Human Destiny - Book Review in Gujarati Book Reviews by Dr. Ranjan Joshi books and stories PDF | માનવીની ભવાઈ - પુસ્તક સમીક્ષા

Featured Books
Categories
Share

માનવીની ભવાઈ - પુસ્તક સમીક્ષા

પુસ્તકનું નામ:- માનવીની ભવાઈ

સમીક્ષક:- ડૉ. રંજન જોષી

લેખક પરિચય:-

'માનવીની ભવાઈ' નવલકથાના લેખક પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. પોતાના જીવનના સંઘર્ષના સમયને તેઓ 'વાસંતી દિવસો' કહેતા. ગુજરાતી સાહિત્યમાં તેમણે માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યાના ભેરૂ, ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા, મનખાવતાર, નાછૂટકે જેવી નવલકથાઓ લખી છે તો પૂર્ણયોગનું આચમન નામનો ચિતનગ્રંથ લખ્યો છે. સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, પાનેતરમાં રંગ, વટનો કટકો, મનનાં મોરલાં, વાત્રકને કાંઠે, ચીતરેલી દીવાલો, પીઠીનું પડીકું, જીંદગીના ખેલ વગેરે તેમના નવલિકા સંગ્રહો છે. જમાઈરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણીના કાંઠે, ઢોલીયા સાગ સીસમના જેવા નાટકો પણ તેમણે લખ્યા છે. આ ઉપરાંત બાળસાહિત્ય, આત્મકથા અને અન્ય ગ્રંથોનું પણ તેમણે સર્જન કર્યું છે.

 

પુસ્તક વિશેષ:-

પુસ્તકનું નામ : માનવીની ભવાઈ

લેખક : પન્નાલાલ પટેલ

પ્રકાશક : સંજીવની પ્રકાશન

કિંમત : 325 ₹.

પૃષ્ઠ સંખ્યા : 242

 

બાહ્ય મૂલ્યાંકન:-

પુસ્તકના મુખપૃષ્ઠ પર ઉગતી પ્રભાતે પાકેલા મોલ વચ્ચે હળ લઈ ઉભેલો ખેડુ દૃશ્યમાન થાય છે, જે વર્તમાન સમાજમાં ખેડુની ચિંતા વિશે, પ્રસ્તુત કથા વિશે વાચકને સૂચિત કરે છે. બેક કવર પર વાર્તાનો સારાંશ અને કથાત્રયી રૂપ પન્નાલાલ પટેલના ત્રણ પુસ્તકોના કવર છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.

 

પુસ્તક પરિચય:-

૧૮૯૯-૧૯૦૦ માં થયેલા છપ્પનિયા દુકાળની ઘટનાઓને આવરી લેતી પન્નાલાલ પટેલની ૧૯૪૭માં પ્રકાશિત થયેલી ને ૧૯૮૫માં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા થયેલી આ નવલકથાના ૩૮ પ્રકરણો છે. જેમાં ગુજરાતના ગામડાઓમાં ખેડૂતોના દુષ્કર જીવનનો ચિતાર છે. વળી લેખકે આ નવલકથામાં વાલા પટેલના પુત્ર કાળુ અને ગાલા પટેલની પુત્રી રાજુની પ્રેમકથાને પણ ખૂબ સુંદર રીતે વણી લીધી છે. બંને પ્રેમી પંખીડાઓ એકમેકને દિલોજાનથી ચાહતા હોય છે. તેઓ એકબીજા સાથે લગ્ન કરવા પણ તૈયાર હોય છે પરંતુ કમનસીબે તેઓના લગ્ન બીજે થાય છે. આખી નવલકથામાં દુષ્કાળ દરમિયાન ખેડૂતોએ ભોગવવી પડતી હાલાકીને લેખકે અદભુત રીતે પ્રસ્તુત કરી છે. વળી નવલકથાનો અંત વરસાદના પ્રથમ બિંદુ સાથે આણી લેખકશ્રી પન્નાલાલ પટેલે તો કમાલ જ કરી દીધી છે. ખેડૂતોની સર્વ પીડા અને યાતનાઓના અંતનું પ્રતિક સમું એ વરસાદનું પ્રથમ બિંદુ વાચકોને પણ અભિભૂત કરી દે છે. ઈ.સ. ૧૯૯૫માં વી. વાય. કંટકે આ નવલકથાનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. તેમજ ઈ.સ. ૧૯૯૩માં અભિનય સમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ આ નવલકથા પરથી ચલચિત્ર બનાવ્યું હતું. જેનું નામ “માનવીની ભવાઈ” જ રાખવામાં આવ્યું હતું. ખરેખર દરેક ગુજરાતી વાંચન રસિકોએ એકવાર તો આ પુસ્તકને વાંચવું જ જોઈએ.

 

શીર્ષક:-

ભવાઈ એટલે મિલકત. માનવીની ભવાઈ એટલે માનવીની મિલકત‌. કથાનાયક કાળુના પિતા વાલો ડોસો કહે છે કે 'ખેતી એ તો માનવીની ભવાઈ'. ભવાઈ એટલે ભવાડો કે ફજેતી પણ થાય. બારેમાસ ખેતી એ ખેડુની મિલકત પણ દુકાળ વખતે તે જ ફજેતીનું કારણ પણ બને છે. આમ, 'માનવીની ભવાઈ' શીર્ષક યોગ્ય છે, કથાસૂચક છે.

 

પાત્રરચના:-

નવલકથામાં આવતા વિવિધ પાત્રોના વર્ણનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાળુ, રાજુ, માલી ડોશી,વાલા પટેલ ઉપરાંત પેથા પટેલનું પાત્ર વર્ણન લેખકની ગદ્યકાર તરીકેની સિધ્ધિ વર્ણવે છે. પાત્રનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ, તેનો દેખાવ, વ્યક્તિત્વના વિવિધ પાસા તેમજ ન્યાય કરવાની તેની આવડત તથા પાત્રની વાસ્તવિકતા ઉપસાવવા માટે લેખકે ભાષા પાસેથી ધાર્યું કામ લીધું છે. પેથો પટેલ, બુઢ્ઢો કાબુલી, અળખો ગામેતી, નાનિયાની ખોડી, ફૂલી ડોશી, કાસમ ઘાંચી, રણછોડ, ડેગડિયાના સુંદરજી શેઠ વગેરે ગૌણ પાત્રો પણ જીવંતપણે આલેખાયાં છે. ‘એક કાંકરે બે નહી બાવીસ પક્ષી તોડી પાડતો’ –આ પંક્તિમાં પ્રથમ દ્રષ્ટિએ અતિશયોક્તિ લાગે છે. પણ પાત્રને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઉપસાવવા માટે આવો શબ્દપ્રયોગ યોગ્ય પુરવાર થાય છે.

 

સંવાદો/વર્ણન:-

વર્ણન મોટેભાગે ગ્રામ્ય સંસ્કૃતિનું છે. સંવાદો પણ લોકબોલીમાં જ જોવા મળે છે.

"આ પાંચમનો ચૂક્યો અગિયારસે તો નક્કી …

પૂનમે તો એના બાપનેય છૂટકો નથી વરસ્યા વગર..

ગોકુળ આઠમ ખાલી જાય તો મૂછ મૂંડાવી નાખુ." આ વાક્યના જવાબમાં એક જણને તો કાળુએ સંભળાવી દીધું: "મૂછ તો ઘણાય મૂંડાવી નાખશો પણ પલાળવા પાણી હશે તો ને ? અત્યારથી જ નદીમાં હનમાન હડીઓ કાઢે છે ને કૂવામાં ભૂત ભૂસકા મારે છે. પીવા જ પાણી નઈ મળે પછી વતાં (હજામત)ની તો વાત જ ક્યાં રહી!" આ સંવાદો આછેરા હાસ્ય સાથે ગહન કરૂણતા ઉપજાવી જાય છે.

"છેલ્લાંવેલ્લાં ભેટી લેવા ! શંકરદાએ કહ્યું તેમ, "કોણ જાણે કે આપણામાંથી કેટલા જીવશે ને કેટલા મરશે! કાં તો બધાય મરી ખૂટીશું. પણ ભાઈ, કે’વાનું એટલું કે જીવતા રો' એ આવતે વરસે મૂએલાને સંભારજો."

"તમને મોતની નવાઈ છે બાકી અમને તો, જીવતરના નામનું નાઈને જ બેઠાં છીએ. આ પેલી નદીમાં અત્યારથી જ દનની ત્રણ-ચાર ચેહો ભડભડતી જોઈએ છીએ, એ ભેગી એક દન અમારીય. એમાં છે શું?" આ સંવાદો મૃત્યુ જ જીવનની નરી વાસ્તવિકતા છે એ સમજાવી જાય છે.

વર્ણનોમાં પ્રતીકો, કલ્પનો તથા ઉપમા, ઉત્પ્રેક્ષા, સજીવારોપણ અલંકારોનો પણ ઉપયોગ કર્યો છે. કથામાં આવતા વર્ણનોમાં વિવિધ પાત્રોના વર્ણન, ગ્રામ્યપ્રદેશની ધરતીનું વર્ણન, રાત્રીનું વર્ણન, ઉનાળાની બપોરનું વર્ણન,ભાદરવાની સાંજનું વર્ણન, ઉત્તરાયણનું વર્ણન, વરસાદના આગમન પછી ધરતીનું વર્ણન, છપ્પનિયા કાળમાં રીબાતા માનવીઓ અને પશુઓનું વર્ણન અને છપ્પનિયા કાળમાં જીવતા પશુઓને ખાઈ જતાં માણસોના શારીરિક વર્ણન અને જન્મ આપી તરત જ પોતાના બાળકને ખાતી સ્ત્રીનું વર્ણન અત્યંત હૃદયદ્રાવક રીતે થયું છે. દુષ્કાળની પરિસ્થિતિનું વર્ણન જોતાં તો હૃદય પણ કંપી ઊઠે છે. વરસાદના આગમન પછી એકાએક ધરતીની જે કાયાપલટ થાય છે તેનું વર્ણન અદભૂત છે.

 

લેખનશૈલી:-

'માનવીની ભવાઈ' પુસ્તકની લેખન શૈલી સાહિત્યિક છે. આ પુસ્તકને સાધારણ માણસ પણ પુસ્તક વાંચી શકે તેવી લેખકની લેખનશૈલી છે. લેખક પન્નાલાલ પટેલની પોતાની બધી રચનાઓ પ્રાદેશિક છે. જે લોકો સરળતાથી વાંચી શકે છે. આ કથા દ્વારા લેખકે પ્રાદેશિક નવલકથાની દિશામાં પ્રસ્થાન કર્યું છે. ‘માનવીની ભવાઈ’ માં લેખકનો વાસ્તવલક્ષી દ્રષ્ટિકોણ જોવા મળે છે. કથનાત્મક ગદ્ય, વર્ણનાત્મક ગદ્ય અને સંવાદોમાં લેખકની સર્જકપ્રતિભાના દર્શન થાય છે. પ્રસંગને નિરૂપતા ગદ્યમાં તાજગીનો અનુભવ થાય છે. દુનિયામાં ભૂંડામાં ભૂંડી ભૂખ છે - એ કઠોર વાસ્તવિકતાને લેખકે રજૂ કરી છે. આ નવલકથાને ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ જાનપદી નવલકથા ગણાવાઈ છે. લેખકે પાત્રોના સંવાદો ત્યાંની લોકબોલીમાં પ્રયોજયા છે. બુન, દન, પીટયો, રોયો,પાપડા, હાલ્લાં, કુણ,ખડિયો, ધનંગ,ટીલો,કલદાર,શેરી ઘોડી, મેલવું,શેલી, ફાડયા, જોંત,પરગટ, મારગ, ચોપાટ, દળજ્યા, પારોઈ, ડિલ, જંપ, પરોણા, દુંભીકાતીલા, પાટુકા,એંગ,પેરવું, અંતરજામી, ભાંડુ, આંશી, મેંઢી, ઢુંકી, સબળાઈ, દળજ્યા, તરેડિયા, તૂપિયા, કાઉઆ, ભાણગો, વરી, ગાભ, વતા વગેરે શબ્દોના અર્થ નક્કી કરવાના હોવાથી શબ્દોની સાથે જ તેના શિષ્ટ ભાષાના અર્થ પણ મૂક્યા છે. તેથી ભાવકને તળપદા શબ્દોના અર્થ શોધવા ન પડે.

વિશેષ મૂલ્યાંકન:-

'જિંદગી ઇમ્તિહાન લેતી હૈ' ગીતની‌ જેમ દરેક પ્રકરણમાં પ્રેમીઓની પરીક્ષા લેતી કથા એટલે 'માનવીની ભવાઈ'. તેનું ગદ્ય અને અને એમાં પ્રગટ થતાં લેખકના ભાષાસામર્થ્યની અનિવાર્યપણે નોંધ લેવી પડે. કથાના ગદ્યમાં નિરૂપાયેલા ઈશાનિયા પ્રદેશની લોકબોલીનો સર્જનાત્મક વિનિયોગ, પ્રદેશચિત્રણ અને પરિવેશ-પ્રગટીકરણમાં લેખકની સર્જનશક્તિનો પરિચય થાય છે. પ્રસંગ-ભાવને અનુરૂપ આરોહ-અવરોહયુક્ત ગદ્યશૈલી, તળપદી બોલી અને ગામડાની બોલીમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગો અને કહેવતો દ્વારા ગામડાનો સમાજ પ્રત્યક્ષ થાય છે. નવલકથામાં આવતા દૂહા-હૂડાની રમઝટો કે અવસરોચિત ગીતો પણ ગ્રામજીવનના ધબકારાને ઝીલે છે. ‘માનવીની ભવાઈ’ના ગદ્યમાં બળુકાઈ અને વેધકતા જોવા મળે છે. પ્રેમ અને કરૂણતા આ બંનેનો સમન્વય, જીવી રહ્યા હોઈએ એવી કથા રૂપે અનુભવવો હોય તો વાંચો 'માનવીની ભવાઈ'.

મુખવાસ:- ખેડૂતની દારૂણ વાસ્તવિકતા દર્શાવતી પ્રેમકથા એટલે 'માનવીની ભવાઈ' નવલકથા.