A miraculous mantra in Gujarati Motivational Stories by Shakti Pandya books and stories PDF | એક ચમત્કારિક મંત્ર

Featured Books
Categories
Share

એક ચમત્કારિક મંત્ર

એકવાર ગૌતમ બુદ્ધ અને તેમના શિષ્યો ગાઢ જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા. ખુબ જ દૂર ચાલ્યા બાદ એક શિષ્યએ બુદ્ધને કહ્યું, હે તથાગત ! શું આપણે થોડો સમય વિશ્રામ કરી શકીએ? બુદ્ધે કહ્યું, "ઠીક છે! આપણે પેલા વૃક્ષ નીચે થોડીવાર વિરામ કરીશું."

બુદ્ધ અને તેમના બધા શિષ્યો વૃક્ષ ની શીતલ છાંયા નીચે બેઠા. એક શિષ્યએ જિજ્ઞાસાપુર્વક બુદ્ધને કહ્યું, "હે બુદ્ધ! તમે અમને એક વાત કહી હતી , જેવુ આપણે વિચારીએ છીએ, તેવા આપણે બની જઈએ છીએ. કૃપા કરીને આ તથ્ય ને વિગતવાર સમજાવશો ?

બુદ્ધે કહ્યુ, "જરુર ! હું તમને એક નાની વાર્તા દ્વારા આ તથ્ય સમજાવું છું. "

એક શહેરમાં એક અત્યંત શ્રીમંત શેઠ રહેતા હતા. તેની પાસે પૈસાની કોઈ ખામી નહોતી. પરંતુ તેમ છતાં તેઓ આખો સમય પૈસા ભેગા કરવાનું વિચારતા હતા.

એકવાર તેમના એક સંબંધી શેઠના ઘેર આવે છે. શેઠ તેની ખુબ મહેમાનગતી કરે છે. રાત્રી ના જમણ બાદ બંને જણ નિરાંત ની પણો માં વાતો કરતા હતા. વાતો વાતોમાં સંબંધી શેઠને કહે છે, "અમારા નગરમાં એક યુવાન શેઠ રહેતા હતા. તે તમારા કરતાં પણ વધુ ધનવાન હતા...

શેઠે સંબંધીની વાત વચ્ચે કાપતા પૂછ્યું, "રહેતા હતા એટલે? હવે એ શેઠ ક્યાં છે?"

સંબંધીએ જવાબ આપતા કહ્યુ, "મે રહેતા હતા એટલે કહ્યુ કારણ કે તે હવે જીવીત નથી, તેઓ મૃત્યુ પામ્યા છે ! પૈસા ભેગા કરતા કરતા તેઓ એ ભૂલી ગયા કે મૃત્યુ નામ નુ પણ સત્ય હોય છે, યુવાન હોય કે વૃદ્ધ લખેલુ હોય ત્યારે શેઠને પણ આવે છે.

શેઠ :- "તેના મૃત્યુ પામવાનું કારણ શું હતું?


સંબંધી કહે છે કે, "કોઈ કારણ તો નહોતુ પણ મૃત્યુને કોણ ટાળી શકે?

સંબંધી ની વાત સાંભળીને શેઠ આશ્ચર્ય પામી જાય છે. કારણ કે અત્યાર સુધી શેઠ માનતા હતા કે મૃત્યુ વૃદ્ધાવસ્થામાં આવે છે અથવા તો કોઈ રોગથી. પરંતુ સંબંધીની આ વાત સાંભળીને શેઠ આ વિષય પર વિચારવા મજબુર બની જાય છે.

બીજા દિવસે સંબંધી તેના ઘેર નીકળી જાય છે. પરંતુ શેઠને એક મોટી સમસ્યા આપતા જાય છે, "મૃત્યુ ની".

પહેલા શેઠ ફક્ત પૈસા વિશે જ વિચારતા હતા. પરંતુ હવે તઓ મૃત્યુ વિશે વિચારવા લાગે છે,"કયાંક તેઓને મૃત્યુ ના આવી જાય." દિવસો વીતવા લાગે છે, શેઠ મૃત્યુ વિશે વિચારી વિચારીને ખૂબ જ નબળા પડતા જાય છે. સતત મૃત્યુ ના વિચારોથી શેઠને ખાવા-પીવું પણ નિરસ લાગવા માંડે છે.


શેઠના મૃત્યુ વિશે ના ઊંડા વિચારના ફળ સ્વરૂપ તેઓ બીમાર થઈ ગયા અને મરણ પથારી પર પડયા.


શેઠની આવી હાલત જોઈને ગામના બધા લોકોને ખૂબ જ આશ્ચર્ય થવા લાગ્યુ.

કારણ કે ગામ ના લોકોએ જાયુ હતુ કે શેઠ હંમેશા ખુશ રહેતા હતા. તેમની પાસે પૈસાની કોઈ ખામી નહોતી, પરંતુ હવે અચાનક શેઠને શું થઈ ગયું?

શેઠની આવી હાલત જોઈને તેમના મિત્ર એક જ્ઞાની સંતને શેઠ પાસે લઇ આવે છે અને શેઠને કહે છે, "સાંભળો, આ બહુ મહાન સંત છે. તમે તમારી સમસ્યા આમને જણાવો, તે તમને ચોક્કસ ઉકેલ જણાવશે!"

સંન્યાસીએ શેઠને પુછયુ, "શું થયું તમને? તમે આટલા નબળા કેવી રીતે થઈ ગયા, કઈ ચિંતા તમને ખાઈ રહી છે?" સાધુની વાત સાંભળીને શેઠ કહે છે, "મારે મરવું નથી, હું મૃત્યુના ભયથી પીડાઈ રહ્યો છું."

શેઠની વાત સાંભળીને સંત હસ્યા અને બોલ્યા,"અચ્છા, તો તમને મૃત્યુનો ડર સતાવી રહ્યો છો?"

શેઠે કહ્યુ, "હા મારી પાસે આટલી બધી ધન- સંપદા છે, કોણ વાપરશે આને ? મારે મરવું નથી, જીવવું છે."


સંતે શેઠ ને સ્મિત સાથે કહ્યુ, "હું તમારી આ સમસ્યાનો હમણા જ એક ઉકેલ આપુ છું !"


સંતની વાત સાંભળીને શેઠ ખૂબ ખુશ થતા થતા સંત ને નમસ્કાર કરે છે.

સંત શેઠને કહે છે, "હું તમને એક મંત્ર આપીશ."

શેઠે કહ્યું, "ઠીક છે, તમે જેમ કહેશો તેમ હું કરીશ." મને તે મંત્ર જણાવો."

સંન્યાસીએ કહ્યું, તે મંત્ર છે, "જ્યાં સુધી મને મૃત્યુ નહી આવે ત્યાં સુધી હું જીવીશ !" - જ્યાં સુધી મને મૃત્યુ નહી આવે ત્યાં સુધી હું જીવીશ !"

તમે આ મંત્રને સતત દસ દિવસ જપજો. હું દસ દિવસ પછી પાછો આવીશ. આટલું કહીને સંન્યાસી ત્યાંથી નીકળી જાય છે.

દસ દિવસ પછી જ્યારે સંન્યાસી પાછા શેઠ ના ધેર આવ્યા ત્યારે તેઓએ જોયું કે શેઠ હવે એકદમ સ્વસ્થ થવા લાગ્યા છે.

શેઠ સંન્યાસીને જોઈને તેમના પગમાં પડી જાય છે અને તેમનો આભાર માનતા કહે છે, "તમારા મંત્રએ ચમત્કાર સર્જ્યો, હવે હું મૃત્યુથી નથી ડરતો , મેં મૃત્યુ પર વિજય મેળવ્યો છે કારણ કે જ્યાં સુધી મને મૃત્યુ નહીં આવે, ત્યાં સુધી હું જીવન જીવીશ અને પહેલા જે જીવતો હતો તેના થી પણ વધુ સારી રીતે જીવીશ!"

સાધુએ શેઠને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી તેમના આશ્રમમાં પાછા ફર્યા.

ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને શિક્ષા આપતા કહ્યું કે જ્યાં સુધી શેઠને બીજા શેઠના મૃત્યુની ખબર નહોતી પડી ત્યાં સુધી તે દિવસ-રાત માત્ર પૈસા કમાવવાનું જ વિચારતા હતા અને તેમની તબિયત પણ સારી હતી.

પરંતુ જ્યારે તેણે મૃત્યુ વિશે વિચારવાનું શરૂ કર્યું, તેઓ મૃત્યુની નજીક આવી ગયા અને એક સમયે તે મૃત્યુ પણ પામી જાત.

તેથી જ "જેમ આપણે વિચારીએ છીએ, તેવા આપણે બનીએ છીએ." સતત એક વસ્તુ વિશે વિચારવાથી તે એક ચમત્કારી મંત્રની જેમ કામ કરવા લાગે છે. એટલા માટે આપણે સતત સકારાત્મક વિચાર વિચારવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

ચમત્કારિક મંત્ર કેવી રીતે સક્રિય કરવો?

ભગવાન અને ખુદ પર વિશ્વાસ રાખો, ભગવાને દરેક મનુષ્યને એક ખાસ હેતુ માટે બનાવ્યા છે. ફક્ત તમારી પ્રતિભાને ઓળખો. સ્વ ની શોધ કરો. દરરોજ તમારી જાતને પ્રોત્સાહિત કરતા રહો. કારણ કે જે તમે કરી શકો છો તે આ દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ પણ નથી કરી શકતી.

અત્યારે તમારા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તેના દ્વારા તમે જોઈ શકો છો કે તમે દરરોજ શું વિચારી રહ્યાં છો. તમારું આખું જીવન એક મૂવી જેવુ છે, જે તમને બતાવે છે કે તમે કેવી રીતે આગળ જઈ રહ્યા છો. તમે અંધારામાં નથી - તમને પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રતિસાદમાંથી શીખો.
એકાંતમાં બેસો અને અવલોકન કરો કે તમને કઈ વસ્તુ સરળતાથી મળી હતી.વિચારો કે તમે શું કર્યું જેનાથી તે વસ્તુ તમારી પાસે આવી. સ્વયં ને જાણો અને વિશ્વાસ કરો, તમે ચમત્કારિક મંત્ર (Law Of Attraction) સ્વામી બની જશો.

અંતે, કોઈએ સાચું જ કહ્યું છે કે, "જો તમે હૃદયથી કંઈ પણ ઈચ્છો છો, તો સમગ્ર બ્રહ્માંડ તેના પ્રયત્ન માં લાગી જાય છે."

ઇશ્વર ને પ્રાર્થના કરું છુ કે,"તમને તમારા જીવન માં જે ઈચ્છો છો તે મળે અને તમારા હર એક સ્વપ્નો હકીકત માં બદલે.


એક વિનંતી :- જો તમને મારી આ રચના પસંદ આવી હોય તો Follow કરી દેજો અને Review જરુર જરુર આપજો.