પુસ્તકનું નામ:- મળેલા જીવ
સમીક્ષક:- ડૉ. રંજન જોષી
લેખક પરિચય:-
'મળેલા જીવ' નવલકથાના લેખક પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. પોતાના જીવનના સંઘર્ષના સમયને તેઓ 'વાસંતી દિવસો' કહેતા. ગુજરાતી સાહિત્યમાં તેમણે માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યાના ભેરૂ, ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા, મનખાવતાર, નાછૂટકે જેવી નવલકથાઓ લખી છે તો પૂર્ણયોગનું આચમન નામનો ચિતનગ્રંથ લખ્યો છે. સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, પાનેતરમાં રંગ, વટનો કટકો, મનનાં મોરલાં, વાત્રકને કાંઠે, ચીતરેલી દીવાલો, પીઠીનું પડીકું, જીંદગીના ખેલ વગેરે તેમના નવલિકા સંગ્રહો છે. જમાઈરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણીના કાંઠે, ઢોલીયા સાગ સીસમના જેવા નાટકો પણ તેમણે લખ્યા છે. આ ઉપરાંત બાળસાહિત્ય, આત્મકથા અને અન્ય ગ્રંથોનું પણ તેમણે સર્જન કર્યું છે.
પુસ્તક વિશેષ:-
પુસ્તકનું નામ : મળેલા જીવ
લેખક : પન્નાલાલ પટેલ
પ્રકાશક : સંજીવની પ્રકાશન
કિંમત : 250 ₹.
પૃષ્ઠ સંખ્યા : 272
બાહ્ય મૂલ્યાંકન:-
પુસ્તકના મુખપૃષ્ઠ પર લીલુડી ધરતી પર પડેલા, પીળાશ પડતા, જરા હરખા એકબીજા સાથે અડકેલા પાન ને એમાં ડોકા દેતી મુખાકૃતિ 'મળેલા જીવ'ની કથા વિશે વાચકને સૂચિત કરે છે. બેક કવર પર ઝવેરચંદ મેઘાણીએ આ વાર્તા વિશે લખેલી પ્રસ્તાવના છપાઈ છે. ફોન્ટ સરળતાથી વાંચી શકાય તેવા રાખવામાં આવ્યા છે. કાગળની ગુણવત્તા ઉચ્ચ છે, જાડા પેજ છે જેના લીધે આગળનું લખાણ પાછળ દેખાતું નથી. પુસ્તકનું કદ નાનું છેે જેના લીધે તેને લઈને ગમે ત્યાં જઈ શકાય અને એને એક હાથમાં લઈને આરામથી વાંચી શકાય છે.
પુસ્તક પરિચય:-
મળેલા જીવ પન્નાલાલ પટેલ દ્વારા લિખિત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનું ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે. મળેલા જીવનો 'જીવી' શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી 'ઉલઝન' નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. આ જ કથા પરથી ગુજરાતીમાં ‘મળેલા જીવ ‘ અને કન્નડમાં ‘જન્મુદા જોડી' નામે ફિલ્મો પણ બની છે. ગુજરાતી નાટયજગતના જાણીતા દિગ્દર્શક શ્રી નિમેષ દેસાઈ અને ટીમે આ નવલકથાનું નાટ્ય રૂપાંતર પણ કરેલું.
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડુંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ Love at first sight ને સાર્થક કરતા એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમિકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ ત્યાં તો કાનજીનો જીવી સાથેનો જનમ જનમનો સાથ છૂટી જાય છે ને 'હમ જુદા હો ગયે રાસ્તે ખો ગયે' જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. હવે શરૂ થાય છે કહાની મેં ટ્વીસ્ટ.. પછી કાનજીએ શું કર્યું અને કાનજી ને જીવી ફરી મળ્યા કે નહીં એ જાણવા તો તમારે પૂરી વાર્તા વાંચવી જ પડશે.
શીર્ષક:-
મેળામાં કાનજી અને જીવીના જીવ મળે, વળી ધૂળાની એન્ટ્રીથી છૂટાં પડે, જીવીની અવદશા ને અંતે થતું કાનજી-જીવીનું મિલન - આ વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. તેથી, 'મળેલા જીવ' શીર્ષક યોગ્ય જ છે. શીર્ષક મુખર છે, કથા તરફ દિશાનિર્દેશ કરનારું છે.
પાત્રરચના:-
આ નવલકથાના મુખ્ય પાત્રોમાં કાનજી એટલે ઉધેડિયા ગામમાં મોટાભાઈના પરિવાર સાથે રહેતો પટેલ ખેડૂત યુવાન. જીવી એટલે બાજુના જોગીપરા ગામમાં રહેતી વાળંદ પરિવારની યુવતી. હીરો એટલે કાનજીનો મિત્ર અને સુખ-દુઃખનો સાથી. ભગત એટલે ગામના સૌથી શાણા અને અનુભવસમૃદ્ધ વ્યક્તિ. ધૂળો એટલે કાનજીના ગામનો પગે જરાક ખોડવાળો વાળંદ યુવાન, જે જીવી સાથે લગ્ન કરે છે.
આમ, તો તમામ પાત્રો લેખકના મનમાં રહેલા પાત્રોને ઉપસાવી કથાને સમૃદ્ધ બનાવે છતાં આ નવલકથામાં કાનજીનું પાત્ર મને ડરપોક તેમજ સ્વાર્થી લાગે છે. પોતાના પ્રિય પાત્રને આટલી હેરાન થતી જોઈને પણ એ કંઈ જ નથી કરતો. અંતે થતા મિલનમાં જીવીની જે દશા છે એમાં એ મિલન પણ કેટલું સાર્થક! એ એક પ્રશ્નાર્થ બની રહે. પણ કહેવું પડે લેખકની સક્ષમતાને! શું ગજબનું કામણ વાચકો ઉપર કરે છે!
સંવાદો/વર્ણન:-
વર્ણન મોટેભાગે ગ્રામ્ય સંસ્કૃતિનું છે. સંવાદો પણ લોકબોલીમાં જ જોવા મળે છે. જીવી અને કાનજીએ વેઠેલી વ્યથાઓ અને તડપને વ્યક્ત કરતા લેખક લખે છે:
“શીદ મેલ્યું ‘લ્યા ઝરમર કાળજું !
ભૂલ્યો ભૂલ્યો ભલા ભગવાન !”
પ્રથમ સંગાથ પ્રકરણમાં કાનજીના મુખે કહેવાયેલું
"રૂપિયો આલતાય ચગડોળમાં આમ જોટાજોટ બેસનાર ન મળે તો વળી પૈસામાં તેં શી વિસાત છે?"
પુસ્તકના સૌથી છેલ્લા પાને જયારે કાનજી જીવીને લઈને જાય છે ત્યારે મિત્ર ભગતના મોઢે બહુ સુંદર વાત સાથે વાર્તા સમાપ્ત થાય છે.
”વાહ રે માનવી! તારું હૈયું! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતના ઘુંટડા !”
લેખનશૈલી:-
'મળેલા જીવ' પુસ્તકની લેખન શૈલી સાહિત્યિક છે. આ પુસ્તકને સાધારણ માણસ પણ પુસ્તક વાંચી શકે તેવી લેખકની લેખનશૈલી છે. લેખક પન્નાલાલ પટેલની પોતાની બધી રચનાઓ પ્રાદેશિક છે. જે લોકો સરળ રીતે વાંચી શકે છે.
વિશેષ મૂલ્યાંકન:-
સૌરાષ્ટ્રના જાણીતા વર્તમાનપત્ર ‘ફૂલછાબ' ના વાચકો માટે ભેટ પુસ્તક તરીકે આપવા મેઘાણીજીના આગ્રહથી પન્નાલાલ પટેલે માત્ર 24 જ દિવસમાં લખી આપેલ આ નવલકથાની આજે કંઈ કેટલીય આવૃત્તિ થઈ ચૂકી છે. શું અદભુત વાર્તા! કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ અને કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઈ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડશે , પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની સંકુચિત બુદ્ધિને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસૂસ કરી શકશે. આજના આધુનિક યુગમાં પ્રેમીયુગલોએ પોતાના પ્રેમને સાર્થક બનાવવા આ રચનાને વાંચવી જોઈએ.
ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધિ છતાં તેમની અદભુત સહનશક્તિ, દરિયા જેવું તેમનું વિશાળ દિલ, તેમનો કપટરહિત નિસ્વાર્થ નિર્મળ પ્રેમ અને ગમે ત્યાં મળી આવતા સ્વાર્થી લાલચુ લોકો. આ બધાનું આલેખન પન્નાલાલ પટેલે ખુબ જ અદભુત રીતે કર્યુ છે. ટૂંકમાં કહું તો ‘મળેલા જીવ’ એટલે જેને વાંચતા વાંચતા આપણો જીવ અધ્ધર થઈ જાય એવી એક ગામડાની પ્રેમગાથા જે કુલ ૨૨ પ્રકરણમાં વણાયેલી છે. જેમાં પોતાના પ્રિયપાત્રને પરિવારથી છૂપાઈને મળવાનો હરખ પણ છે અને પોતાના પ્રિય પાત્રને લોકલાજે અને સમાજના ડરથી કોઈ બીજાને સોંપી દેવાની વેદના પણ છે.
મુખવાસ:- આકર્ષણ, મોહ, પ્રેમ, વિશ્વાસ, ભક્તિ અને દિવાનગીનું સંયુક્ત ભાવવિશ્વ એટલે મળેલા જીવ.