The light of distance in Gujarati Short Stories by SHAMIM MERCHANT books and stories PDF | અંતરનો અજવાશ

Featured Books
Categories
Share

અંતરનો અજવાશ



"તમને ખબર છે, આપણી નવી પાડોશી, શ્રીમતી તિવારી...."
સુનીલ શર્મા ડિનર માટે પ્લેટ ગોઠવી રહ્યો હતો, જ્યારે તેની પત્ની નિધિએ ટેબલ પર ભોજન રાખતા, વાત કરવાનું શરૂ કર્યું.
"તેના વિષે શું?" સુનિલે કેજ્યુલી પૂછ્યું.
"તે ખૂબ જ બેદરકાર માં છે."
અરે... ફરી શરૂ થઈ ગઈ! સુનીલે વિચાર્યું, પણ મોટેથી તેણે પૂછ્યું, "તને કેવી રીતે ખબર કે તે બેદરકાર માં છે?"
"આજે સાંજે મેં તેના પુત્ર, તરુણને કાદવવાળા કપડાં, ધૂળ માટીથી ભરેલા વાળ અને દુર્ગંધવાળા જૂતામાં વેરવિખેર જોયો. યક!! જોઈને ઉલ્ટી આવે. મને ખાતરી છે કે તે સ્વાર્થી હશે અને તેના પુત્રની જરાય કાળજી નહીં લેતી હોય."

પરંતુ નિધિને એ નહોતી ખબર કે શ્રીમતી તિવારીનો પુત્ર ફૂટબોલ પ્રેક્ટિસથી આવ્યો હતો. પાછળથી તેની મમ્મીએ તરુણને ઘસી-ઘસીને નવડાવ્યો, રાત્રિભોજનમાં તેનું મનપસંદ પિઝા બનાવ્યું અને તેને એક સુંદર વાર્તા સાથે પથારી ભેગો કર્યો.

તરલા તિવારી, નવી પાડોશી, તાજેતરમાં તેમના બંગલોની કોલોનીમાં શિફ્ટ થઈ હતી અને શર્મા પરિવારની બાજુમાં જ રહેતી હતી. તે દસ વર્ષના પુત્રની સિંગલ મધર હતી અને બહુરાષ્ટ્રીય કંપનીમાં ઘરેથી કામ કરતી હતી. તરલા હજુ સરખી રીતે ઠરીઠામ થવામાં વ્યસ્ત હતી, તેથી તેને આસપાસના લોકો સાથે ભળવાનો સમય ભાગ્યે જ મળતો.

નિધિ એક ગૃહિણી હતી અને તેના કામમાં ખૂબ જ ઝીણવટભરી હતી. બસ તેની એકમાત્ર ખામી એ હતી કે તેને નાનકડા બિંદુને ખેંચીને લાઈન બનાવવામાં જરાય વાર નહોતી લાગતી. બીજાના પ્રતિ તે મનઘડંત ધારણાઓ બાંધી લેતી અને અન્યની ટીકા કરવામાં તે માહિર હતી. સુનીલ તેની પત્નીને પ્રેમ કરતો હતો, પરંતુ નિધિની આ ટેવ તેને ખૂબ અખરતી.

ઊંડો નિસાસો નાખી, સુનીલ બેઠો, અને ધીરજ રાખતા પૂછ્યું, “નિધિ, તું શ્રીમતી તિવારીને કેટલી વાર મળી છે?”
"એકેય વાર નહીં. પરંતુ મેં તેના પુત્ર તરુણને જોયો, તેની અવ્યવસ્થિત સ્થિતિ સ્પષ્ટપણે બતાવે છે કે તરલા કેવી માં હશે.”
સુનીલે હાર માનતા માથું હલાવ્યું અને તે વિષયને પડતો મૂક્યો. તે દલીલ કરીને ઘરની શાંતિને બગાડવા નહોતો માંગતો. તેમ છતાં, તેણે આ બાબત પર ચિંતન કરવાનું ચાલુ રાખ્યું અને વિચાર્યું કે તે તેની પત્નીને ઓછી નિંદા કરતી અને વધુ સમજદાર વ્યક્તિ બનવામાં કેવી રીતે મદદ કરી શકે.

થોડા દિવસો પછી, તેનું ટિફિન પેક કરતી વખતે, નિધિએ ટિપ્પણી કરી, "સુનીલ, ગઈકાલે પાર્વતી મને કહેતી હતી કે શ્રીમતી તિવારીને તેમના છૂટાછેડામાં મોટી ભરણપોષણની રકમ મળી છે અને તેથી તેણે આ બંગલો ખરીદ્યો." સુનિલ કંઈક બોલે, તે પહેલાં, નિધિએ તેના પૂર્વગ્રહયુક્ત ટીકા ચાલુ રાખી, “મને તેના પતિ પર દયા આવે છે. તરલા કેટલી કઠોર સ્ત્રી હશે. હું કલ્પના પણ નથી કરી શકતી, કે તે તેના પુત્રને કેવી રીતભાત શીખવશે."

સુનીલને મોડું થઈ રહ્યું હતું, પરંતુ તેને સમજાયું કે નિધિની કલંક લગાડવાની ટેવ વધી રહી હતી. નિધિ હાનિકારક અને અણગમતી વ્યક્તિમાં ફેરવાય જાય, તે પહેલાં જરૂરી હતું કે તે સ્વ-વિશ્લેષણ કરે.

તેનો હાથ પકડીને તેણે નિધિને પોતાની બાજુમાં બેસવા માટે ઈશારો કર્યો અને નમ્રતાથી શરૂ કર્યું, “નિધિ, તેં તરલા સાથે એકેય વખત પણ વાત નથી કરી. માત્ર અફવાઓના આધારે, તું કેટલી ફરઝી માન્યતાઓના કિલ્લા બાંધી રહી છે. શું તને નથી લાગતું કે આવું કરવું અસંવેદનશીલ છે?"
"સુનીલ, બધા ખોટા ન હોઈ શકે."
સુનીલ દોષની રમત રમવા નહોતો માંગતો, તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે નિધિના અંતરમાં અજવાશ થાય, ફક્ત તે જ તેના બીજા લોકો પ્રત્યેના દૃષ્ટિકોણને પરિવર્તિત કરશે. સાવચેતીપૂર્વક, તેણે કંઈક નવીન સૂચન કર્યું, “નિધિ, એક કામ કર. આપણા પડોશમાં તેમનું સ્વાગત કરવા માટે કોઈ સરસ મીઠાઈ બનાવ અને શ્રીમતી તિવારીના ઘરે લઈ જા. તેમને રાત્રિભોજન માટે આપણે ત્યાં આમંત્રિત પણ કરતી આવજે. તને આ યોજના કેવી લાગી?"

થોડીક તાજી ગપસપ મેળવવાના આશયથી, નિધિને આ આઇડિયા ખૂબ ગમી, સિવાય, કે જ્યારે તે તિવારીના બંગલામાં પગ મૂક્યો, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તરલા નિધિને જોઈને દિલથી ખુશ થઈ અને એક સુખદ સ્મિત સાથે તેનું સ્વાગત કર્યું. તેની પાસેથી કેરમેલ પુડિંગ સ્વીકારતી વખતે, તરલાએ કહ્યું, “ઓહ નિધિ! તે કેટલી તકલીફ લીથી મારા માટે. થેંક યું સો મચ. પ્લીઝ બેસ અને મને પાંચ મિનિટ આપ. હું તરુણને તેના હોમવર્કમાં મદદ કરી રહી છું, કારણ કે પછી તે ફૂટબોલ રમવા ભાગી જશે."

નિધિએ નોંધ લીધી કે તેની નવી પાડોશીનું ઘર ચોક્ખું ને ચટ હતું. તદુપરાંત, તરલા કમ્પ્યુટર પર કામ કરવાની સાથે સાથે તરુણને કેમિસ્ટરીમાં પણ મદદ કરી રહી હતી. તેણે નિધિ સાથે તેના પુત્રનો પરિચય કરાવ્યો અને તેને શુભેચ્છા આપવા કહ્યું. નિધિએ એ પણ જોયું કે તેનો પુત્ર નમ્ર અને સંસ્કારી હતો. તરુણ મેચ માટે રવાના થયા પછી, તરલા બે મગ ગરમ કોફી અને ઘરે બનાવેલા બિસ્કીટ લઈને હોલમાં આવી. પૂર્વધારણાના અપરાધે નિધિના ગળામાં ગાંઠ બાંધી દીધી, પણ તરલા નિધિને જોઈને ખૂબ જ ખુશ હતી અને દિલ ખોલીને વાત કરવા લાગી. જેમ જેમ વાતચીત આગળ વધી, નિધિને ખબર પડી કે તરલા વિધવા હતી અને આ બંગલો તેણે લોન પર ખરીદ્યો હતો. એકલા હાથે તરુણને મોટો કરવામાં જે એને કષ્ટ સહન કરવો પડ્યો હતો, તે બધી વિગતવાર તરલાએ નિધિને વાત કરી. તરલા ઘણી મળતાવડા સ્વભાવની વ્યક્તિ હતી અને નિધિને તેની સાથે વાત કરવાની મજા આવી.

એ રાત્રે જ્યારે સુનીલ ઘરે આવ્યો, ત્યારે નિધિ અસામાન્ય રીતે ચુપચુપ હતી. બેત્રણ વાર પૂછ્યા પછી તેણે ધીમેથી કબૂલ કર્યું. “મને માફ કરજો સુનીલ. તમે સાચા હતા. મને તરલા વિશે ઘણી ભ્રમણા હતી. તે ખરેખર એક સારી વ્યક્તિ છે. મને તે ખૂબ ગમી. ”

સુનીલની રાહત તેના વ્યાપક સંતોષકારક સ્મિતમાં તરી આવી. પરંતુ નિધિની કબૂલાત પૂરતી નહોતી, સુનીલને તેની પાસેથી કંઈક વધુ જોઈતું હતું. તેનો હાથ પોતાના હાથમાં લઈને, તેણે પ્રેમથી શરૂ કર્યું, "પ્રિય, આ સાંભળીને મને આનંદ થયો. યાદ રાખજે, અન્ય લોકો પ્રત્યેની તારી ધારણા તારા પાત્રનું પ્રતિબિંબ દર્શાવે છે, તેમનું નહીં. સમજી?"
નિધિએ સ્મિત કર્યું અને દોષ કબૂલ્યો, “હા સુનીલ, હું સમજું છું. હું મારી જાતને બદલવાનું વચન આપું છું.”
સુનીલે તેના ખભા પર હાથ મૂકતા કહ્યું, "નિધિ, તું પણ ખૂબ સારી છે, તારે ફક્ત જાગૃતિની જરૂર હતી."

સુનીલે તેનું નાક ખેંચ્યું અને કટાક્ષ કરી, "જો તું તારી જાતને રોકી ન શકે અને એવું લાગે કે તું જિજ્ઞાસાથી મરી જઈશ, તો ટીકા કરવાને બદલે પ્રશ્નો પૂછવા અને યોગ્ય માહિતી મેળવવી વધુ સારું રહેશે."
નિધિએ તેને હળવો મુક્કો માર્યો અને બંને હસવા લાગ્યા.

નિધિના અંતરના અજવાશે તેનું પરિવર્તન કર્યું; વધુ સારું એ થયું, કે નિધિ અને તરલા જીવનભર માટે મિત્રો બની ગયા!

શમીમ મર્ચન્ટ, મુંબઈ.
______________________________