Gujarati is my mother tongue in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | ગુજરાતી મારી માતૃભાષા

Featured Books
Categories
Share

ગુજરાતી મારી માતૃભાષા

લેખ :- ગુજરાતી મારી માતૃભાષા
લેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની






આજે 21મી ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ માતૃભાષા દિવસ' છે, તો વિચાર્યું કે આજે કંઈક લખવું જોઈએ માતૃભાષા વિશે. માતૃભાષાની શાળાની દુર્દશા વિશે તો હુ અગાઉ એક કાવ્ય લખી જ ચૂકી છું. આજે માતૃભાષાનો મહિમા લવા જઈ રહી છું.

આજે જ્યારે લોકોનો, ખાસ કરીને વાલીઓનો, અંગ્રેજી ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો છે ત્યારે સહજભાવે અનુભવાય છે માતૃભાષા પ્રત્યેનો ખોવાયેલો પ્રેમ.

આજકાલ બાળક બોલતું થાય ત્યારથી એને માટે સફરજન 'એપલ' બની જાય છે અને વ્હાલી મા 'મોમ'. પપ્પા તો સીધા 'ડેડ'. ખુદ માતા પિતાને જ શરમ આવે છે, જો બાળક અંગ્રેજી ન બોલતું હોય તો!

બાળકને મજબૂરીમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવું પડે તો અલગ વાત છે, બાકી પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ. આનાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા વિકસિત થાય છે અને એ પોતાનાં મૌલિક વિચારો રજૂ કરતાં શીખે છે.

ગર્વ છે મને કે હજુ પણ મારો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ ખોવાયો નથી. આજનાં આ દિવસે હું મારું એક કાવ્ય અહીં રજૂ કરું છું.

માતૃભાષા ગુજરાતી મારી

હું છું ગુજરાતી, ભાષા મારી ગુજરાતી.
ગુજરાતી બોલી મીઠી ઘણી.
આપે નહીં એ વિદાય કોઈને,
કહે 'આવજો' એ જતાંને.
પડે જ્યારે છૂટા બે જણાં,
એમ કહે કે 'ફરી મળીએ'.
વિદાયનાં શબ્દોમાં પણ જ્યાં,
છુપાઈ છે આગલી મુલાકાત,
એ મારી ગુજરાતી ભાષા.
બોલવી જેટલી સરળ એ,
લખવી એટલી જ મુશ્કેલ એ.
'પાણી' એટલે 'જળ' પણ 'પાણિ' એટલે 'હથેળી'
હોય આવો ભેદ તો એ મારી ગુજરાતી.
નથી અહીં મમ્મી 'મોમ' કે પપ્પા 'ડેડ'.
છે બંને વ્હાલથી ભરેલ માતા પિતા.
કોઈ કસરતમાં બહુ ઓછું માને
તો સમજો એ ગુજરાતી.
ટાળે કસરતને એમ કહી,
"લાગવું તો જોઈએ ખાધે પીઘે સુખી."
સંબંધો છે અહીં સરસ મજાનાં,
નિરાળા સૌનાં નામ અહીં.
પપ્પાના ભાઈ કાકા જ થાય,
ને મમ્મીના ભાઈ મામા જ થાય.
નથી અટવાતું કોઈ અહીં
કહીને કોઈને અંકલ આંટી.
સંબંધોની વ્યાખ્યા આપવી ન પડે,
બોલાવવા માત્રથી સમજી જવાય સંબંધ,
એ જ મારી ગુજરાતી.
'તુ તો ખરો/ખરી છે' કહીએ,
વાપરીએ આ શબ્દો ખીજ ઉતારવા કોઈને,
એમાંય કહીએ સાચા એને જ.
આવો વૈભવ મળે મારી ગુજરાતીમાં.
'હાય, હેલોમાં જે ન દેખાય,
એ સામર્થ્ય મળતું જોવા,
'રામ રામ' કે 'જય શ્રી કૃષ્ણ'માં.
લેવાતું પ્રભુનું નામ જેમાં શુભેચ્છા થકી,
એ મારી ગુજરાતી મીઠી.
કવિ નર્મદ, ગાંધીજી, સરદાર પટેલ,
માહાત્મ્ય જેનું ગાયું આ મહાપુરુષોએ,
એ મારી ગુજરાતી ભાષા.
મેઘાણી સાહેબ આપણાં
રાષ્ટ્રીય શાયર કહેવાયા.
છોડીને જાય દેશ પણ છોડે નહીં
પોતાની ભાષા, એ એક ગુજરાતી.
જ્યાં વસે એક ગુજરાતી,
બોલાય ત્યાં ગુજરાતી ભાષા સદાય.
રહે દુનિયાને ગમે તે ખૂણે,
ઋતુઓ મુજબનાં ખાનપાન
ભૂલ્યા વગર બને જેને ઘરે,
એ જ પાક્કો ગુજરાતી.
જોઈ દુર્દશા ગુજરાતીની,
હૈયું મારું ઘવાય છે.
પણ યાદ કરુ જ્યાં હું
કવિ નર્મદને, ગર્વથી છાતી ફૂલાય છે.
કહ્યું એમણે એક જ વાક્ય,
ને વધાર્યું ગૌરવ માતૃભાષાનું,
"નથી અફસોસ મને અંગ્રેજી ન આવડવાનો,
ગર્વ છે મને ગુજરાતી કડકડાટ આવડવાનો."
યાદ કરું હું શ્રી ઉમાશંકર જોશીને,
પંક્તિ એમની યાદ આવે મને.
"સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી."
જાણીએ ભલે દેશ વિદેશની ભાષા,
ક્યારેય ન ભૂલીએ માતૃભાષા.
ભણેલ ભૂલાય અન્ય ભાષાનું,
માતૃભાષા તો મૌલિક સદાય.
લખતાં જેમાં વિચારવું ન પડે,
એ જ કહેવાય માતૃભાષા.
લખો ગર્વથી ગુજરાતીમાં,
કહો સૌને ગર્વથી,
"હું છું ગુજરાતી, ગર્વ છે મને ગુજરાતી હોવાનો."

વિશ્વ માતૃભાષા દિનની સૌને શુભેચ્છાઓ.💐

આભાર.

સ્નેહલ જાની