સેલ્ફી
-રાકેશ ઠક્કર
અક્ષયકુમારની છેલ્લા એક વર્ષમાં થિયેટરોમાં રજૂ થયેલી ફિલ્મોમાં 'સેલ્ફી' પાંચમી ફ્લોપ છે. નિષ્ફળતા માટે પોતાને જવાબદાર માનતો અક્ષયકુમાર પોતાની જ વાત પર વિચાર કરતો લાગતો નથી. ફિલ્મોની પસંદગીમાં તે ફેરફાર કરી રહ્યો નથી. કાર્તિક આર્યનની 'શહજાદા' અને અક્ષયકુમારની 'સેલ્ફી' ની નિષ્ફળતામાં કેટલાક મુદ્દા સામાન્ય છે. બંનેના ટ્રેલર દર્શકોને ફિલ્મ જોવા પ્રભાવિત કરી શક્યા ન હતા. બંને રીમેક હતી અને દર્શકો હવે રીમેકથી કંટાળ્યા છે. ઘણા દર્શકો અસલ ફિલ્મો જોઇ ચૂક્યા હતા. તેથી બંનેને દક્ષિણની અસલ ફિલ્મોની સસ્તી રીમેક ગણવામાં આવી છે. બંનેનું હિન્દીકરણ કરવામાં લેખકો માર ખાઇ ગયા.
એક પ્રશ્ન વારંવાર કરવામાં આવી રહ્યો છે કે બોલિવૂડને રીમેકની કેમ જરૂર છે? જો અક્ષયકુમાર અને ઇમરાન હાશમી જેવા સશક્ત અભિનેતા હોય તો એક સારી વાર્તા પર ફિલ્મ બનાવી શકાઇ હોત. પરંતુ બોલિવૂડને મહેનત કરવી નથી. બધું તૈયાર જોઇએ છે. શાહરૂખ ખાનની 'ફેન' ની યાદ અપાવતી 'સેલ્ફી' જોનારાને એક પ્રશ્ન થાય છે કે એક સામાન્ય 'ઇગો' ની વાત પર આટલી મોટી ફિલ્મ બનાવવાની શું જરૂર હતી?
આરટીઓમાં ઇન્સ્પેકટર તરીકે નોકરી કરતો ઓમપ્રકાશ (ઇમરાન) ફિલ્મોના સુપરસ્ટાર વિજયકુમાર (અક્ષયકુમાર) નો મોટો ચાહક હોય છે. વિજયકુમાર એક ફિલ્મના શુટિંગ માટે ભોપાલ જાય છે. જ્યાં શુટિંગની મંજુરી માટે એણે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવવાનું હોય છે. છેલ્લી ઘડીએ ખબર પડે છે કે લાઇસન્સ ખોવાઇ ગયું છે. ઓમપ્રકાશ એનો ચાહક હોવાથી લાઇસન્સ બનાવવામાં મદદ કરે છે. લાઇસન્સ લેવા વિજયકુમાર જયારે આરટીઓ ઓફિસ જાય છે ત્યારે મિડિયાને જોઇ ભડકી જાય છે અને ઓમપ્રકાશનું એના પુત્રની સામે જ અપમાન કરે છે. તેથી વિજયકુમારનો મોટો ચાહક ઓમપ્રકાશ એનો મોટો દુશ્મન બની જાય છે. અને બંને વચ્ચે એક જંગ છેડાય છે. વિજયકુમારને લાઇસન્સ અને ઓમપ્રકાશને સેલ્ફી મળી શકે છે કે નહીં એ જાણવા ફિલ્મ જોવી પડે.
નબળા ક્લાઇમેક્સવાળી 'સેલ્ફી' ને દર્શકોએ પસંદ કરી નથી. બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. એક જ વર્ષમાં આ પાંચમી ફિલ્મ નિષ્ફળ રહી હોવાથી એવું માની શકાય કે દર્શકો અક્ષયકુમારને જોઇને કંટાળી ગયા છે. તેના અભિનયમાં નવીનતા જોવા મળી રહી નથી. વળી 'સેલ્ફી' માં તે એક સુપરસ્ટાર તરીકે જ છે અને પોતે કેટલી ફિલ્મો, જાહેરાતો વગેરેમાં કામ કરે છે એના ગુણગાન ગાય છે. કેટલાક સમીક્ષકોએ એવું પણ નોંધ્યું છે કે ઓછા સમયમાં વધુ ફિલ્મો કરવાની ઉતાવળમાં અક્ષયકુમાર સંવાદ વાંચતો દેખાય છે એ એની આંખની કીકી પરથી જોઇ શકાય છે. એ દ્રશ્યને જીવંત કરતો નથી.
'સેલ્ફી' માં એના કરતાં ઇમરાન હાશમીનો અભિનય સારો ગણાયો છે. ઇમરાને પોતાનો સો ટકા અભિનય આપ્યો છે. અક્ષયકુમારની બધી લાઇમલાઇટ એ લઇ ગયો છે. ફિલ્મને પાંચમાંથી જે બે સ્ટારનું રેટિંગ મળ્યું છે એમાં એક તો ઇમરાનને કારણે છે. પરંતુ કોઇપણ કલાકાર નબળી સ્ક્રીપ્ટને કારણે ફિલ્મને બચાવી શકે એમ નથી. 'સેલ્ફી' માં ડાયના અને નુસરતને ચાર દ્રશ્ય માટે કેમ લેવામાં આવી છે એવો પ્રશ્ન થાય છે. વિલન તરીકે અભિમન્યુ સિંહ પ્રભાવિત કરે છે.
નિર્દેશક રાજ મહેતાએ મલયાલમની 'ડ્રાઇવિંગ લાયસન્સ' ની ઓફિશિયલ હિન્દી રીમેક બનાવવાનું પસંદ કરીને ભૂલ કરી હતી. એમાં 'વાવ' કહી શકાય એવું કોઇ ફેક્ટર ન હતું. અસલ જ સામાન્ય ફિલ્મ હતી. પહેલા ભાગમાં કેટલાક હાસ્યના દ્રશ્યો છે. બીજા ભાગમાં તો લાંબા દ્રશ્યો સાથે ફિલ્મ ખેંચાય છે. ફિલ્મનું હજુ સંપાદન કરવાની જરૂર હતી. ફિલ્મને ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં સારી વાર્તાની અવગણના થઇ છે. અગાઉની ફિલ્મોની સરખામણીએ રાજ મહેતાનું નિર્દેશન ઠીક કહી શકાય.
'સેલ્ફી' નો વિષય રસપ્રદ જરૂર છે પણ એના માટે રૂ.200 નો ખર્ચ કરીને થિયેટર સુધી જવું પડે એવું એકપણ દ્રશ્ય એમાં નથી જે જોઇને ચોંકી જવાય. વાર્તા પણ ટ્રેલરમાં જાહેર થઇ ગઇ હતી. એટલે પડદા પર ફિલ્મ બસ ચાલ્યા કરે છે અને પૂરી થઇ જાય છે. કોમેડી અને એક્શન જેવા મસાલા બહુ મનોરંજન કરી શકતા નથી. બંને મુખ્ય હીરોને પરિણીત બતાવ્યા હોવાથી રોમાન્સના દ્રશ્યો માટે જગ્યા બનાવી નથી. સમય પસાર કરવા ફિલ્મ મોબાઇલ ઉપર જોઇ શકાય એવી છે.
'સેલ્ફી' માં રિમિક્સ ગીત 'મેં ખિલાડી તૂ અનાડી' સિવાય એકમાં પણ દમ નથી. પછી ભલે મોટો ખર્ચ કરીને બીજા ગીતો આપ્યા હોય. અને બેકગ્રાઉન્ડ સંગીત વધુ પડતું લાઉડ છે. ફિલ્મ 'સેલ્ફી' ને સારી કે ખરાબની કોઇ કેટેગરીમાં મૂકી શકાય એવી નથી. માત્ર એની અવગણના કરી શકાય એમ છે.