(સાર્થક ઓસ્ટ્રેલિયા જતાં પહેલાં વૈદેહીને મોબાઈલ અને થોડા પૈસા આપીને જાય છે. વૈદેહી શિખા પાસેથી મોબાઈલ યુઝ કરતા શીખે છે કારણ કે એણે આ પહેલાં ક્યારેય મોબાઈલ યુઝ નહતો કર્યો. શિખાનાં મામા જીગરભાઈ એને વેકેશનમાં રહેવા બોલાવે છે. શિખા પહેલાં તો ના કહે છે પણ પછી જીગરભાઈ એને એની નાની બિમાર હોવાનું જણાવે છે તેથી એ જવા માની જાય છે પણ વૈદેહીને સાથે લઈ જવા કહે છે. ગરિમાબેન ના કહે છે પણ શિખાની જીદ અને રજનીશભાઈ પણ એનો સાથ આપે છે તેથી તેઓ કમને વૈદેહીને જવાની પરમિશન આપે છે. હવે આગળ)
બીજા દિવસે જીગરભાઈનાં ત્યાં જવાનું હોવાથી અને દસેક દિવસ રહેવાનું હોવાથી વૈદેહી એનાં કપડાં બેગમાં મૂકી રહી હતી. આ પહેલીવાર હતું કે વૈદેહી આમ ક્યાંક જઈ રહી હતી. બાકી જ્યારથી એ એનાં મામાના ત્યાં રહેવા આવી હતી ત્યાર પછી એ ક્યારેય શહેરથી બહાર ગઈ નહતી. એ ખુશ પણ હતી અને થોડી ડરેલી પણ હતી.
દયાબેન અને ગોવિંદભાઈનું એનાં પ્રત્યેનું જે વલણ રહ્યું છે એનાં લીધે એને થોડો ડર લાગતો હતો. એમણે વૈદેહીને ક્યારેય કોઈ બીજા સાથે સંબંધ રાખવા નથી દીધો. વૈદેહીની દુનિયા ઘરથી સ્કૂલ અને સ્કૂલ થી ઘર સુધી ત્યાર પછી કોલેજ સુધી. એનાં સિવાય એને જો ક્યાંક જવું હોય તો એની એને પરમિશન મળતી નહીં. ઘરથી બહાર એ ફક્ત એનાં સોસાયટીમાં રહેતાં લોકોને અને બહાર શિખાને ઓળખતી હતી. સાર્થક સાથે લગ્ન થયા પછી એ એમની ફેમિલીને ઓળખતી થઈ પણ હવે એ અહીંયાથી બીજે ક્યાંક જઈ રહી હતી તો એને ડર લાગી રહ્યો હતો કે એ ત્યાં બધાં સાથે કઈ રીતે વાત કરશે અને શું વાત કરશે ?
એ આ બધાં વિચારોમાં હતી ત્યાં જ એનાં મોબાઈલમાં મેસેજ ટોન વાગી. વૈદેહીએ જોયું તો સાર્થકનો મેસેજ હતો. એણે વોટ્સ એપ ઓપન કરી જોયું.
"What !" સાર્થકનો મેસેજ હતો.
સાર્થકે આવો મેસેજ કેમ કર્યો એ વૈદેહી વિચારવા લાગી પણ તરત જ એની નજર એનાં ફોનમાંથી સેન્ડ થયેલા મેસેજ પર ગઈ અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એણે જલ્દી જલ્દી બધાં મેસેજ વાંચ્યા. વૈદેહીએ સાર્થકને હાય નો મેસેજ કર્યો ત્યાર પછી એણે શિખાને ફોન આપી દીધો હતો. શિખાએ સાર્થકને આ પ્રમાણે મેસેજ કર્યા હતા.
"તમે સેફલી ફ્લાઈટમાં બેસી ગયા ?"
"ફ્લાઈટ લેન્ડ થાય પછી મને કોલ કરજો. મારે તમારી સાથે વાત કરવી છે."
"મને તમારા વિના નથી ગમતું."
"I miss you so much."
"તમને જોવાની ઈચ્છા થઈ ગઈ."
"Ok, પછી વાત કરીએ. Bye"
"Love you"
"💞"
વૈદેહી તો બધા મેસેજ વાંચીને બેડ પર બેસી પડી.
"ઓહ ગોડ ! આ શિખાએ શું કર્યું ? કેવા કેવા મેસેજ મોકલ્યા છે ? હવે હું શું કરું ? સાર્થક શું વિચારશે મારા વિશે ? જો તેઓ મને નફરત કરવા લાગશે તો ? જો એમણે કંઇક ઊંધું સમજી લીધું તો ? આવા મેસેજ વાંચી એમને ખરાબ લાગ્યું હશે તો ?" વૈદેહી બબડવા લાગી. એનાં હાથ પગ ધ્રુજવા લાગ્યા.
એ આગળ કંઈ વિચારે એ પહેલાં એનાં ફોનની રીંગ વાગી. એણે જોયું તો સાર્થકનો જ કોલ હતો. ફોન રિસિવ કરવો કે નહીં એ અસમંજસમાં આખી રીંગ પૂરી થઈ ગઈ. એને હાશ થઈ કે ચાલો રીંગ પૂરી થઈ પણ ત્યાં જ ફરીથી સાર્થકનો ફોન આવ્યો.
'શું કરું ? ફોન રિસીવ કરું કે નહીં ? ન...ના હુંઉઉઉઉ નહીં ઉપાડું. શું વાત કરીશ હું એમની સાથે ?' ફરીથી આખી રીંગ પૂરી થઈ ગઈ.
વૈદેહી ફોન તરફ જોઈ રહી. એને એમ કે ફરીથી સાર્થક ફોન કરશે પણ આ વખતે ત્રણ ચાર મિનિટ વિતી ગઈ છતાંપણ ફોન ન આવ્યો તેથી એને રાહત થઈ પણ સાથે સાથે એને ખરાબ પણ લાગ્યું.
"વૈદુ, તારો ફોન ક્યાં છે ? ભાઈ તને કોલ કરી રહ્યાં છે અને તું છે કે રિસિવ નથી કરી રહી. લે વાત કર એમની સાથે." શિખાએ એનાં રૂમમાં આવી કહ્યું અને એને એનો ફોન આપ્યો.
વૈદેહીએ ગભરાતા જઈને ફોન લીધો અને કાને ધર્યો.
"હ...હેલો !" વૈદેહી માંડ બોલી અને શિખા તરફ જોવા લાગી.
શિખાને લાગ્યું કે એ ત્યાં રહેશે તો વૈદેહી અને સાર્થક વાત નહીં કરી શકે તેથી એણે વૈદેહીનાં હાથમાંથી ફોન લઈ લીધો અને કહ્યું,
"ભાઈ, તમે વૈદુને ફોન આપ્યો છે ને તો એનાં ફોન પર કોલ કરો. હું જાઉં છું." શિખા lએ કોલ કટ કર્યો અને વૈદેહીને થમ્બ દેખાડી જતી રહી. સાર્થકનો ફરીથી કોલ આવ્યો. વૈદેહીએ આ વખતે તરત જ કોલ રિસિવ કર્યો.
"વૈદેહી, તું ઠીક તો છે ને ? તું મારો કોલ કેમ નહતી ઉપાડતી ? તને કંઈ થાય છે ? તું ઊંઘી ગઈ હતી ? મેં તને કેટલા કોલ કર્યા ? તેં ફોન નહીં ઉપાડ્યો તો હું ડરી ગયો હતો." સાર્થક ફોન રિસિવ થતાં જ પ્રશ્નો પૂછવા લાગ્યો અને એનાં પ્રશ્નો સાંભળી વૈદેહીનાં હોઠો પર સ્માઈલ આવી ગઈ
"વૈદેહી, હું કંઈ પૂછું છું. તું કંઈ બોલતી કેમ નથી ? તારી તબિયત ખરાબ છે ?" સાર્થકે વૈદેહી તરફથી કોઈ જવાબ ન મળ્યો તેથી પૂછ્યું.
"હં...હા...મતલબ નહીં..હું ઠીક છુ. હું જરા કામમાં હતી તો..."
"ખોટું શું કામ બોલે છે ? હું જાણું છું કે તું ફોન પાસે જ હતી. તેં મારો મેસેજ વાંચ્યો એ મેં જોયું. મેં ફોન કર્યો ત્યારે તું ઓનલાઈન જ હતી." સાર્થકે કહ્યું.
"સોરી...એકચ્યુલી બધાં મેસેજ...મતલબ... એ હું..."
"શિખાનું જ કામ હશે. જાણું છું એને સારી રીતે." સાર્થક સમજી ગયો કે વૈદેહી શું કહેવા માંગે છે તેથી એણે પહેલાં જ કહી દીધું.
"Thank God !" વૈદેહીથી બોલાય ગયું.
"શું ?"
"કંઈ નહીં. હું તો બસ એમજ. મને એમ કે તમને..."
"તને યાદ છે કે નહીં એ તો મને નથી ખબર પણ મને સારી રીતે યાદ છે કે તેં મારી સાથે ફ્રેન્ડશીપ કરી હતી. તો મિત્રોને કંઈ કહેવા માટે સંકોચ ન થવો જોઈએ." સાર્થકે કહ્યું.
"એકચ્યુલી તમારા ગયા પછી હું અને શિખા બહાર ગયા હતા. એણે મને તમને મેસેજ કરવા કહ્યું અને મેં તમને હાય નો મેસેજ કર્યો પણ પછી મેં ફોન એને આપી દીધો હતો. તો કદાચ એણે તમને બધા મેસેજ કર્યા હશે. જ્યારે મેં એ બધાં મેસેજિસ વાંચ્યા તો મને લાગ્યું કે કદાચ તમને ખરાબ લાગશે. તો મેં તમારો ફોન રિસિવ નહીં કર્યો. તમને ખોટું યો નથી લાગ્યું ને ?" વૈદેહીએ કહ્યું.
આ સાંભળી સાર્થક હસવા લાગ્યો અને કહ્યું,
"તું સાવ પાગલ છે વૈદેહી. આટલી નાની વાત માટે કોઈને ખોટું લાગતું હોય ? અને આટલા સમયમાં હું તને એટલું તો ઓળખી જ ગયો છું કે તું મારી સાથે કેવી અને શું વાત કરે છે ?" સાર્થકે કહ્યું.
"Thank you." વૈદેહીએ કહ્યું.
"આ thank you કેમ કહેવું પડ્યું ?
"એમ જ ? સાચું બોલે છે તું ? તેં મને એમ જ thank you કહ્યું ?" સાર્થકે પૂછ્યું.
"નહીં. સાર્થક, મારે તમને કંઇક કહેવું છે." વૈદેહી થોડી હિંમત કરી બોલી.
"હા બોલ ને. હું સાંભળું જ છું." સાર્થકે એકદમ પ્રેમથી કહ્યું.
"સાર્થક Thank you. Thank you મને સમજવા માટે, હંમેશા મારો સાથ આપવા માટે, મને નવું જીવન આપવા માટે, મને તમારા જીવનમાં સ્થાન આપવા માટે." વૈદેહીએ આંખમાં આંસુ સાથે કહ્યું.
આ સાંભળી સાર્થકની આંખો પણ સહેજ ભીની થઈ. પછી તો સાર્થક અને વૈદેહીએ મોડા સુધી વાતો કરી. વૈદેહીએ સાર્થકને આજનાં દિવસ વિશે અને આવતીકાલે એ જીગરભાઇનાં ઘરે જવાની છે એ કહ્યું. ત્યારે સાર્થકે કહ્યું કે એનાં મામા એકદમ કુલ ટાઇપ છે જે હંમેશા મજાક મસ્તી કરી બધાને હસાવતા રહે છે. સાથે એની મામી પણ ખૂબ સારી છે. એમણે હંમેશા પોતાને અને શિખાને એમનાં દીકરા દીકરી જ ગણ્યા છે. સાર્થક સાથે વાત કરી વૈદેહીને સારું લાગ્યું અને ફટાફટ પેકિંગ કરી એ સૂઈ ગઈ.
વહેલી સવારે શિખા અને વૈદેહી એમના મામાના ત્યાં જવા નીકળ્યાં. જીગરભાઈ ગામડામાં રહેતાં હતાં પણ એમનું ગામ ઘણું વિકસિત હતું. જીગરભાઈ ત્યાંનાં સરપંચ હતાં. એમના સમયમાં એમણે એમબીએમાં ટોપ કર્યું હતું. એમને ઘણી મોટી મોટી કંપનીમાંથી જોબ માટેની ઓફર આવી હતી પણ એમનાં ગામ સાથેનાં લગાવે એમને કંપનીમાં જવા ન દીધા અને અહીં ગામડામાં રહીને જ ગામનો વિકાસ કરવાનું એમણે વિચાર્યું.
એમને જોઈ બીજા પણ ઘણા લોકોએ શહેરની નોકરી છોડી ગામનાં વિકાસમાં યોગદાન આપવાનું નક્કી કર્યું. બધાએ મળી ગામમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી. અને એમની મહેનતનાં ફળ રૂપે આજે એમનાં એ ગામમાં હાયર સેકન્ડરી સુધીની શાળા, નાનકડી પણ અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ, ગામની બહાર મોટું ગાર્ડન, ખેતી માટે નહેર, ચેક ડેમ વગેરે જેવી કેટલીય સુવિધા હતી.
વૈદેહી અને શિખા ગામની નજીક પહોંચ્યા ત્યારે એમને અલગ જ અનુભૂતિ થઈ. શિખા તો દર વેકેશનમાં અહીંયા આવતી હતી પણ વૈદેહીએ પહેલીવાર આ ગામ જોયું હતું. અહીંની હરિયાળી જોઈ એનું મન ખુશ થઈ ગયું.
બંને જ્યારે જીગરભાઈનાં ઘરે પહોંચ્યા ત્યારે શિખાનાં મામી આનંદીબેન બહાર આંગણામાં જ બેઠેલાં હતાં. શિખા તો ગાડીમાંથી ઉતરીને સીધી એમની પાસે દોડી ગઈ અને એમને વળગી પડી. આનંદીબેને પણ શિખાને ઉમરકાભેર ગળે લગાડી. શિખાએ વૈદેહીની ઓળખાણ એની મિત્ર તરીકે કરાવી. શિખા જ્યારે પણ અહીંયા આવતી ત્યારે એ વૈદેહી વિશે વાત કરતી તેથી આનંદીબેન જાણે એને પહેલાથી જ ઓળખતાં હોય એમ એને પણ ખૂબ જ પ્રેમથી આવકારી.
સાંજ પડતાં જીગરભાઈ પણ આવી ગયા. બધાં સાથે ડિનર કરવા બેઠા.
"અરે વૈદેહી, તેં હાથમાં મંગળસૂત્ર બાંધ્યું છે ?" આનંદીબેને વૈદેહીનાં હાથમાં પહેરેલ મંગળસૂત્રને જોઈ પૂછ્યું.
"મંગળસૂત્ર ? ન...નહીં તો...આ તો..." વૈદેહીએ શિખા તરફ જોયું.
"ઓહ મામી, કાળા મોટીવાળી બધી જ વસ્તુ મંગળસૂત્ર થોડી હોય ? આ તો બ્રેસ્લેટ છે. લેટેસ્ટ ડિઝાઈન છે." શિખાએ કહ્યું.
"આ તે વળી કેવી ડિઝાઈન ? જોઈને તો એવું જ લાગે જાણે મંગળસૂત્ર હોય !" આનંદીબેન બોલ્યાં.
"એ તો ફોઈ, આવી બધી ડિઝાઈન જોવા માટે તમારે શહેરમાં જવું પડે." દરવાજા પાસેથી અવાજ આવ્યો.
બધાએ અવાજ તરફ નજર કરી.
"આદિ !" આશ્ચર્યનાં ભાવ સાથે આનંદીબેન અને જીગરભાઈ બોલ્યાં અને ઉભા થઈ દરવાજા પાસે દોડી ગયા.
#####
કોણ છે આદિ ? શું કરશે ગરિમાબેન આગળ ? વૈદેહી અને સાર્થક એકબીજાને પોતાની લાગણીઓ જણાવી શકશે ?