RETRO NI METRO - 3 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 3

Featured Books
Categories
Share

રેટ્રો ની મેટ્રો - 3

રેટ્રો ભક્તો,માર્ચ મહિના માં મોટેભાગે રંગોત્સવ ઉજવાતો હોય છે.જુદા જુદા રંગોમાં એક રંગ આ મહિના માં વિશેષરૂપે ઉભરી આવે.એ રંગ છે ગુલાબી.સામાન્ય રીતે ગુલાબી રંગ ને મહિલાઓ સાથે જોડવામાં આવે છે અને માર્ચ માં આંતર- રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે.ફિલ્મસંગીત ક્ષેત્રે મહિલાઓની વાત કરીએ તો અમીરબાઈ કર્ણાટકી થી માંડી સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલ જેવી ઘણી ગાયિકાઓ નાં નામો આપણને યાદ આવે પણ જો કોઈ એમ પૂછે કે સિનેજગત માં મહિલા સંગીતકારો કેટલા? તો બહુ વિચાર કરવો પડે,ખરું ને?ચાલો ત્યારે, રેટ્રો ની મેટ્રો માં આજે માંડીએ મહિલા સંગીતકારો ની વાત.
ખુર્શીદ મિનોચર હોમજી - આ નામ કદાચ આપણા માટે જાણીતું ન હોય પણ જો એમ કહીએ કે ફિલ્મજગતના પ્રથમ સંગીત નિર્દેશિકા સરસ્વતી દેવી તો ચતુર રેટ્રો ભક્તો તરત જ કહી દે કે હા આ નામ તો ખૂબ જાણીતું. જી હા આ પારસી બાનુ ખુર્શીદ જ ફિલ્મ જગત મા આવતા નવું નામ ધારણ કરી બની ગયા સરસ્વતી દેવી અને સંગીત નિર્દેશિકા તરીકે ૧૯૩૫માં તેમની પહેલી ફિલ્મ આવી "જવાની કી હવા". 1912 માં જન્મેલા સરસ્વતી દેવીને ભારતીય ફિલ્મોના જદ્દદનબાઈ પછી બીજા વ્યાવસાયિક મહિલા સંગીતકાર હોવાનું ગૌરવ પ્રાપ્ત છે.જદ્દદનબાઈ એ તો એકાદ જ ફિલ્મમાં સંગીત આપ્યું હતું પણ સરસ્વતી દેવી તો વ્યાવસાયિક સંગીતકાર તરીકે લગભગ એક દાયકા સુધી બોમ્બે ટોકીઝ અને સિનર્વા મૂવીટોન ની ફિલ્મોમાં છવાયેલા હતા. અને એ રીતે જોતા તેમને ભારતીય ફિલ્મોના પહેલા મોટા ગજાના વ્યાવસાયિક મહિલા સંગીતકાર કહી શકાય. પ્રસિદ્ધ સંગીતાચાર્ય પંડિત વિષ્ણુ નારાયણ ભાત ખંડે પાસે સંગીતનું શિક્ષણ મેળવી મેટ્રિક પાસ કર્યા પછી તેમણે લખનવની મોરીસ કોલેજમાં પણ સંગીતનો અભ્યાસ કર્યો. અને ત્યારબાદ કેટલાક વર્ષો એ જ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્ય પણ કર્યું.1927 માં જ્યારે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની ના મુંબઈ રેડિયો સ્ટેશનની શરૂઆત થઈ ત્યારથી તેમણે ગાવાની વિધિવત શરૂઆત કરી. સરસ્વતી દેવી સાથે તેમની ત્રણ બહેનો સિતાર દિલરુબા અને મેન્ડોલીન પર સાથ આપતા અને એ સમયે હોમજી સિસ્ટર્સ ના નામથી જાણીતી તેમની ઓરકેસ્ટ્રા પાર્ટીએ ખૂબ ધૂમ મચાવી હતી.સરસ્વતી દેવીના કહેવા પ્રમાણે ફિલ્મ સંગીતમાં પાર્શ્વગાયન ની શરૂઆત તેમના દ્વારા જ થઈ હતી.થયું એવું કે ફિલ્મ "જવાની કી હવા"ની હિરોઈન ચંદ્રપ્રભા (એટલે કે સરસ્વતી દેવીની બહેન માણેક)પર એક ગીત નું ચિત્રાંકન થવાનું હતું એ સમયે કલાકારો અભિનય કરતી વખતે જ ગીતો જાતે જ ગાતાં પણ ચંદ્રપ્રભા નો અવાજ શૂટિંગ વખતે બેસી ગયો એટલે પરિસ્થિતિ સંભાળવા માટે બોમ્બે ટોકીઝ ના હિમાંશુ રાયે સરસ્વતી દેવીને કહ્યું કે તમે સ્વયં આ ગીત ગાઓ અને ચંદ્રપ્રભા માત્ર હોઠ હલાવે. એ રીતે પ્રયત્ન કરી જોવાય અને ગીત સફળતાપૂર્વક રેકોર્ડ થઈ ગયુ.આ રીતે પહેલી વાર સરસ્વતી દેવી એ તેમની બહેન માણેક (ચંદ્રપ્રભા) માટે ગીત નું પાર્શ્વગાયન કર્યું, એ સાથે જ હિન્દી ફિલ્મ ક્ષેત્રે પાર્શ્વગાયન નો પ્રારંભ થયેલો.૧૯૩૫ થી ૧૯૫૦ દરમ્યાન સરસ્વતી દેવી સંગીત નિર્દેશિકા તરીકે અનેક ફિલ્મોમાં સંગીત આપતા રહ્યા તે દરમિયાન લોકલાડીલા ગાયક કિશોરકુમાર અને સંગીત નિર્દેશક મદન મોહને સરસ્વતી દેવીના સંગીત નિયોજનમાં કોરસમાં ગીતો ગાયા હતા.
સંગીત નિયોજન ક્ષેત્રે સ્ત્રી નિર્દેશકોની વાત થતી હોય ત્યારે એક પ્રશ્ન પુછવાનું મન થાય છે. મિત્રો શું તમે જાણો છો કે ૧૯૪૮માં પ્રદર્શિત થયેલી ફિલ્મ "શહેનાઝ" નું સંગીત કોણે આપ્યું હતું? ઓહો ચતુર રેટ્રો ભક્તોને આટલા અઘરા સવાલ નો જવાબ પણ ખબર છે? બિલકુલ સાચું, "શહેનાઝ" ફિલ્મનું સંગીત મશહુર ગાયિકા અમીરબાઈ કર્ણાટકી એ આપ્યું હતું.તો હવે મારા બીજા પ્રશ્નનો જવાબ લગભગ તો તમને ખબર હશે જ.મરાઠી ફિલ્મોમાં સંગીત આપનાર આનંદઘન (Anandghan) એટલે કોણ? વિચાર માં પડી ગયાં ને? તમને કલ્યુ આપું? એ છે હિન્દી ફિલ્મ સંગીતના સુપ્રસિદ્ધ ગાયિકા, હમ્ હવે સમજ્યા ને?સુપ્રસિદ્ધ કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર, જેમણે મરાઠી ફિલ્મોમાં આનંદઘન નામથી સંગીત આપ્યું હતું. અને હા, "અરાઉન્ડ ધ વર્લ્ડ ઈન એઇટ ડૉલર્સ" ગાનાર ગાયિકા શારદા એ પણ લો બજેટની દસેક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.
સરસ્વતી દેવી પછી મહિલા સંગીત નિર્દેશકો માં મહત્વનું નામ કોઈ હોય તો તે છે ઉષા ખન્ના.
તેમના પિતા મનોહર ખન્ના ગ્વાલિયર સ્ટેટના વોટર વર્ક્સ વિભાગમાં સહાયક અધિક્ષક ની નોકરી કરતા હતા પણ ફિલ્મોના શોખને કારણે તેઓ નોકરી છોડીને મુંબઈ આવ્યા અને જાવેદ-અનવર ગીતકાર જોડીનાં જાવેદ નામથી મનોહર ખન્ના એ કેટલાક ફિલ્મી ગીતો લખ્યા. તેમની દીકરી એટલે કે ઉષા ખન્નાએ મુંબઈમાં મેટ્રીક સુધીનું શિક્ષણ લઈને પ્રોફેસર દેવધર ના સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીત અને સંગીતકાર રોબીન બેનર્જી પાસેથી સુગમ સંગીત નું શિક્ષણ પ્રાપ્ત કર્યું. એકવાર ગીતકાર ઇન્દીવરે ગાયિકા બનવા સ્ટ્રગલ કરતા ઉષા ખન્ના ને સલાહ આપી કે "ગાયિકા ને બદલે તું સંગીતકાર તરીકે વધુ સારું કામ કરી શકશે એવું મને લાગે છે"સલાહ ની સાથે ઇન્દીવરે નિર્માતા એસ મુખર્જી નો પરિચય પણ કરાવ્યો. ઉષા ખન્ના ની પ્રતિભાથી એસ મુખર્જી એટલા પ્રભાવિત થયા કે એમણે પોતાની ફિલ્મ "દિલ દે કે દેખો"ના સંગીતકાર તરીકે તેમને કરારબદ્ધ કર્યા.જો કે હમરાઝ ના ગીતકોશ અનુસાર ઉષા ખન્ના એ પહેલીવાર ઇઝરા મીર નિર્દેશિત ફિલ્મ "પમ્પોશ"(1953) માં સંગીત આપેલું.તેની રેકોર્ડ પર સંગીતકાર તરીકે પિતા મનોહર ખન્નાનું નામ હતું પણ ખરા સંગીતકાર ઉષા ખન્ના જ હતા.
1959 માં માત્ર 16 વર્ષની ઉંમરે "દિલ દે કે દેખો"ફિલ્મ માટે સંગીત આપવાની તક ઉષા ખન્નાને મળી,એ સમયે સંગીતકાર ઓ પી નૈયર સાથે એસ મુખર્જી ને કોઈ વાતે વાંકુ પડ્યું હતું તેથી ઉષા ખન્નાએ નૈયર સ્ટાઇલ ના ગીતો રચવા તેવો તેમનો આગ્રહ પણ હતો.ઉષા ખન્નાએ નૈયર સ્ટાઇલ ના ગીતો માં પોતાની સ્ટાઇલ નું સરસ મિશ્રણ કર્યું જે સાંભળીને એસ મુખર્જી ઉછળી પડ્યા હતા. ફિલ્મ સફળ રહી અને ઉષા ખન્ના નું સંગીત પણ કસોટી પર ખરું ઉતર્યું,પછી તો તેમની કારકિર્દી સોળે કળાએ ખીલી ઉઠી.નાના બજેટની ફિલ્મો માં પણ તેમનું સંગીત લોકોએ વખાણ્યું.બરખા રાની જરા જમકે બરસો...ગીત તમને તરત જ યાદ આવી ગયું ને? એ જ રીતે "તું ઇસ તરહ સે મેરી જીંદગી મે શામિલ હૈ..."પણ લોકોના દિલોદિમાગ પર છવાયેલું છે અને એવા જ ઘણા ગીતો આ યાદીમાં સામેલ છે.રેટ્રોની મેટ્રો સફરમાં અત્યારે લઈએ એક નાનકડો વિરામ.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.