Personal life and social media in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | અંગત જીવન અને સોશિયલ મિડિયા

Featured Books
Categories
Share

અંગત જીવન અને સોશિયલ મિડિયા

લેખ :- અંગત જીવન અને સોશિયલ મિડિયા
લેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની








"હલો, રમેશભાઈ! હું તમારા પડોશી જીતુભાઇ બોલું છું."

"હ જીતુભાઇ, બોલો બોલો. શું કામ પડ્યું અચાનક?"

"રમેશભાઈ, તમે લોકો તાત્કાલિક તમારા ઘરે આવો. તમારા ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે. અમને શક છે કે ચોરી થઈ હશે."

આટલું સાંભળતાં જ રમેશભાઈ તો ગભરાઈ ગયા. તેઓ સહકુટુંબ એક સગાને ત્યાં લગ્નપ્રસંગ માટે ગયા હતા. ફોન પર આવી વાત સાંભળીને જ તેઓ તાબડતોબ પોતાનાં ઘરે પહોંચ્યા. એઓ પહોંચ્યા ત્યારે ઘર બંધ હતું અને તાળું બરાબર બંધ હતું.


રમેશભાઈ મુંઝવણમાં મૂકાઈ ગયા. એમણે જીતુભાઇનાં ઘરે જઈને પૂછ્યું. તો તાળુ જોઇ જીતુભાઇ પણ નવાઈ પામ્યા. 'હશે!' એમ વિચારીને ફરીથી રમેશભાઈ લગ્નસ્થળે પહોંચી ગયા. ત્યાં એમની પત્નીએ એમને પૂછ્યું કે તેઓ ક્યાં ગયા હતાં ત્યારે એમણે બધી બાબતો જણાવી.


એ લોકો જ્યાં લગ્નમાં ગયા હતાં એ સ્થળ એમનાં પોતાના જ શહેરમાં હતું, પણ ઘણું દૂર હોવાથી ત્રણ દિવસથી એમનાં સગાને ત્યાં જ રોકાયા હતાં. પત્નીને બધી વાતની જાણ થઈ કે તરત જ એણે કહ્યું,


"ખરા છો તમે પણ. જવા પહેલાં એક વાર તો મારી સાથે ચર્ચા કરવી હતી! એ તો આપણી કામવાળી છે ને એણે ઘર ખોલ્યું હશે, સાફસફાઈ કરવા માટે અને કામ પતાવી જતી રહી હશે. તમને તો ખબર જ છે ને કે આપણાં ઘરની એક ચાવી હંમેશા એની પાસે રહે છે. જ્યારે પણ વધારે દિવસો માટે આપણે બહારગામ જઈએ છીએ ત્યારે એ અઠવાડિયે એકાદ વખત આવીને ઘર સાફ કરી જાય છે અને તાજું પાણી ભરી જાય છે. સાથે સાથે આપણાં બગીચામાં ફૂલઃછોડને પાણી પીવડાવી જાય છે."


"અરે હા. એ તો હું ભૂલી જ ગયેલો. આ તો જીતુભાઇનો ફોન એવી રીતે આવ્યો કે હું એકદમ ગભરાઈ ગયો અને તરત જ ભાગ્યો. ઘર ખોલીને બધું ચેક કર્યું તો દરેક વસ્તુ સલામત હતી એટલે આશ્ચર્ય પમાડીને પાછો ઘર બંધ કરી આવી ગયો." હવે રમેશભાઈને થોડી નિરાંત થઈ.


પરિસ્થિતિ હવે આવે છે. તમે બધાંએ કદાચ નોંધ્યું હશે કે આજકાલ ચોરી વધારે પડતી એવી જગ્યાએ થાય છે જ્યાં ઘરનાં સભ્યો કોઈ સામાજિક પ્રસંગમાં અથવા તો વેકેશન મનાવવા ક્યાંક ફરવા ગયા હોય.


કારણ ખબર છે? સોશિયલ મીડિયા પર પોતાનું અંગત જીવન પ્રદર્શિત કરવાની ઘેલછા. તમે જીવનની સુંદર ક્ષણો માણી રહ્યાં છો, તમારે એને બીજાને જણાવવું છે તો જણાવો, કોઈ જ વાંધો નથી. માત્ર જાણ કરવામાં ઉતાવળ ન કરો. પહેલાં તમે જ્યાં છો એ પ્રસંગ કે જગ્યાને મન ભરીને માણી લો અને પછી ઘરે આવીને શાંતિથી લેટ પોસ્ટ તરીકે ફોટા શેર કરો, કોઈ તમને સજા નથી કરવાનું.


પરંતુ અહીંયાં તો એવા ઘેલાં લોકો છે કે ફોટો પડ્યો નથી ને સોશિયલ મીડિયા પર શેર થયો નથી! આ તો આવા લોકો ચોરને સામેથી આમંત્રણ આપે છે કે અમે ઘરે નથી, તુ આવ અને ચોરી કરી જા. આમાં આપણાં જાણીતાં વ્યક્તિઓ પણ હોઈ શકે અને અજાણ્યા પણ સતત આપણી પોસ્ટ જોનારા પણ હોઈ શકે.


આજકાલ જ્યારે બાજુમાં કોણ રહે છે એની પણ ખબર રાખવાનો રિવાજ નથી રહ્યો ત્યારે ઘરમાં ચોરી થઈ છે એની જાણ કરનાર તો ક્યાંથી મળે? માટે અંગત જીવનને જાહેરમાં શેર કરતાં પહેલાં દસ વખત વિચારવું. એનાં પરિણામો શું આવશે એ પણ વિચારી લેવું. ત્યારબાદ જ કોઈ ડગલું ભરવું.


આપણી જીંદગી એ આપણી છે અને આપણે એને માણવાની છે, લોકોને બતાવવાની નથી. આપણે જીંદગી જીવીએ છીએ, દેખાડો નથી જીવતાં.


આભાર.


સ્નેહલ જાની