(ભારતીય સિનેમાની રસપ્રદ વાતો)
સિને રસિકોને હંમેશા ફિલ્મ બનતી હોય તે સમયે બનેલા બનાવો કે ફિલ્મની સર્જન પ્રક્રિયા આકર્ષે છે. માત્ર પડદા પર અભિનય કરતા કલાકારો જ નહીં સિનેમાની સર્જન પ્રક્રિયામાં સંકળાયેલા નિર્માતા, દિગ્દર્શક,સંગીતકાર,ગીતકાર,ગાયક કલાકારો વિશે જાણવા, ફિલ્મ બનતી હોય તે વખતે તેની સાથે જોડાયેલા જુદા જુદા કિસ્સાઓ એટલે કે trivia જાણવા ફિલ્મના ચાહકો આતુર હોય છે.ભારતીય સિનેમા નો ઇતિહાસ સદી વટાવી ચૂક્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી ઘણી બધી trivia હોય તે સ્વાભાવિક છે. એવી trivia સહિત ભારતીય સિનેમાની રસપ્રદ વાત સાથે રેટ્રોની મેટ્રો પુસ્તક વાંચવાનું તમને ગમશે.
**********************************
1913માં દાદાસાહેબ ફાળકે પોતાની પ્રથમ ફિલ્મ "રાજા હરિશ્ચંદ્ર" દ્વારા ભારતમાં ચલચિત્રોની દુનિયા લાવ્યા હતા,એ તો ભારતના સિને રસિકો જાણે જ છે.1963 ભારતીય સિનેમાના ઇતિહાસનું એવું વર્ષ હતું કે જ્યાં ફિલ્મ ઉદ્યોગે સુવર્ણ જયંતિ ઉજવી હતી. ફિલ્મઉદ્યોગના આ સુવર્ણ જયંતી વર્ષમાં લગભગ 89 ફિલ્મો પ્રદર્શિત થઈ. તે સમયની બોક્સ ઓફિસ એનાલિસિસ મુજબ આ ફિલ્મોમાંથી એક બ્લોકબસ્ટર બે સુપરહિટ 4 હિટ અને 3 સેમી હિટ ફિલ્મો સિવાય બાકીની ફિલ્મોએ સામાન્ય કે નબળો દેખાવ કર્યો હતો. આ વર્ષે ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ "શહર ઓર સપના" ને રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. તો આ વર્ષની સેમી હિટ ફિલ્મોમાં સ્થાન ધરાવતી "બંદીની" ફિલ્મ ને તેની કલાત્મકતા માટે આજે પણ યાદ કરાય છે. બિમલ રોય મોટેભાગે બંગાળી સાહિત્ય પર આધારિત ફિલ્મો નું નિર્માણ કરતા હતા, એ જ રીતે એમણે બંગાળી ભાષાનાં સુપ્રસિદ્ધ નવલકથાકાર ચારુચંદ્ર ચક્રવર્તી ઉર્ફ જરાસંઘ ની નવલકથા "લોહ કપાટ" પરથી ફિલ્મ બનાવી હતી "બંદીની".સ્વતંત્રતા સંગ્રામ ના સમય ની પૃષ્ઠ ભૂમિ પર બંગાળની એક મહિલા કેદીના જીવનની વાર્તા લઈને આવેલી આ ફિલ્મમાં નુતને કેન્દ્રીય ભૂમિકામાં હૃદયસ્પર્શી અભિનય કર્યો હતો.રેટ્રો ફિલ્મનાં ચાહકો એ અભિનય આજે પણ ભૂલી શક્યા નહીં હોય,ખરેખર આ ફિલ્મ સિનેમાની ભાષામાં રચાયેલી એક સુંદર કવિતા ના રૂપે આજે પણ દર્શકોને યાદ છે. બિમલ રોય ની પકડ સિનેમા ની ભાષા પર કેટલી મજબૂત હતી તે આ ફિલ્મ દ્વારા જાણી શકાય છે.વાસ્તવિકતાના માસ્ટર, દિગ્દર્શક બિમલ રોયની આ છેલ્લી ફિચર ફિલ્મ છે તો આ ફિલ્મ ગીતકાર ગુલઝારની પ્રથમ હિન્દી ફિલ્મ બની.
ફિલ્મ ઇતિહાસમાં 1963 નું વર્ષ,એવું વર્ષ હતું કે જેમાં કલાત્મક ફિલ્મોની સાથે સાથે ડાકુઓના જીવન પર આધારિત વાર્તા ધરાવતી અને સમસ્યાનું સમાધાન શોધતી ફિલ્મો કે પછી પ્રણય ત્રિકોણ ધરાવતી રોમેન્ટિક ફિલ્મ અથવા તો સત્ય ઘટના પર આધારિત પારિવારિક ફિલ્મ,ઐતિહાસિક કે મુસ્લિમ પૃષ્ઠ ભૂમિ પર આધારિત પ્રેમ કથાઓ,કોમેડી અને ફેન્ટસી ફિલ્મો ઉપરાંત કેટલીક પ્રયોગાત્મક ફિલ્મો પણ પ્રદર્શિત થઈ.એવી વિશિષ્ટ કથાનક ધરાવતી એક ફિલ્મ એટલે આર.કે રાખન દ્વારા નિર્દેશિત ફિલ્મ "મેરી સુરત તેરી આંખે" નિહાર રંજન ગુપ્તા ની બંગાળી નવલકથા "ઉલ્કા"પર આધારિત આ ફિલ્મ માં, તાજા જન્મેલા સંતાનને તેની કુરૂપતાને કારણે માતા-પિતા ત્યજી દે છે ત્યાંથી એક મહાન ગાયક બનવા સુધીની તેની યાત્રા અને તેના ત્યાગની કહાની દર્શાવવામાં આવી છે અશોક કુમારે આ ફિલ્મમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી શાસ્ત્રીય રાગો પર આધારિત આ ફિલ્મના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા.
સમયના એક પડાવ પર સંગીતકાર રોશન અને ગીતકાર સાહિર લુધિયાનવીની જુગલબંધી એવી રચાય કે ,આ જોડીએ ઘણી ફિલ્મોમાં અવિસ્મરણીય ગીતો આપ્યાં. 1963 ની સાલમાં આ જોડીએ બે અલગ અલગ જોનર ની ફિલ્મ આપી. રોમેન્ટિક કોમેડી ફિલ્મ "દિલ હી તો હૈ" તેના મધુર સંગીત ને કારણે દર્શકોને પસંદ પડી હતી. તો એ જ વર્ષમાં આવેલી પુષ્પા પિક્ચર્સ ની ઐતિહાસિક પ્રેમ કથા "તાજમહલ"પણ સફળતાના શિખરો સર કરનાર ફિલ્મ બની. આ ફિલ્મ રોશન અને સાહિરની હતી એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ ન કહેવાય. આ ફિલ્મનું નિર્દેશન એમ સાદીકે કર્યું હતું રેટ્રો ભક્તો ,શું તમને યાદ છે કે આ એ જ એમ સાદિક છે જેમણે 1944 માં "રતન"જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી પરંતુ તે પછી તેઓ ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયા હતા જેમને "ચૌદવી કા ચાંદ" ફિલ્મથી 1960માં ગુરુદત્ત પાછા લાવ્યા હતા તે પછી 1963 ની "તાજમહલ" ફિલ્મ દ્વારા તેઓ ખ્યાતનામ બન્યા. એમ સાદિકની આ ત્રણેય ફિલ્મોમાં એક વાત કોમન હતી ફિલ્મનું જબરજસ્ત હિટ સંગીત. ભારતીય સિનેમાની રસપ્રદ વાતો ની રેટ્રો ની મેટ્રો ની સફર જારી રહેશે. તમે સફરમાં જોડાયેલા રહેજો