Pranay Parinay - 18 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 18

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 18

પાછલા પ્રકરણનો સાર:

ગઝલ, મલ્હાર દ્વારા કરવામાં આવેલા પ્રપોઝની વાત ઘરે કહે છે. પછી મિહિર બિઝનેસ મિટિંગના બહાને મલ્હારને મળે છે અને મલ્હારનુ મન જાણીને તેની ફેમિલીને ડિનર માટે ઈન્વાઈટ કરે છે.

મલહાર ફોન પર ગઝલ સાથેની વાતમાં તેને સાંજના સાડી પહેરવાનું સૂચન કરે છે. અને કિસની માંગણી મૂકે છે.

દરમિયાન મલ્હારના મનના વિચારો જાણીને આપણને સમજાય છે કે તે લગ્ન કરીને ઘરમાં કહ્યાગરી 'દાસી' લાવવા માંગે છે.

બીજી તરફ વિવાન ગઝલને ભૂલી શકતો નથી. તેને બધી વાતોમાં ગઝલની યાદ આવી જાય છે.


ગઝલ અને કૃપા રાતનાં ડિનર પ્રોગ્રામમાં પહેરવાની સાડી ખરીદવા મોલમાં જાય છે. ઘણી બધી સાડીઓ ટ્રાઈ કર્યા પછી છેવટે ગઝલને વિવાન દ્વારા પસંદ કરવામાં આવેલી સાડી ગમી જાય છે. અને એજ સાડી તે ખરીદી લે છે.


હવે આગળ..



**


પ્રણય પરિણય ભાગ ૧૮



રાતના આઠ વાગ્યે મલ્હાર એના પપ્પા પ્રતાપ ભાઈ અને મમ્મી સુમતિ બેન સાથે ગઝલના ઘરે આવ્યો.

મિહિર અને કૃપાએ બધાનું સ્વાગત કર્યું.


'આવો આવો અંકલ., આવ મલ્હાર.' મિહિર બોલ્યો.

કૃપા મલ્હારની મમ્મીને ગળે મળી.


બધા અંદર આવીને ગોઠવાયા, એકબીજાનાં ખબર અંતર પૂછ્યાં અને ઔપચારિક વાતચીત શરૂ થઈ.

મલ્હારની આંખો ગઝલને શોધી રહી હતી.


'મેં તો ગઝલને જોઇ જ નથી, તેને બોલાવોને જરા.. બાકી આપણી વાતો તો ચાલ્યા જ કરશે.' સુમતિબેને કહ્યુ.


'ગઝલ.. બેટા આવ..' મિહિર બોલ્યો.


'એ દિવસે તમારા ઘરે પાર્ટી હતી ત્યારે ગઝલ પણ અમારી સાથે આવેલી. હાં પણ તમને પાર્ટીમાં ક્યાંય જોયા નહીં.' કૃપાએ સુમતિ બેનને ઉદ્દેશીને કહ્યું.


'અમારા ઘરમાં…' સુમતિબેન બોલવા ગયાં ત્યાં પ્રતાપ ભાઈએ તેમની સામે આંખ કાઢીને તેમને રોક્યા.


સુમતિ બહેન બોલવાના હતાં કે અમારા ઘરમાં વહુઓને પાર્ટીઓમાં જવાની છૂટ નથી.

પણ પ્રતાપ ભાઈ એમને રોકીને વચ્ચે જ બોલી ઉઠ્યા:

'હાં એ દિવસે પાર્ટીમાં મેં ગઝલને જોઇ હતી, મને ખબર નહતી કે મલ્હાર અને ગઝલ એકબીજાને પસંદ કરે છે, નહિતો એ દિવસે પાર્ટીમાં જ એન્ગેજમેન્ટ કરી દીધું હોત.'


જોકે કૃપાની ચકોર નજરે પ્રતાપભાઈને પકડી પાડ્યા હતા. પણ હશે કંઈક વાત એમ સમજીને કૃપાએ ઈગ્નોર કર્યું અને હસતાં હસતાં બોલી: 'અમને પણ ક્યાં ખબર હતી.. નહિતર અત્યાર સુધીમાં તો લગ્ન થઈ ગયા હોત.'


એ લોકોની વાતચીત ચાલુ હતી ત્યારે ગઝલ સાડીનો પલ્લુ સંભાળતા ધીમે પગલે પગથિયાં ઉતરી રહી હતી.


લાઇટ પીચ કલરની ફ્લોરલ એમ્બ્રોઈડરી બોર્ડર અને સ્ટોન વર્ક વાળી સાડી, તેના પર સેમ કલરનું મેચિંગ વાળુ નેટનું બ્લાઉઝ, હાથમાં મેચિંગ બંગડીઓ, કર્લ કરેલા ખુલ્લા વાળ, આંખોમાં હળવું આઈલાઈનર, હોઠ પર પોતાની સ્કીન કલર કરતાં બે ટોન ડાર્કર લિપસ્ટિક.. પહેલેથી ખૂબસુરત ગઝલના નિખારમાં આજે ઓર વધારો થઈ રહ્યો હતો. સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવું રૂપ નીતરી રહ્યું હતું.


મલ્હાર અને તેના મમ્મી પપ્પા ગઝલને જોતાં જ રહી ગયા.

મલ્હાર તો થોડીવાર માટે શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો.


ગઝલ ત્યાં આવીને ઉભી રહી. 'આવ બેટા અહીં મારી બાજુમાં બેસ..' સુમતિબેન તેને ઉદ્દેશીને બોલ્યાં. એના અવાજથી મલ્હાર શુદ્ધિમાં આવ્યો અને તેણે ઉંડો શ્વાસ લીધો.


'ખૂબ સુંદર લાગે છે દિકરા..' કહીને સુમતિ બહેને ગઝલનાં દુખણાં લીધાં અને તેને પોતાની બાજુમાં બેસાડી.


'મલ્હાર પણ હવે થોડા સમયમાં બિઝનેસમાં ટોપ પર આવી જશે. વિવાન શ્રોફને પણ ટક્કર આપવા લાગશે. શું કહો છો પ્રતાપ અંકલ?' મિહિર મલ્હારનાં વખાણ કરતાં બોલ્યો.


'વિવાનને તમે જેમતેમ નહીં સમજતાં.. કટ્ટર બિઝનેસમેન છે.' પ્રતાપભાઈ બોલ્યાં.

વિવાનના વખાણ સાંભળીને મલ્હારનું મોઢુ કટાણુ થઇ ગયું.


'મલ્હાર પણ તો ખૂબ હોશિયાર છે. એટલાં ટૂંકા ગાળામાં પણ ઘણાં મોટા મોટા પ્રોજેકટ મેળવી લીધા.. એ પણ વિવાન મેદાનમાં હોવા છતાં. વખાણવા લાયક વાત તો છે જ.' મહિર બોલ્યો.

મલ્હારને મિહિરની વાત ગમી.


'એવા બે ત્રણ પ્રોજેક્ટથી વિવાનને કંઈ ફરક ના પડે. મલ્હારને હજુ ઘણું બધું શીખવાનું છે અને વિવાનની બરોબરીમાં પહોંચવા માટે હજુ ઘણી મજલ કાપવાની છે.' પ્રતાપ ભાઈએ પ્રેક્ટિકલ વાત કરી.

પપ્પાના મોઢે વિવાનનાં વખાણ સાંભળીને મલ્હારને અંદરથી ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો.


'તમે લોકો બસ બિઝનેસની વાતો જ કરશો કે?' સુમતિબેન બોલ્યા.


'નહિતો શું? હંમેશા બિઝનેસ.. પ્રોફિટ ને લોસ.. પુરુષો ભેગાં થાય એટલે એજ વાતો.' કૃપાએ ટાપસી પુરાવી.


'અમારે પુરુષોને બિઝનેસ સિવાય બીજી શું વાતો હોય?' પ્રતાપ ભાઈ હસતા હસતા બોલ્યા.


'છોકરા છોકરી વિષે વાત કરો..' સુમતિબેન બોલ્યાં.


'છોકરી અમને પસંદ છે, બીજી એમાં ક્યાં કંઇ વાત કરવાની બાકી છે?' પ્રતાપ ભાઈ બોલ્યા.


'અમને પણ મલ્હાર પસંદ છે.' મિહિરે કહ્યું.

તો પછી આપણે દેવા લેવાની વાત કરી લઇએ.' પ્રતાપ ભાઈ ગંભીર ચહેરો રાખીને બોલ્યા.


કૃપા અને મિહિરે એકબીજા સામે જોયું.


'હાં હાં, બોલોને શું શું જોઈશે? એમ પણ મારી પાસે જે કંઇ છે એ બધું ગઝલનું જ છે. અમને તો સંતાન છે નહીં. એટલે ગઝલ જ અમારી દિકરી છે. આ ઘર, બેંક બેલેન્સ, કાપડિયા એન્ડ કંપની.. બધુજ ગઝલનું છે, લગ્ન પછી એ બધાનો વારસદાર મલ્હાર પણ થશે.' બધુ ગઝલના નામે કરી દેવાની વાત કરતા મિહિરનાં ચહેરાની રેખા પણ ના ફરી.


'ના ભાઈ, મારે કંપની નથી જોઈતી, પપ્પાએ તમારા માટે શરૂ કરી હતી. અને તમે કેટલી મહેનત કરીને આગળ વધારી છે. મારે કશું નથી જોઇતું.' ગઝલ બોલી.


ગઝલનું વચ્ચે બોલવું મલ્હારને બિલકુલ ન ગમ્યું.


'બેટા, બધુ તારુ જ છે.' કૃપા બોલી.


'ના ભાભી.. મારે નથી જોઈતું.' ગઝલ ગળગળા સાદે બોલી.


'મિહિરભાઈ, ગઝલની વાત બરાબર છે, અમારે પણ કશું નથી જોઇતું. હું તો મજાક કરી રહ્યો હતો, અમારે તો ફક્ત અમારી વહુ જોઈએ છે બસ.. કેમ મલ્હાર?' પ્રતાપ ભાઈ હસીને બોલ્યા.


'હંમ્મ, ગઝલ સિવાય મારે બીજુ કશું નથી જોઈતું.' મલ્હારના ચહેરા પર પરાણની સ્માઈલ આવી. પછી તે મનમાં બોલ્યો: 'બિઝનેસ તો હું ગમે ત્યારે પડાવી લઇશ.'


'તારા વિચારો જાણીને સારુ લાગ્યું મલ્હાર.' મિહિર ગદગદ થઇને બોલ્યો.


'થેન્ક યૂ.. પણ મિહિર ભાઈ, મારી ઈચ્છા છે કે લગ્ન બને તેટલા જલ્દી થઈ જાય.' મલ્હાર બોલ્યો.

એની વાત પર બધા હસ્યાં.


'હાં, શુભ કામમાં મોડું શું કામ કરવું..' સુમતિબેન બોલ્યા.


'હાં તો બે દિવસ પછી આપણે ઘરમેળે સગાઈ કરી લઇએ, પછી જે પહેલુ મુહૂર્ત નીકળે એમા લગ્ન. શું કહેવું છે મિહિર ભાઈ તમારુ?' પ્રતાપ ભાઈએ પ્રસ્તાવ મૂક્યો.


'તમે જેમ કહો તેમ.' મિહિરે કહ્યુ.

એ વાત પર બધાએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યુ.


થોડી વાર પછી બધાં જમવા બેઠા.

ગઝલ અને મલ્હાર બાજુ બાજુમાં બેઠાં. બધા હરખની વાતો કરતા કરતા જમી રહ્યા હતા.

મલ્હારે ટેબલ નીચેથી પોતાનો હાથ સરકાવીને ગઝલનો હાથ દબાવ્યો.

આોચિંતી ક્રિયા થવાથી ગઝલની આંખો પહોળી થઈ, ગળામાં ઠસકું આવી ગયું.


'શું થયું?' કૃપાએ પૂછ્યું.


મલ્હારે તરતજ ગઝલનો હાથ છોડી દીધો, છતાં પણ એને વધુ એક ઠસકું આવી ગયું.


'લે પાણી પી લે.' કૃપાએ ગઝલને પાણી આપ્યું.

પાણી પીધા બાદ ગઝલને રાહત થઈ. તેણે મલ્હાર સામે જોયું. મલ્હાર મૂછમાં હસ્યો.


જમ્યા પછી બધા હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. મલ્હાર બોર થતો હતો.


'મિહિર ભાઈ, તમારુ ઘર ખૂબ સુંદર છે.' મલ્હાર જાણી જોઈને બોલ્યો.


'હાં, બેક સાઇડમાં ગાર્ડન પણ ખૂબ સરસ છે. ગઝલ.. જા, મલ્હારને ગાર્ડન બતાવ.' મિહિર જાણે મલ્હારના મનની વાત સમજી ગયો હોય તેમ બોલ્યો.


'હાં.' ગઝલ બોલી અને મલ્હાર સામે જોઈને ઉભી રહી. મલ્હાર થોડી ક્ષણો પછી ઉભો થયો, અને બંને જણ બંગલો જોવા માટે નીકળ્યા.


ગઝલ તેને બંગલો બતાવતી બેક સાઇડ ગાર્ડનમાં લઈ આવી.


'તો પછી?' મલ્હાર બોલ્યો.


'શું પછી?' ગઝલ બોલી.


'કેવું લાગે છે?'


'સારુ લાગે છે.'


મલ્હારે તેનો હાથ પકડીને આંચકાથી નજીક ખેંચી.

મલ્હારની છાતી ગઝલના સીના સાથે ટકરાઈ.


'મલ્હાર..' ગઝલ ગભરાટ ભર્યા અવાજે બોલી. તેના હૃદયમાં ધડધડ થવા લાગ્યું.


'મેં કીધું હતું ને?' મલ્હાર બોલ્યો.


'શું?' ગઝલ ધીમેથી બોલી.


'ડિનર પર આવીશ ત્યારે તારે કિસ આપવી પડશે.' મલ્હાર ગઝલના હોઠ પર આંગળી ફેરવતાં બોલ્યો.


'કંઇ પણ.' ગઝલ બોલી.


'હવે આપણે કપલ છીએ.' મલ્હારે કહ્યુ.


'હજુ આપણા લગ્ન નથી થયાં.'


'એ પણ થઇ જશે આઠ દશ દિવસમાં' કહીને મલ્હારે મસ્તીભર્યું હસતાં તેને વધુ નજીક ખેંચી.


'નો.. મલ્હાર.' ગઝલ બોલી.


'અહં, આઇ ટોલ્ડ યૂ.' મલ્હાર બોલ્યો અને ગઝલને કિસ કરવા ઝૂક્યો. ગઝલના ધબકારા વધી ગયાં.


'નહીં મલ્હાર, મને ડર લાગે છે.'


'એમાં શું ડરવાનું? બસ એક કિસ તો કરવાની છે.'


'મલ્હાર પ્લીઝ..' કહીને ગઝલએ ચહેરો બીજી તરફ ફેરવી લીધો.


'કેમ એમ કરે છે ગઝલ? આપણા મેરેજ થવાના છે.' મલ્હાર બોલ્યો.


'આઈ એમ નોટ ફીલિંગ કમ્ફર્ટેબલ મલ્હાર, અને ભાભીને ખબર પડશે તો તેને પણ નહીં ગમે.' ગઝલ બોલી.


'ધેન ઈટ્સ ઓકે.' કહીને મલ્હારે એને છોડી દીધી.


'આઈ એમ સોરી.' ગઝલએ કહ્યુ.


'ઈટ્સ ઓકે.. જઈએ હવે?' મલ્હાર બોલ્યો.


'તને ગુસ્સો તો નથી આવ્યોને મલ્હાર?'


'નહીં બેબી..' કહીને મલ્હારે ગઝલને આલિંગન આપ્યું, અને બોલ્યો: 'અત્યારે તો ઠીક છે પણ લગ્ન પછી તો ના નહીં કહેને?'


ગઝલએ નામાં માથું હલાવ્યું.


ખરેખર તો મલ્હાર મનમાં રાજી થયો હતો, તેને આવી જ સંસ્કારી ઘરવાળી જોઈતી હતી જે ખરા અર્થમાં 'ઘરવાળી' જ બનીને રહે.

પછી એ લોકો હોલમાં બધાં બેઠા હતા ત્યાં આવ્યા.

થોડીવાર બેસીને મલ્હારની ફેમિલી એ લોકોની રજા લઇને ત્યાંથી નીકળી ગઈ.


**

બે દિવસ પછી સગાઇ હોવાથી બંને ઘરે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.


મલ્હારનાં મિત્રોએ પાર્ટી માંગી હોવાથી તે મિત્રો સાથે મૂનલાઈટ ક્લબમાં આવ્યો હતો. બધા મિત્રો વચ્ચે ગઝલ સાથે તેના લગ્નની વાતો થઈ રહી હતી.

બરાબર એ જ સમયે આરોહી ઘરે જવા માટે ઉભી થઇ. તેણે પોતાની કેબિનનાં કાચમાંથી મલ્હારને જોયો.


'મલ્હાર તો આઉટ ઓફ ઈન્ડિયા હતોને? એ રીટર્ન ક્યારે આવ્યો? ચલ તેને મળતી જાવ.' આરોહી મનમાં બોલી.


'યશ, હું ઘરે જઉં છું.' આરોહી એના બોયફ્રેન્ડ યશને કહીને કેબિનમાંથી નીકળીને મલ્હારનું ગૃપ બેઠું હતું એ તરફ ગઇ.


'યાર, તારા લગ્ન થઈ જશે પછી આવી પાર્ટીઓ બંધ થઈ જશે.' મલ્હારનો મિત્ર બોલ્યો.


'હાં રે, પછી ભાભીને છોડીને મલ્હાર આપણી સાથે થોડો આવશે?' બીજો મિત્ર બોલ્યો.


'હાં, એજ વાત છેને ભઇ.. ગઝલ ભાભી છે જ એવી કે આ મલ્હાર એક રાત પણ એને છોડશે નહીં..' એના મિત્રો એની ખિલ્લી ઉડાવતા હસી રહ્યાં હતાં.


આરોહી ગઝલનું નામ સાંભળીને ચમકી.

'આ ગઝલ કોણ છે? મલ્હાર તો કાવ્યા સાથે લગ્ન કરવાનો છે.. તો પછી આ લોકો ગઝલ ભાભી કેમ બોલ્યા?' આરોહી એ લોકોની વાતો સાંભળતી પાછળ ફરીને ઉભી રહી.


એ લોકોની વાતચીત પરથી આરોહીને એટલું સમજાઈ ગયું કે, મલ્હાર કોઈ ગઝલ નામની છોકરી સાથે આવતા બે દિવસમાં સગાઇ કરવાનો છે અને આઠ દશ દિવસમાં લગ્ન પણ કરી લેવાનો છે.


'શું પેલી કથ્થઈ આંખો વાળી છોકરીનુ નામ ગઝલ હશે? માય ગૉડ, મતલબ મલ્હાર કાવ્યાને ચિટ કરે છે?

અને પેલી મૂરખ આ ઈન્ડિયાની બહાર છે અને આવી જાય પછી બધાની સામે જાહેરાત કરશું એવા ભ્રમમાં છે.. મારે કાવ્યાને વાત કરવી પડશે.' આરોહીએ મનમાં વિચાર્યું અને બહાર નીકળી.


ઘરે પહોંચીને તેણે કાવ્યાને ફોન લગાવ્યો અને નાઈટ ક્લબમાં મલ્હાર અને તેના દોસ્તો વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી.


'ખોટી વાત છે, મલ્હાર મારી સાથે આવું કરે જ નહીં.' કાવ્યા બોલી.


'પ્રેમમાં આંધળી થઇ ગઇ છે તું, જરા આંખો ખોલીને જો.. છેલ્લા કેટલા દિવસોથી કંઈને કંઈ બહાનું કાઢીને એ તને ઉલ્લુ બનાવે છે! તને મારી વાત ખોટી લાગતી હોય તો એને ફોન કરીને પૂછ કે એ અત્યારે ક્યાં છે..' આરોહી ગુસ્સાથી બોલી.


કાવ્યાએ તેનો ફોન કટ કરીને મલ્હારને લગાવ્યો. પણ મલ્હારે તેને આપેલો નંબર બંધ કરી દીધો હોવાથી એનો ફોન લાગતો નહોતો. એટલે કાવ્યાએ સીધા નાઈટ ક્લબમાં જવાનું નક્કી કર્યું.


તેની ગાડી સર્વિસમાં ગઈ હતી. સમાઈરાની કાર એમ જ પડી હોવાથી તેણે એ કાર લીધી અને બહાર નીકળી.


મલ્હાર નાઈટ ક્લબમાંથી જસ્ટ બહાર નીકળ્યો જ હતો, ત્યારે કાવ્યાની કાર રોડની સામેની સાઈડ પહોંચી હતી. ક્લબ પાસે આવવા માટે યુ ટર્ન મારવાનો હતો ત્યારે કાવ્યાએ તેને જોયો. તેણે મલ્હારને બૂમ મારી પણ તેનો અવાજ ત્યાં સુધી પહોંચ્યો નહીં.

મલ્હાર એની ધૂનમાં પોતાની કાર લઈને નીકળી ગયો. કાવ્યાએ તેનો પીછો કર્યો.


કાવ્યાએ કારની સ્પીડ વધારી, મલ્હારને ઓવરટેક કરીને પોતાની કારને રસ્તા વચ્ચે આડી ઉભી રાખી દીધી.


સામે અચાનક આવી ગયેલી કારને જોઈને મલ્હારે જોરદાર બ્રેક મારી.


'વ્હોટ ધ હેલ..' બોલતો એ ગુસ્સામાં નીચે ઉતર્યો.


'યૂ ઈડિયટ… બહાર નીકળ..' મલ્હાર ગુસ્સાથી બોલ્યો.

અને કાવ્યા કારમાંથી નીચે ઉતરી…


મલ્હારને સપનેય ખ્યાલ નહોતો કે અત્યારે કાવ્યાનો સામનો થશે.


કાવ્યાને સામે જોઈને મલ્હારને ઝટકો લાગ્યો અને તેણે નાઈટ ક્લબમાં કરેલો બધો નશો ઉતરી ગયો.

.

.

ક્રમશઃ


**


શું વિવાન ગઝલને ભૂલી શકશે?


શું ગઝલ અને મલ્હારનું એંગેજમેંન્ટ થશે?


પ્રતાપ ભાઈએ તેની પત્નીની વાત કાપી નાખી એ ધ્યાનમાં આવવા છતાં કૃપાએ નજરઅંદાજ કરી. શું એ વાત આગળ જતાં ગઝલને નડશે?


મલ્હાર અને કાવ્યાનો આમનો સામનો શું પરિણામ લાવશે?


શું કાવ્યા મલ્હારનો ભાંડો ફોડી નાખશે?


કે પછી કાવ્યા વધુ એક વાર મુરખ બનશે?



❤ તમને આ વાર્તા ઈન્ટરેસ્ટિંગ લાગતી હોય તો પ્રતિભાવ / રેટિંગ આપીને કોમેન્ટ્સ જરુરથી કરજો. હું તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ. ❤


ઘણા મિત્રોના મેસેજ આવે છે કે તેમને વાર્તાના પ્રકરણ મોડેથી વાંચવા મળે છે અથવા તો નોટિફિકેશન મળતાં નથી.

તો એ મિત્રોને કહેવાનું કે, સમયસર નોટિફિકેશન મેળવવા માટે અને નવું પ્રકરણ જલદી જલદી વાંચવા માટે મને ફોલો કરો. મતલબ કે મને અનુસરો. એટલે તમને નવું પ્રકરણ પ્રકાશિત થતાં જ તેની જાણકારી મળી જશે.


ધન્યવાદ