Dashavatar - 68 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 68

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 68

          “મને ખબર છે.” પદ્માએ પાછું જોયા વગર સરોજાને પોતાની પાછળ ખેંચીને કહ્યું, “બસ દોડતી રહે.”

          એણે પાછું વળીને જોયું નહોતું. એણે પાછા જઈને એના લોકોને મદદ કરવાની પોતાની બાલીશ ઇચ્છાનો સામનો કર્યો કારણ કે એ જાણતી હતી કે પોતે મદદ કરી શકે એમ નથી.  જ્યાં સુધી એ કેનાલ પર ન પહોંચ્યા ત્યાં સુધી એ દોડતી રહી. એ કેનાલ પાસે ઊભી રહી ત્યારે ગતિના લીધે સરોજા એની સાથે અથડાઈ અને લગભગ બંને પડી જ ગઈ હોત પણ એમણે વેલ પકડી લીધી અને પોતાની જાતને સ્થિર રાખી.

          “વેલ પકડીને કેનાલ પર ચડો અને પાણીમાં કૂદી પડો, ડરશો નહીં.” એણે બૂમ પાડી અને વેલ પકડીને કેનાલની કદાવર દીવાલ પર ચડવા લાગી. સરોજા પણ એની જેમ દીવાલ પર ચડવા લાગી. પદ્માએ બાકીના તાલીમીઓને પણ દીવાલ પર ચડતા જોયા.

          એકવાર એ બધા કેનાલની દીવાલ ઉપર ચડી ગયા ત્યારે પદ્માએ પાછળ જોયું. એ દૃશ્ય ભયાનક હતું - દેવતા એના લોકોની નિર્દયતાથી હત્યા કરતા હતા. તીરથી ઘાયલ થયેલા શૂન્યો પીડાથી કણસી રહ્યા હતા. કેટલાક નિર્ભય પકડાયેલી યુવતીઓના શરીર પરથી કપડા કાઢી રહ્યા હતા. યુદ્ધના મેદાનમાં છોકરીઓ પર બળાત્કાર થતો હતો.

          એ ભયાનક હતું. એમને મદદ ન કરવા બદલ પદ્માને જાત ઉપર રોષ ચડતો હતો. એ એક કાયર જેવી લાગણી અનુભવતી હતી. એણે પોતાને ક્યારેય એક શૂન્ય નહોતી સમજી પણ એ ક્ષણે પહેલીવાર એક શૂન્ય હોવાનો અનુભવ કર્યો. એ જાણતી હતી કે જો અત્યારે પોતે અને બાકીના યુવાન અહીંથી છટકી નહીં શકે તો એના લોકોએ બતાવેલી હિંમત અને એમણે આપેલી જીવનની કુરબાની નકામી જશે.

          "પાણીમાં કૂદો..." કોઈ દલીલ કરે એ પહેલાં જ એ સરોજાને લઈને કેનાલમાં કૂદી પડી. સરોજાએ ચીસ પાડી પણ બીજી પળે એ પાણીની સપાટી સાથે અથડાયા અને નીચે ઊતરી ગયા. પાણી એમને પ્રવાહની દિશામાં તાણી જાય એ પહેલા એમણે બાકીના તાલીમીઓને પાણીમાં કુદી પડતાં જોયા.

          પાણીનો પ્રવાહ પદ્મા અને બાકીના તાલીમીઓને એ ભયાનક દૃશ્યથી દૂર ખેંચી ગયો. પ્રવાહ ઝડપી હતો. પાણી એમને ડૂબાડી દે એવું હતું પણ બધા યુવાન વયના હતા અને સખત શ્રમ કરવા ટેવાયેલા હોવાથી એમના સ્નાયુ મજબુત હતા. એ તરી શકતા હતા. પદ્મા સિવાય કોઈને કેનાલમાં તરવાનો અનુભવ નહોતો પણ એ બધા નાની ઉમરે જળકુંડમાં અને મોટા થયા પછી તળાવમાં તરવા ટેવાયેલા હતા.

          "બધા એક હરોળમાં રહેજો." પદ્માએ માથું ઊંચકીને બૂમ પાડી, “પાણી તમને નીચે ન ખેંચી જાય એનું ધ્યાન રાખજો. નીચે પ્રવાહ ઝડપી અને શક્તિશાળી હશે, તમે એની સામે લડી નહીં શકો.”

          એને એ ખ્યાલ નહોતો કે એમાંથી કોઈ પાણીના અવાજ વચ્ચે એ સંભળાયું હશે કે નહીં પણ એ સતત બૂમ પાડતી રહી, "શાંત રહો અને સપાટી પર રહો."

          સરોજા એની બાજુમાં હતી. એને પોતાને ખ્યાલ નહોતો કે કેવી રીતે પણ એ સારી રીતે તરી શકતી હતી. એ પેટના બળે તરતી હતી. પદ્માએ માથું ઊંચક્યું અને જોયું કે બધા તાલીમીઓ અલગ અલગ રીતે તરતા હતા. એક કલાક પછી એ બધા થાકી ગયા હતા પણ ઝડપી પ્રવાહે એમને નિર્ભયની ટુકડીથી ક્યાંક સલામત દૂર લાવી દીધા હતા.

          "પીઠના સહારે પાણીમાં તરતા રહો." પદ્માએ કહ્યું, "હવે ત્રાંસા તરો અને કેનાલની દીવાલ નજીક જાઓ." એણે બધાને કહ્યું કે કેવી રીતે દીવાલ પર પકડ મેળવવી, “જ્યાં પાણી લીક થતું હશે ત્યાં બહાર વેલો ઉગી નીકળી હશે એ વેલો અંદર સુધી લટકતી હશે. એ વેલો દેખાય એ સાથે જ પકડીને દીવાલ પર ચડવા લાગો.”

          એણે કહ્યું એમ બધા દીવાલ તરફ ત્રાંસા તરવા લાગ્યા. ત્રાંસા તરવાથી એમની ઊર્જા બચી અને દીવાલ સુધી પહોંચવામાં સરળતા પડી.

          બહારથી અંદર આવતા વેલા પકડીને એક પછી એક તાલીમીઓ દીવાલ પર ચડવા લાગ્યા. કેટલીક જગ્યાએ કેનાલ લીક થતી હતી ત્યાં આસપાસના વિસ્તારમાં વેલા ઉગ્યા હતા. એ વેલા અર્ધવેરાન પ્રદેશના હતા. એમની મજબૂતી દીવાલની દક્ષીણમાં બનાવવામાં આવતા રસ્સા કરતા પણ વધારે હતી. પદ્મા હંમેશા દીવાલ પર ચડવા આ જ પદ્ધતિનો ઉપયોગ કરતી. 

          કેનાલની દીવાલ પર પહોચ્યા પછી એ જોખમમાંથી બહાર હતા. થાક અને ઉદાસીએ બધાને ઘેરી લીધા હતા. નિરાશા એમના મનને અસ્તવસ્ત કરી રહી હતી.  બધા દીવાલની બીજી બાજુએ રેતીમાં કુદી પડ્યા. એ એટલા થાકેલા હતા કે હવે ઊભા થવાના પણ હોશ નહોતા. બધા એમ જ રેતીમાં પડ્યા રહ્યા.

          કેનાલ એમને રેતાળ-રણમાં ક્યાંક ખેંચી ગઈ હતી. પદ્માએ ગરદન ઉંચી કરી આસપાસ નજર કરી. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં માત્ર અને માત્ર રેતી જ હતી. એ રેતના દરિયા વચ્ચે કયાંક હતા. એમની આસપાસ ઘૂંટણની ઊંચાઈના કાંટાવાળા છોડ દેખાતા હતા.

          પદ્માએ નિસાસો નાખ્યો. એ હાંફતી હતી. એનું એકેક અંગ દુખતું હતું. એણે સરોજાને એ જ હાલતમાં જોઈ. ઘડીભર તો એને થયું કે એ બેભાન થઈ છે પણ એની છાતી એના શ્વાસ સાથે ઉંચી નીચી થતી હતી. પદ્માને હાશકારો થયો કે એ હજુ જીવે છે. ફરી પેલા ભયાનક દૃશ્ય એની આંખોના પોપચા સામે ધસી આવ્યા.

          "દોડો!" પદ્માને એના લોકોની બૂમો સાંભળાવા લાગી, “દોડો, બાળકો.”

          એના લોકોના છેલ્લા શબ્દો એના કાનમાં ગુંજવા લાગ્યા, "પ્રલય પહેલાના દયાળુ દેવો તમારી મદદ કરે." એણે એના લોકોને અનેકવાર પ્રલય પહેલાના દેવોની વાત કરતાં સાંભળ્યા હતા - એના લોકો નાનીનાની બાબતો પર નિરાશ થઈ જતા અને પ્રલય પહેલાના ઈશ્વરને યાદ કરતા. જોકે આ ઈશ્વરને અંતિમ પ્રાર્થના કરતા સમયે શૂન્ય લોકોના અવાજમાં જે ઉન્માદ, ગભરાટ, લાચારી અને દર્દ હતું એ પદ્મા ક્યારેય ભૂલી શકે એમ નહોતી.

          એના લોકોની છાતીમાં ઉતરતા તિર, શૂન્ય યુવતીઓ પર થતો સિતમ, નિર્ભય સિપાહીઓની તલવારોથી કપાયેલા શૂન્યોના માથા, એના લોકોના લોહીથી લાલ રંગે રંગાયેલી રેત, દેવતાના જાદુઈ અસ્ત્રોથી થતો શૂન્યોનો સંહાર એ દરેક દૃશ્ય ઝાડ પરથી ખરીને હવામાં ફંગોળાતા પાંદડા જેમ એની આંખો આસપાસ આમતેમ ફંગોળાતા હતા. એ દૃશ્યો એની સ્મૃતિમાં કાયમ માટે અકબંધ રહેવાના હતા. એના લોકો નિર્ભયના સૈનિકો વચ્ચે ફસાયેલા હતા, દેવતાઓની તાકાત સામે લાચાર હતા, મૃત્યુ એમની આસપાસ ભરડો લઈ રહ્યું હતું અને છતાં એ તાલીમીઓને ત્યાંથી બચીને નીકળી જવા કહેતા હતા. અને પોતે શું કર્યું? ત્યાંથી જીવ બચાવીને નીકળી ગઈ!

          મૃત્યુ સામે લડી રહેલા લોકોની તસવીરો એના મગજમાં છવાઈ ગઈ. એમની ચીસો એના કાનમાં ગુંજવા લાગી. બંને હથેળીઓ વડે કાન ઢાંકીને એણે એ અવાજને રોકવાનો પ્રયત્ન કર્યો પણ એ બહાર નહોતા – એ અવાજ એના મનની અંદર હતા અને અને એ અંદરથી આવતી ચીસોના અવાજને કાન પર ગમે એટલા જોરથી હથેળીઓ દાબવવા છતાં રોકી શકાય એમ નહોતી. એ કોણીને ટેકે ઉંચી થઈ. એની આંખોમાંથી આંસુ વહેતા હતા. એના કપડાં કેનાલના પાણીથી ભીના હતા. રેતી એના શરીર અને કપડાં પર ચોંટી ગઈ હતી. 

          એ ઊભી થઈ અને ભીના કપડા પર ચોટેલી રેતી ખંખેરી – હજુ પણ એના લોકોની દર્દભરી ચીસો એના કાનને બહેરા બનાવી રહી હતી. એને લાગ્યું કે એ અવાજ ક્યારેય અટકશે નહીં. એ એને જીવનભર સાંભળતી રહેશે. એના મગજમાં એના પડઘા પડતાં રહેશે. એ ભયાનક અવાજ એના કાનને બહેરા કરતાં રહેશે. જ્યાં સુધી એ મરી ન જાય અથવા એ બદલો ન લે ત્યાં સુધી એ દૃશ્યો અને એ અવાજથી એને છુટકારો મળવાનો નહોતો. 

          એણે ઊંડો શ્વાસ લીધો. એના શ્વાસમાં રેતીની ખારાશ અનુભવાઈ અને એને દીવાલની દક્ષીણ તરફની યાદ આવી. એ જાણતી હતી કે અખિલ ગુજરી ગયો હશે. બાકીના લોકો મૃત્યુ પામ્યા હશે. એના પિતાની જેમ એ બધા મૃત્યુ પામ્યા હશે.

          જે તાલીમીઓ ભાગી ન શક્યા એમને કેદ કરીને પાટનગર લઈ જવામાં આવશે. ત્યા ફસાઈ ગયેલી છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવશે અને જે છોકરાઓ લડ્યા હશે એમને મારી નાખવામાં આવ્યા હશે. મારે ત્યાં જ રહેવું જોતું હતું. મારે મારા લોકોને એકલા નહોતા છોડવા જોતા. એના મનમાં વિચારોનું વાવાઝોડું ફુકાતું હતું.

          એના પિતા કહેતા કે જિંદગી ક્ષણોથી બનેલી છે. ઘણી બધી ક્ષણ એક સાથે ગોઠવીએ અને આપણે એને જીવન કહીએ છીએ. પરંતુ એક દિવસ ફક્ત એક જ ક્ષણ આવે છે અને તમારી પાસેથી દરેક ક્ષણ છીનવી લે છે. આ કળિયુગ છે અને અસ્તિત્વ નિશ્ચિત નથી. જીવન બીજું કંઈ નથી પણ આપણે જીવેલી ક્ષણોનો હિસાબ છે. પદ્મા જાણતી હતી કે એ હિસાબમાં એની એ એક પળે એને જીવનભરની ખોટ આપી હતી.

          ત્રિલોક સાચા હતા – પદ્માને ખબર હતી કે એના જીવનમાં એ ક્ષણ આવી હતી - હિંમત બતાવવાની એ ક્ષણ - એના લોકોએ એ ક્ષણે બહાદુરી બતાવી, અખિલ જેવા અગણિત શૂન્યોએ જીવનની એ ક્ષણને વધાવી લીધી અને એક પળમાં શૂન્યમાંથી નિર્ભય બની ગયા પરંતુ પોતે હિંમત અને શક્તિની એ પરીક્ષા પાસ ન કરી શકી. એ માટે એ પોતાને ક્યારેય માફ નહીં કરી શકે એ પણ એ જાણતી હતી.

          બાળકો દોડો. મેં એમની વાત કેમ સાંભળી? મારે ત્યાં રહેવું જોતું હતું. હું જીતી ન શકત પણ મારે મારા લોકો સાથે મરવું જોતું હતું. મારે મરી જવું જોઈએ. એણે નિસાસો નાખ્યો અને ફરી બંને હથેળી વડે પોતાના કાન ઢાંક્યા. પેલા અવાજ એને સંભળાતા રહ્યા - બાળકો ભાગો.

          જ્યારે એ લોકો અખિલ અને બાકીના લોકોના મૃતદેહ દીવાલની દક્ષીણમાં મોકલશે ત્યારે શું થશે? એકએક એને યાદ આવ્યું કે બાગી નિર્ભયની ટુકડી આગગાડીમાં એમની સાથે જશે. જગપતિએ કહ્યું હતું કે કારુ સૌથી મોટા આક્રમણની યોજના બનાવી રહ્યો છે. મારી મા - એ આક્રમણના સમયે શું કરશે? એ કેવી રીતે બચી શકશે? માત્ર મા જ નહીં પરંતુ તમામ દક્ષીણવાસીઓ કેવી રીતે બચશે?

          "આપણે ક્યાં છીએ?" એણે સરોજાનો અવાજ સાંભળ્યો અને વિચારો બહાર આવી. સરોજા એની બાજુમાં ઊભી હતી. એ ક્યારે ઊભી થઈને એની બાજુમાં આવી એ એના ધ્યાનમાં નહોતું.

          “કોઈ ખ્યાલ નથી.” પદ્માએ નિર્જન વિસ્તાર ઉપર નજર ફેંકતા કહ્યું. એ ઘાસથી ઢંકાયેલો વિસ્તાર હતો. એને યાદ આવ્યું કે લોકો એ ઘાસને શાપિત માનતા અને કહેતા કે કુશ ઘાસને સ્પર્શ ન કરવો જોઈએ કેમકે એ દુઃસ્વપ્ન અને મૃત્યુ તરફ દોરી જાય છે.

          એણે બૂમ પાડી, “સાથીઓ, ઊભા થાઓ, આપણે આગળ વધવું પડશે. કદાચ એ આપણો પીછો કરી રહ્યા હશે.” એણે કેટલાક તાલીમીઓને પોતાની તરફ નજર ફેરવતા જોયા, "જગપતિએ કહ્યું છે કે આપણને મદદ મળશે પણ આપણે પહેલા દુશ્મનોથી પીછો છોડાવવો પડશે. ગમે તે રીતે આપણે હમલાવર ટુકડીથી છૂટકારો મેળવવો પડશે."

          બધા ઊભા થયા. એ છતાં તેમાંથી કેટલાક ધ્રૂજતા હતા. એમના હ્રદયમાં ભય અને પીડા સિવાય કશું જ નહોતું અને એમની આંખ સામે રેત અને શાપિત ઘાસ સિવાય કંઈ નહોતું.

          પદ્માએ કહ્યું, "ચાલો ગણતરી કરીએ જેથી આપણે જાણી શકીએ કે આપણામાંથી કેટલા કેનાલના પાણીમાંથી બચી નીકળ્યા છે?" એણે તાલીમીઓ તરફ નજર ફેરવી અને કહ્યું, "એક!"

          કોઈ આગળ ન બોલ્યું એટલે સરોજા બોલી, "બે!"

          ત્યાંથી તાલીમીઓએ ગણતરી શરુ કરી અને અંતે એક પાતળા બાંધાના યુવકે કહ્યું, "છત્રીસ."

          "આપણે જાણતા નથી કે કેટલા લોકો પાણીમાં કુદ્યા હતા પરંતુ હવે આપણે છત્રીસ છીએ અને આપણે એક સંઘ છીએ." સરોજાએ કહ્યું, "આપણે એકબીજાનું ધ્યાન રાખીશું."

          "સારું." એક યુવક બોલ્યો. એનો બંધો મજબૂત હતો પણ ચહેરો નિસ્તેજ હતો, "જો આપણે ટકી રહેવું હોય તો આપણને નિર્ભય જેમ એક સંઘ નાયકની જરૂર પડશે."

          પદ્માએ જવાબ ન આપ્યો.  એ જાણતી નહોતી કે કોને સંઘ નાયક બનાવવો જોઈએ.

          "પદ્મા આપણી સંઘ નાયક બનશે." સરોજાએ કહ્યું.

          “હા.” રૂપાએ આગળ કહ્યું, “તેં અમને પાણીમાંથી બચાવ્યા છે, તારે અમારા નાયક બનવું જોઈએ.”

          છતાં પણ પદ્મા કશું ન બોલી કેમકે એ હમણાં જ પોતાના લોકોને મોતના મોમાં એકલા છોડીને આવી હતી. એ પોતાને સંઘ નાયક બનવા લાયક નહોતી સમજતી.

          “રૂપા સાચી છે.” દિશે કહ્યું. એ જ્ઞાની હતો. એ સૌપ્રથમ જગમાલ ગુરુની ઝૂંપડીએ એકવાર પદ્માને મળ્યો હતો. જોકે પદ્મા એને ઓળખતી નહોતી.

          આશ, લતી, રેશ, તિકા અને ઘણા યુવક અને યુવતીઓ જેમને પદ્મા નામથી ઓળખતી નહોતી એ બધાએ પદ્માનું નામ સંઘ નાયક તરીકે સૂચવ્યું. કોઈએ વિરોધ ન કર્યો. પદ્માને એક પળ માટે દીવાલની દક્ષીણના મેળાવડા યાદ આવ્યા અને એના મનમાં જરા રાહત થઈ પણ બીજી જ પળે એને યાદ આવ્યું કે એ દીવાલની દક્ષીણમાં નહોતા. એ દીવાલની ઉત્તરમાં કોઈ અજાણી જગાએ શાપિત કુશ ઘાસની વચ્ચે હતા. શું કરવું અને ક્યાં જાવું એ એમને ખબર નહોતી.

          "ઠીક છે." આખરે એ બોલી, "તમારી મશકમાં પાણી ભરો અને આગળ વધવા માટે તૈયાર થઈ જાઓ."

          દરેકે તાલીમીએ પાણીની મશક ભરી, પોતપોતાના કપડા પરથી રેત ખંખેરી અને તાલીમી યુવતીઓએ ગરમ હવાના પ્રવાહમાં સૂકવવા માટે એમના વાળની ​​ગાંઠો છૂટી કરી.

          "ચાલો..."

          એ બધા આગળ વધવા લાગ્યા. એ નિર્જન વિસ્તાર હતો. પદ્માને થયું જાણે પૃથ્વી પર કોઈ પ્રાણી જ નથી રહ્યું. પ્રાણી શું બીજું કશું પણ નથી રહ્યું. કોઈ ઘર નહીં, એક પણ ઝૂંપડી નહીં. કેનાલની દીવાલની નજીક માત્ર થોડા વેલા હતા કેમકે ત્યાં પાણી લીક થતું હતું અને જમીન કઠણ હતી. લીક થતા પાણીના ભેજથી શાપિત ઘાસ ઊગી નીકળ્યું હતું. એ શાપિત ઘાસ, રણની કાંટાળી વનસ્પતિ સિવાય ત્યાં ક્યારેય કોઈ સજીવ જોવા ન મળતું. જોકે આજે ત્યાના સજીવોમાં છત્રીસ તાલીમીઓનો ઉમેરો થયો હતો. એ રણમાં કેટલો સમય એ સજીવ રહેશે એ અલગ વાત હતી.

          એ રેતીના પીળા સમુદ્રમાં આગળ વધી રહ્યા હતા. બધા કેનાલની સમાંતરે ચાલતા હતા. કોઈએ કંઈ કશું નહીં પણ પદ્મા જાણતી હતી કે દરેક સભ્ય એના પરિવારના સભ્યો વિશે વિચારતો હશે – મોટાભાગના તાલીમીઓ એના પિતા સાથે હતા જેને એ ગુમાવી ચુક્યા હતા. પદ્મા એ પીડા જાણતી હતી. એને એમની પીડાનો અંદાજ હતો.

          કોઈનામાં ચાલવાની શક્તિ નહોતી પરંતુ હુમલાવર ટુકડી પીછો કરતી હશે એ ભય અને એડ્રેનાલિનનો ધસારો એમને આગળ વધવા બળ પૂરું પાડતો હતો. એમણે કેનાલમાંથી ડાબી તરફ ફૂટતી એક શાખા જોઈ અને બધા અટક્યા. એમની પાસે હવે વિકલ્પ હતો – એ સીધા જઈ શકતા હતા અથવા શાખાની સમાંતરે.

ક્રમશ: