શહજાદા
-રાકેશ ઠક્કર
પારિવારિક ડ્રામા ફિલ્મ 'શહજાદા' નું એકમાત્ર જમા પાસું કાર્તિક આર્યનને ગણી શકાય એમ છે. એ સિવાય ખામીઓની લાંબી યાદી બને એમ છે. ફિલ્મની લંબાઇ બિનજરૂરી ગીતોને કારણે પોણા ત્રણ કલાકની છે. ધીમી ચાલતી વાર્તાને ગીતો વધારે કંટાળો અપાવે છે. ફિલ્મની લંબાઇ ઓછી કરી શકાય એમ હતી. એકશન, કોમેડી અને રોમાન્સ વગેરે બધું જ હોવા છતાં વાર્તા નબળી પડે છે. બાળકોની અદલાબદલીની એક જમાના જૂની વાર્તામાં કોઇ નવીનતા નથી. વાર્તાને ઇન્ટરવલ સુધી ખેંચવામાં આવી છે. એ પછી ગતિ આવે છે. જો શરૂઆતની પંદર મિનિટની ફિલ્મ ના જોઇ હોય તો વાર્તાને સમજવામાં મુશ્કેલી પડે એમ છે. પરંતુ ફિલ્મના ક્લાઇમેક્સનો જલદી અંદાજ આવી જાય એમ છે. આમ તો ટ્રેલરમાં જ આખી વાર્તા જાહેર થઇ ગઇ હતી.
જિંદલ એન્ટરપ્રાઇઝના માલિક રણદીપ જિંદલ (રોનિત રૉય) ને ત્યાં અને એમને ત્યાં કામ કરતા વાલ્મીકિ (પરેશ રાવલ) ને ત્યાં પણ પુત્રનો જન્મ થાય છે. પરંતુ પરેશ એમની અદલાબદલી કરી નાખે છે. જિંદલનો અસલી શહજાદા બંટુ (કાર્તિક) પરેશના ગરીબ ઘરમાં પહોંચી જાય છે અને પરેશનો પુત્ર રાજ (રાઠી) જિંદલને ત્યાં ઠાઠથી રહે છે. બંટુએ સેકન્ડ હેન્ડ વસ્તુઓથી ચલાવવું પડે છે. નોકરી શોધતા બંટુને ને એની બૉસ સમારા (કૃતિ સેનન) સાથે પહેલી વખત પ્રેમનો અહેસાસ થાય છે. ત્યારે બંટુને જિંદગી બદલી નાખે એવી એક સચ્ચાઇની ખબર પડે છે. એ જ કે તે એક અરબપતિનો છોકરો છે. બંટુ પોતાના પરિવારને પાછો મેળવી શકે છે કે નહીં? અને બંટુ અને સમારાની પ્રેમકહાનીનું શું થાય છે? એ જાણવા માટે ફિલ્મ જોવી પડશે.
કાર્તિક એકલો ફિલ્મને બચાવી શકતો નથી. બાકી એણે મનોરંજન પૂરું પાડવામાં કોઇ કસર બાકી રાખી નથી. કોમેડી સાથે ઇમોશનલ દ્રશ્યોમાં તે પ્રભાવિત કરે છે. તેણે ઓવર એક્ટિંગ કરી નથી. કેમકે આ પ્રકારના પાત્રો લાઉડ જ હોય છે. ગોવિંદાએ 'નંબર વન' ફિલ્મોમાં આવા પાત્રો ઘણા ભજવ્યા છે. વાત એવી પણ છે કે રોહિતે આ ફિલ્મ હિન્દીમાં બનાવતી વખતે ગોવિંદાનો નવો અવતાર ગણાતા વરુણ ધવનને ધ્યાનમાં રાખીને લખી હતી. પરંતુ બોક્સ ઓફિસ પર કાર્તિક ચાલતો હોવાથી એને લીધો હતો. જો ધ્યાનથી જોઇશું તો કેટલાક દ્રશ્યોમાં એમ લાગશે કે કાર્તિકે વરુણની નકલ કરી છે!
કૃતિ સેનનને ખાસ તક મળી નથી. બીજા ભાગમાં ગાયબ જેવી જ રહે છે. મૂળ ફિલ્મમાં અર્જુન અને પૂજાની લવસ્ટોરી લાંબી છે. 'શહજાદા' માં રોહિત ધવને એને ટૂંકી કરી દીધી છે. કૃતિને વકીલનું પાત્ર આપ્યું છે પણ એ વ્યવસાયની ગરિમા મુજબનું વર્તન કરતાં દેખાતી નથી. અલબત્ત કૃતિએ તેના ચાહકો ખુશ થાય એવું કામ કર્યું છે. મનીષા કોઇરાલા અને પરેશ રાવલનું કામ સારું છે. કાર્તિકની પરેશ સાથેની કેમેસ્ટ્રી મજેદાર છે. રાજપાલ યાદવની સાવ નાની ભૂમિકા હોવા છતાં સમીક્ષકોએ જ નહીં દર્શકોએ પણ નોંધ લેવી પડી એના પરથી તેની અભિનય શક્તિનો ખ્યાલ આવી જશે.
ફિલ્મનું નિર્માણ સંગીત કંપનીએ કર્યું છે છતાં એકપણ યાદગાર ગીત નથી. સલમાનનું ઉધાર લીધેલું 'કેરેક્ટર ઢિલા 2.0' ઠીક બન્યું છે. ફિલ્મની બોક્સ ઓફિસ પર જે સ્થિતિ થાય એ પણ કાર્તિક અને કૃતિએ પોતાના પાત્રોને ન્યાય આપ્યો હોવાથી એમની કારકિર્દીને અસર થવાની શક્યતા નથી. બંનેએ પાત્રની જરૂરિયાત મુજબ જ અભિનય કર્યો છે.
કાર્તિકે એક વાત યાદ રાખવી પડશે કે અસલ ફિલ્મની હંમેશા પ્રશંસા કરવામાં આવશે. રીમેક સારા સિનેમા માટે યોગ્ય નથી. રીમેક એ રીમેક જ છે. અલ્લુ અર્જુનની 'વૈકુઠપુરામુલુ' ની હિન્દી રીમેક કરવાને બદલે કાર્તિકે અસલ વાર્તાવાળી કોઇ ફિલ્મ કરી હોત તો એની કારકિર્દીને વધુ લાભ થયો હોત.