કેરળ યાત્રા વખતે કોચી જતા રસ્તામાં કાલડી સ્ટેશન આવેલ. મારી પત્ની એ કહ્યું કે " આ તો શંકરાચાર્યનું જન્મસ્થળ વાળું કાલડી લાગે છે" મને શંકરાચાર્ય પ્રત્યે લગાવ અને અહોભાવ હતો. આથી અમે તરત જ કાલડી જવાનું નક્કી કરી લીધું. પણ ટ્રેન ત્યાં ઉભી રહેતી ન હતી. કોચી જવાને બદલે અમે તરત જ બીજા સ્ટેશન પર ઉતરીને ત્યાંથી કેરળની લોકલ બસમાં અમે કાલડી પહોંચ્યા. અને ત્યાંથી ચાલતા ચાલતા આચાર્ય શંકરના જન્મસ્થાને આવી ચડ્યા.
તે સ્થળે પહોંચીને હૃદયમાં અત્યંત આનંદ છવાઈ ગયો. આકસ્મિક રીતે જ શંકરાચાર્યના સ્થળ પર આવી જવું એ ઈશ્વરની કૃપાનો દાખલો હતો. છેક દક્ષિણ માંથી એક નાનકડો બાળક ચાલી ચાલીને નર્મદા પહોંચ્યો, સંન્યાસ લીધો અને આખા ભારતમાં ધર્મની પતાકા લહેરાવી તે વિચારીને જ મનોમન હું શંકરને નમન કરી રહ્યો હતો. અને આજની ઘડીને ધન્ય ભાગ્ય સમજી રહ્યો હતો.
ત્યારે જ મને વિચાર આવેલ કે શંકરાચાર્યના જીવન વિશે આપણે ત્યાં જાણકારી ખૂબ ઓછી છે. અને તેની કૃપાથી જ તેમના જીવન વિશે એક સિરીઝ લખવાની પ્રેરણા થઈ.
આદિ શંકરાચાર્યના જીવન વિષે લખવું એટલે અગાધ મહાસાગરનું શબ્દોમાં વર્ણન કરવું. જે માટે હું નાનપ અનુભવું છું. પણ છતા એક નાનકડો પ્રયાસ કરું છું જે એક માત્ર તેમના ચરણોમાં અંજલી માત્ર છે.
માત્ર ૩૨ વર્ષના આયુષ્યમાં તેમણે અનેક વાર ભારત યાત્રા કરીને ધર્મનો પ્રચાર કર્યો, વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર, ઉપનીષદો, ભગવદ ગીતા પર ભાષ્યો, વિવેક ચુડામણી, આત્મબોધ જેવા અનેક સ્વતંત્ર ગ્રંથો, અને અનેક સ્તોત્રો ની રચના કરી છે. જે સામાન્ય માણસ માટે અસંભવ છે.
એક સમય હતો કે જ્યારે ભારતવર્ષમાં હિંદુ, બૌદ્ધ, જૈન વગેરે વિવિધ ધર્મો તેના મૂળ રૂપને ભૂલી જઈને તેમાં અશુધ્ધિઓ વ્યાપી ગઈ હતી. તંત્રના નામ પર ધર્મમાં અનેક બુરાઈઓ વ્યાપી ચુકી હતી. જાણે ધાર્મિક અરાજકતાનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.વૈદિક ધર્મ પણ અનેક શાખાઓ અને સંપ્રદાયોમાં વિભાજીત હતો. આ સમયે મહાતેજસ્વી, શાસ્ત્ર જ્ઞાતા આદિ શંકરાચાર્યએ ભારતનાં ખૂણે ખૂણે જઈને , પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીને લોકોને ધર્મનો સાચો અર્થ સમજાવ્યો.
તેમેણે કરેલ શાસ્ત્રાર્થ એ પોતાનું મહત્વ દર્શાવવા માટે નહિ પણ લોકો સાચો ધર્મ શું છે તે સમજાવવા અને લોકોને ધર્મનાં નામ પર ચાલતા આડંબરો માંથી મુક્ત કરવા માટે હતા.
તેણે ભારતની ચારે દિશામાં ચાર મઠની સ્થાપના કરીને શુદ્ધ વેદાંતનો પ્રચાર પ્રસાર કર્યો. આ ઘટના ભારતના ઈતિહાસની મહત્વપૂર્ણ ઘટના છે. જેણે ભારતની આધ્યાત્મિક અને સંસ્કૃતિક એકતામાં ઘણો મોટો ભાગ ભજવેલ છે. તેમણે હિંદુ ધર્મમાં અનેક સુધારા કરીનેતેનું ઐક્યમાં ગઠન કરીને તેનું પુનરુત્થાન કર્યું. કહો કે નવજાગરણ કર્યું. એક એક છુટા માણકાઓ ને એક દોરા વડે તેણે ભેગા કરીને માળા બનાવી. જે ઝળહળી ઉઠી.
આજે શંકરાચાર્ય વગર વેદાંતની કલ્પના અશક્ય જેવી લાગે. આચાર્ય શંકર એટલે ભારતનું ગૌરવ.
આચાર્ય શંકર એટલે અદ્વૈત વેદાંતનાં પાયાના ગુરુ અને સંન્યાસીઓના ગુરુ કહેવાય છે.
આમ તો શંકરાચાર્ય વિષે એવું જ મનાય છે કે તે માત્ર અદ્વૈતનાં જ પ્રણેતા હતા. કોઈ કોઈ તો તેને પ્રચ્છન્ન બુદ્ધ પણ કહે છે. પણ તેનું સમગ્ર જીવન જોતા એ સ્પષ્ટ થાય છે કે તે અદ્વૈતને પરમ લક્ષ્ય માનતા હતા પણ સાથે સાથે તેમેણે દ્વૈતનો પણ સ્વીકાર કરેલો જ છે. એટલે જ તેમણે પોતાની યાત્રા દરમ્યાન અનેક મંદિરોનું પુનઃનિર્માણ કરાવ્યું છે. અને સૌદર્ય લાહિરી, ભવાની અષ્ટકમ, કનકાધાર સ્તોત્રમ, વિષ્ણુ સહસ્ત્રનામ પર ટીકા, ભજ ગોવિંદમ જેવા અનેક અદભૂત સ્તોત્ર લખ્યા છે.
આચાર્ય શંકર વિના ભારતીય દર્શન શાસ્ત્ર અને વેદાંતની કલ્પના કરવી ઘણી મુશ્કેલ છે. તેણે જ મધ્યયુગમાં ધર્મનો પાયો નાંખ્યો અને લોકોને સત્યની રાહ બતાવી.
આ સિરિઝના આગળના લેખોમાં તેમના જીવન વિશેની લેખનની ધારા વહેતી રહેશે.
આચાર્ય શંકરના ચરણોમાં વંદન.
श्रुति स्मृति पुराणानाम् आलयम करुणालयम्।
नमामि भगवत्पादम शंकरं लोक शंकरम्॥
~ વિવેક ટાંક
(ક્રમશઃ)