Kasak - 9 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 9

Featured Books
Categories
Share

કસક - 9

બીજા દિવસે પહેલા તે લોકો હમ્તા પાસ ટ્રેક ગયા.હમ્તા પાસ એક ખૂબ સુંદર ફિલ્મી જગ્યા છે. જયાં મોટા મોટા પાઈન વૃક્ષો આવેલા છે.સાથે સાથે ત્યાંની સામાન્ય ઠંડી હવા મનમોહક લાગે છે અને જમીન પર જાણે ચારે બાજુ લીલી ચાદર છવાયેલી હોય તેમ દૂર દૂર સુધી ઘાસ પથરાયેલું હોય છે.જમીન પણ એકદમ સમથળ નહિ પરંતુ નાના નાના ડુંગરની જેમ એક કુદરતી દ્રશ્ય પુરવાર કરતી આ જગ્યા, મનાલીની ઘણી સુંદર જગ્યા માની એક સુંદર જગ્યા.


તેના પછીના દિવસે બધા રોહતાંગ પાસ જવાના હતા અને તે જ રાત્રે તેઓ અમદાવાદ પાછા ફરવાના હતા.

કવન અને વિશ્વાસ ખુશ પણ હતા અને એક રીતે દુઃખી પણ હતા કારણકે ઘણા સુંદર દિવસો મનાલીમાં વિતાવ્યા બાદ હવે પાછું ફરવું બંને માટે થોડું અઘરું કામ હતું.

અઘરું તો ટ્રીપ માં આવેલા બધા માટે હતું કારણકે અહીંયા નું વાતાવરણ તેટલું સુંદર હતું કે તે બધાના મનમાં વસી ગયું હતું.બધાના સુંદર દિવસો બહુ જલ્દીથી પસાર થઈ ગયા હતા.હકીકતમાં તેવું જ હોય છે. સુંદર દિવસો પાંપણ ઉંચી કરતા ગાયબ થઈ જાય છે.કવન પણ આવું કઈંક જ વિચારી રહ્યો હતો તે દિવસે રાત્રે કેમ્પમાં તેને આ બધું વિચારીને ઊંઘ નહોતી આવતી. તેથી તે બહાર જઈને ઓલવાઈ જવાના આરે આવેલા કેમ્પફાયર ની પાસે જઈને મનમાં ફિલોસોફી કરી રહ્યો હતો.

દુનિયામાં સૌથી વધારે ફિલોસોફી માણસ ના મનમાં થાય છે.જો કોઈ સામાન્ય માણસ નું મગજ વાંચી લેવામાં આવે તો તેની અંદરથી ફિલોસોફી નો ખજાનો નીકળે.


"શું અમદાવાદ ગયા પછી આરોહીને મળવાનું થશે?,પછી તો કોઈ કારણ પણ નહીં રહે મળવાનું તો શું કરીશું?,શું આ વાર્તા અહીંયા જ પતી જશે?"


આ બધું કવન મનમાં વિચારી રહ્યો હતો.

જીવનમાં ઘણી વખત નક્કી નથી હોતું કે આગળ શું થવાનું છે. પણ છતાંય વગર કોઈ પ્લાનિંગે પણ આપણે જીવી એ છીએ. તો તેમાં કંઈ ખોટું પણ નથી. દરેક વસ્તુનું પ્લાનિંગ જરૂરી નથી.


જ્યારે તમે મનમાં કોઈના વિશે વિચારતા હોય તે વ્યકિત સાચેજ તમારી પાસે આવી જાય તો.


"આરોહી તું અહીંયા?" કવને આરોહીને અત્યારે અહિયાં આવેલી જોઈને પૂછ્યું.

"હા, મને પણ તારી જેમ ઊંઘ નથી આવતી."

કવન મનમાં વિચારી રહ્યો હતો કે તે અહીંયા કેમ આવી હશે. જો કોઈ જોઈ જશે તો ખોટું સમજશે એમ પણ બે દિવસથી બંને સાથે વધુ ફરતા હતા કદાચ આરોહી ને કવનની કંપની ગમતી હતી.


"અરે શું થયું?,હું જતી રહું જો મેં તારી એકલતા ને ભંગ કરી હોય તો"


કવન વિચારો માંથી બહાર આવ્યો.

"અરે નહી નહી એવું નથી.બસ તને અહીંયા જોવાની આશા નહોતી.મને થયું બધાજ સુઈ ગયા છે."


"ઓહ..ઠીક છે."

આરોહી આટલું બોલી અને બંને થોડીવાર ચૂપ રહ્યા.હવે તો કવન અને આરોહી એકબીજાને સારી રીતે જાણતા હતા.એકબીજા સાથે વાતો કરતા હતા મસ્તી કરતા હતા પણ તોય અત્યારે બંને ચૂપ હતા.


કેટલીક વાર શબ્દ ના નીકળવા પણ તેટલી મોટી વાત નથી હોતી બની શકે કદાચ જીવનમાં ક્યારેક મૌન નો પ્રભાવ વધી જાય છે.જ્યાં આંખોની પણ જરૂર નથી પડતી.વાતો ખાલી મન કરે છે એકબીજા સાથે.


આરોહી એ મનની વાચા તોડી ને કહ્યું.

"સુંદર દિવસો ગયા બધા સાથે."

"હા, સાચી વાત છે. અહીંયા ખૂબ મજા કરી આપણે."

"હવે,ફરીથી તે સામાન્ય જીવન શરૂ જે રોજ જીવીએ છીએ.જે આપણી હકીકત છે."


કવન દુઃખીથઈને બોલ્યો "હા, બસ તેજ હકીકત છે."


આરોહીએ કવનની સામે જોઈને કહ્યું

"કવન,એક વાત પૂછું?"

કવને આશ્ચર્ય થઈને કહ્યું.

"હા, પૂછ."

આરોહીએ તેનું બોલવાનું ચાલુ રાખ્યું.


"કવન ધાર કે તું ડોકટર ના હોય અને જો તને આ દુનિયામાં ખાલી જીવવવાનું કહ્યું હોય ના તો પૈસા કમાવાનું માત્ર જીવવાનું અને બસ માત્ર આનંદથી જીવવાનું તો તું શું કરે?"


"કવને તેની સામે જોઈને હસી ને કહ્યું.

"તેવું કોઈ દિવસ ના બને આરોહી,આ પ્રશ્ન જ ખોટો છે."


આરોહી એ ફરીથી દલીલ કરતી હોય તેમ કહ્યું " મને પણ ખબર છે તેવું ના જ થાય પણ હું ખાલી જાણવા માગું છું કે કદાચ તેવું હોય તો તું શું કરત.મારે ખાલી જાણવું છે. મારી માટે."


કવને વિચારીને થોડીવાર પછી કહ્યું "અચ્છા"

આરોહી એ હા પાડી.કવન મનમાં જ હસતો હતો અને કઇંક વિચારતો હતો.

"હું કઈંક લેખક ની જેમ વાર્તા લખું અને બહુ બધી જગ્યાએ જવું,આખો દિવસ પુસ્તકો વાંચુ લોકોની વાતો સાંભળું અને પછી તેમાંથી વાર્તા બનાવુ.બસ પછી એક આવી મનાલી જેવી સારી જગ્યાએ આવીને મનને શાંત કરીને લેખન અને વાંચનનું કામ કરું."


આરોહી બે મિનિટ મૌન રહી તે ઊંડા વિચારોમાં હોય તેમ કશુંજ બોલી નહિ અને પછી કહ્યું

"આજ તારી હકીકત છે."

કવને કહ્યું "મતલબ"

આરોહી એ કહ્યું "તે હમણાં કહ્યું હતું કે આપણે પાછા ત્યાં જઈશું.રોજીંદા કામમાં લાગી જઈશું અને પાછા આ બધું ભૂલી જઈશું.આ આપણી હકીકત છે.ખરેખર તે નહીં આ આપણી હકીકત છે.તે તો આપણે રોજનું કરવું પડતું કામ છે,દરેક ને."

કવને હસી ને કહ્યું.

"તું પણ ઘણીવાર ખૂબ સારી ફિલોસોફી કરે છે."

આરોહી એ ચોકીને કહ્યું.

"અરે મેં ફિલોસોફી નથી કરી. હું સત્ય કહું છું."

"આરોહી આ બધું ફિલ્મોમાં સારું લાગે છે,પુસ્તકોમાં સારું લાગે છે.પણ હકીકતમાં જીવન બહુ ગૂઢ રહસ્યો થી ભરેલું છે."

"હા, પણ તેને ગૂઢ આપણે બનાવીએ છીએ.દરેક વિચિત્ર લાગતી વસ્તુ ખરેખર ઘણીવાર વિચિત્ર નથી હોતી અને સાથે સાથે દરેક સહેલી લાગતી વસ્તુ એટલી સહેલી પણ નથી હોતી."


કવને કહ્યું "ઘણા ફિલ્મોમાં અને પુસ્તકોમાં માણસની મહેનતને "દશ સાલ બાદ" અથવા "થોડે સાલ બાદ"

કરીને વાર્તા આગળ ધપાવી દેવામાં આવે છે કેમ ખબર છે?"


"ના" આરોહી એ કહ્યું.


"કારણકે દરેક વાર્તાકાર કે ફિલ્મો બનાવવા વાળા જાણે છે કે કોઈને એમ પણ તેની મહેનતમાં રસ નથી માત્ર સફળતામાં જ રસ હોય છે.જો વાર્તા આગળ નહીં ધપાવે તો વાર્તા કે ફિલ્મ બોરિંગ થઈ જશે."


થોડીક વાર બંને શાંત રહ્યા બાદ કવને હસી ને કહ્યું.

"અરે જે તે મને સવાલ પૂછ્યો તે હું તને પૂછું તો, મતલબ તો તું શું કરત જો તને એવો મોકો મળ્યો હોય તો?"


આરોહી એ હસીને કહ્યું "મને નથી ખબર શું કરું,મને હજી સુધી એવું કંઈ કામ મળ્યું નથી કે હું તે કરી શકું.હા, મને પુસ્તક વાંચવા ગમે છે પણ કદાચ હું તે આખો દિવસ કરું તો કંટાળી જાઉં."


"અચ્છા તો તું કહેવા માંગે છે કે તને નથી ખબર કે તને શેનાથી આનંદ મળે છે?"


આરોહી એ પોતાનું માથું હલાવ્યું અને કહ્યું "હા, મને તો નથી ખબર એટલે મારા માટે તો કોઈ રસ્તો જ નથી.પણ તને તો ખબર છે તો તું કેમ નથી કરતો?"


કવન પાસે તેના સવાલ નો કોઈ જવાબ નહોતો.તે કાંઈ ના બોલ્યો.

રાત બહુ થઈ ગઈ હતી એટલે બંને એ હસતા હસતા વિદાય લીધી.તે પોતપોતાના ટેન્ટ માં જતા હતા.

ત્યારે કવને આરોહીને રોકીને કહ્યું

"કેટલીક વસ્તુ મને ખબર હોય છે તો પણ હું કંઈ કરી નથી શકતો કારણકે તે વસ્તુઓ એકલા મારા પર નિર્ભર નથી હોતી."


તે બંને પોતપોતાના ટેન્ટ માં ચાલ્યા ગયા.તેમની તે સુંદર વાર્તાલાપ તે ચંદ્ર,તે મોટા વૃક્ષો,તે ઓલવાઈ ગયેલા કેમ્પફાયર ની રાખ અને તે રાતકીડા જે ધીમેધીમે અવાજ કરી રહ્યા હતા તે પણ સાંભળતા હતા.


માણસ ની હકીકત તે ક્યારેય નથી હોતી જે તે કરે છે માણસની હકીકત તે છે જે તે એક દિવસ અને હંમેશા માટે કરવા માંગે છે અને આજ ફરક છે સ્વપ્ન અને હકીકતમાં.સ્વપ્નને હકીકતમાં બદલવાનું પહેલું પગથિયું ત્યારે પૂરું થાય છે જ્યારે માણસ સ્વપ્ન અને હકીકત વચ્ચેના ભેદ ને જાણે.


માણસ એ દુનિયામાં ડૂબેલો રહીને તે વસ્તુ દુનિયામાં ક્યારેય જોઈ નથી શકતો જે તે જોવા માંગે છે.


કવને જાણ્યું કે આરોહી તેની અત્યાર સુધી કંઈ લાગતી નહોતી પણ છતાંય તેણે જે કહ્યું તે મને કદાચ કોઈ પોતાનું માણસ જ કહી શકે છે.એક બાજુ તેણે મને જે કહ્યું એનો આનંદ છે.પણ તેનો અમલ ના કરી શકવાનો વસવસો પણ છે.

ક્રમશ