Pranay Parinay - 19 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 19

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 19

મલ્હાર અને ગઝલનું ફેમિલી બંનેનો સંબંધ સ્વીકારી લે છે અને બે દિવસમાં સગાઇ અને બીજા અઠવાડિયે લગ્ન કરવાનું નક્કી કરે છે.

મિહિર પોતાનો વારસો ગઝલને આપવાની વાત કરે છે પણ પ્રતાપ ભાઈ અને ગઝલ ના કહે છે. મલ્હારને એ વાત પસંદ નથી આવતી. અત્યારે એ ગમ ખાઈને ભવિષ્યમાં ગમે ત્યારે કારોબાર પચાવી પાડવાનો વિચાર કરે છે.

મલ્હાર પબમાં દોસ્તો સાથે પાર્ટી કરતો હોય છે ત્યારે કાવ્યાની ફ્રેન્ડ આરોહી, તેના ગઝલ સાથે થવાના લગ્ન વિશે જાણી જાય છે. તે કાવ્યાને આ વાતની માહિતી પહોંચાડે છે.

કાવ્યા ગુસ્સામાં ઘરેથી કાર લઈને નીકળે છે અને મલ્હારનો પીછો કરીને તેને રસ્તા વચ્ચે આંતરે છે.


હવે આગળ..


**


પ્રણય પરિણય ભાગ ૧૯


'યૂ ઈડિયટ… બહાર નીકળ..' મલ્હાર ગુસ્સાથી બોલ્યો.

અને કાવ્યા કારમાંથી નીચે ઉતરી..


મલ્હારને સપનેય ખ્યાલ નહોતો કે અત્યારે કાવ્યાનો સામનો થશે.


કાવ્યાને સામે જોઈને મલ્હારને ઝટકો લાગ્યો અને તેણે નાઈટ ક્લબમાં કરેલો બધો નશો ઉતરી ગયો.


'બેબી તું..' મલ્હાર આશ્ચર્ય મિશ્રિત આઘાત સાથે બોલ્યો.


'મને જોઈને તને ખુશી ન થઈ કે?' કાવ્યા હાથની અદબ વાળીને બોલી.


'નો બેબી.. મતલબ હાં બેબી, આઈ એમ વેરી હેપ્પી ટુ સી યૂ.. આઇ મિસ્ડ યૂ અ લોટ બેબી..' મલ્હાર તેની નજીક જતાં બોલ્યો.


'બેબી ગઈ ભાડમાં, તું તો ઓસ્ટ્રેલિયા હતોને?' કાવ્યા ગુસ્સાથી બોલી.


'હાં, આજે સવારે જ આવ્યો.' મલ્હાર થોડો થોથરાયો.


'વ્હોટ? તું સવારનો આવી ગયો છે અને મને એક ફોન પણ નથી કરી શકતો?' કાવ્યાનો ગુસ્સો વધતો જતો હતો.


'તને કાલે સવારે મળીને સરપ્રાઈઝ આપવી હતી, એટલે મેં ફોન ના કર્યો બેબી..' મલ્હાર જૂઠુ બોલીને તેને રીઝવવાની કોશિશ કરી રહ્યો હતો પણ કાવ્યાને તેની વાત પર વિશ્વાસ નહોતો.


'ઠીક છે, ચલ..' કાવ્યા કોરા અવાજે બોલી.


'ક્યાં..?'


'તારા ઘેર.. આપણે અત્યારે જ આપણાં સંબંધ વિશે બધાને કહી દઇએ.'


'અત્યારે? રાતના?' મલ્હાર ગભરાઈને બોલ્યો.


'હાં, એમ પણ કાલે તો બધાને કહેવાનું જ છેને? તો ચલ, આજે જ કહી દઇએ.' કાવ્યા મક્કમતાથી બોલી.


'આમ જો કાવ્યા, અત્યારે આ સમયે હું તને મારા ઘરવાળા પાસે ના લઇ જઈ શકું.' મલ્હારનું દિમાગ બહાના શોધી રહ્યું હતું.


'કેમ?'


'અરે.. અત્યારે એમનો મૂડ કેવો હોય એ કોને ખબર? સવારના એકદમ ફ્રેશ માઈન્ડ હોય ત્યારે વાત કરીએ તો સારું રહે એટલા માટે કહું છું.' મલ્હારને પોતાને પણ ખબર હતી કે એ સાવ પોકળ બહાનુ હતું. તેમ છતાં, તે આ પરિસ્થિતિને સંભાળવા માટે હવાતિયાં મારી રહ્યો હતો, તે પોતાના ગુસ્સા પર પરાણે કાબુ રાખી રહ્યો હતો.


'ઠીક છે, તો ચલ મારા ઘરે વાત કરીએ.' કાવ્યા તેનો હાથ પકડતાં બોલી.


'કાવ્યા, તને આજે આ શું થયું છે?' મલ્હારને છટકવાનો કોઈ માર્ગ નહોતો મળી રહ્યો.


'મને કંઇ નથી થયું, પણ મારે હવે કોઈને અંધારામાં નથી રાખવા, તારા ઘરનાંનુ તો ખબર નહીં, પણ મારા ઘરના મારી ખુશી માટે આપણો સંબંધ સ્વીકારી લેશે. તું ચલ…' કાવ્યાની મક્કમતા કાયમ હતી.


'આ કેવું પાગલપણ છે કાવ્યા? તને એકવાર કીધુંને કે કાલે સવારે ઘરે વાત કરશું.' મલ્હાર ચિડાઈ ગયો.


'કાલ..? તારી કાલ ક્યારે થશે મલ્હાર?' કાવ્યાએ બેઉ હાથે તેનાં કોલર પકડ્યા. 'છેલ્લા છ મહિનાથી તું આમ જ વાતને ટાળી રહ્યો છે. તારા માટે, આપણાં પ્રેમ માટે મે શું શું નથી કર્યું? મારા ભાઇની પ્રોજેક્ટ ફાઈલો ચોરીને તને આપી, તને મારુ સર્વસ્વ સોંપી દીધું, આપણું બાળક.. મલ્હાર, આપણું બાળક પણ મેં તારા કહેવા પર એબોર્શન કરાવીને આપણાં પ્રેમના નામે હોમી દીધું. મેં મારા માતૃત્વનો ત્યાગ કર્યો.. કોના માટે? તારા માટે, ફકત તારા પ્રેમને પામવા માટે.. અને તું હવે પીછેહઠ કરી રહ્યો છે?' કાવ્યાનો ગુસ્સો એની આંખોમાં પાણી બનીને ઉતરી આવ્યો હતો.


'વ્હોટ નોનસેન્સ.' મલ્હાર તેના હાથમાંથી કોલર છોડાવતાં બોલ્યો.


'તને શું લાગે છે? મને કંઇ ખબર નહીં પડે? તું ઈન્ડિયામાં જ હતો, તુ ઓસ્ટ્રેલિયા ગયો જ નથી. મારુ એબોર્શન થયું ત્યારથી તું મને એવોઈડ કરે છે, મારી પાસેનો તારો નંબર પણ તે બંધ કરી દીધો છે.. અને હવે તું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવાની તૈયારીમાં છે, એમ આઈ રાઈટ મલ્હાર? તું મારી સાથે એવડો મોટો દગો કેવી રીતે કરી શકે?' કાવ્યાએ ફરીથી એના કોલર પકડ્યા.

એ ગુસ્સામાં લાલચોળ થઇ ગઇ હતી. મલ્હાર ગભરાયો.. એને એ નહોતુ સમજાતું કે કાવ્યાને આ બધી ખબર કેવી રીતે પડી ગઈ?

કાવ્યાને આની કોઈ કાળે ખબર પડવા દેવાની નહોતી, એને ખબર પડે એ તો તેને બિલકુલ પાલવે તેમ નહોતું.

મલ્હાર ચકરી ખાઇ ગયો.


'ના બેબી, એવું કંઈ નથી, તને કંઈક ગેરસમજ થઈ રહી છે.' મલ્હાર લાળા ચાવતા બોલ્યો. કોઈ પણ રીતે તેને હવે આ સિચ્યુએશનનો તોડ કાઢવો હતો. પણ કાવ્યાને બધી ખબર પડી ગઈ છે એ જાણીને તેનુ મગજ બહેર મારી ગયું હતું.


'ના મલ્હાર, મને કોઈ ગેરસમજ નથી થઈ. મને સાચી હકિકત ખબર પડી ગઈ છે. અને એક વાત તું કાન ખોલીને સાંભળી લે, તું જો એવું સમજતો હોય કે કાવ્યા ભોળી છે, અને તું એને યૂઝ કરીને ફેંકી દઈશ.. તો તારી ભૂલ થાય છે. મારું પુરૂ નામ કાવ્યા કૃષ્ણકાંત શ્રોફ છે. હું વિવાન શ્રોફની લાડકી બહેન છું.. એજ વિવાન શ્રોફ, જે એની બહેનના એક શબ્દ પર કંઇ પણ કરી શકે છે. એ મારા માટે થઇને જીવ દઇ પણ શકે છે અને કોઈનો જીવ લઇ પણ શકે છે. મારા ફક્ત એક શબ્દ પર એ તને તારા ઘરમાંથી ઉઠાવી શકે તેમ છે. અને ધારે તો તને દુનિયાથી પણ ઉઠાવી શકે તેમ છે.' કાવ્યાએ હવે સીધી ધમકી જ આપી દીધી.


મલ્હારને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો પણ અત્યારે મગજ શાંત રાખીને વિચારવાનું હતું.. તેણે બે ક્ષણ વિચાર કર્યો. અચાનક તેની આંખોમાં એક પિશાચી ચમક આવી.


'તું એવું સમજે છે કે હું તારી સાથે દગો કરી રહ્યો છું? ખરેખર એવું કંઈ નથી બેબી.. તારે અત્યારે જ આપણાં સંબંધ વિશે બધાને કહેવું છેને? તો ઠીક છે ચલ કહી દઇએ.'


'આર યૂ શ્યોર?' કાવ્યાને મલ્હારની વાત પર ભરોસો નહોતો બેસતો.


'હાં.. ડેમ શ્યોર, મારી જાનને જો મારા પર વિશ્વાસ ન હોય તો મારી જાતને સાબિત કરવા માટે આના સિવાય બીજો કોઇ ઉપાય નથી. વધુમાં વધુ શું થશે? ડેડી મને ઘરની બહાર કાઢી મૂકશે એટલુ જ ને? ભલે કાઢી મૂકે, તારો ભરોસો જીતવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું.' મલ્હાર અવાજમાં ભારોભાર પ્રેમ ઘોળીને બોલ્યો.


'સાચુ કહેજે મલ્હાર, તું અત્યારે જ મને તારા ઘરે લઈ જઈશ?' કાવ્યા હજુ કંઈક અંશે અસમંજસમાં હતી.


મલ્હારે પોતાની બેઉ હથેળીમાં કાવ્યાનો ચહેરો લીધો અને બોલ્યો: 'મારા નહીં આપણાં ઘરે.. આપણાં લગ્ન થઈ ગયા છે, ભુલી ગઇ?'


'હાં આપણાં ઘરે..' કાવ્યા ખુશ થઈને બોલી અને તેણે મલ્હારને આલિંગન આપ્યું.


'ચલ,.' મલ્હાર બોલ્યો.


'મારી કાર..'


'તું તારી કાર લઈને મારી પાછળ પાછળ આવ..'


'ઓકે.' કાવ્યા ખુશ થઈને એની કાર તરફ ગઇ અને મલ્હાર પોતાની કારમાં બેઠો.

કારમાં બેસતાં જ તેણે ફટાફટ એક મેસેજ ટાઈપ કરીને એક નંબર પર સેન્ડ કર્યો, પછી મોબાઈલ સાઇડમાં મૂકીને ગાડી સ્ટાર્ટ કરી.


મલ્હારની કાર આગળ હતી અને કાવ્યાની કાર એને ફોલો કરતી પાછળ જઇ રહી હતી.


પાંચેક મિનિટના અંતર પછી એક સિગ્નલ આવ્યું, સિગ્નલ રેડ થવાની જસ્ટ પહેલા મલ્હારની કારે રાઈટ ટર્ન લઇ લીધો. કાવ્યાની કાર ત્યાં સુધી પહોંચે એના પહેલા સિગ્નલ રેડ થઇ ગયું. લગભગ ચાલીસેક સેકન્ડ પછી સિગ્નલ ગ્રીન થયું. એ દરમિયાન કાવ્યાને ખ્યાલ આવ્યો હતો કે આ રસ્તો મલ્હારનાં ઘર તરફ નથી જતો, પણ તેણે કદાચ આગળથી શોર્ટકટ હશે એમ ધારી લીધું.


સિગ્નલ ગ્રીન થયા પછી કાવ્યા પણ મલ્હારની દિશામાં વળી. એ રસ્તો નવા ડેવલપ થતાં એરિયા તરફ જતો હતો. કાવ્યાને સિગ્નલ નડવાના લીધે મલ્હારની કાર ઘણી આગળ નીકળી ગઈ હતી.

દોઢ બે કિલોમીટર જેટલું અંતર કાપ્યા પછીનો રસતો સુમસામ થવા લાગયો. રસ્તાની બંને બાજુ ફક્ત અંડર કંસ્ટ્રકશન મકાનો દેખાતા હતાં.


રાત ઘણી વહી ગઈ હતી. રસ્તા પર કોઈ માણસ દેખાતો નહોતો. આગળ ક્યાંય સ્ટ્રીટ લાઈટો પણ નહોતી. તેણે દસેક મિનિટ સુધી એ રસ્તે કાર ચલાવી પણ મલ્હારની ગાડી ક્યાંય દેખાતી નહોતી.

છેવટે તેણે ગાડી ઉભી રાખીને આજુબાજુ જોયું. બધી તરફ અંધારું હતું, અમુક કંસ્ટ્રકશન સાઇટો પર એકાદો બલ્બ ચાલુ હતો. બાકી બધું સુમસામ હતું.


તેણે મોબાઈલ હાથમાં લીધો, મલ્હારનો નંબર ડાયલ કર્યો. પણ તેની પાસે જે નંબર હતો એ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. કાવ્યા ફરી ફરીને એ નંબર ટ્રાઇ કરી રહી હતી. તેવામાં એક મોટું ડમ્પર ધસમસતું તેના તરફ આવ્યું અને…


ધડામમમ… કાન ફાડી નાખે એવો મોટો અવાજ થયો.. કાવ્યાની ગાડી હવામાં ઉછળી, પલટી ખાઈને નીચે પડી.. પેલું ડમ્પર થોડું રિવર્સ ગયું અને ફરીથી કાવ્યાની ગાડીને હડફેટે લીધી. ગાડી બે પલટી ખાઇને ઢસડાતી રસ્તાની સાઈડમાં નીચે ઉતરી ગઈ.


**


વિવાન ગઝલની યાદોથી છૂટવાની ભરપૂર કોશિશ કરી રહ્યો હતો પણ એને સફળતા નહોતી મળતી. ગઝલની યાદો તેને ઊલટાની વધુ ને વધુ સતાવતી હતી. તેણે પોતાની જાતને કામમાં વ્યસ્ત કરી દીધી. આજે તે ઘરે નહોતો ગયો બલ્કે તેની ઓફિસનાં પ્રાઇવેટ સ્યૂટમાં રોકાઈ ગયો હતો.


મલ્હાર અને ગઝલના ચેપ્ટરથી વિવાન ડિસ્ટર્બ રહેતો હતો. તેથી રઘુ પણ ઈચ્છતો હતો કે તે થોડો સમય એકલો રહે.


રાતનાં કાવ્યા બહાર ગઈ છે એની જાણ ફક્ત શ્રોફ બંગલોના ગાર્ડઝને હતી. ત્રણ કલાક કરતાં વધુ સમય થઈ ગયો છતાં કાવ્યા પરત ના આવી એટલે ગાર્ડે રઘુને ફોન કર્યો.


'શું થયું..?' એટલી રાતનાં ગાર્ડનો ફોન આવ્યો એટલે રઘુ પથારીમાંથી ફટાફટ ઉભો થઈ ગયો.


'રઘુ ભાઈ, કાવ્યાબેન દસ વાગ્યાના બહાર ગયાં છે તે હજુ પાછા નથી આવ્યા.' ગાર્ડ ડરતા ડરતા બોલ્યો.


'તું મને છેક અત્યારે કહે છે?' રઘુ ગુસ્સાથી બોલ્યો.


'સોરી રઘુ ભાઈ, કાવ્યાબેન આવી રીતે ઘણી વાર જતા હોય છે પણ એક દોઢ કલાકમાં આવી જાય છે.. પણ.. પણ આજે ઘણો સમય થઈ ગયો..' ગાર્ડના અવાજમાં ગભરાટ હતો.


ત્યાં સુધીમાં રઘુ ગેટ પાસે આવી ગયો હતો.


'બેન ક્યાં ગયા છે એ કંઇ કીધું છે?' રઘુએ કાવ્યાનો નંબર ડાયલ કરતાં પુછ્યું.


'નહીં, કોઈ તેમને ટોકે એ બેનને નથી ગમતું. એમની ગાડી સર્વિસમાં છે એટલે તે સમાઈરા બેનની ગાડી લઈને ગયાં છે.' ગાર્ડે કહ્યુ.


રઘુ કાવ્યાને સતત ફોન ટ્રાઇ કરી રહ્યો હતો પણ ફોન નહોતો લાગી રહ્યો. તેણે કાવ્યાની એક બે

ફ્રેન્ડ્સને ફોન કર્યા પણ કાવ્યા છેલ્લા થોડા દિવસોથી એમાંથી કોઈને નહોતી મળી.


કાવ્યા આજકાલ ઘરે જ રહેતી હતી એ રઘુને ખબર હતી પણ એની પાછળ શું કારણ હશે તેનો વિચાર રઘુ સહિત ઘરમાંથી કોઈએ કર્યો નહોતો. કેમકે તે મનમોજી હતી, બધું તેના મન મુતાબિક કરતી એટલે તેને આવી બાબતોમાં કોઈ કંઈ પુછતું નહીં.


રઘુએ કાવ્યાની ફ્રેન્ડ આરોહીને ફોન લગાવ્યો પણ એનો ફોન સ્વીચ ઓફ હતો.


રઘુ ગાડી લઈને કાવ્યાને શોધવા નીકળ્યો. પણ કઇ બાજુ શોધવી? કેમકે તે કઇ તરફ ગઇ છે એ કોઈને પણ ખબર નહોતી. છેવટે તેણે વિવાનને ફોન લગાવ્યો.


'હાં રઘુ બોલ..'


'ભાઈ, અં.. ક.. કાવ્યા..'


'શું થયું કાવ્યાને..' વિવાન ઝટકાથી ઉભો થતાં બોલ્યો.


'નહીં.. કંઈ થયું નથી પણ કાવ્યા દસ વાગ્યાની બહાર ગઈ છે હજુ સુધી આવી નથી. અને તેનો ફોન પણ નથી લાગતો.' રઘુ ગભરાઈને બોલ્યો.


'વ્હોટ?' કાવ્યા ત્રણ કલાકથી બહાર છે અને તું મને હમણાં કહે છે?'


'મને પણ ગાર્ડે કહ્યુ ત્યારે ખબર પડી.'


'તું ક્યાં છે?' વિવાને કપડાં પહેર્યાં.


'હું તેને શોધવા માટે જ નીકળ્યો છું, પણ કઇ તરફ ગઇ છે એ ખબર નથી એટલે તમને ફોન કર્યો.'


'એક કામ કર પોલીસ સ્ટેશન પહોંચ. હું પણ પહોંચુ છું, વિક્રમને પણ બોલાવી લે.' કહીને વિવાન ગાડીની ચાવી લઈને બહાર નીકળ્યો.


રઘુ અને વિક્રમ પોલીસ સ્ટેશન પહોંચ્યા. વિવાન પણ એની પાછળ પાછળ પહોચ્યો.


'દક્ષ..' વિવાન ઈન્પેકટર દક્ષની પાસે જઈને બોલ્યો.


'વિવાન.. તું પહેલા બેસ અહીં.' ઈન્સ્પેકટર દક્ષ વિવાનના મિત્ર હતાં.


'દક્ષ, કાવ્યા ઘરે નથી.. તેના ફ્રેન્ડ્સને ત્યાં પણ નથી ગઈ.. એ ક્યારેય એટલો ટાઈમ બહાર નથી રહેતી.. તેનો ફોન પણ નથી લાગતો.' વિવાન પૅનિક થઇ રહ્યો હતો.


'તું ધીરજ રાખ, કાવ્યા મળી જશે, એના માટે આપણે જે કંઈ કરવું પડે એ બધુ કરીશું.' દક્ષ વિવાનનો હાથ થપથપાવતાં બોલ્યો.


ત્યાં ઈન્સ્પેકટર દક્ષના મોબાઈલ પર એક ફોન આવ્યો.


'વ્હોટ??' એમ બોલીને તે દક્ષ ઉભો થઈ ગયો.


'ગાડીનો નંબર?' તેણે ફોનમાં પૂછ્યું.


'એમ એચ ઝીરો ટુ.. ફોર વન ફાઈવ..' સામે વાળી વ્યક્તિએ કારનો નંબર આપ્યો જે દક્ષે સામે પડેલા કાગળ પર લખ્યો. વિવાન નંબર વાંચીને ઉભો થઈ ગયો..


'સમાઈરાની ગાડીનો નંબર છે આ… કયાં છે એ?' વિવાન ઉશ્કેરાટમાં જોરથી બોલ્યો.


એક કામ કરો પરમાર એ આખો એરિયા સીલ કરાવી દો, હું હોસ્પિટલમાં જઈને ત્યાં આવું છું.


હોસ્પિટલનું નામ સાંભળીને વિવાનને ચક્કર આવી ગયા અને એ લડખડાઈને બેસી ગયો.


'ભાઈ..' રઘુ ગભરાઈને બોલ્યો.


'બોસ.. ' વિક્રમ પણ ગભરાઈ ગયો.


ટેબલ પરનો પાણીનો ગ્લાસ રઘુએ તેને આપ્યો.


'ના, મારે પાણી નથી પીવું, કાવ્યા હેમખેમ હશેને રઘુ?' વિવાન ગભરાટથી બોલ્યો.

રઘુએ દક્ષ સામે જોયુ.


'સંભાળ પોતાને વિવાન, આવા સમયે જો તું ઢીલો પડીશ તો કેમ ચાલશે?' દક્ષે વિવાનના ખભા પર હાથ મૂક્યો અને પછી બોલ્યો: 'આપણે જલ્દી હોસ્પિટલ પહોંચવું જોઈએ.'

રઘુએ વિવાનને પાણી પીવડાવ્યું. પછી બધા સિટી હોસ્પિટલ જવા નીકળ્યા.


કાવ્યાને થોડીવાર પહેલા જ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. તેના માથામાં જબરદસ્ત માર વાગવાથી ગંભીર ઈજાઓ થઈ હતી એટલે તે બેહોશ થઈ ગઈ હતી. તેને તાબડતોબ ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.


ઘટના બની એને એક દોઢ કલાક થઈ ગયો હતો. તેના કારણે લોહી ખૂબ વહી ગયું હતું. મલ્ટિપલ ફ્રેકચર થયા હતા. ઉપરાંત આંતરિક ઈજા થવાના કારણે મસ્તિષ્કની અંદરની અમુક નસ ફાટી હતી અને અંદર લોહી ગંઠાઈ ગયું હતું. ઓપરેશન કરીને સૌ પ્રથમ તો ગંઠાઈ ગયેલા લોહીના ક્લોટસ બહાર કાઢવાના હતા. ડોકટરે આ બધું વિવાનને સમજાવ્યું અને પેપર્સ પર તેની સાઈન લીધી. દક્ષ અને વિક્રમ ઘટનાસ્થળે જવા નીકળ્યા.


ઓપરેશન શરૂ થયું. શ્રોફ બંગલોઝમાં હજુ સુધી કોઇને કંઈજ ખબર નહોતી. પુરા ચાર કલાક ઓપરેશન ચાલ્યું. નિષ્ણાત ડોકટરોની આખી ટીમ કાવ્યાના ઓપરેશનમાં લાગી હતી. સવારના પાંચ વાગવા આવ્યા. ઓપરેશન થિયેટરમાંથી ડોકટરો બહાર આવ્યાં. વિવાન શૂન્યમાં તાકીને બેઠો હતો.


'ભાઈ, ડોક્ટર આવ્યાં.' એમ રઘુએ કહ્યુ ત્યારે તે તંદ્રામાંથી બહાર નીકળ્યો.


'ડોક્ટર, મારી સિસ્ટર..' વિવાન ડોક્ટરનો હાથ પકડીને બોલ્યો.


'મિ.શ્રોફ, ભગવાનની કૃપા છે કે આટલા મોટા અકસ્માત છતાં જીવ બચી ગયો. નહિતર આવા કિસ્સામાં બચવાનો ચાન્સ એક પરસન્ટ પણ નથી હોતો.'


ડોક્ટરની વાત સાંભળીને વિવાનને થોડું સારુ લાગ્યું.


'કાવ્યાની માથાની ઇજાઓ ઘણી ગંભીર છે, આપણે બ્લડ કલોટ્સ તો કાઢી લીધાં છે. પણ આપણને સફળતા કેટલી મળી છે એ તો કાવ્યા શુદ્ધિમાં આવે પછી ખબર પડશે. પેશન્ટ માટે આગલા છ કલાક ખૂબ ક્રિટિકલ છે.' ડોક્ટર બોલ્યા.


'મતલબ..?' રઘુએ ચિંતાથી પૂછ્યું.


'છ કલાકમાં પેશન્ટ હોશમાં ન આવે તો કોમામાં જવાના ચાન્સ છે.' ડોક્ટરે કહ્યુ.


આ સાંભળીને વિવાનના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના પગ લથડ્યા.


'મિ. શ્રોફ..' ડોકટર વિવાનને સંભાળતા બોલ્યા: 'અત્યારે આ ફક્ત શક્યતા છે, છ કલાક પછી આપણને એક્ઝેક્ટલી ખબર પડશે.'


શું કરવું શું નહીં, વિવાનને કશું સમજાતું નહોતું.


'ડેડીને બોલાવ.' વિવાને રઘુને કહ્યું. અને તે કાવ્યા પાસે ગયો.


એક નર્સ કાવ્યાને ICU માં શિફ્ટ કરી રહી હતી.

કાવ્યાનુ આખુ માથું પાટાથી કવર કરવામાં આવ્યું હતું. તેના હાથ-પગ પર પણ ઠેર ઠેર પટ્ટીઓ બાંધી હતી અને ત્યાં હજુ પણ લોહીનાં આછા દાગ દેખાય રહ્યા હતા. એક હાથમાં સલાઈન અને બીજા હાથમાં બ્લડની બોટલ ચડી રહી હતી.

આ બધું જોઇને વિવાનને ચક્કર આવી ગયા.


પોતાની લાડકી બહેનને એક ખરોંચ સુદ્ધાં આવે તો પણ વિવાનનો શ્વાસ અધ્ધર ચડી જતો હતો. આજે અહીં બહેનને ચારેબાજુથી પાટાઓમાં લપેટાઈને બેહોશ પડેલી જોઈને કોઈએ તેના કાળજા પર ચાકુનાં ઘા માર્યા હોય એવું લાગતું હતું. તેના શરીરમાંથી જીવ નીકળી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.


'સર, આર યૂ ઓકે?' નર્સ બોલી.

વિવાને તેની સામે જોઈને માથું હલાવ્યુ અને કાવ્યા પાસે ગયો.


'બચ્ચા..' વિવાને કાવ્યાને બોલાવી, પણ તેને કયાં કંઇ સંભળાઈ રહ્યું હતું?


'એ.. બચ્ચા.. આંખો ખોલને બેટા.. તારો ભાઈ આવ્યો છે, મારી સામે જોને..' વિવાનની આંખમાં પાણી આવી ગયાં.


'કાવ્યા.. બેટા, કંઈક બોલને.. ' વિવાનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તે કાવ્યાનો હાથ પસવારતાં હમણાં તેની લાડકી બેન બોલશે એવી રાહ જોતો બેઠો.


'સર, એ બેશુધ્ધ છે. થોડી ધીરજ રાખો, ભાનમાં આવશે એટલે વાત કરશે. હમણાં તેને આરામની જરૂર છે.' એક મોટી ઉંમરની નર્સ વિવાનને સમજાવતાં બોલી.



.

.

ક્રમશઃ


છ કલાક પછી શું થશે?


કાવ્યા હોશમાં આવશે કે કોમામાં જતી રહેશે?


શું મલ્હાર પોતાના ઈરાદામાં સફળ થશે?


**

પ્રિય મિત્રો, આપને નવલકથાની અત્યાર સુધીની સફર કેવી લાગી તે કોમેન્ટ્સ કરીને તથા રેટિંગ આપીને જણાવશો. ❤❤