Havankundi in Gujarati Short Stories by Asha Bhatt books and stories PDF | હવનકુંડી

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

હવનકુંડી

*હવનકુંડી*(વાર્તા)

હેમાળાનો વાયુ દાંતને કડકડાતો હતો, તો ઉદરતૃપ્તી માટે મા શાકભંરીદેવીની કૃપા પણ પાથરી દેતો હતો. દેતવા પર શેકેલાં રીંગણનો ઓળો, ને ચૂલાના ભડભડ તાપમાં તપેલા રોટલાનો એક કોળીયો સ્મિતાએ મોંમાં મૂક્યો. 'આહા...આહા.. શું ભૂજાયેલ સ્વાદ જીહ્વા પર આવ્યો... ' બીજો કોળીયો પણ લેવા ગઈ ત્યાં મોબાઈલ રણક્યો. કોઈ અજાણ્યો નંબર હતો. આ રોજનું હતું. જમતી હોય કે સૂતી હોય.. સ્મિતા કાયમ પોતાની પાસે જ મોબાઈલ રાખતી. ગમે ત્યારે ઈમર્જન્સી આવે. પહેલી રીંગે જ ફોન રીસીવ કરી લીધો. " કેમ છો સ્મિતા.., ? " અપેક્ષા બહાર સામેથી પ્રતિસાદ મળ્યો. " હલ્લો ! ડોક્ટર સાહેબ... મારી.." આવા શબ્દો સાંભળવા ટેવાયેલી સ્મિતાનાં કાને કંઈ જુદા જ શબ્દો અથડાયા. એક પુરૂષનો અવાજ અને તે પણ એકવચનમાં... " સારું છે !! આપનો પરિચય ?? " સ્મિતાએ ફોન કરનારને પુછી લીધું. " હું કમલેશ, ડો કમલેશ મહેતા ! શુભ પ્રસંગે વતન આવ્યો હતો , મિત્ર પાસેથી તારો નંબર મેળવ્યો. થોડો સમય ફાળવી શકતી હોય તો આવતી કાલે મળવા આવું ? ." " હા..હા.. આવો ! હું સમયનું આયોજન કરી લઈશ" ફોન મુકી અન્નદેવને ન્યાય આપતા આપતા સ્મિતાએ મગજને પણ કામ પર લગાડ્યું. 'કોણ હશે કમલેશ ? ... હા કદાચ સહધ્યાયી કમલેશ જ હશે ? SSCની પરીક્ષા પછી કૂણી લાગણીની કુમળાશ ધરબી ફરી ન મળ્યો કમલેશ ! '

બીજે દિવસે સ્મિતાએ ક્લિનિક પુરું કરી ઘરે જવા નિકળી ત્યાંજ ડો. કમલેશનો ફોન આવ્યો. " આવું છું, ક્યાં મળીયે ? " " ઘરે જ ! અહીં ગામડામાં તો મળવાનું સ્થળ નદી કિનારો હોય, ક્યાં તો પછી ઘર !" સ્મિતાએ કમલેશને ઘરે જ મળવા બોલાવ્યો.

45 પહોચેલાં એ બન્ને એકબીજાને ઓળખી લીધાં. બપોરનું ભોજન લીધાં પછી તે હીંડોળા પર બેઠો અને સામે સ્મિતા ખાટલો ઢાળી બેઠી. " તું વિજ્ઞાનની તેજસ્વી વિદ્યાર્થી હતી. તારે વૈજ્ઞાનિક થવું હતું, તો પછી આ ડોક્ટર કેમ બની ગઈ ? મિત્ર પાસેથી તું ડોક્ટર બની ગઈ છો, તેની જાણકારી મળતા, ખાસ તો કારણ જાણવા જ હું અહીં તને મળવા દોડી આવ્યો. " ડો. કમલેશે સીધું જ પુછી લીધું.

" બાળપણના સપના પણ ક્યારેક કાચીડાની જેમ રંગ બદલે છે. સામે જોયેલું દ્રશ્ય મન ઉપર ઊંડી અસર કરી જાય છે અને સપનાનાં રંગ ફેરવી નાખે છે. " સ્મિતાએ પોતાનો ભૂતકાળ ઉખેળ્યો... " વિજ્ઞાનમાં મને ઊંડો રસ. મોટા થઈ વૈજ્ઞાનિક બનવું ! મમ્મી-પપ્પા પણ પુરતો સાથ આપતા. બારમાં ધોરણની પરીક્ષા પુરી થતાં વિદ્યાર્થી તરીકેનો એક મોટો ભાર ઊતરતા, હું મમ્મી સાથે ગામડે મામાના ઘરે આવી. કુદરતનો ખોળો. ગામને પાદર ખળખળતી નદી. ડુંગરનો ઓથાર, હરાયાળીથી લહેરાતા ખેતરો. પક્ષીઓના કલરવ. આ બધું જ મને ખૂબ ગમતું. હું મામાના ઘરે વેકેશન માણી રહી હતી. એવામાં એક દિવસ મામાના ઘરની પાડોશમાં પુત્રવધૂને પ્રસવપીડા ઉપડી. ગામડામાંની ગર્ભવતીઓ દાયણનાં ભરોસે હોય છે. દાયણ આવી. એક જીવને આ પૃથ્વી પર લાવવા મથી. પરંતુ સફળ ન રહી. ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ જીવને વિઘ્ન આવી ગયું, એક માતાનાં શ્વાસ ખુટવા લાગ્યાં. દાયણને કારી ન ફાવી. તેણે હાથ ઊંચા કરી દીધાં. એ સમયે ટેલિફોનીક કે 108 જેવી સેવાઓ ઉપલબ્ધ ન હતી. ગામડામાં તો પાસપડોશ પરિવાર સમાન જ હોય. સૌ તેનાં ઘરે ભેગા થઈ ગયાં અને બે બળદો જોડાયા, કોઈનાં શ્વાસને અંખડ રાખવા...! પરંતુ દરેકને નિરાશા સાંપડી. મારી નજર સામે એ પ્રસૂતાએ કાયમ માટે આંખ મીંચી દીધી. કોઈ મૃત્યુંને નજરોનજર મેં પહેલીવાર જોયું. મારું હ્રદય દ્રવી ઉઠયું. *એ દ્રશ્યે મારું જીવન બદલી નાખ્યું.* એ જ સમયે મારા સ્વપ્ને પલ્ટી મારી. મેં નિશ્ચય કરી લીધો કે મારાં ગામડામાં ડોક્ટર વિના કોઈ પ્રસુતા આમ પોતાની સફર અધવચ્ચે નહી છોડે. બારમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું. ખૂબ ઉંચી ટકાવારી સાથે પાસ થઈ અને મેં મેડીકલ કોલેજમાં એડમિશન લઈ લીધું. ગાયનેકની પદવી મેળવી સરકારી હોસ્પિટલમાં અનુભવ લઈ અહી મામાનાં ગામડામાં જ મારું ક્લિનિક ખોલી નાંખ્યું. હવે તો મોબાઈલ, 108 એમ્બ્યુલન્સ સેવા વગેરે દ્વારા હું આજુબાજુના દરેક ગામડાઓની ગર્ભવતી સ્રીઓને નજીવા દરે મારાં અનુભવનો લાભ આપું છું. "

" વાહ ! ખરેખર તું અભિનંદનને પાત્ર છે. તારા પરિવારમાં ?? " કમલેશે સ્મિતાને અભિનંદન આપ્યાં.

" અઢળક ખર્ચ અને અથાગ મહેનત પછી ડોક્ટર બનેલ કોણ વ્યક્તિ ગામડામાં સેવા ખાતર રહેવા તૈયાર હોય ? મારાં લાયક પાત્ર મને અપનાવવા તૈયાર ન હતા. મને સ્વીકારનાર પાત્ર મને લાયક ન લાગ્યું. તેથી આ સેવારથ એકલાંએ જ ચલાવવાનું મને યોગ્ય લાગ્યું !. પણ તું કેમ એકલો ? પરિવાર ? " સ્મિતાએ પણ કમલેશનાં જીવન વિશે જીજ્ઞાશા દર્શાવી.

" પપ્પાના ધંધાર્થે અમારે બહારગામ જવાનું થયું. તે સમયે ફોન હતાં નહી. એટલે તને કંઈ જાણ કરી શકાય નહી. ઓર્થોપેડીક બની મેં મારાં સ્વપ્નને તો પુરું કર્યું, પણ નાની વયમાં જ કેન્સરનો ભોગ બનતાં પત્ની અધવચ્ચે સાથ છોડી અનંતયાત્રાએ ઉપડી ગઈ. નસીબે સાથ આપ્યો, રિધ્ધી અને સિધ્ધી મને વરી ચુંકી હતી. પરંતુ જીવનમાં હવે એકલતા સાલે છે. આ બધું સમેટી લેવું છે. ગાયનેક સિવાય પણ અન્ય ડોક્ટરી સારવારની જરૂર ગામડાઓને હોય છે. તારી જેમ જ સેવાયજ્ઞ મારે પણ શરું કરવો છે. જો તારા યજ્ઞકુંડીમાં મને તારી સાથે બેસવાનો અધિકાર આપ તો ? " ડો. કમલેશે પોતાનો હાથ ડો.સ્મિતા તરફ લંબાવ્યો.

ગામડાની વચોવચ એક હવનકુંડી પ્રજ્વલિત હતી, બે અલગ અલગ હવન સામગ્રી હોમાઈ રહી હતી અને તેની સુવાસ આજુબાજુનાં બધાં જ ગામડા સુધી પ્રસરી રહી હતી.
Asha bhatt