Vidhi Jadav in Gujarati Women Focused by Alpesh Karena books and stories PDF | શહીદો માટે કાબિલ-એ-દાદ કામ કરતી વિધી

Featured Books
Categories
Share

શહીદો માટે કાબિલ-એ-દાદ કામ કરતી વિધી



માભોમની રક્ષા કાજે લડતાં-લડતાં, યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,
મારા દેહને શબ પેટીમાં પેક કરી, મારા વતનમાં કુટુંબને મોકલાવજો.
મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને, મારી છાતી ઉપર હળવેથી મુકજો.
મારી શોક કરતી માતાને કહેજો કે, દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.
મારા પિતાને કહેજો, ઝુકી ના જશો, મારી બાબતે તનાવ હવે નહી રહે.
ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે, મારી બાઈકની ચાવી હવે એની થઇ.

આ વાત હતી એક શહીદની આખરી ઈચ્છાની. ત્યારે આજે શહીદ દિવસે વાત કરવી છે એક 18 વર્ષની છોકરીની કે જેણે દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. શહીદના કૂટુંબ માટે એક 18 વર્ષની છોકરી જે કરી રહી છે એના વિશે બોલતા-બોલતા મારું હૈયું ભરાઈ આવે છે. માત્ર 18 વર્ષની વિધીની દેશભક્તિ અને શહીદો પ્રત્યેની લાગણી આસમાનને પેલે પાર છે. આ છોકરી અત્યાર સુધીમાં 275 શહીદના પરિવારને મળી ચૂકી છે અને મદદ કરી ચૂકી છે. તો આવો વિસ્તારથી વાત કરીએ 18 વર્ષની વિધી જાદવ વિશે

એક દિવસ છઠ્ઠા ધોરણમાં ભણતી વિધિ પોતાના પપ્પાની સાથે ટીવી પર સમાચાર જોઈ રહી હતી. અરવિંદભાઈ સેનવા નામના ગુજરાતના એક આર્મી યુવાનના શહીદ થયાના સમાચાર આવી રહ્યા હતા. દેશભક્તિ, શહાદત, પરિવારનું કલ્પાંત, માતાપિતાનું નોધારાપણું... આ બધું એ અગિયાર વર્ષની દીકરીને અંદરથી એવું તો હચમચાવી ગયું કે તે અંદરથી હલી ગઈ.

તેણે તરત જ પિતાને કહ્યું: 'પપ્પા, આપણે આ લોકો માટે કૈક કરવું જોઈએ.' દીકરીની લાગણી જોઈ બાપ બોલ્યો: 'બેટા, એક કામ કરી શકાય. તું એ પરિવારને એક હજાર રૂપિયાની આર્થિક મદદ કર.' દીકરી બોલી: 'એક હજારથી કાંઈ ન થાય, પાંચ હજાર આપીએ.' અને અગિયાર વર્ષની વિધિએ પપ્પા સાથે જઈ એ શહીદ પરિવારને પાંચ હજાર રૂપિયાની મદદ કરી. પછી તો એ પરંપરા સતત ચાલતી રહી.

વિધી નડિયાદની છે અને 18 વર્ષની છે. તે પોલિટિક્સ સાયન્સનો અભ્યાસ કરે છે. વિધી માત્ર 13 વર્ષની હતી ત્યારે ચરોતરના સનાદરા ગામના એક સૈનિક અરવિંદ સેનવા શહીદ થયા હતા. વિધી તેમના ઘરે પહોંચી અને પરિવારને સાંતવના આપી. અરવિંદ ભાઈએ એક વિધી જેવડી જ પુત્રી હતી. આ વાત વિધીને દિલ પર લાગી હતી અને ત્યારે જ વિધીને થયું કે એક શહીદના પરિવારની હાલત શું થતી હોય અને એમના માટે કંઈક કરવાનું વિચાર્યું. એક આશ્વાસન પત્ર લખ્યો અને 5000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. બસ ત્યારથી જ વિધીની આ યાત્રાની શરૂઆત થઈ.

શરૂઆતમા વિધીના આ ભગીરથ કાર્ય વિશે માત્ર તેમના મમ્મી પપ્પાને જ ખબર હતી. વિધીના પપ્પા નાયબ મામલતદાર છે. પહેલાં વિધીને આ બધા માટે તેના પપ્પા જ પૈસાની મદદ કરતાં હતા. પણ હવે ઘણા લોકો આ કામમાં મદદ કરે છે અને એ પણ પડદા પાછળ રહીને. દોસ્તો આજના જમાનામાં ચુપચાપ મદદ કરવી એ પણ એક મોટી વાત છે, કારણ કે લોકો પાંચ રૂપિયાનું માસ્ક દાનમાં આપીને 50 વખત પ્રમોશન કરતાં હોય છે.

જેમ જેમ વિધી શહીદોના પરિવારને મળતી ગઈ તેમ તેમ અંદરની આ ભાવનામાં વધારો થતો ગયો, અત્યાર સુધીમાં વિધી આ રીતે 275 શહીદોના પરિવારને ટેકો કરી ચૂકી છે. આર્મીનુ વેલફેર બોર્ડ તેમને શહીદોના પરિવાર સુધી પહોંચવામાં મદદ કરે છે અને NRI તેમજ અલગ અલગ સંસ્થાઓ આર્થિક રીતે ટેકો કરે છે. વિધીએ પૂલવામાના 40 શહીદોના પરિવારને પણ અગિયાર અગિયાર હજાર રૂપિયાની સહાય પુરી પાડી છે. પણ આ બધાની વચ્ચે વિચારવાની વાત તો એ છે કે આટલા ભગીરથ પ્રયાસ માટે વિધીએ કોઈ નામની કે ફેમની જરૂર નથી, બધું જ એકદમ ચુપચાપ કરી રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિધીને ગુજરાત લેવલે સન્માન આપ્યું હતું અને હાલમાં 12 જાન્યુઆરીએ હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિધીની આ કામગીરીને વધાવી હતી. નેશનલ યુથ ડે નિમિત્તે ગુજરાતમાંથી 8 લોકોની પસદંગી કરવામાં આવી હતી જેમાં એક નામ વિધીનું પણ હતું. તો આ હતી દેશભક્તિમય વિધીની વાત, ગુજરાતની માટીમાં આવા અણમોલ રતન પાકે છે આપણા સૌ ગુજરાતીઓના અહોભાગ્ય છે.

અલ્પેશ કારેણા