Dhund - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | ધુંદ – રિવ્યુ

Featured Books
Categories
Share

ધુંદ – રિવ્યુ

ફિલ્મનું નામ : ધુંદ
ભાષા : હિન્દી
પ્રોડ્યુસર : બી. આર. ચોપરા
ડાયરેકટર : બી. આર. ચોપરા
કલાકાર : સંજય ખાન, ઝીનત અમાન, નવીન નિશ્ચલ, ડેની, અશોક કુમાર, મદન પુરી
રીલીઝ ડેટ : ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૩
રનીંગ ટાઈમ : ૧૩૦ મિનિટ

ધુંદ એટલે ધુમ્મસ જેની આરપાર જોવું ઘણીવાર મુશ્કેલ હોય છે. આ ફિલ્મનું શીર્ષક તેની વાર્તા માટે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ હતો. જો કે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મહાબળેશ્વર હોવાથી ફિલ્મમાં ધુમ્મસની ભૌતિક હાજરી પણ છે.
ફિલ્મ અગાથા ક્રિસ્ટીના નાટક ‘ધ અનએક્સ્પેકટેડ ગેસ્ટ’ ઉપરથી બનાવવામાં આવી છે, જે છેક ૧૯૫૮ માં પહેલીવાર ભજવાયું હતું. અગાથા ક્રિસ્ટી પોતાની ડિટેકટીવ વાર્તાઓ અને નવલકથાઓ માટે જાણીતા છે.
ફિલ્મની શરૂઆત થાય છે એક એક્સીડેન્ટથી. એક ધુમ્મસભરી રાત્રે ચંદ્રશેખર (નવીન નિશ્ચલ) ની કારનો એક્સીડેન્ટ થાય છે અને તેની કારનું વ્હીલ ખાઈમાં પડી જાય છે. મદદ માટે તે નજીક રહેલ બંગલામાં પ્રવેશે છે. દરવાજે ટકોરા માર્યાં પછી પણ કોઈ જવાબ ન મળતાં તે અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશતાં જ તે જુએ છે કે એક વ્હીલચેરમાં એક વ્યક્તિ મૃત્યુ પામેલી છે અને તેની સામે એક સ્ત્રી પિસ્તોલ લઈને ઉભી છે. મારનાર વ્યક્તિનું નામ ઠાકુર રંજીત સિંઘ (ડેની) છે અને તે સ્ત્રીનું નામ રાની (ઝીનત અમાન) છે જે રંજીત સિંઘની પત્ની હોય છે. રાની વિશ્વનાથ સામે કબૂલ કરે છે કે તેણે જ રંજીતનું ખૂન કર્યું છે. તે વિશ્વનાથની પોલીસને ફોન કરવાનું કહે છે. રાની સાથે વાત કરતાં વિશ્વનાથને ખબર પડે છે કે રંજીત એક જીવનથી હતાશ થયેલ વ્યક્તિ હતો, જે ઘરની દરેક વ્યક્તિ સાથે ક્રુરતાથી વર્તતો હતો.
વિશ્વનાથને લાગે છે કે ખૂન જાણીજોઇને નથી કરવામાં આવ્યું તેથી તે પોલીસને તરત ન બોલાવતાં તે કોઈ ચોરે ખૂન કર્યાનો ડ્રામા રચે છે અને અડધો કલાક પછી પાછો આવ્યા પછી પોલીસને બોલાવે છે. ત્યાં સુધી રાની ઘરની નોકરાણી પાસે માથાનો દુખાવો થયાનું બહાનું કરીને રહે છે, જે તેના નિર્દોષ હોવાની સાબિતી હોય છે.
પોલીસ આવ્યા પછી તપાસ આગળ વધે છે અને ફિલ્મની ધુંદ ભરેલી પરતો એક પછી એક ખુલતી જાય છે અને નવાં પાત્રો એક પછી એક પ્રવેશતાં જાય છે. અંતે ખૂની પકડાઈ જાય છે. ફિલ્મમાં જબરદસ્ત કોર્ટરૂમ ડ્રામા પણ છે, જેમાં આલા દર્જાના કલાકાર અશોકકુમારે પોતાનો સંપૂર્ણ કસબ દેખાડ્યો છે.
બી. આર. ચોપરા એટલે કે બલદેવરાજ ચોપરા પોતાની વિવિધ જોનરની ફિલ્મો માટે જાણીતા હતા. પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર આ નિર્માતા અને નિર્દેશકે ૧૯૬૦ માં નિર્દેશિત કરેલ કોર્ટરૂમ ડ્રામા કાનૂન માટે શ્રેષ્ઠ નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો. કાનૂનને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનું સર્ટીફીકેટ પણ મળ્યું હતું. બી. આર. ફિલ્મ્સના નેજા હેઠળ તેમણે અનેક હીટ તેં જ સુપરહીટ ફિલ્મોનું નિર્દેશન તેમ જ નિર્માણ કર્યું હતું. સામાજિક ફિલ્મની જેમ તેમની ક્રાઈમમિસ્ટ્રી ઉપર પણ જબરદસ્ત હથોટી હતી, જે ધુંદ ફિલ્મમાં પણ દેખાઈ આવે છે.
મોટેભાગે ખલનાયકની ભૂમિકા ભજવનાર મદન પુરી આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે અને આ ફિલ્મમાં તેની સાથે બે સહાયક ઇન્સ્પેકટરો પણ છે. સહાયક તરીકે પોતાની ફિલ્મ કારકિર્દીમાં ૧૪૪ ફિલ્મોમાં પોલીસ ભૂમિકા ભજવનાર જગદીશરાજ ખુરાના પણ છે (આટલી બધી પોલીસની ભૂમિકાઓ માટે તેનું નામ ગીનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવેલ છે.) જો કે હસવું ત્યારે આવે છે જયારે ઇન્સ્પેકટરતે જોશી (મદન પુરી) અને તેના બંને સહાયકો એક સરખી વર્દીમાં બધે જાય છે અને તેવી વર્દી તે સમયની ફિલ્મોમાં કમિશનરને પહેરાવવામાં આવતી. કદાચ વધારે ઠંડીને લીધે આવું કરવામાં આવ્યું હશે. (હશે ભાઈ આટલો સિનીયર એક્ટર સાદી વર્દીમાં ફરે કાંઈ!) તે વખતમાં સી. આઈ. ડી. સીરીયલ આવતી નહીં હોય એટલે ઇન્વેસ્ટીગેશન સ્પોટ ઉપર પણ હાથ મોજાંવગર કામ કરે છે.
આ ફિલ્મમાં મનોરુગ્ણ પતિના રોલમાં ડેની છવાઈ ગયો હતો. માંડ ત્રણ કે ચાર સીન તેના ભાગે આવ્યા હતા, પણ એટલા સીનમાં પણ તે બધાં ઉપર છવાઈ ગયો હતો. તે સમયે તેણે ફેંકેલી રકાબીના સીને ચર્ચા જગાવી હતી. જો કે આ ફિલ્મ માટે તે પહેલી ચોઈસ નહોતો. આ રોલ પહેલાં અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવ્યો હતો અને મદન પુરીવાળો રોલ ડેની કરવાનો હતો. ડેનીએ રંજીતના રોલ માટે આગ્રહ રાખ્યો હતો, પણ બી.આર. ચોપરાએ તેને ઘસીને ના પડી દીધી હતી અને કારણમાં જણાવ્યું હતું કે મોટી ઉંમરના તે રોલ માટે તેની ઉંમર નાની છે. હજી બે વર્ષ પહેલાં જ આવેલ ડેનીનો પનો ટૂંકો પડ્યો. જો કે આનંદ ફિલ્મ સુપર હીટ જતાં અમિતાભે રંજીતનો રોલ કરવાની ના પાડી. ફરી ડેનીના મનમાં આશા જન્મી કે આ રોલ તેને મળશે, પણ બી. આર. ચોપરાએ શત્રુઘ્ન સિન્હાને કહેણ મોકલીને તેની આશા ઉપર પાણી ફેરવ્યું. આ રોલ કદાચ તેના નસીબમાં લખાયો હશે કે સ્ટોરી નરેશનમાં શત્રુ લેટ આવ્યો અને બી. આર. ચોપરાએ તેને બહારનો રસ્તો દેખાડી દીધો. ડેનીની વધુ વિનવણી પછી ચોપરા પીગળ્યા અને ડેનીનો ફરી સ્ક્રીન ટેસ્ટ લીધો. વધુ એક સ્ક્રીન ટેસ્ટ પછી આ રોલ તેને ફાળવવામાં આવ્યો. સિંહના શિકાર દરમ્યાન અપંગ બનનાર વ્યક્તિના રોલમાં ડેનીએ પોતાની જીવ રેડી દીધો અને આ રોલે ડેનીને સ્ટાર બનાવી દીધો.
રાનીના છુપા પ્રેમીના રોલમાં સંજય ખાન છે નેપાળી ઘર નોકરના રોલમાં દેવેન વર્મા છે. આ બંને લગભગ એક દાયકા પછી સાથે દેખાણા હતા. ૬૦ના દાયકા દરમ્યાન સન એન્ડ સેન્ડ હોટેલમાં એક પાર્ટીમાં દેવેન વર્માએ “ખાન ભાઈઓ આ હોટેલનું ટુરિસ્ટ આકર્ષણ છે” એવું કહેતાં સંજય ખાને દેવેનને એક લાફો ઝીંકી દીધો હતો અને બંને વચ્ચે દુશ્મની થઇ ગઈ હતી જે ‘એક ફુલ દો માલી’ ના પ્રીમિયર દરમ્યાન સંજય ખાને માફી માંગી ત્યાં સુધી ચાલતી રહી.
આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પણ કેટલીક ઘટનાઓ બની હતી. એક રાત્રે જમ્યા પછી ઝીનત અમાન અને સંજય ખાન આંટો મારવા નીકળ્યા ત્યારે એક ટ્રક તેમની પાસે ઉભી રહી અને તેના ઉતારુઓ ઝીનત અમાનને તંગ કરવા લાગ્યા ત્યારે સંજય ખાને પિસ્તોલ દેખાડીને તેમને ભગાડ્યા હતા.
ફિલ્મ સંગીતના મામલે કમજોર છે. અનેક ફિલ્મોમાં સુપરહીટ ગીતો આપનાર રવિ આ ફિલ્મમાં ફેલ ગયા છે. એક પણ ગીત યાદ રહે એવું નથી. ગીત તમે ફિલ્મ પછી યાદ કરવાની કોશિશ કરો તો પણ યાદ ન આવે. જો કે આ ફિલ્મ ગીત વગર પણ ઉત્તમ બની હોત.
કલાકારોની વાત કરો કરો તો એકથી એક ચડિયાતા કલાકારો આ ફિલ્મમાં છે. નવીન નિશ્ચલ, ઝીનત અમાન, સંજય ખાન, દેવેન વર્મા, મદન પુરી, અશોક કુમાર અને ડેની. નિર્દય પબ્લિક પ્રોસીક્યુટરના રોલમાં અશોકકુમાર કોર્ટના દરેક સીનમાં રીતસર છવાઈ જાય છે. જેમ ખલનાયકના રોલમાં રહેનાર મદન પુરી ચેન્જ ખાતર પોલીસના રોલમાં છે એવી જ રીતે આ ફિલ્મમાં હંમેશાં લાચાર વ્યક્તિનો રોલ કરનાર નાના પળશીકર જજના રોલમાં છે, જે સુખદ આશ્ચર્ય આપે છે. એ વાત જુદી છે કે જજના રોલમાં પણ એ દયામણા જ દેખાય છે. શક્ય છે કે એમની ઈમેજને લીધે આવું થયું હોય. ડેનીની માતાના રોલમાં ગુજરાતી અભિનેત્રી ઉર્મિલા ભટ્ટ છે.
ફિલ્મ હીટ થવાનું મુખ્ય કારણ તેનું જબરદસ્ત એડીટીંગ છે. કોઈ વધારાનો સીન નહિ. સસ્પેન્સ થ્રીલર જોવી હોય તો આ ફિલ્મ એકદમ ઉત્તમ ચોઈસ છે. ૧૯૯૭ માં જીતેન્દ્ર અને અવિનાશ વધવાનની ‘ચુપ’ નામની ફિલ્મ આવી હતી જે ધુંદની રીમેક હતી, પણ તે ફ્લોપ નીવડી હતી. આ ફિલ્મ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, રસ હોય તો ચોક્કસથી જોઈ શકાય.
સમાપ્ત.