Atut Bandhan - 24 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 24

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 24






(વૈદેહી અને શિખા જીગરભાઈનાં ત્યાં દસ દિવસ રોકાઈ છે જ્યાં આદિત્ય જે આનંદીબેનનાં ભાઈનો દીકરો છે એ પણ આવે છે અને એને વૈદેહી પહેલી નજરમાં જ ગમી જાય છે. પણ એ વૈદેહી સાથે વધુ વાત નથી કરી શકતો. આનંદીબેન અને જીગરભાઈને પણ વૈદેહીનો સ્વભાવ પસંદ આવે છે. બીજી તરફ ગરિમાબેન વિચારે છે કે એ વૈદેહીને આ ઘરમાંથી બહાર કાઢશે તો એ દયાબેનનાં ત્યાં જ જશે પણ તેઓ વૈદેહીને ફરીથી ત્યાં નથી મોકલવા માંગતા. તેઓ આનંદીબેનને બધી વાત કરવા માંગતા હતા પણ આનંદીબેન એમને કંઇક કહે છે જે સાંભળી તેઓ આઘાત પામે છે. હવે આગળ)

શિખા અને વૈદેહી ફરીથી એમનાં શહેર જવા નીકળી ગયા હતા. આદિત્યએ વૈદેહી સાથે વધુ વાત થાય એવા ઈરાદાથી એમને શહેર ડ્રોપ કરવા કહ્યું હતું પણ હવે એને શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ જ નહતું સમજાઈ રહ્યું. એ બસ પાછળ બેઠેલી વૈદેહીને કાચમાંથી જોયા કરતો હતો પણ વૈદેહીનું ધ્યાન બારીની બહાર હતું.

એની ઊડતી લટોને જોઈ આદિત્ય ઈર્ષા થતી હતી કારણ કે એને લાગતું હતું કે એ વાળની લટો એનાં પોતાના કરતાં વધુ નસીબદાર છે જે વૈદેહીના ગાલને ચૂમી તો શકે છે ! પોતે તો એની સાથે વાત કરી શકે એટલો પણ નસીબદાર નથી.

"આદિ આગળ...." શિખા ચીસ પાડીને બોલી અને આદિત્યનું ધ્યાન વૈદેહી પરથી હટ્યુ અને એણે તરત જ ગાડી સાઇડ પર કરી બ્રેક મારી અને સાથે જ સામેથી આવતી ટ્રકે પણ એની ટ્રક બાજુમાં કરી અને ઉભી રાખી. જો એક સેકંડ પણ મોડું થયું હોત તો ટ્રકની અડફેટે તેઓ આવી ગયા હોત.

"આદિ, ધ્યાન ક્યાં છે તારું ? અત્યારે આપણાં રામ રમી ગયા હોત." શિખાએ સહેજ ચિડાઈને કહ્યું.

આદિએ એનું માથું પકડી લીધું.

"આઈ એમ સોરી યાર..." આદિત્યએ કહ્યું. એટલીવારમાં પેલી ટ્રકનો ડ્રાઈવર પણ એમની ગાડી સુધી આવી ગયો અને આદિત્યને ખીજવા લાગ્યો. આદિત્યએ એને સોરી કહ્યું અને ગાડી હંકારી મૂકી.

ઘર સુધી પહોંચતા પહોંચતા આદિત્યએ અલગ અલગ રીતે વૈદેહી સાથે વાત કરવા પ્રયત્ન કર્યો પણ વૈદેહી આદિત્યની સાથે ખૂબ જ ઓછી વાત કરતી અને અમુક વખત તો ફક્ત હા કે ના માં જ વાત પૂરી કરતી હતી. આદિત્યએ વિચાર્યું કે વૈદેહી સાથે મિત્રતા કરવી ખૂબ અઘરી છે પણ વૈદેહી એનાં મનમાં વસી ગઈ હતી તેથી આદિત્યએ એને જ પોતાની જીવનસંગિની બનાવવાનું મન બનાવી લીધું હતું.

બીજી તરફ સાર્થક ઓસ્ટ્રેલિયાનાં એમનાં નવા પાર્ટનર મિસ્ટર વિલ્સન સાથે કેવી રીતે આગળ બિઝનેસ કરશે ? એમની શું સ્ટ્રેટેજી હશે ? એની માહિતી એકઠી કરી રહ્યો હતો. સાથે સાથે એમની સાથે બિઝનેસ શરૂ કરવામાં કોઈ જોખમ તો નથી ને એની પણ એને ખાતરી કરવી હતી તેથી આખો દિવસ તો એ જરાય ફ્રી પડતો નહતો પણ રાત થતાં જ એ વૈદેહી સાથે વાત કરી લેતો. ઈન્ડિયા પહોંચતા જ એ વૈદેહીને ઓફિસિયલી પ્રપોઝ કરશે અને જો વૈદેહી એનું પ્રપોઝલ સ્વીકારે તો એની સાથે એમનું લગ્નજીવન શરૂ કરશે એવું મન બનાવી લીધું હતું.

એણે રજનીશભાઈ, ગરિમાબેન અને શિખા માટે ઘણી બધી ગીફ્ટ્સ લીધી હતી પણ વૈદેહી માટે એણે કંઈ લીધું નહતું કારણ કે વૈદેહીની પસંદ નાપસંદ હજુ એને ખબર નહતી. જો કે હજી ત્રણ મહિના એને અહીં રહેવાનું હતું તેથી એ વૈદેહી સાથે વાત કરી એની પસંદ વિશે જાણી લેશે એની એને ખાતરી હતી.

*****

આદિત્ય શિખા અને વૈદેહીને એમનાં ઘરે ઉતારી રજનીશભાઈ અને ગરિમાબેનને મળી ત્યાંથી નીકળી ગયો. શિખા તો જતાં જ ગરિમાબેન અને રજનીશભાઈ સાથે આ દસ દિવસની વાતો કરવા વળગી ગઈ જ્યારે વૈદેહી બેઠી બેઠી એની વાતો સાંભળી હસતી હતી.

ડિનર બનાવવાનો સમય થઈ ગયો હોવાથી ગરિમાબેને એમનાં સિનિયર કૂકને બૂમ પાડી.

"આંટી, હું ડિનર બનાવી દઉં ?" વૈદેહીએ પૂછ્યું.

"તું...."

"હા હા કેમ નહીં ? તારા હાથનું બનેલું જમવાની ખૂબ જ ઈચ્છા છે. આજે તો તુ જ બનાવ." ગરિમાબેન કંઈ બોલે એ પહેલાં રજીનીશભાઈ બોલ્યાં અને પછી ઉભા થઈ ઉમેર્યું,

"આજે તો હું પણ તારી સાથે કિચનમાં આવીશ."

"હું પણ..." શિખા પણ એની જગ્યા પરથી ઉભી થઈને બોલી.

"અરે પણ તમે લોકો થાક્યાં નથી ? રજનીશ, તમે આજે સવારથી મિટિંગમાં બિઝિ હતા ને ? તો તમે..."

"અરે ગરિમા, હું કિચનમાં મારો થાક ઉતારવા માટે જ તો જાઉં છું. કયા બાપને એની બે બે દીકરીઓ સાથે રસોઈ બનાવવાની તક મળે. મને આ લ્હાવો મળ્યો છે તો હું એને ગુમાવવા નથી માંગતો." રજનીશભાઈએ કહ્યું અને કિચનમાં ગયા. શિખા અને વૈદેહી પણ એમની પાછળ કિચનમાં ગયા.

ગરિમાબેન એ ત્રણેયને જતાં જોઈ રહ્યાં. એમને આજે આનંદીબેન સાથે ફોન પર કરેલી વાત યાદ આવી. ગરિમાબેન આનંદીબેનને સાર્થક અને વૈદેહીનાં લગ્ન કઈ પરિસ્થિતિમાં થયા હતા એ અને પછી સિરાજનાં કારણે જે થયું હતું એ બધું જણાવવા માંગતા હતા. આનંદીબેન અને એમનાં વચ્ચે નણંદ ભાભી જેવા નહીં પણ મિત્રો જેવા સંબંધ હતાં અને તેથી એમને બધી વાત કરવાનું અને કંઈ ઉપાય સુઝવવાનું કહેવા માટે ગરિમાબેને જલ્દી જલ્દી ફોન રીસીવ કર્યો.

"Thank God આનંદી, તેં ફોન કર્યો. મારે તને ખુબ જ જરૂરી વાત કરવી હતી." ગરિમાબેને ફોન રીસિવ કરતાની સાથે જ કહ્યું.

"અરે બેન, શું વાત છે ? તમારો અવાજ સાંભળી લાગે છે કે તમે કોઈ ટેન્શનમાં છો." આનંદીબેને કહ્યું.

"હા આનંદી, અત્યારે મને કંઈ સૂઝી નથી રહ્યું કે હું શું કરું ? મને લાગે છે કે તારી પાસે મારી મૂંઝવણનો જવાબ જરૂર હશે." ગરિમાબેને કહ્યું.

"એવી તો શું વાત છે ગરિમાબેન ?"

"આનંદી, વાત સાર્થક વિશે છે. વાત જરા એમ છે કે શિખાની જે ફ્રેન્ડ છે ને વૈદેહી એ અને સાર્થક...."

"શું ?" ગરિમાબેન આગળ કંઈ બોલે એ પહેલાં આનંદીબેન આશ્ચર્યથી બરાડી ઉઠ્યા.

"શું સાર્થક અને વૈદેહી એકબીજાને પસંદ કરે છે ? અરે બેન, તમે વિશ્વાસ નહીં કરો પણ મેં તમને એ વિશે જ વાત કરવા માટે ફોન કર્યો છે. મને તો વૈદેહી એટલી બધી ગમી ગઈ છે કે વાત જ નહીં પૂછો. અને મને લાગે છે કે વૈદેહી પણ સાર્થકને પસંદ કરે છે કારણ કે મેં નોંધ્યું છે કે જ્યારે જ્યારે અમે લોકો સાર્થકની વાત કરતાં ત્યારે ત્યારે એના ચહેરા પર એક અલગ જ ખુશી, એક અલગ જ ચમક જોવા મળતી.

બેન, મને લાગે છે કે આપણે સમય વેસ્ટ નહીં કરવો જોઈએ. આટલી સારી છોકરી દીવો લઈને શોધવા જઈશું ને તો પણ નહીં મળે. જો સાર્થક પણ વૈદેહીને પસંદ કરતો હોય તો કરો કંકુના. મને અને તમારા ભાઈને તો વૈદેહી ખૂબ જ ગમી ગઈ છે અને સાર્થક સાથે એની જોડી પણ સરસ લાગશે. મેં એ જ તો કહેવા તમને ફોન કર્યો ! મને થતું હતું કે વાતની શરૂઆત ક્યાંથી કરવી પણ તમારા મનમાં પણ એ જ વિચાર આવ્યો તો હવે મને લાગે છે કે આપણે જલ્દીથી જલ્દી વૈદેહીનાં મામા મામી સાથે વાત કરવી જોઈએ. પછી એવું નહીં થાય કે આપણે યોગ્ય સમયની રાહ જોતા રહીએ અને સમય આપણાં હાથમાંથી નીકળી જાય."

આનંદીબેન એકધારું બોલી ગયા. એમની વાત સાંભળી ગરિમાબેનને આઘાત લાગ્યો. હવે આનંદીબેનને કંઈપણ જણાવવું એમને વ્યર્થ લાગ્યું. તેથી બીજી થોડી વાત કરી એમણે ફોન કટ કર્યો. આનંદીબેન સાથે વાત કરી એ વધુ ચિંતામાં આવી ગયા. તેઓ વિચાર કરતાં બેઠા હતાં ત્યાં જ એમનાં ઘરે એમનાં પાડોશી બહેનો આવનારા તહેવારો માટેની વ્યવસ્થાની ચર્ચા કરવા આવી. વાત વાતમાં એમાંથી એક મહિલાએ બીજી મહિલાઓ તરફ ઈશારો કર્યો અને પછી ગરિમાબેનને કહ્યું,

"મિસિસ મહેતા, તમે આ ઠીક નથી કર્યું. અમને તમારી પાસેથી આવી આશા નહતી."

એમની વાત સાંભળી ગરિમાબેન વિચારમાં પડી ગયા અને પૂછ્યું,

"તમે શેની વાત કરી રહ્યાં છો મિસિસ ઠાકર ? હું કંઈ સમજી નહીં."

"અરે મિસિસ મહેતા, હવે આમ અજાણ ન બનો. તમે તમારા સાર્થક માટે છોકરી શોધી કાઢી અને અમને કંઈ જણાવ્યું પણ નહીં." બીજી મહિલાએ કહ્યું.

એમની વાત સાંભળી ગરિમાબેનનું મગજ બહેર મારી ગયું. થોડીવાર તો એમને સમજાયું જ નહીં કે શું બોલવું.

"કેમ મિસિસ મહેતા, હવે ચૂપ કેમ થઈ ગયા ?" મિસિસ ઠાકરે હસીને કહ્યું.

"અરે નહીં નહીં, હું તો તમે કઈ છોકરીની વાત કરી રહ્યાં હતાં એ વિચારતી હતી. તમે કદાચ વૈદેહીની વાત કરી રહ્યાં છો. એ છોકરી મારી શિખાની મિત્ર છે. અત્યારે એનાં ઘરે કોઈ નથી તો શિખા એને અહીંયા લઈ આવી. તમને તો ખબર જ છે ને કે આજકાલ કેવા કેવા બનાવ બને છે એકલી છોકરી સાથે ? તો બસ અમને થયું કે જ્યાં સુધી એનાં પેરેન્ટ્સ આવે નહીં ત્યાં સુધી એ ભલે અહીંયા રોકાતી." ગરિમાબેને કહ્યું.

"પણ મિસિસ મહેતા, મેં થોડા દિવસો પહેલાં તમારા ઘરમાં ગુંડા જેવા ચાર પાંચ માણસો જોયેલા. અને કદાચ એમણે તમારા વોચમેન અને તમારા કુકને પણ ઘાયલ કર્યા હતા. એ લોકો કોણ હતા?" મિસિસ ઠાકરે પૂછ્યું.

"અરે શું તમે પણ ? તમે તો એવું પૂછો છો જાણે એ બધાને હું ઓળખતી હોઉં. એ તો એ દિવસે અમે ઘરે નહતાં તો ચોર ઘૂસી આવેલા અને એમને રોકવાના ચક્કરમાં વોચમેન અને કુક ઘાયલ થયા. હવે આ વાતને આટલી બધી ખેંચવાનું કે પછી બીજું ઊંધું વિચારવાનું કોઈ કારણ નથી." ગરિમાબેને કહ્યું.

"ઓહ ! હવે તમે કહો છો તો એ જ સાચું હશે. બાકી જે છોકરી તમારાં ઘરે રહેવા આવી છે એનાથી તમારા સાર્થકને જરા બચાવીને રાખજો. મતલબ સાર્થક યુવાન છે, આટલો બધો સફળ છે અને પાછો હેન્ડસમ અને પૈસાદાર. ક્યાંક એ છોકરી એને ફસાવે નહીં. કારણ કે સુંદરતામાં એ પણ કંઈ ઓછી નથી." મિસિસ ઠાકરે કહ્યું.

"મિસિસ ઠાકર, વૈદેહી સંસ્કારી છોકરી છે. તમે એનાં વિશે આવું બધું કેવી રીતે વિચારી શકો ?" ગરિમાબેને કહ્યું.

"હવે એનાં સંસ્કાર તો તમે જાણો. આ તો અમને તમારી ચિંતા છે એટલે કહ્યું." મિસિસ ઠાકરે કહ્યું અને બીજી બધી મહિલાઓ સાથે ઉભા થઈ ગરિમાબેનની રજા લઈ રવાના થયા.

"ગરિમા...ગરિમા...શું વિચારે છે ?" રજનીશભાઈનો અવાજ સાંભળી તેઓ વર્તમાનમાં પાછા ફર્યા.

"કંઈ નહીં...ડિનર થઈ ગયું ?" ગરિમાબેને રજનીશભાઈ તરફ જોયા વિના જ પૂછ્યું.

"હા..ચલ બધું તૈયાર જ છે."

અને બધાએ સાથે વાતો કરતા કરતા ડિનર કર્યું. ડિનર કર્યા પછી શિખા અને વૈદેહી થોડીવાર બહાર ગાર્ડનમાં જઈને બેઠા. બંનેએ થોડીવાર વાતો કરી. પણ સાર્થકનો ફોન આવ્યો તેથી વૈદેહી એનાં રૂમમાં જતી રહી.

આમ જ દિવસો પસાર થવા લાગ્યાં અને શિખા અને વૈદેહીનું રિઝલ્ટ પણ આવી ગયું. હંમેશાની જેમ વૈદેહીએ ટોપ કર્યું હતું અને શિખા પણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ હતી. બંનેનું પરિણામ સારું આવવાથી રજનીશભાઈ અને ગરિમાબેન એમને બહાર ડિનર કરવા લઈ ગયા.

રિઝલ્ટનાં થોડા દિવસ પછી કોલેજ શરૂ થઈ ગઈ. કોલેજ શરૂ થયાના અઠવાડિયા પછી ગરિમાબેન વૈદેહી સાથે વાત કરવા એની પાસે ગયા. એમણે વિચારી લીધું હતું કે તેઓ વૈદેહી સાથે શું વાત કરશે ?

વધુ આવતાં ભાગમાં....