Premnu Rahashy - 21 - Last part in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પ્રેમનું રહસ્ય - 21 (અંતિમ ભાગ)

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમનું રહસ્ય - 21 (અંતિમ ભાગ)

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૧ (અંતિમ)

અખિલ સારિકાએ કરેલો એસએમએસ વાંચવા ઉતાવળો બન્યો હતો. પોતાના ઘરેથી ગાયબ થયા બાદ એ કંઇક કહેવા માગતી હશે. એના મેસેજને શરૂઆતથી વાંચવા લાગ્યો:'પ્રિય અખિલ! આજે આપણી છેલ્લી મુલાકાત હતી. તું મને સ્વીકારવા તૈયાર નથી અને તારી પત્ની સંગીતાને મળીને મને થયું કે તારા લગ્નજીવનને ખંડિત કરવું યોગ્ય નથી. હું મારા પૂર્વજન્મના પ્રેમનું બલિદાન આપી રહી છું. હવે પછી ક્યારેય તને મળીશ નહીં. તારું લગ્નજીવન તને મુબારક! લિ. સારિકા.'

અખિલ એ ટૂંકો મેસેજ વાંચીને આનંદથી ઉછળી પડ્યો. એને થયું કે માથા પરથી બલા ટળી ગઇ. મારા સંગીતા માટેના પ્રેમની જીત થઇ છે. હું સારિકાના પૂર્વ જન્મના પ્રેમની વાત સાંભળીને પણ સંગીતાને છોડવા માગતો ન હતો. એનાથી ડરી રહ્યો હોવાનું બહારથી જાહેર કરતો ન હતો. એ મારું જમા પાસું રહ્યું છે. સંગીતાને કદાચ મારી સારિકા સાથેની મુલાકાત અને મિત્રતાથી ઇર્ષા આવી હોય કે એના રૂપથી ડર લાગ્યો હોય શકે પણ એ પોતાની જાત માટે વધારે સતર્ક બની છે અને સુંદરતાનો વધારે ખ્યાલ રાખવા લાગી છે. મને એનાથી આમપણ કોઇ અસંતોષ ન હતો. સારિકાએ સંગીતાને પોતાના પૂર્વજન્મની બધી વાત કરીને મને એની પાસેથી માગ્યો હોવાની જે વાત કરી હતી એ ખોટી લાગતી હતી. ઘરે ગયા પછી એનો ડર હતો પણ સંગીતાએ આવી કોઇ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. મતલબ કે સારિકાની એ ચાલ હતી. સંગીતા સાથેની મુલાકાતમાં તેણે આવી કોઇ વાત કરી ન હતી. સારિકાએ મને પામવા બધી રીત અજમાવી જોઇ હતી. એની કોઇ કારી ફાવી નહીં એટલે છોડી દીધો છે. એક વાતની મનોમન નોંધ લીધી છે કે સારિકાની ઘરમાં ચર્ચા શરૂ થયા પછી સંગીતા મને વધુ ચાહવા લાગી છે. એ મને ગુમાવવા માગતી નથી. એણે પોતાના શરીરની સુંદરતામાં ઇજાફો કરી દીધો છે. એ સારિકા જેટલી જ સુંદર લાગવા લાગી છે. આમ પણ હું સારિકાના રૂપથી કદાચ એક પુરુષ તરીકે ક્યારેક થોડો મોહિત થયો હશે પણ જાતીય આકર્ષણ કે ઉત્તેજના અનુભવી નથી.

અખિલ જાણે પોતાની જાતને જ પત્નીવ્રતા પતિનું પ્રમાણપત્ર આપી રહ્યો હતો. સારિકાએ પીછો છોડી દીધો છે એ વાત પર એને એટલો હર્ષ થઇ રહ્યો હતો કે ઊભા થઇને નાચવાનું મન થતું હતું. ત્યાં એને એક વાતનો ખેદ થયો કે સારિકાને કારણે સંગીતા એનાથી થોડી નારાજ થઇ હશે. એ એના વિશે બહુ વાત કરવા માગતી ન હતી. હવે એ પણ એના વિશે કોઇ વાત કરશે નહીં અને કહી દેશે કે એને જાણવા મળ્યું છે કે સારિકાને વિદેશની કોઇ કંપનીની ઓફર આવી એટલે આપણી સોસાયટી છોડીને પોતાના ગામ તૈયારી માટે જતી રહી છે. આમ એના નામ પર પૂર્ણવિરામ મુકાઇ જશે.

અખિલને થયું કે સારિકાનો આભાર માનવો જોઇએ. જે મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો એને ડાયલ કર્યો ત્યારે સાંભળવા મળ્યું કે,'આ નંબર અસ્તિત્વમાં નથી.' અખિલને વધારે રાહત થઇ કે હવે રહસ્યમય સ્ત્રી સારિકાનું અસ્તિત્વ જ એના જીવનમાં રહ્યું નથી. એણે સંપૂર્ણપણે મારી સાથેનો નાતો તોડી નાખ્યો છે. એ મનથી એટલો હળવોફુલ થઇ ગયો કે મનમાં જે ગીત આવ્યું એ 'પૂરા લંડન ઠુમકદા' ગાઇને ઉલ્લાસથી નાચવા લાગ્યો.

અખિલ સારિકાની વિદાય પર નાચી રહ્યો હતો ત્યારે બીજી તરફ એના ઘરમાં સંગીતા બીજા જ કારણથી નાચી રહી હતી... કેમકે એ સંગીતા નહીં સારિકા હતી...

અખિલને ખબર જ ના પડી કે ક્યારે સારિકાએ સંગીતા તરીકેનું સ્થાન લઇ લીધું હતું. સારિકા ત્યારે સંગીતા બનીને એ વાતથી ખુશ થઇને ઠુમકા લગાવી રહી હતી કે આખરે એને પૂર્વજન્મનો પ્રેમી મળી ગયો છે અને હવે આખો જન્મ એની સાથે જ ગાળવાની છે.

સારિકાએ પોતે સંગીતાને મળી હોવાની વાત કરી એમાં સત્ય હતું. પણ ત્યારે શું બન્યું હતું એ અખિલ ક્યારેય જાણી શકવાનો ન હતો. સંગીતાએ જ્યારે અખિલને કહ્યું હતું કે તે સંગીતાને મળી ચૂકી છે અને સંગીતાએ એને પડકાર ફેંક્યો છે કે તારા જેટલા કરતબ અજમાવવા હોય એટલા અજમાવી લેજે... અસલમાં સારિકા સંગીતાની હત્યા માટે જ એને ઘરમાં મળી હતી.

સારિકાને જ્યારે ખ્યાલ આવી ગયો કે અખિલ એનો કોઇ કાળે થવાનો નથી. એના પર દાબદબાણ કરવાથી કે શક્તિઓનો ઉપયોગ કરવાથી કદાચ પોતાનો થઇ જવા રાજી થાય તો પણ એ સંગીતાને જેવો પ્રેમ કરે છે એવો કરી શકવાનો ન હતો. પોતે સંગીતાને મારી નાખે કે ગાયબ કરી દે અને પોતાની સાથે લગ્ન કરવા અખિલને મજબૂર કરે તો પણ એ માનવાનો ન હતો. એને સંગીતા પ્રત્યે એટલો ઊંડો લગાવ છે કે કદાચ સંગીતાના મોત પછી લાગેલા આઘાતમાં એનામાં પ્રેમ નામનું તત્વ જ ના રહે એમ બની શકે. સંગીતાને જીવતી રાખવી જરૂરી છે. જો એ મને સારિકાના રૂપમાં પ્રેમ કરી શકવાનો ના હોય તો એને પામવાનો કોઇ અર્થ ન હતો. પોતે પોતાના મબલખ રૂપના આકર્ષણથી એને રીઝવવાના અનેક પ્રયત્ન કરી જોયા હતા. એ તો પોતાના મિત્ર કુંદન સાથે મારું ચોકઠું ગોઠવવા પાછળ ફરતો હતો. મારા રૂપનો બહુ ઘેલો ન હતો. પુરુષને સામાન્ય રીતે એક સુંદર સ્ત્રીનું સહજ આકર્ષણ હોય એવું જ હતું. એના દિલની ધડકન તો પત્ની સંગીતા માટે જ ધડકે છે.

સારિકાને લાંબા વિચાર પછી આ ઉપાય સૂઝ્યો હતો. સંગીતાને સ્વધામ પહોંચાડીને એના શરીરમાં સમાઇ જઇ પોતે જ સંગીતા બની જવાનું. જેમાં 'સાપ મરી જાય અને લાઠી પણ તૂટે નહીં' એમ હતું.

એ દિવસે સારિકા અખિલના ઘરમાં ગઇ ત્યારે સંગીતાએ એને ઠંડો આવકાર આપ્યો હતો. સારિકાએ ઘરમાં ગયા પછી સિફતથી ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી અને જેવો સંગીતાનો આત્મા મોક્ષ પામ્યો કે સારિકાનો આત્મા એમાં પ્રવેશી ગયો હતો. સંગીતા ફરી જીવતી થઇ ગઇ હતી. તે દેખાવે તો સંગીતા જ રહેવાની હતી પણ અસલમાં સારિકા તરીકે જીવવાની હતી. એ શરીર સંગીતાનું જ રહેવાનું હતું પણ આત્મા સારિકાનો હતો. સારિકાએ નક્કી કર્યું હતું કે તે સંગીતાની જેમ જ જીવશે. પોતે સારિકા છે એ વાત ભૂલી જશે.

સારિકાએ જ્યારથી સંગીતા તરીકે જીવન શરૂ કર્યું ત્યારથી પોતાના રૂપને સંવારવાનું શરૂ કરી દીધું હતું. એ અખિલનું દિલ વધારે જીતવા માગતી હતી. તે અખિલ પર પ્રેમમાં ઓળઘોળ થવા લાગી હતી. તેણે બે દિવસ સુધી સારિકાના પ્રેત સ્વરૂપને ચાલુ રાખ્યું હતું અને પછી કુંદન આવે એ પહેલાં એને અચાનક ગાયબ કરી દીધી હતી. જેથી કોઇને શંકા ના જાય. પછી અખિલને એસએમએસ કરી છોડી દીધો હોવાનું કહી દીધું હતું. અખિલને સારિકાથી છૂટકારો મળ્યાનો આનંદ હશે અને મને અખિલ મળ્યાનો આનંદ છે.

સંગીતાના રૂપમાં રહેલી સારિકા એ વાતથી ખુશ હતી કે હવે પોતે અખિલ સાથે જન્મોજનમ પ્રેમમાં ગળાડૂબ રહી શકશે. પોતે સંગીતા તરીકે જ રહેશે એટલે પોતાના આ પ્રેમનું રહસ્ય અખિલ ક્યારેય પામી શકવાનો નથી. હવે હું એક સામાન્ય સ્ત્રી સંગીતા તરીકે જ જીવન જીવીશ. એ મને સંગીતા તરીકે જ પ્રેમ કરતો રહેશે. સારિકા એના માટે કાયમ કોઇ પ્રેત કે રહસ્યમય સ્ત્રી તરીકે જ રહેશે. મારા પ્રેમનું રહસ્ય જ એ હતું કે અખિલને પામવાનો હતો.
*** સમાપ્ત***