.


વિવાને ઈશારો કરતા જ એક બોડીગાર્ડે પેલાના મોઢા પરની પટ્ટી હટાવી.


પટ્ટી હટાવતા જ તેને જોરથી ખાંસી આવી.


'આરોહી ક્યાં છે?' વિવાનનો કડક અને ક્રોધથી ભરેલો અવાજ સાંભળીને તે ગભરાઈને ઝબક્યો.


'કોણ આરોહી..? મને કંઇ ખબર નથી.' એ બોલ્યો.


'એક વાત સાંભળી લે. હું ઓલરેડી ડિસ્ટર્બ છું, ખોટું બોલીને મને વધુ ગુસ્સો અપાવવાની કોશિશ નહી કરતો.. મને ખબર છે કે તારુ નામ યશ છે અને આરોહી તારી ગર્લફ્રેન્ડ છે. તુ જાણે છે કે આરોહી ક્યાં છે. માટે સાચુ કહી દે..' વિવાન શાંત પણ કડક અવાજે બોલ્યો.


'મારે કોઈ આરોહી નામની ગર્લફ્રેન્ડ નથી.' એ બોલ્યો.


'ભાઈ, આ એમ નહીં માને.' કહીને રઘુએ તેના પગ પાસે એક ગોળી છોડી.


'રઘુ.. શાંત.' વિવાન બોલ્યો અને પછી પેલાને ઉદ્દેશીને કહ્યું: 'મને ફક્ત આરોહી ક્યાં છે એ કહી દે, હું તને કંઇ નહીં કરુ.'


તે યશ જ હતો.. મૂનલાઈટ નાઈટ ક્લબમાં ડિસ્કોથેક ચલાવતો હતો અને આરોહીનો બોયફ્રેન્ડ હતો.


રઘુએ કરેલા ગોળીબારને લીધે તે ખુબ ગભરાઈ ગયો હતો, તેને હવે ડર લાગી રહ્યો હતો કે આ લોકો તેને મારી નાખશે. હવે બોલવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.


'કહું છું.. ભાઈ સાબ..' યશ બોલ્યો અને પીવા માટે પાણી માગ્યું.

વિવાને તેને પાણી આપવા માટે એક બોડીગાર્ડને ઈશારો કર્યો. તેની આંખો પરથી પટ્ટી ખોલ્યા વગર જ બોડીગાર્ડે તેને પાણી આપ્યું.


'આરોહી મારા ઘેર છે.' યશે કહ્યું.


'તારા ઘરે? શું કામ?' રઘુએ પુછ્યું.


'તેના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એટલે એ ભાગીને મારા ઘરે આવી ગઈ. મે તેને મારા ઘરમાં છુપાવી દીધી, અને હું બહાર નજર રાખવા માંડ્યો.'


'મતલબ?' રઘુએ પુછ્યું.


'વિવાન શ્રોફની બહેન પર હુમલો થયા પછી અમૂક લોકોએ આરોહી પર પણ હુમલો કર્યો. તે ત્યાંથી જેમતેમ કરીને ભાગી નીકળીને મારા ઘરે આવી. ત્યારથી એ ત્યાં જ છે.' યશે લગભગ રડતાં રડતાં કહ્યુ.


'એડ્રેસ.. ' વિવાન ખુરશીમાંથી ઉભો થતાં બોલ્યો.


તેણે એડ્રેસ આપ્યું એટલે વિવાન બેઝમેન્ટમાંથી બહાર આવ્યો.


'આરોહીને કોઈ નુકશાન નહીં પહોંચાડતા પ્લીઝ.' તે કરગરીને બોલ્યો.


'આનુ ધ્યાન રાખજો.' રઘુએ બોડીગાર્ડઝને સૂચના આપી અને તે વિવાનની પાછળ ગયો.


બોડીગાર્ડે ફરી તેના મોઢા પર પટ્ટી બાંધી દીધી.


વિવાન અને રઘુ યશે આપેલા એડ્રેસ પર આવ્યા.

એ એક જુની બિલ્ડીંગ હતી. બંને જણ દાદરા ચઢીને ઉપર ચોથા માળે પહોચ્યા.

દરવાજા પાસે આવીને વિવાને બેલ મારી. એક મિડલ ક્લાસ આધેડ વયની મહિલાએ દરવાજો ખોલ્યો.


'કોનુ કામ છે?' તે મહિલાએ પુછ્યું.


'આરોહીનુ..' કહીને વિવાન સીધો અંદર ઘૂસી ગયો. તેની પાછળ રઘુ પણ ઘૂસ્યો.


'અરે..! એ ભાઈ.. એમ અંદર ક્યાં ઘૂસો છો..? ચલો બહાર નીકળો..' તે બાઈ ગુસ્સાથી બોલી.


'એ આંટી, આમ જુઓ.. અમારી પાસે ટાઈમ નથી, આરોહી ક્યાં છે એ બોલો. અમે તેની સાથે વાત કરીને નીકળી જઈશું.' રઘુ ચહેરા પર કરડાકી લાવીને હાથની ચપટી વગાડતા બોલ્યો.


'કોણ આરોહી? અહીં કોઈ આરોહી નથી.. તમે બહાર નીકળો પહેલા..' એ સ્ત્રી ગભરાઈને બોલી.


વિવાનની નજર આરોહીને શોધતી હતી. તેને શોધતો એ બેડરૂમમાં ઘૂસ્યો.


સામે બેડ પર આરોહી સૂતી હતી. તેના હાથ પગ, માથામાં માર વાગ્યાના ઘણા નિશાન હતા.


એય.. એઈ.. કરતી એ બાઈ વિવાનની પાછળ આવી. એના અવાજથી આરોહી જાગી ગઈ, અને ઝબકીને ઉભી થઇ ગઇ.


'મમ્મી..' આરોહી તેની ગભરાયેલી મમ્મીને જોઈને બોલી.


'આરોહી..' વિવાને તેનુ નામ લીધું. તેનો અવાજ સાંભળીને તે એકદમ ગભરાઈ ગઈ. તેણે અવાજની દિશામાં જોયું.


'ભાઈ..' આરોહી અચકાતા બોલી.


વિવાન તેની પાસે ગયો અને તેને જોવા લાગ્યો. ખૂબ બધુ વાગ્યુ હતુ એને.


'ભાઈ..' આરોહીની આંખમાં આંસુ આવ્યા.


વિવાને તેને હગ કર્યું.


'કોણે કર્યું આ..' વિવાન તેને શાંત પાડતા બોલ્યો.

આરોહીએ 'ના' માં માથું ધુણાવ્યુ.


'આરોહી.. જે વાત હોય તે મને સાચે સાચી કહી દે.. તને કંઇ નહીં થાય, હું છુંને?' વિવાન તેના માથા પર હાથ ફેરવતાં બોલ્યો.


'ભાઈ.. એ બહુ ખતરનાક માણસ છે. તેણે મને મારી નાખવાની કોશિશ કરી, પણ હું બચી ગઈ..' આરોહી રડતા રડતા બોલી.


'એ કોણ છે એટલું મને કહે આરોહી.. હું તને કંઇ નહીં થવા દઉં.' વિવાને કહ્યું.


'તેને ખબર પડશે કે મે તમને બધુ કહી દીધું છે તો એ મને તો મારી નાખશે, સાથે મારી મમ્મી અને નાની બહેન તનુને પણ મારી નાખશે.' આરોહી હજુ પણ રડતી હતી. એ સખત ગભરાયેલી હતી.


'તને મારા પર ભરોસો છે ને? હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. તુ મને ફક્ત એનુ નામ આપ… મારા મગજમાં ઘણી બધી વાતો ઘુમરાઈ રહી છે, ઘણા સવાલોના જવાબો મેળવવાના છે, વિચાર કરી કરીને મારૂ માથું ફાટી રહ્યું છે. ત્યાં કાવ્યા કોમામાં છે. તેની સાથે આવું કેમ થયું? કોણે કર્યું? કંઈ સમજાતું નથી.. પ્લીઝ આ ગૂંચ ઉકેલવામાં મને મદદ કર આરોહી..' વિવાનની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. અવાજ ઢીલો પડી ગયો.


'પેલા નીચ મલ્હાર રાઠોડે કર્યું છે..' આરોહી રડતાં રડતાં બોલી.


'વ્હોટ???' મલ્હારનુ નામ સાંભળીને વિવાન આંચકાથી ઉછળી પડ્યો.


'હા ભાઈ, મલ્હારે જ કાવ્યાનુ એક્સિડન્ટ કરાવ્યું છે, મને એ લોકોની વાતો ખબર હતી એટલે તેણે મને પણ મારી નાખવાની કોશિશ કરી, પણ હું જેમતેમ કરીને બચી ગઈ.' આરોહી હીબકાં ભરતી બોલી.


એક તો મલ્હારે પોતાનો પ્રેમ છીનવી લીધો હતો એટલે વિવાન એના પર પહેલાથી ગુસ્સે હતો જ એમા તેણે એની બેન પર જીવલેણ હુમલો કર્યો એ વાત જાણીને વિવાનનું ખુન્નસ ઉભરાઇ ગયું.


'આરોહી તુ મને શરૂઆતથી બધી વાત કર.' વિવાન હાથની મુઠ્ઠીઓ વાળીને પોતાના ગુસ્સાને કાબુમાં રાખતાં બોલ્યો.


આરોહીએ કહેવાનું શરૂ કર્યું:


'ભાઈ.. મલ્હારે કાવ્યાને પોતાની પ્રેમજાળમાં ખરેખરી ફસાવી હતી. તેણે પ્રેમનું નાટક રચ્યું.

એ કાવ્યા પાસે તમારા બધા પ્રોજેક્ટ અને ટેન્ડરની વિગતો ચોરી કરાવીને મેળવી લેતો હતો. મેં કેટલી વાર કાવ્યાને સમજાવી હતી તેમ છતાં, પ્રેમમાં આંધળી થઇને તેણે પોતાનુ સર્વસ્વ મલ્હારને સોંપી દીધું.' એમ બોલતા આરોહી રડી પડી.


આ બધું સાંભળીને વિવાનની આંખો ભરાઈ આવી. તેનું મગજ સુન્ન થઇ ગયું હતું છતાં એ સાંભળી રહ્યો હતો.


'પણ કાવ્યાએ તો કોઈ રાકેશ દિવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતાં. એ કોણ છે?' રઘુએ પૂછ્યું.


'નહીં, કાવ્યાએ મલ્હાર સાથે જ મેરેજ કર્યા છે.. મને ખબર છે કે તેણે એબોર્શન કરાવતા પહેલા મલ્હાર સાથે મેરેજ કર્યા છે.' આરોહીએ કહ્યુ.


વ્હોટ?? આશ્ચર્યથી વિવાનનુ મોઢુ ફાટી ગયું.


'કાવ્યા પ.. પ્રે.. પ્રેગનન્ટ હતી??' વિવાનને ખૂબ આઘાત લાગ્યો.


'હાં..' આરોહીએ રડતાં રડતાં કહ્યુ.


આ સાંભળીને વિવાનના પગ નીચેથી ધરતી ખસી ગઇ હોય તેવું લાગ્યું. પોતાની પીઠ પાછળ તેની લાડકી બહેન આવા લફરાંમાં સંડોવાઈ ગઈ..?

જેની કોઈ ઓકાત નથી એવો માણસ તેને ફસાવી ગયો, એ માણસને લીધે એ અત્યારે હોસ્પિટલના ખાટલે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે, અને પોતાને કંઈ ખબર જ નથી? વિવાનને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. તે પોતાની લાડકી બહેનનુ ધ્યાન ના રાખી શક્યો એનું તેને પારાવાર દુઃખ થઈ રહ્યું હતું.


'કાવ્યાના પેટમાં મલ્હારનું બાળક હતું, તે કાવ્યા સાથે લગ્ન કરવાનો જ નહોતો. પણ બાળકથી છુટકારો મેળવવો જરૂરી હતો, એટલે તેણે લગ્નની લાલચ આપીને કાવ્યાનુ એબોર્શન કરાવી નાખ્યું. અને એ પગલીએ પ્રેમની લાગણીમાં વહીને માતૃત્વનુ બલિદાન આપી દીધું. કાવ્યાની જીંદગી ઉજાડીને મલ્હાર પોતાનો સંસાર માંડવાની તૈયારીમાં છે. આવતા બે ત્રણ દિવસમાં એ કોઈ ગઝલ નામની છોકરી સાથે લગ્ન કરવાનો છે.' આરોહી હજુ પણ રડી રહી હતી.


વિવાનની નજર સામે ગઝલનો ચહેરો તરવરી ઉઠ્યો, તેણે રઘુ સામે જોયુ.


'મલ્હાર લગ્ન કરી રહ્યો છે એ વાત મેં કાવ્યાને કહી. કાવ્યા તેની પાસે જવાબ માંગવા ગઈ. અને પછી આ એક્સિડન્ટ થયો. આ બધું મલ્હારે કર્યું છે એ વાતની મને ખબર છે એટલે તેણે મને પણ મારી નાખવાની કોશિશ કરી. આરોહી બોલી.'


'તેં આ બધું મને પહેલા કેમ ના કહ્યું?' વિવાને પૂછ્યું.


'મારા જીવ પર જોખમ હતું એટલે હું ગભરાઈ ગઈ હતી. મને માફ કરી દે ભાઈ..' આરોહી રડી પડી. વિવાને તેને ગળે લગાવીને શાંત પાડી.

આ બધું સાંભળીને વિવાનની આંખોમાંથી આગ વરસી રહી હતી.


'રઘુ.. આરોહી અને તેની ફેમિલીને અહીંથી શિફ્ટ કર.' વિવાને રઘુને કહ્યું.


'ભાઈ..!' આરોહીએ આશ્ચર્યથી વિવાન સામે જોયુ.


'તમારા માટે આ જગ્યા સેફ નથી. હું તમને બેંગલોર શિફ્ટ કરી રહ્યો છું. તમારી સુરક્ષાની જવાબદારી હવે મારી છે. રઘુ તમારા લોકોની બધી વ્યવસ્થા કરી આપશે.' વિવાને કહ્યું. અને રઘુ લાગતાં વળગતાં લોકોને ફોન કરીને જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં વ્યસ્ત થઇ ગયો.


'આઇ એમ સોરી ભાઈ..' આરોહી રડતાં બોલી.


'શશશશ.. શાંત થઇ જા..' વિવાન તેની પીઠ થપથપાવતા બોલ્યો.


'કાવ્યાને કેમ છે? મે ટીવી પર જોયુ હતું તેને ખૂબ વાગ્યું છે. મારે આવવું હતુ, પણ બહાર નીકળવાની મારી હિંમત ના થઈ.' આરોહી બોલી.


'તે સાજી થઇ જશે.. તેણે સાજી થવું જ પડશે.' વિવાને કહ્યું.


આરોહીને સમજાવીને વિવાન અને રઘુ બહાર નીકળ્યા.


'ભાઈ.. હવે આ મલ્હારનું શું કરવું છે? હું તો કહું છું કે ઉડાવી દઈએ સાલાને..' રઘુ ગુસ્સાથી દાંત ભીંસતા બોલ્યો.


'નહીં, બિલકુલ નહીં.. તેણે મારા પ્રોજેકટ આંચક્યા, મારો પ્રેમ છીનવી લીધો, મારી લાડકી બહેનને ઘાયલ કરી. કાવ્યાનો ફાયદો ઉપાડીને તેની સાથે દગો કર્યો.. તેને એક ઝટકે ઉડાવી દેશું તો એ ન્યાય નહીં કહેવાય. તેણે તડપી તડપીને મરવું પડશે. એ પહેલા આપણે તેને એની જ ભાષામાં જવાબ આપવો પડશે.. તેને પૂરેપૂરો બરબાદ કર્યા વગર મારો બદલો પૂરો નહીં થાય. એના માટે મારે ભલે ગમે તે કરવું પડે.. ' વિવાન કંઈક વિચાર કરતા બોલ્યો.


'મતલબ? હું સમજ્યો નહીં.' રઘુ બોલ્યો.


'રઘુ.. મલ્હાર પર ચોવીસ કલાકની વોચ ગોઠવ, એ ક્યાં જાય છે? ક્યારે જાય છે, શું ખાય છે થી માંડીને તેના બિઝનેસ સુધીની બધી માહિતી કઢાવ. તેના માણસોને ફોડ.. તેણે કેટલા શ્વાસ લીધા એની ખબર પણ મારા સુધી પહોંચવી જોઈએ.

હવે એ મારા હાથે બરબાદ થશે..

મલ્હાર.. તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે.. તારે કાવ્યા સાથે આવુ નહોતુ કરવુ જોઈતું… આની સજા તારે ભોગવવી જ પડશે.. તે મારી બેનનુ સુખ છીનવી લીધું છે.. હવે તારે તારો બિઝનેસ, તારી આબરૂ, તારૂ સુખ.. તારો પ્રેમ.. તારે બધુ ખોવું પડશે.. હવે ગઝલ પણ મારી જ થશે.. બાય હુક ઓર બાય ક્રુક..' વિવાન ઠંડા કલેજે બોલ્યો.


'રઘુ.. પત્તો લગાવ કે એ ક્યાં અને ક્યારે લગ્ન કરવાનો છે..' વિવાન એકદમ ગંભીર અવાજે બોલ્યો અને રઘુ સમજી ગયો કે હવે શું કરવાનું છે..


**


મલ્હારનું હવે શું થશે?


વિવાનનો બદલો કેવો હશે?


વિવાન એમ બોલ્યો તો ખરો કે ગઝલ હવે મારી જ થશે.. પણ ગઝલ અને મલ્હારના તો બે ત્રણ દિવસમાં લગ્ન છે.


વિવાન શું કરશે?


વિવાન શું ગઝલને મેળવી શકશે?

.

**


મિત્રો, તમારા ભરપુર પ્રતિભાવો મળી રહ્યાં છે. ઘણાં મિત્રોના વ્હોટ્સઅપ પર પણ મેસેજ આવે છે. તો ઘણાના આ એપ પર પણ આવે છે. ઘણાં મિત્રો દરેક પ્રકરણને ખૂબ સારા રેટિંગ પણ આપે છે. આ બધાને કારણે જ મારો લખવાનો ઉત્સાહ વધે છે.

મિત્રો, આ નવલકથાને તમે જે પ્રેમ આપી રહ્યાં છો, તેના માટે હું તમારો ઋણી છું.

બસ આ રીતે જ જોડાયેલા રહેજો.. આ નવલકથામાં હજુ ઘણો રોમાંચ આવવાનો બાકી છે.


❤ તમારી કોમેન્ટ્સ અને રેટિંગની પ્રતિક્ષામાં. ❤