Dashavatar - 69 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 69

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 69

          એમણે કેનાલની શાખા ફૂટે ત્યાં બેસીને થોડોક આરામ કર્યો. કોઈએ ખાવાનું ન  માંગ્યું પરંતુ સરોજા અને પદ્માએ એમને ફૂડ પેકેટસ આપ્યા અને ખાવા માટે દબાણ કર્યું. ખોરાક પ્લાસ્ટિકની થેલીઓમાં હતો એટલે કેનાલના પાણીની એના પર કોઈ અસર નહોતી થઈ. એ હજુ ખાવા લાયક હતો. ખાઈને થોડો આરામ કર્યા પછી એ ડાબે વળ્યા. પદ્માને આશા હતી કે ત્યાં કોઈ શહેર હશે જ્યાં પાણી પહોંચાડવા માટે ડાબી બાજુએ એક શાખા બનાવવામાં આવી હશે. 

          એમને ખબર નહોતી કે એ ગરમ હવાના પ્રવાહમાં અને દજાડી નાખે એવી રેતમાં કેટલો સમય ચાલ્યા હતા પરંતુ જ્યાં સુધી એક શહેરની આકૃતિ ન દેખાઈ ત્યાં સુધી એ અટક્યા નહીં. દૂર એક મોટું શહેર દેખાતું હતું. એ જાણતા નહોંતા કે એ શહેર કેટલું દૂર છે પણ એમણે હાર ન માની. ફરી બે કલાક આરામ કર્યો, ફૂડ પેકેટ્સ ખાધા અને બેગમાંથી પાણી પીધું. એ થાકેલા હતા, દિવસ પૂરો થવા પર હતો અને અંધકાર ઘેરાઈ રહ્યો હતો છતાં શહેરની પ્રથમ ઇમારત સુધી પહોંચ્યા ત્યાં સુધી એ ચાલતા રહ્યા. એમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

          એ ત્યજી દેવાયેલ શહેર નહોતું. ત્યાની ઇમારતોની સામે માણસની ઉંચાઈના કેટલાંક વૃક્ષો હતાં. એ ખાતરીપૂર્વકનો સંકેત હતો કે એ શહેર ત્યજી દેવામાં આવ્યું નહોતું. કેનાલની શાખાએ એમને પ્રથમ સંકેત આપ્યો હતો અને વૃક્ષો એના મજબૂત સાક્ષી હતા. વૃક્ષોને જોઈને એમને રાહત મળી. પદ્માને એનું હૃદય પહેલા કરતાં શાંત લાગ્યું.

          એ બધા ઇમારતની અંદર પ્રવેશ્યા. અંદર અંધારું હતું એટલે એ કશું જોઈ શકતા નહોતા. એમને એ વાતની ચિંતા હતી કે ઇમારતની અંદર કોણ હશે. બધા અંદર પ્રવેશ્યા એટલે પદ્માએ દરવાજો બંધ કરી દીધો.

          એક પછી એક તાલીમીઓ ઇમારતના ગૃહના ફર્સ પર આડા પડ્યા. એમના શરીરમાં હવે ઊભા રહેવાની શક્તિ પણ નહોતી. કોઈ ચમત્કારિક રીતે જ એ આટલું ચાલી શક્યા હતા. કદાચ પ્રલય પહેલાના દયાળુ દેવો હજુ સાવ બહેરા નહોતા થયા. ક્યારેક કોઈક પ્રાર્થના એમના કાન સુધી પહોચી જતી.

          પદ્માએ મુસાફરી દરમિયાન સરોજાનો હાથ છોડ્યો નહોતો. એકવાર જરા સલામતી લાગતા એણે સરોજાનો હાથ છોડ્યો અને એની પીઠ દીવાલ સાથે ટેકવી ફર્સ પર ફસડાઈ પડી. સરોજા એની બાજુમાં ભોંય પર સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. એ હાંફતી હતી.

          અખિલ અને એના લોકોની યાદો ફરી પદ્માને ઘેરી વળી. એ આંખો બંધ કરે એ સાથે જ એ ભયાનક દૃશ્યો એના પોપચામાં ધસી આવતા હતા. એના માતાપિતાની સ્મૃતિ એની પાસે દોડી આવી. પદ્માએ એના પિતાને પણ દીવાલની ઉત્તરમાં ગુમાવ્યા હતા. ત્યારે એ ઘણી નાની હતી તેમ છતાં એની યાદશક્તિ તેજ હતી અને આજે પણ એને ત્રિલોકનો ચહેરો યાદ હતો.

          એની પાસે ઘણી યાદો હતી. જ્યારે ત્રિલોક ગુજરી ગયા એ નાની હતી. એને યાદ આવ્યું કે જ્યારે લણવાનો સમય હતો ત્યારે એ બહાર ખેતરોમાં એના પિતા સાથે જતી જેથી પોતે ઘઉં અને મકાઈના પાક કેવી રીતે લણે છે એ શીખી શકે. એ ત્રિલોકના ખભા પર બેસીને ખુલ્લા ખેતરોમાં ફરતી. એને યાદ આવ્યું કે ઘઉંનો શેકેલો પોક ખાવાનો કેવો ચટકો હતો અને એના પિતા એના માટે આગમાં કેવી રીતે પોક શેકતા. ત્રિલોકે એને લક્ષ્મણ તળાવમાં તરતા શીખવ્યું હતું. એ સમયે એ જાણતી નહોતી કે એ કેટલું વિચિત્ર છે. બાકીના માતાપિતા એમના બાળકોને તરવાનું ન શીખવતા પરંતુ એના પિતાએ એને શીખવ્યું હતું. બાકીના માતાપિતા એમના બાળકોને પાણીથી દૂર રહેવાનું કહેતા અને એના પિતાએ એને પાણીમાં તરવાનું કહ્યું હતું. ત્રિલોકે એને એ બધું શીખવ્યું હતું જે દીવાલની દક્ષિણમાં માતાપિતાએ એમના બાળકને દીવાલની ઉત્તરમાં બનાવેલા નિયમો મુજબ ન શીખવવું જોઈએ.

          એને યાદ આવ્યું જ્યારે એ બીમાર હતી ત્યારે એની મા જંગલમાંથી સફેદ ફૂલ લાવી હતી. કોઈ સમજી શક્યું નહોતું કે પદ્માને સાજા થવા માટે જડીબુટ્ટીઓની જરૂર હતી ત્યારે એની માએ એને ફૂલ શા માટે આપ્યા? ફૂલ ક્યાં કોઈને સાજા કરી શકે છે? એ સમયે પદ્મા પણ સમજી નહોતી શકી પણ હવે એ સમજતી હતી. હવે એ જાણતી હતી કે એ માનો પ્રેમ હતો. એને ગાલ પર માએ કરેલા દરેક ચુંબનની યાદ આવી. જ્યારે એ ચાલવાનું શીખતી હતી, દોડવાનું શીખતી હતી અને જ્યારે એ દોડતી વખતે પડી જતી ત્યારે એના ઘા પર એની માએ કરેલા અગણિત ચુંબન એને યાદ આવ્યા. એને આજે પણ યાદ હતું કે જ્યારે એ પહેલીવાર ઝાડ પર ચડી અને પડી ગઈ હતી ત્યારે એની મા એક કલાક રડી હતી.

          પદ્મા અને એની મા વચ્ચે ઝઘડા પણ થતાં. તમામ ઝઘડા માત્ર એટલા માટે થતાં કેમકે એ પદ્માને રસોઈ બનાવતા શીખવવા માંગતી હતી. એના પિતા દરેક ઝઘડામાં હંમેશા પદ્માની બાજુએ જ રહેતાં.

          એને ખબર નહોતી કે એ કેટલો સમય એના પરિવાર વિશે વિચારતી રહી. એને ભાન હતું તો માત્ર એ જ કે રણમાં રાત ઘેરાવા લાગી હતી અને હવે આસપાસ ગરમી નહોતી. એકમાત્ર હૂંફ એના પોતાના શરીરમાંથી આવતી હતી. એણે બાકીના તાલીમીઓને ગંદા ફર્સ પર ટૂંટિયુંવાળીને સુતા જોયા. એ પણ બાકીના તાલીમીઓની જેમ ટૂંટિયુંવાળીને એના બંને હાથ બંને ઘૂંટણ વચ્ચે દબાવીને સુઈ ગઈ.

*

          આગગાડીની સીટી સાંભળીને વિરાટ જાગી ગયો. રાતના દુઃસ્વપ્ન જેમ આગગાડી ભયાનક રાડો પાડતી દીવાલની દક્ષીણમાં દાખલ થઈ હતી. વિરાટનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એ અસામાન્ય હતું. કંઈક ખોટું થયું હતું. આગગાડી આટલી વહેલી ન આવી શકે અને જો આગગાડી કોઈ કારણસર વહેલી આવી તો પછી નિર્ભયની ટુકડી આગગાડીની પહેલાં કેમ ન આવી? હંમેશા નિર્ભયની એક ટુકડી આગગાડી આવે એના એક દિવસ પહેલા આવતી. એ લોકો એ સુનિશ્ચિત કરવા આવતા કે સ્ટેશન પર કોઈ સમસ્યા તો નથી સર્જાઈ ને? પરંતુ આ વખતે કંઈક અલગ થયું હતું.

          એકએક કોઈકે ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અને વિરાટને એનું કાળજું ઉથલી ગયું હોય એમ લાગ્યું. શું દેવતાઓને તાલીમના સમાચાર મળ્યા હશે? શું કારુને બળવાની ગંધ આવી હશે? જો એમ હોય તો આજે ઘણા લોકોને મરતા જોવા પડશે એ નક્કી હતું. આજે અનેક ઝૂંપડીઓ બળીને રાખ થવાની હતી અને માત્ર એક જ રાતમાં બધું ખતમ થઈ જવાનું હતું. એ ખાટલામાંથી ઊભો થયો પણ એના પગ ધ્રૂજતા હતા. 

          "વિરાટ..." એણે તેના પિતાનો અવાજ સાંભળ્યો, "દરવાજો ખોલ."

          એણે મહામહેનતે દરવાજા સુધી પહોંચ્યો. એણે દરવાજો ખોલ્યો અને જોયું કે વજ્ર, તારા અને અડધા તાલીમી મિત્રો એના માતાપિતા સાથે બહાર ઊભા હતા. એ બધા ધનુષ અને તલવારથી સજ્જ હતા.

          "નિર્ભયના આગમન પહેલા આગગાડી આવી ગઈ છે એટલે કંઈક ગરબડ છે."  વજ્રએ કહ્યું, "આ વખતે મારા પિતાએ અન્ય નિર્ભય સાથે આવવાનું આયોજન કર્યું છે જે જૈવિક પ્રભાવ હેઠળ નથી."

          "કેમ?" વિરાટે પૂછ્યું અને ઝૂંપડીની બહાર નીકળ્યો. એ બાકીના લોકો જેમ ધનુષ્ય અને બાણથી નહીં પરંતુ મનમાં એક યોજના સાથે બહાર આવ્યો હતો.

          "બળવો શરૂ કરવા..." તારાએ જવાબ આપ્યો.

          “આપણે સ્ટેશન પર જવું જોઈએ અને જો નિર્ભય ટુકડી લડવા આવી હોય તો આપણે એમનું સ્વાગત કરવા તૈયાર રહેવું જોઈએ.”  વિરાટે કહ્યું, "આ મારી યોજના છે."

          "અમારે તને સુરક્ષિત રાખવો જોઈએ." વજ્રએ કહ્યું, "આવનાર ટુકડીના મગજ જૈવિક પ્રકિયા હેઠળ કળિયુગને આજ્ઞાકારી હશે અને દેવતાઓએ એમને જે આદેશ આપ્યો હશે એ કરવા માટે તૈયાર હશે."

          "અને જો એ તાલીમ વિશે જાણતા હોય તો એમને તારી હત્યાનો આદેશ મળ્યો હશે." તારાએ ઉમેર્યું, "તમામ તાલીમાર્થીઓની હત્યાનો આદેશ પાટનગરથી આપવામાં આવ્યો હશે."

          વિરાટ ઝૂંપડીની અંદર ગયો. એણે એક ખભે ભાથો અને બીજા ખભે ધનુષ્ય ભરાવ્યું અને વાંકી તલવાર હાથમાં લીધી. એના પિતાએ પણ એક ધનુષ્ય અને હાથથી બનાવેલા તીરોનો ભાથો હાથમાં લીધો.

          એ ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને વિરાટ બોલ્યો, "હું લડવાનો છું."

          “તારે એ ન કરવું જોઈએ…” વજ્રએ શરૂઆત કરી પણ વિરાટે એને વચ્ચે જ અટકાવી દીધો, “હું મારા લોકોને મરવા માટે ન છોડી શકુ. હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ.”

          "તારી ઇચ્છા..." વજ્રએ કહ્યું, "પણ આપણી પાસે વધારે સમય નથી. આગગાડી ગમે તે પળે સ્ટેશન પહોંચી જશે."

          વિરાટ અને નીરદ વજ્ર અને તારાને અનુસરતા આગળ વધ્યા. એના તમામ તાલીમી મિત્રો એમને અનુસરતા એમની પાછળ જવા લાગ્યા.  એ ઝૂંપડી છોડી નીકળ્યો પણ માએ કંઈ કહ્યું નહીં ફક્ત એની મોટી આંખો એને જોઈ રહી હતી જાણે કહેતી હોય કે જીવતો પાછો આવજે. પરંતુ વિરાટ પાસે એને ખાતરી આપવા માટે કોઈ શબ્દો નહોતા. એ દેવતાઓ અને નિર્ભય સિપાહીઓ સામે યુદ્ધ માટે તૈયાર નહોતા. કદાચ આજની લડાઈમાં એ બધા ખપી જવાના હતા પણ એમની પાસે બીજો  વિકલ્પ નહોતો. એમની પાસે યુદ્ધ એ જ કલ્યાણ એ સૂત્રને અનુસરવા સિવાય કોઈ માર્ગ નહોતો. વિરાટ એના પરિવારને બચાવવા, એના લોકોને બચાવવા દેવતાઓ સામે લડવા પણ તૈયાર હતો.

          યુદ્ધ એ જ કલ્યાણ શબ્દો ઉચ્ચારી બધા ઝુંપડીઓ વચ્ચેના માર્ગ પર અંધકારમાં દોડ્યા. વિરાટ રાતના કાળા રંગમાં લાખો તેજસ્વી તારાઓ સ્પષ્ટપણે જોઈ શકતો હતો. જોકે એ અંધકારનો યુગ હતો. એ તારાઓ રતીભાર ઉજાસ પણ ધરતી સુધી પહોચાડી શકતા નહોતા.

          "બાકીના તાલીમીઓ ક્યાં છે?" વિરાટે પૂછ્યું કારણ કે વજ્ર માત્ર અડધા તાલીમીઓ સાથે આવ્યો હતો.

          "એ મદદ લેવા ગયા છે." વજ્રને બદલે તારાએ જવાબ આપ્યો, "એમનુ માનવું છે કે બાકીના લોકો પણ લડવા માંગે છે. એ કેટલાક એવા લોકોને જાણે છે જેઓ કારુ સામે યુદ્ધે ચડવા તૈયાર છે.”

          "એ મદદ લઈ આવે તો સારું છે," વિરાટે હાંફતા હાંફતા કહ્યું. એ હજુ દોડતા હતા.

          “સાવધાન રહેજે, વિરાટ.” વજ્રએ કહ્યું, “બસ મરીશ નહીં કેમકે બધું તારા પર નિર્ભર છે.”

          "હું પ્રયત્ન કરીશ." એ હસ્યો અને એના પિતાને હસતા સાંભળ્યા, હજુ પણ એ અંદરથી જાણતો હતો કે નિર્ભયની ટુકડી સામે લડવું સહેલું નથી.

          “વાહ, તું સારી પ્રેરણા આપે છે.” તારાએ એની આસપાસ તમામ તાલીમીઓને જોઈને ઉમેર્યું, “તમે બધા યોજના જાણો છો. આપણે એક મહિનાથી આ માટે તૈયારી કરી રહ્યા છીએ, હું સ્વીકારું છું કે પૂરતો સમય નથી મળ્યો પરંતુ આજે રાત્રે આપણે મજબુત મુકાબલો કરીશું. આજે રાતે તમે કળિયુગને એના અંત તરફ લઈ જવા આગેવાની કરવાના છો. આજે રાતે તમે નિર્ભય સિપાહીઓને શીખવશો કે ભય શું ચીજ છે.”

          તારા બોલી એ સાથે જ વિરાટને એના લોકોના પડકારા અને દેકારા સંભળાયા. એ યુદ્ધના અવાજ હતા. એ અવાજ ગર્જનાની જેમ રાતના અંધકારને ધ્રુજાવતા હતા. વિરાટે પોતાની અંદર હિંમતનો સંચાર થતો અનુભવ્યો. એ હિંમત એના લોકોની અંદરની હિંમતથી એને મળી હતી. કદાચ એ જ સાચી નિર્ભયતા હતી. વજ્ર અને તારા જેવા સાચા નિર્ભય એમની સાથે હતા એ હકીકતે એમના હૃદયને હિંમતથી ભરી દીધું હતું. તારાના શબ્દોએ બધાને હામ આપી હતી. એમની અંદર હિંમતનો નાનો કાંકરો એક પર્વત બની ગયો હતો. એ સાચી હતી. આજે રાતે એ બધા સત્યયુગના સમર્થનમાં લડવાના હતા. આજે રાતે એ બધા કળિયુગના અંત માટે લડવાના હતા. આજે રાતે એ બધા પ્રલય પહેલાના દયાળુ દેવતાઓને સાક્ષી માની ક્રૂર દેવતાઓના શાશનને ઉથલાવવા લડવાના હતા. આજ રાતની લડાઈ માનવતાને બચાવવાનું અંતિમ યુદ્ધ હતું કે પછી એની શરૂઆત હતી.

ક્રમશ: