Dhup-Chhanv - 93 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 93

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 93

લાલજી ઠાવકાઈથી ધીમંત શેઠને કહી રહ્યો હતો કે, "શેઠ સાહેબ આ અપેક્ષા મેડમ આપણાં ઘરમાં આવતાં હતાં તો ઘર કેટલું ભરેલું ભરેલું લાગતું હતું અને તે તમારું કેટલું ધ્યાન પણ રાખે છે તમને એક્સિડન્ટ થયો હતો અને દાખલ કર્યા હતા ત્યારે રાત દિવસ જોયા વગર ખડેપગે તેમણે તમારી સેવા ચાકરી કરી છે અને આ જુઓ તો ખરા આપણાં આ આખા ઘરની તેમણે તો રોનક પણ કેવી બદલી કાઢી છે અને શેઠ સાહેબ એ જ્યારે આપણાં ઘરમાં આવે ત્યારે ઘર એકદમ ભરેલું ભરેલું લાગે છે અને ઘરમાં જાણે આનંદ આનંદ છવાઈ જાય છે મને તો એમનો પ્રેમાળ સ્વભાવ જ ખૂબ ગમે છે તો એ કાયમ માટે આપણાં ઘરમાં રહી જાય એવું કંઈક કરો ને સાહેબ..!!"
ધીમંત શેઠ લાલજીની વાત સાંભળીને વિચારમાં પડી ગયા...
લાલજી નાનો માણસ હતો પણ ખૂબજ પ્રેમાળ અને લાગણીશીલ હતો તે હંમેશા ધીમંત શેઠનું સારું જ વિચારતો હતો, તેને પણ જાણે લાગતું કે ધીમંત શેઠના જીવનમાં પોતાની અંગત કહી શકાય તેવી કોઈ એક વ્યક્તિની કમી છે જે અપેક્ષા પૂરી કરી શકે તેમ છે.
ધીમંત શેઠે તો પોતાના સુખ અને દુઃખ વિશે જાણે વિચારવાનું જ છોડી દીધું હતું. તે જે પૈસા કમાતાં તેમાંથી દશ ટકા ધર્મમાં વાપરતાં, દશ ટકા બહેરા મૂંગાની સ્કૂલમાં ડોનેશન આપતાં, દશ ટકા કેન્સર હોસ્પિટલમાં દાન આપતાં, બીજા દશ ટકા અપેક્ષા જેવા કોઈ માનસિક રોગના બિમાર માણસો હોય તો તેની પાછળ ખર્ચ કરતાં આમ પોતાની કમાણીનો મોટો ભાગ તે દાનમાં જ આપી દેતાં હતાં.
અને આમ સાદાઈથી પોતાનું જીવન પસાર કરતાં હતાં પરંતુ આ વખતના એક્સિડન્ટે તેમને એવો અહેસાસ કરાવ્યો કે જો પોતાની કોઈ અંગત વ્યક્તિ પોતાના જીવનમાં હોય તો જીવન જીવવામાં ઘણી અનુકૂળતા રહે અને તેમાં પણ અપેક્ષા જેવી મહેનતુ, હોંશિયાર અને પ્રેમાળ છોકરી જો પોતાની જિંદગીમાં આવી જાય તો જિંદગી જીવવા જેવી જ નહીં પણ મધુર બની જાય અને વળી તે પોતાના ઘડપણની લાકડી પણ બની રહે અને ઘરમાં એક સ્ત્રીનો પ્રવેશ થાય એટલે ઘર, ઘર ન રહેતાં સ્વર્ગ બની જાય છે અને અપેક્ષા જેવી હોંશિયાર છોકરી તો બિઝનેસમાં પણ પોતાની પડખે ઉભી રહે અને તેથી બિઝનેસનો ગ્રોથ પણ ખૂબ વધી જાય. પણ અપેક્ષાની શું ઈચ્છા છે તે તો જાણવું પડે ને..?? પણ અપેક્ષાને આવી વાત પૂછી શકાય અને કોણ પૂછે અને જો તે ના પાડી દે તો..??
અને વળી તે ઉંમરમાં મારા કરતાં દશ વર્ષ નાની પણ છે તેથી તે અને તેના મોમ અને તેનો ભાઈ મારા હાથમાં તેનો હાથ સોંપવા માટે તૈયાર થાય ખરા..?? અને તેને પૂછવું કઈરીતે તે જ તો મોટો પ્રશ્ન છે.
અને ધીમંત શેઠનાં દિલોદિમાગમાં આવા બધા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા જેના જવાબ ફક્ત અપેક્ષા પાસે જ હતાં. જમતાં જમતાં ધીમંત શેઠને આમ વિચારોમાં ખોવાયેલા જોઈને લાલજી એટલું તો સમજી જ ગયો હતો કે ધીમંત શેઠને પણ અપેક્ષા મેડમ ખૂબ ગમી ગયા છે. થોડીવાર સુધી લાલજી ચૂપ જ રહ્યો અને ધીમંત શેઠને અપેક્ષા મેડમ વિશે વિચારવાનું અવકાશ આપતો રહ્યો. થોડીવાર પછી તેણે પોતાનું મૌન તોડ્યું અને તે બોલ્યો કે, "મારી વાત સાચી છે ને શેઠ સાહેબ તમને શું લાગે છે આ બાબતમાં??
અને ધીમંત શેઠે પણ પોતાનું મૌન તોડ્યું અને તે બોલ્યા કે, "લાલજી તારી લાગણીને હું સમજી શકું છું તારી વાત પણ બિલકુલ સાચી છે પણ મારી ઉંમર અને એની ઉંમરમાં આખા એક દાયકાનો ફરક છે જે મને મંજુર હોઈ શકે પણ તેને તો મંજુર હોવું જોઇએ ને અને તેની મોમ અને તેનાં ભાઈની પણ તો ઈચ્છા હોવી જોઈએ ને..?? તને જેટલું લાગે તેટલું સહેલું નથી આ બધું.." અને ધીમંત શેઠ જમીને ઊભા થયા અને લાલજીને ખભે હાથ મૂકતાં બોલ્યાં.
એટલે લાલજી પણ બોલ્યો કે, "સાહેબ "મન હોય તો માંડવે જવાય" આપના તરફથી મને રજા મળી ગઈ છે એટલે હવે હું મારી રીતે જ કોઈ વાર અપેક્ષા મેડમ આપણાં ઘરે આવશે એટલે તેમની મરજી પણ જાણી લઈશ." અને ધીમંત શેઠ આમ જલ્દીથી હા પાડે તેમ નથી તે વિચારે ધીમંત શેઠે હા પાડી એટલે લાલજી ખૂબજ ખુશ થઈ ગયો અને મનમાં કંઈક વિચારતાં વિચારતાં હસતાં હસતાં રસોડામાં ચાલ્યો ગયો.
તે વાતને થોડા દિવસ વીતી ગયા પછી દિવાળી નજીક આવી રહી હતી એટલે લાલજી પોતાના પોતાની પત્ની અને બાળકો પાસે વતનમાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ હજુ તો હમણાં જ ધીમંત શેઠ પથારીમાંથી ઉભા થયા હતા એટલે તેમને આમ એકલાં મૂકીને જવાની હિંમત લાલજીમાં નહોતી એટલે તે વિચારી રહ્યો હતો કે જો અપેક્ષા મેડમ થોડા દિવસ અહીં શેઠ સાહેબ સાથે રહેવા માટે આવી જાય તો હું નિશ્ચિંત પણે મારા વતનમાં મારી પત્ની અને બાળકો સાથે પંદરેક દિવસ રોકાઇને પાછો આવું હવે ગમે તે કારણસર અપેક્ષા મેડમ અહીં ધીમંત શેઠના બંગલે આવે તેવી લાલજી મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો.
હવે લાલજીની પ્રાર્થના ઈશ્વર સાંભળે છે કે નહિ અને અપેક્ષા અહીં ધીમંત શેઠ સાથે રોકાવા માટે તૈયાર થાય છે કે નહિ..?? આપણે આગળના ભાગમાં જોઈએ...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/3/23