ડૉક્ટર સાહેબની સૂચના પ્રમાણે હજુ પંદરેક દિવસ ધીમંત શેઠને ઘરે આરામ જ કરવાનો હતો ઉતાવળ કરીને ઓફિસે જવાનું નહોતું અને પછીથી ડૉક્ટર સાહેબને બતાવીને તે છૂટ આપે પછીથી જ પોતાની ઓફિસે જવાનું શરૂ કરવાનું હતું.
ડૉક્ટર સાહેબની આ વાત ધીમંત શેઠને બિલકુલ ગમી નહોતી પરંતુ અપેક્ષા એ બાબતમાં ખૂબ સ્ટ્રીક્ટ હતી એટલે ધીમંત શેઠને હવે આરામ કરવા માટે ઘરે રોકાયા વગર છૂટકો પણ નહોતો અને તે સુખરૂપ ઘરે પહોંચી ગયા.. ઘરે જઈને જોયું તો આખાયે ઘરનો માહોલ કંઈક બદલાઈ ગયેલો હતો...
હવે આગળ...
ધીમંત શેઠ જેવા પોતાના બંગલાની નજીક આવ્યા અને પોતાની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ તેમના બંગલાના ઝાંપાથી લઈને અંદર બંગલામાં તે પ્રવેશ કરે ત્યાં સુધી ફુલોનો ગાલીચો બનાવી દેવામાં આવ્યો હતો જેની ઉપર પગ મૂકીને તેમણે ચાલવાનું હતું અને અંદર પોતાના ઘરમાં પ્રવેશ કરવાનો હતો એટલે તે ફુલોના ગાલીચા ઉપર પગ મૂકતાં મૂકતાં હર્ષભેર પોતાના ઘરમાં પ્રવેશ્યા અને જેવા તે બંગલાની અંદર પ્રવેશ્યા કે તરતજ અપેક્ષાએ તેમને દરવાજા ઉપર રોકાઈ જવા કહ્યું અને તે પોતાના હાથમાં એક સુંદર રીતે તૈયાર કરેલી આરતીની થાળી અને પાણીથી ભરેલો લોટો લઈને આવી અને તેણે ધીમંત શેઠની આરતી ઉતારી તેમજ તેમનાં માથા ઉપર પાણીનો લોટો ગોળ ગોળ ફેરવીને તેમની નજર પણ ઉતારી. અપેક્ષાની આ હરકતથી ધીમંત શેઠ પ્રસન્ન થઈ ગયા અને મનમાં ને મનમાં મલકાઈ ઉઠ્યાં અને મલકાતાં મલકાતાં તેને પૂછવા લાગ્યા કે "આ બધું તું શું કરે છે?"
ધીમંત શેઠના આ પ્રશ્નનો અપેક્ષાએ પણ હસીને ખૂબજ શાંતિથી અને પ્રેમથી જવાબ આપ્યો કે, "મારા શેઠને કોઈની નજર ન લાગે ને એટલે તેમની નજર ઉતારું છું."
ધીમંત શેઠે જેવો ઘરમાં પગ મૂક્યો કે તરતજ તેમની ઉપર ફૂલોના વરસાદ થયો અને ફૂલોના વરસાદથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને એટલું જ નહીં તેમણે ઘરમાં અંદર પ્રવેશ કર્યો તો ઘરનો માહોલ તેમને કંઈક રોમાંચક લાગ્યો પોતાના ઘરમાં હોવા છતાં એક સેકન્ડ માટે તેમને થયું કે, હું કોઈ બીજાનાં ઘરમાં કે કોઈ ફાઈવસ્ટાર હોટેલમાં તો નથી આવી ગયો ને..??
અને તેમણે ઘરમાં ચારેય બાજુ પોતાની દ્રષ્ટિ ફેરવી તો ઘરના પડદા પણ બદલાઈ ગયેલા હતા જૂના આસમાની કલરના પડદાએ નવા આછાં ગુલાબી કલરના અને શાંતિનું પ્રતિક એવા વ્હાઇટ કલરના પડદાએ તે જગ્યા લઇ લીધી હતી નવા આછા કલરના પડદા દિલોદિમાગને અનેરી ઠંડક આપી રહ્યા હતા.
ધીમંત શેઠ પોતાના બેડરૂમમાં પ્રવેશ્યા તો તેમના બેડની બેડશીટ પણ બદલાઈ ગયેલી હતી આછાં યલો કલરની નવી બેડશીટ તેમજ તેને મેચીંગ યલો કલરના નવા પીલો ખૂબજ સુંદર હતાં.
અપેક્ષાએ તેમને ધીમેથી હાથ પકડીને તેમના બેડમાં બેસાડ્યા. ધીમંત શેઠની આંખનો ખૂણો જરા ભીનો થઈ ગયો કારણ કે પોતાની પત્નીના અવસાન બાદ કદી કોઈએ પોતાના માટે આટલું બધું કર્યું નહોતું કે કદી કોઈએ પણ તેમનું આટલું બધું પ્રેમથી ધ્યાન રાખ્યું નહોતું.
અપેક્ષા દરરોજ સવારે વહેલી ઊઠીને ધીમંત શેઠને ઘરે તેમની સેવામાં હાજર થઈ જતી હતી અને તેમને જે ભાવતું હોય તે તેમને બનાવીને જમાડતી તેમજ રેગ્યુલર તેમને દવા પણ આપી દેતી હતી. જોતજોતામાં પંદર દિવસ તો ક્યાં પૂરા થઈ ગયા તેની ખબર જ ન પડી અને અપેક્ષાએ ડૉક્ટર સાહેબની એપોઈન્ટમેન્ટ લઈ લીધી અને ધીમંત શેઠને ડૉક્ટર સાહેબ પાસે ફાઈનલ ચેકઅપ માટે લઈ ગઈ અને ધીમંત શેઠ હવે ઓફિસે રેગ્યુલર આવી શકે તેમ છે ને તેમ પણ તેણે ડૉક્ટર સાહેબને પૂછી લીધું.
ધીમંત શેઠને હવે બિલકુલ સારું હતું તેથી ડૉક્ટર સાહેબે પણ તેમને ઓફિસે જવા માટેની છૂટ આપી દીધી હતી તે આજે ખૂબજ ખુશ હતાં.
હોસ્પિટલથી સીધી પોતાની કાર તેમણે ઓફિસે લેવડાવી અને ઓફિસમાં પગ મૂક્યો તો ત્યાં પણ બધાજ કર્મચારીઓએ પોતાના હાથમાં ગુલાબ 🌹 સાથે તેમનું સ્વાગત કર્યું અને હર્ષોલ્લાસથી તેમને વધાવી લીધાં કારણ કે દરેક કર્મચારીને પણ ખબર હતી કે પોતાના બોસને નવું જીવન મળ્યું છે.
અપેક્ષાએ તો ફક્ત ઘરની જ રોનક નહોતી બદલી પરંતુ ઓફિસની રોનક પણ બદલી કાઢી હતી. તેણે ધીમંત શેઠની કેબિનમાં નીચેની કાર્પેટથી લઈને પડદા સુધીનું બધું જ બદલી કાઢ્યું હતું અને આ બધું તેણે પોતાના બે મહિનાના પગારમાંથી કર્યું હતું. ધીમંત શેઠને એક્સિડન્ટ થયો ત્યારથી ઓફિસના બધાજ પૈસાનો વહીવટ અપેક્ષા જ સંભાળતી હતી છતાંપણ તેણે તેમાંથી એક પણ રૂપિયો આઘોપાછો કર્યો નહોતો અને આજે ધીમંત શેઠ ઓફિસમાં આવ્યા એટલે તેણે પોતાનું લેપટોપ ખોલીને તેમને તમામ પૈસાનો હિસાબ બતાવી દીધો હતો અને ઉપરથી છેલ્લા બે મહિનામાં ધીમંત શેઠની કંપની રિધમ માર્કેટીંગમાં આગળના મહિના કરતાં પણ પાંચ ટકા વધારે નફો બુક થયો હતો જે જોઈને ધીમંત શેઠ ખૂબજ ખુશ થઈ ગયા અને બોલી ઉઠ્યા કે, "તે તો કમાલ કરી દીધી અપેક્ષા, છેલ્લા બે મહિનામાં અગાઉ કરતાં પણ નફામાં પાંચ ટકાનો વધારો..!! તું મારા માટે અને આપણી કંપની માટે લકી છે. આજ પછી આપણી કંપનીની બીજી કોઈ પણ કંપની સાથે મીટીંગ હોય તો તારે મારી સાથે તે મીટીંગમાં હાજર રહેવાનું અને પછી તેમણે અપેક્ષાને પૂછ્યું કે, આ બધું ઓફિસમાં અને ઘરમાં રીનોવેશન કરવાનું તને કોણે કહ્યું હતું?"
જે પ્રશ્નનો જવાબ આપતાં અપેક્ષા બોલી કે, "સર એ બધું બહુ વર્ષો જૂનું હતું કદાચ વર્ષોથી કોઈએ કંઈ બદલ્યું જ નહોતું એટલે મને તે જોઈને થયું કે કંઈક નવું કરીએ તો આપણાં જીવનમાં પણ કંઈક નવું અને સારું થાય એટલે મેં થોડો વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી તમારી બેસવાની જગ્યાથી લઈને, કાર્પેટથી લઈને પડદા સુધીનું બધું જ બદલી કાઢ્યું જો સર તમને વાંધો હોય તો મેં જૂનો સામાન હજી રાખ્યો જ છે....
ધીમંત શેઠ અપેક્ષાને વચ્ચે જ અટકાવતાં બોલ્યા કે, "ના ના.. આ બધું તે બહુ જ સરસ રીતે ગોઠવ્યું છે આઈ લાઈક ઈટ મને ખૂબજ ગમ્યું અને આ નવી સ્ટાઈલના પડદા તો મને ખૂબજ ગમ્યા આખી ઓફિસનો તે લૂક જ ચેન્જ કરી દીધો બિલકુલ નવી થઈ ગઈ આપણી ઓફિસ.. પણ આ બધા ખર્ચ માટે તે પૈસા ક્યાંથી વાપર્યા હિસાબમાં તો આ બધા ખર્ચનો કોઈ ઉલ્લેખ નથી. સર એ તો મારી સેલરીમાંથી જ મેં ખર્ચ કર્યો છે."
"અરે બાપ રે.. એવું થોડું ચાલે..તે મારી આટલી બધી સેવા કરી જેને કારણે હું આટલો જલ્દીથી પથારીમાંથી ઊભો થઈ ગયો અને જાણે દશ વર્ષ નાનો બની ગયો એટલી બધી મારામાં સ્ફૂર્તિ આવી ગઈ છે અને એટલો બધો મારામાં આત્મવિશ્વાસ પણ આવી ગયો છે તે મારા માટે આટલું બધું કર્યું તેટલું ઓછું છે તો આ બધો ખર્ચ તારે કરવાનો હોય..!!"
અને ધીમંત શેઠે પોતાની બેગમાંથી ચેક બુક કાઢી અને અપેક્ષાના હાથમાં એક લાખ રૂપિયાનો ચેક મૂકી દીધો જે લેવા માટે અપેક્ષા ઈન્કાર કરી રહી હતી...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/2/23