વિરાટે ઉપર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ વજ્રની તેના હાથ પરની પકડ છૂટી ગઈ અને એ જમીન પર પટકાયો. એ પથ્થરના રાક્ષસી ચોસલાને અથડાય એ પહેલા એ જાગી ગયો. એના સ્વપ્નથી ધ્રૂજતો અને પરસેવો લૂછતો એ સ્નાન કરવા જળકુંડ તરફ ચાલવા લાગ્યો. એ તાલીમનો એક પણ દિવસ ચૂકવા માંગતો નહોતો એટલે એનું માથું ભારે હતું છતાં સ્નાન પતાવીને એ તાલીમના મેદાન તરફ ગયો.
વિરાટને બે નિર્ભય સાથે લડતા જોવા માટે બધા જ્ઞાનીઓ રાહ જોઈ રહ્યા હતા. વજ્ર અને તારા એના મિત્રો હોવા છતાં વિરાટ ગભરાટ અનુભવતો હતો. એ અખાડામાં સુકા ચુનાથી બનાવેલા વર્તુળમાં ગયો. ગુરુ જગમાલ પણ એમને લડતા જોવા આવ્યા હતા. વિરાટનું હૃદય એટલું જોરથી ધબકતું હતું કે એ એના કાનમાં ધબકારા અનુભવી શકતો હતો. એ જાણતો હતો કે કેવી રીતે લડવું અને કેવી રીતે જીતવું. એ છેલ્લા એક મહિનાથી તાલીમ લઈ રહ્યો હતો પણ બે નિર્ભય સાથે લડવાની વાતે એને બેચેન કરી દીધો હતો. એનો મુકાબલો એક સાથે બે નિર્ભય સામે હતો.
હું કેમ બેચેન છું? મેં ત્રણ નિર્ભયને પછાડી દીધા હતા. એણે પોતાને ખાતરી આપી અને પરસેવો દૂર કરવા માટે પાટલુન પર હથેળીઓ ઘસી.
"તું તૈયાર છે, વિરાટ?" વજ્રએ પૂછ્યું.
"હા." એણે માથું હલાવ્યું.
વજ્રએ પોતાનો ચહેરો ઢાંકવા માટે એક હાથ ઊંચો કર્યો અને એની બાજુમાં તારા કોઈ પણ વારને રોકવા તૈયાર હતી. થોડા સમય માટે એમણે એકબીજાની આસપાસ જંગલના વરુઓ જેમ ચક્કર લગાવ્યા અને પછી વિરાટને પ્રથમ તક મળી, એણે વજ્રને લાત મારી. વિરાટે એની પાંસળીઓને નિશાન બનાવીને લાત મારી હતી - જો તારાએ એની લાતને હવામાં ન રોકી હોત તો એ વાર એના ડાબા પડખાએ જીલવો પડ્યો હોત પણ તારા વિરાટના અંદાજા કરતાં વધારે ચપળ હતી. વિરાટનો પગ તારાના હાથના મજબુત હાડકાં સાથે અથડાઈ જમીન પર પાછો ફર્યો એ પહેલા વિરાટને એની ડાબી પાંસળીઓમાં ગરમીનો અહેસાસ થયો. જે પળે તારાએ એની લાતને અવરોધિ વજ્રએ એને પડખામાં લાત મારી હતી અને વિરાટે સંતુલન ગુમાવ્યું હતું. એ જમણી બાજુ જમીન પર પટકાયો.
વજ્રએ રના ચહેરા પર એક મુક્કો ઝીંક્યો પણ ર એના જડબાના હાડકાંને હલાવી નાખે એ પહેલા વિરાટ ગબડીને દૂર ખસી ગયો. એ ઊભો થવા ગયો એ જ ક્ષણે તારા એના પર કૂદી પડી અને બંને પાછા જમીન પર પછડાયા. વિરાટ નીચે હતો અને ર તેની છાતી પર હતી - એના જડબા પર મુક્કા વરસાવતી હતી.
વિરાટે એના બંને પગને જાટકો આપીને શરીરને ઉછાળ્યું અને તારાને દૂર ફેંકી દીધી. પણ એ ઊભો થાય એ પહેલાં વજ્રએ એના લમણાંમાં લાત મારી. પીડા એના માથામાંથી ઊંડે ઉતરી ખોપરી સુધી ફેલાઈ ગઈ, એની દૃષ્ટિ એક પળ માટે ધૂંધળી પડી ગઈ અને એના કાનમાં સીટીનો અવાજ સંભળાવા લાગ્યો. એને હજુ કળ વળે એ પહેલા તારાની લાત પેટમાં વાગી. એના ફેફસાંમાંથી બધી હવા બહાર નીકળી ગઈ અને એ ફેફસામાં નવી હવા ન ભરી શક્યો.
"એને ઊભો થવા દે." વિરાટે તારાનો અવાજ સાંભળ્યો અને વજ્રની લાતોનો વરસાદ બંધ થયો.
એ પોતાના પગ પર ઊભો થયો છતાં એની દૃષ્ટિ અસ્પષ્ટ હતી. રંગ એની આંખોમાં યુક્તિઓ રમવા લાગ્યા હતા. એની આંખ સામે વાદળી, કાળો, લીલો, પીળો અને લાલ જેવા વિવિધ રંગો આવજા કરતાં હતા. એનો હોઠ ચિરાઈ ગયો હતો અને એનો અડધો ચહેરો એના જ લોહીથી ખરડાઈ ગયો હતો. તારાના મુક્કાઓની અસર વિરાટના ચહેરા પર પણ વધારે પડતી અસર કરી ગઈ હતી. એનું લોહીલુહાણ નાક દયનીય હાલતમાં હતું.
"શું થયું, વિરાટ?" વજ્રએ પૂછ્યું.
"હું તમારા બંને સામે લડી શકવા માટે અસમર્થ છું." વિરાટની દૃષ્ટિ હવે ફરી સ્પષ્ટ બનતી હતી.
"મારા પિતાએ મને કહ્યું હતું કે તેં દીવાલની પેલી તરફ ત્રણ નિર્ભયને પછાડી દીધા હતા."
"હા." વિરાટે પહેરણની બાંય વડે એના ચહેરા પરથી લોહી લૂછ્યું, "કદાચ એ સમયે ગુસ્સાને કારણે મને કઈંક થઈ ગયું હતું."
"અમે તને મારતા હોઈએ ત્યારે તને અમારા પર ગુસ્સો નથી આવતો?"
"ના, આ માત્ર તાલીમ છે."
વજ્રએ તારા તરફ જોયું અને તારાએ એને કંઈક કહ્યું - એ ટૂંકો શબ્દ હતો પરંતુ વિરાટ એને સમજી ન શક્યો. કદાચ એ એમની વિશેષ ભાષા હતી - નિર્ભયની સ્થાનિક ભાષા.
"શું તને લાગે છે કે જો આ તાલીમ ન હોય તો તું અમને જીતી શકે?" તારાએ ટોણો મારતા પૂછ્યું.
"કેમ નહીં?" વિરાટે હસતાં હસતાં કહ્યું.
"તું એક શૂન્ય છે." વજ્રએ કહ્યું, "જ્યારે કોઈ તને મારશે ત્યારે રડવા બેસવું એ તારું લક્ષણ છે. તને અત્યારે રડવાનું મન તો નથી થતું ને?"
વિરાટે તારા સામે જોયું. એને આશ્ચર્ય થયું કે એ આવું કેમ બોલે છે પણ એના ચહેરા પરથી માયાળુ દેખાવ ગાયબ થઈ ગયો. એણે અને મુઠ્ઠીઓ વાળી, "ચાલ, શૂન્ય," એ બોલી, "બસ આખરે હાર માની લીધી ને?"
"શું તું દેવતાઓ સામે લડવાના સપનાં જુએ છે?" વજ્રએ ઉમેર્યું, "એ તને એક સેકન્ડમાં ફાડી નાખશે અને પછી તારા લોકોને બળવો કરવાની સજા મળશે."
"એ આક્રમણ કરશે અને શૂન્ય છોકરીઓ પર બળાત્કાર કરશે અને તમારા બધા બાળકોને તમારા બળવાની સજા તરીકે નિર્ભય ટુકડી મારી નાખશે." તારાએ કહ્યું.
"બસ...." વિરાટે બૂમ પાડી, "હું આ સાંભળવા નથી માંગતો."
"તારે સાંભળવું પડશે." વજ્રએ કહ્યું, "તું એક શૂન્ય છે અને તું ગુલામી કરવા માટે બન્યો છે કેમકે તું કમજોર છે."
"હું કમજોર નથી." વિરાટના મગજમાં લોહી ધસી આવ્યું, "હવે મારા લોકો વિશે એક પણ શબ્દ હું નહીં સાંભળું."
"એક શૂન્ય હંમેશાં એક શૂન્ય જ રહે છે." વજ્રએ કહ્યું એ સાથે જ વિરાટે નજીકના ઝાડને મુક્કો ઝીંક્યો. ઝાડનું થડ ધ્રૂજી ઉઠ્યું.
"બોલવાનું બંધ કર નહિતર હું તને મારી નાખીશ."
"શૂન્ય કોઈને ન મારી શકે." તારાએ વળતો જવાબ આપ્યો અને વિરાટે ફરીથી ઝાડના થડ પર મુક્કો ફટકાર્યો, “આને રોકો.....” એ પાગલની જેમ ઝાડ ઉપર મુક્કા મારવા લાગ્યો અને બૂમો પાડતો રહ્યો, “મને ગુસ્સે કરવાનું બંધ કરો...” એ પછીના મુક્કાએ ઝાડની છાલ ઉખડી અને ઝાડ હચમચી ગયું, “હું ગુસ્સામાં હોઈશ ત્યારે તમે મારો વાર સહન નહીં કરી શકો." એણે ચેતવણી આપી અને એ પછીના મુક્કાથી ઝાડના મૂળ હચમચી ગયા. એના પગ નીચેની જમીન ચીરીને મુળિયા બહાર આવી રહ્યા હતા – ઝાડ ઉખડવા લાગ્યું હતું, "એ તમારા માટે જોખમી છે, વજ્ર."
એ જમીન પર બેસી ગયો. એની મુઠ્ઠીઓ સૂજી ગઈ હતી અને એના આંગળા પરથી ચામડી ચિરાઈને લોહી ટપકવા લાગ્યું હતું.
તારાએ કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પણ વજ્રએ એને અટકાવી, "બસ આટલું પૂરતું છે." એણે કહ્યું, "એ હવે વિરાટ નથી."
"હું શુ છું?" વિરાટે પૂછ્યું.
"જ્યારે તું ગુસ્સે થાય ત્યારે તું અવતાર બની જાય છે." એણે કહ્યું, "ગુસ્સો તને બદલે છે."
"તારી તાલીમ પૂરી થઈ ગઈ છે. હું હવે મારો જીવ જોખમમાં મૂકી શકું એમ નથી." એણે હસીને ઉમેર્યું.
વિરાટ ઊભો થયો. એના હાથ ધ્રુજતા હતા અને માથું ભમતું હતું, "ખરેખર?" એણે પૂછ્યું.
"હા, તાલીમ પૂરી થઈ ગઈ છે." તારાએ એની તરફ આગળ વધીને કહ્યું, "બસ હવે એક તાલીમ બાકી છે."
"શું?" એણે પૂછ્યું.
"મોટરસાઇકલ હંકારવાની." વજ્રએ કહ્યું, "જ્યારે આપણે આગગાડીમાં પાછા ફર્યા ત્યારે મારા પિતાએ આગગાડીમાં મોટરસાઇકલ દીવાલની આ તરફ મોકલવાની વ્યવસ્થા કરી છે."
"મોટરસાઇકલ?" વિરાટે નવાઈથી પૂછ્યું કેમકે એ મશીન શૂન્ય માટે ચમત્કારી ચીજ કરતાં કમ નહોતું.
“હા, એક મોટરસાઇકલ." તારાએ કહ્યું.
"તારો મતલબ એ મશીન..." વિરાટે આશ્ચર્યથી કહ્યું, "મારે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવું પડશે?"
“હા.” વજ્રએ કહ્યું, “દીવાલની પેલી તરફ તારે મોટરસાઇકલ અને મોટરકાર હંકારવાની જરૂર પડશે.”
"પણ આપણે મોટરકારને આગગાડીમાં છુપાવી ન શકીએ એટલે જ્યારે આપણે દીવાલની પેલી તરફ જઈશું ત્યારે તારે એ શીખવું પડશે." તારાએ કહ્યું, "પણ મોટરસાઇકલ ગમે ત્યાંથી બચી નીકળવા માટે જરૂરી છે."
એ બપોરે, વજ્રએ એને મોટરસાઇકલ સવારો માટે રચાયેલ હેલ્મેટ, એક જેકેટ, મોટરસાઇકલના બૂટ, મોજા અને અન્ય ગિયર્સ આપ્યા. એમણે એને શીખવ્યું કે આ બધી વસ્તુઓ કેવી રીતે પહેરવી અને શા માટે પહેરવી. દરેક ગિયર સવારી કરતી વખતે એના શરીરનું રક્ષણ કરવા માટે હતો. એ આ બધી વસ્તુઓ આગગાડીમાં લઈ આવ્યા હતા. વજ્રનો પિતા નિર્ભય નેતા હતો પરિણામે એના માટે એ મુશ્કેલ નહોતું. એણે ધનુષ્ય, તીર અને તલવારો સાથે કેટલાક ગિયર્સ પણ મોકલ્યા હતા જે દીવાલ પર ચડવા માટે જરૂરી હતા.
તારાએ તાલીમ મેદાનમાં એક મોટરસાઇકલ લાવી.
“પ્રથમ તો કંટ્રોલ શીખવાના છે.” વજ્રએ સમજાવ્યું, “હેન્ડ ક્લચ, લીવર ડાબા હેન્ડલબાર પર છે અને ગિયર્સ શિફ્ટ કરતી વખતે પાછળના વ્હીલમાંથી પાવર ડિસએન્જ કરવા માટે વપરાય છે.” એણે મોટરસાઇકલ ચાલુ કર્યા પછી વિરાટને શું કરવું એ બતાવ્યું.
"ગિયર શિફ્ટિંગ તારા ડાબા પગ નીચે છે. આ ક્લચ લિવરનો ઉપયોગ ગિયર ઉપર અથવા નીચે શિફ્ટ કરવા માટે કરવો." એણે ગિયર કેવી રીતે બદલવો એ બતાવતા કહ્યું.
"હવે આ જો." એણે ઉમેર્યું, "આ થ્રોટલ છે. એનો ઉપયોગ વેગ આપવા માટે થાય છે." એણે જમણા હેન્ડલબાર ઉપરનું થ્રોટલ બતાવ્યુ અને પછી એ જ હેન્ડલબાર પરના લીવર વડે આગળના વ્હીલમાં બ્રેક લગાવવા વિશે સમજાવ્યું.
"યાદ રાખ કે મોટરસાઇકલની ડાબી બાજુ ગિયર્સને નિયંત્રિત કરે છે અને જમણી બાજુ પ્રવેગક અને બ્રેકિંગને નિયંત્રિત કરે છે." એણે એન્જિન બંધ કર્યું અને મોટરસાઇકલ પરથી ઉતરી ગયો.
"તું એના પર બેસ." એણે એને હેન્ડલબાર આપતાં કહ્યું.
વિરાટ એના પર બેઠો અને વજ્રએ એને સમજાવ્યું એમ નિયંત્રણના કાર્યો સમજવા લાગ્યો. એણે સેલ આપ્યો અને એન્જિન ધબકવા લાગ્યું. એને એનો અહેસાસ થયો. હેન્ડલબાર, ક્લચ લીવર અને બ્રેક લીવર પર એણે પકડ લીધી. એના પગ જમીન પર હતા છતાં એ પોતાની નીચે મોટરસાઇકલનું વજન અનુભવી રહ્યો હતો. સૌથી મુશ્કેલ કામ ક્લચ ઉપર કાબુ મેળવવાનું હતું. ક્લચ કેવી રીતે પકડવી અને ગિયર શિફ્ટ કર્યા પછી ધીમેથી ક્લચ ક્યારે છોડવી એ શીખવામાં અડધો કલાક નીકળી ગયો કેમકે ક્લચને છોડવી એ અનુભવ કરતા અનુભવવાની બાબત હતી. જ્યારે પણ વિરાટ કલચ છોડવા પ્રયત્ન કરતો એન્જિન ધબકારા મારવાનું બંધ કરી દેતું અને એ બેચેન થઈ જતો પણ એ બધું શીખવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો.
"મોટરસાઇકલ ચલાવવાનો સમય થઈ ગયો છે." વજ્રએ કહ્યું અને કોઈ પણ કટોકટી માટે જમણા હેન્ડલબાર ઉપર એક સ્વીચ બતાવતા ઉમેર્યું, “ઈમરજન્સીમાં આ કિલ સ્વીચ દબાવજે.” એ એક નાની લાલ સ્વીચ હતી.
વિરાટે એના પગ મોટરસાઇકલની બંને તરફ જમીન પર ટેકવી રાખીને શરૂઆત કરી. એ ધીમેધીમે ક્લચ છોડવા લાગ્યો - જ્યાં સુધી મોટરસાઇકલ આપમેળે આગળ ખસવા લાગી ત્યાં સુધી એ કલચને ઢીલી છોડતો ગયો અને એ પછી બંને પગ ઉપર લઈ લીધા પણ પૈડું કેટલાક આંટા ફર્યું ત્યાં મોટરસાઇકલ એક તરફ નમી ગઈ અને વિરાટ એ મહાકાય મશીન સાથે જમીન પર પટકાયો. પગ જમીન પરથી ઉચકી લેવામાં અને મોટરસાઇકલને સંતુલિત કરવામા અડધો કલાક જેટલો સમય લાગ્યો.
અડધા કલાક પછી આખરે એણે સંતુલન મેળવ્યું. પહેલા એણે મોટરસાઇકલ સમાંતર ગતિએ હંકારી અને પછી એના હાથ આપમેળે જાણવા લાગ્યા કે દિશા કેવી રીતે બદલવી. એના હાથ હેન્ડલબારને સંપૂર્ણ રીતે અનુભવવા લાગ્યા અને એને એ મશીન ચલાવવાનું સરળ લાગવા માંડ્યું.
એણે પંદર મિનિટ સુધી મોટર હંકારી અને ગિયર્સ બદલવાની પ્રેક્ટિસ કરતો એ જ્યારે તાલીમના મેદાનનું ચક્કર કાપીને પાછો ફર્યો ત્યારે એ મોટરસાઇકલને રોકવા માટે તૈયાર હતો. એણે ક્લચ લિવર ખેંચ્યો અને ધીમે ધીમે આગળ અને પાછળની બ્રેક એકસાથે લગાવી કારણ કે તારાએ એને કહ્યું હતું કે માત્ર આગળની બ્રેક લગાવવાથી સમતોલન ગુમાવવાનો ભય રહે છે.
વજ્રની જેમ જ મોટરસાઇકલને સ્થિર કરવા માટે વિરાટે ડાબા પગનો ઉપયોગ કર્યો અને પછી મોટરસાઇકલ બંધ થતાં જ એણે જમણો પગ પણ જમીન પર મૂક્યો.
વજ્ર અને તારા એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે વિરાટ કેટલો ઝડપથી મશીન ચલાવતા શીખી ગયો.
હવે વિરાટ મોટરસાઇકલ ચલાવી જાણતો હતો. હવે એ લડાઈના દાવપેચ જાણતો હતો. બસ બાકીના જ્ઞાનીઓ એ મશીન ચાલવતા શીખી લે પછી એ બધા દીવાલ પાર કરીને પેલી તરફ જવા માટે તૈયાર હતા.
જોકે નસીબ એમને તૈયારી કરવાનો પૂરો સમય આપવા તૈયાર નહોતું. દીવાલની આ તરફની તાલીમના સમાચાર કોઈ રીતે પાટનગર સુધી પહોંચી ગયા હતા. એ લોકો યુદ્ધ માટે તૈયાર થાય એ પહેલાં દીવાલની આ તરફ હુમલો કરવાની તૈયારીઓ પાટનગરમાં શરૂ થઈ ચુકી હતી.
*
પદ્મા અને બાકીના શૂન્યો દીવાલની અંદર પાણી વહન કરતી કેનાલની નજીકના એક ખંડેર શહેરમાં હતા. એ દીવાલની ઉત્તરનો ભાગ હતો. આગલા દિવસે એ લોકો શહેરની મધ્યમાં હતા પરંતુ ગઈ કાલે રાત્રે નિર્ભયના નેતા જગપતિએ એમની ટુકડીને કૂચ કરવાનો આદેશ આપ્યો હતો. કોઈને ખબર નહોતી કે એણે શા માટે રાત્રે કૂચ કરવાનું નક્કી કર્યું હતું.
શૂન્યોને પ્રશ્નો પૂછવાનો કોઈ અધિકાર નહોતો છતાં કેટલાક શૂન્યોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ જગપતિએ એમને કહ્યું કે એ વિસ્તાર ખતરનાક નથી અને ત્યાં રાતે વીજળીનું શાસન નથી એટલે રાતે કુચ કરીને ત્યાં જવું જોખમી નથી. એ સાચો હતો. એ જગ્યા અલગ હતી. એ શહેર પહેલાં એ લોકો પંદર દિવસ માટે બીજા શહેરમાં હતા જ્યાં એમની દરેક રાત એક દુઃસ્વપ્ન સમાન હતી. એ ત્યાની ઇમારતની અંદર સલામત હોવા છતાં એમને ઊંઘ ન આવતી. ગર્જના અને આકાશમાં વીજળીના યુદ્ધના અવાજ એમને ઊંઘવા ન દેતા. ત્યાં નરકનો નજારો હતો.
જગપતિ એ ખંડેર શહેર વિશે સાચો હતો. એમણે રાત્રે મુસાફરી કરી હતી. એ જગ્યાએ વીજળીના તોફાનો નહોતા જોવા મળ્યા. બધા શૂન્યો એ શહેરમાં આનંદ અનુભવતા હતા - કમસેકમ એ ખંડેર શહેર એમને નરકની અનુભૂતિ નહોતું કરાવતું. ત્યાં દીવાલની દક્ષીણ જેવું વાતાવરણ હતું એટલે એ બધા ઘર જેવું અનુભવતા હતા. આકાશમાં વીજળીના તોફાનો નહોતા અને કેનાલનું દૃશ્ય પદ્માને પોતીકું લાગતું હતું.
ક્રમશ: