મેઘનાબહેન દ્વારા અચાનક પૂછાયેલ પ્રશ્નથી લીલા અવઢવમાં મૂકાઈ ગઈ કે તે શો જવાબ આપે. એક તો તેણે રામજીને પોતાનાં મૃત પતિનાં દૂરનાં સગા અને મિત્ર તરીકે જ જોયો હતો. એ રીતે રામજીને તે દિયર સમ માનતી અને કૉલેજનાં આ અજાણ્યા વાતાવરણમાં પોતાનો પથદર્શક સમજતી. તેને રામજી વિશે આવો વિચાર તો સ્વપ્નમાંયે આવ્યો ન હતો.
તેણે હાલની મૂંઝવણ ટાળવા મેઘનાબહેનને કહ્યું, "કાકી, માર માબાપ જ નંઈ માને. અમાર તિયાં વિધવાનું લગન તો બીજવર, મોટી ઉંબરના, વસ્તારવાળા જોડે જ થાઈ. માર તો માબાપ કિયે એ જ જગાએ પૈણવાનું. માર મેઘજીને ભૂલવો ના ઓય તોય ભૂલવો જ રયો. પણ જંઈ હુધી એ વાત હડસેલાય તંઈ હુધી ઉં હડસેલતી રઇશ."
મેઘનાબહેને તેનાં ખભે સાંત્વના આપતો હાથ મૂકી કહ્યું," એય બરાબર. પણ તેં જ કહ્યું કે તારાં માતાપિતા તારું બીજું લગ્ન તો કરાવવાનાં જ છે. મારી વાત વિચારી જોજે. બીજે પરણવા કરતાં રામજીને પરણવું તારાં માટે સર્વથા યોગ્ય છે. આવતા રવિવારે હું તને મળવા આવીશ." કહી મંદ, મધુર સ્મિત સાથે બહારનાં ઓરડામાં ગયાં.
તેમને બહાર આવેલાં જોઈ સમીરભાઈ અને રમીલા પણ ઘરે જવા ઊભાં થયાં. રમીલાએ તેની માતાને પૂછ્યું," તમે લોકો અહીં રોકાવ છો કે અમારી સાથે નીકળો છો?"
તે બંને ઊભાં થઈ ગયાં. રમીલાની માતાએ જવાબ વાળ્યો, "તે અમ બી નેકળીએ. ઘેર સોકરાં વાત જોતાં અહે."
લીલા આગળ આવી અને પહેલાં માસીને પછી રમીલાને ભેટી. રમીલા બોલી ઊઠી, "બેન, તું તો જબરી હિંમતવાન નીકળી. એકલા હાથે આ શહેરમાં રહેવાનું અને પાછી નોકરી. મને આજે ખૂબ જ આનંદ થયો. આટલાં વખતથી હું અહીં હતી પણ, તને ઓળખી ન શકી. હવે મળતાં રહીશું."
આ સાંભળી સમીરભાઈએ રમીલાને પોતાનું ફોનનંબર અને સરનામું ધરાવતું કાર્ડ આપ્યું, જે રમીલાએ લીલાને આપ્યું.
લીલાએ કાર્ડ લેતાં રમીલાને કહ્યું, "તું તો હાવ નાલ્લી ઉતી, તિયારની જ શે'રમાં પેલાં માહીન તંઈ રેઈ ગેયલી. તે મન કાંથી ઓળખે?"
બંનેએ એકબીજાંને સ્મિત આપ્યું અને છૂટાં પડ્યાં. બધાં ઘરબહાર નીકળી કૉલેજ સંકુલનાં મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યાં ત્યાં જ સામેથી આવતાં રામજીએ બધાંને પ્રણામ કર્યાં. પાછળ ઘરનાં બારણે અડીને ઊભેલી લીલાએ કંઈક સંકોચાઈને બારણાં બંધ કરી દીધાં જેથી તેનાંથી રામજીને હંમેશની મુજબ સ્મિત ન અપાઈ જાય.
રામજીને પણ વગર કાંઈ કહ્યે સમજાઈ ગયું કે મેઘનાબહેને તેનાં મનની વાત લીલા સુધી પહોંચાડી દીધી હશે પણ તે કાંઈ પૂછી ન શક્યો. મેઘનાબહેને સામેથી જ તેને જમણો હાથ ઊંચો કરી કહ્યું કે, 'બધું બરાબર થઈ જશે. તમે ચિંતા ન કરશો. થોડી રાહ વધુ જોઈ લો."
રામજી મલકાતો પોતાનાં ક્વાર્ટર તરફ વધી ગયો. મેઘનાબહેનની વાત ન સમજાતાં, રમીલા અને સમીરભાઈ એકસાથે પૂછી ઊઠ્યાં, "શું છે આ?"
મેઘનાબહેને કહ્યું, "કહું છું ઘરે જ ઈને શાંતિથી."
ચાલતાં ચાલતાં બધાં ગાડી સુધી પહોંચ્યાં. સમીરભાઈએ ગાડીનું લૉક ખોલ્યું અને ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠાં. તેમની બાજુની બેઠકમાં મોટાભાગે રમીલા કે નિખિલ બેસતાં. આજે નિખિલ અહીં હાજર નહોતો અને રમીલા તેનાં માતાપિતા સાથે પાછળની સીટ ઉપર બેઠી તેથી તે સ્થાન મેઘનાબહેનને મળ્યું.
બધાં દરવાજા લૉક થયાં એટલે સમીરભાઈએ સેન્ટ્રલ લૉક લગાવી એરકન્ડીશનર શરૂ કર્યું અને સીટબેલ્ટ પહેરી ગાડી હાંકવી શરૂ કરી.
મેઘનાબહેને રમીલાનાં માતાપિતાને ઉદ્દેશીને કહ્યું, "છોકરાંઓની ચિંતા ન કરશો. નિખિલ તમારા ઘરે જઈને બેયને ક્યારનોય લઈ આવ્યો છે. હમણાં સુધી તો તેમને જમાડી પણ લીધાં હશે. આપણે સીધાં ઘરે જ જઈએ છીએ. તમે લોકો શાંતિથી આજે રોકાઈ કાલે જ ઘરે જજો."
બંનેનાં મોં ઉપર ખુશી અને ચિંતાની બેવડી લહેરો ઊઠી. રમીલાનાં પિતા બોલી ઊઠ્યા, "પણ બેન અડધી દા'ડી પડી સે. મુકાદમ એના તો પૈહા બી ની આલહે. પન અવ બપ્પોર બી નંઇ જાશ તો આખી દા' ડી જહે. કાલ હું ખાહું?"
સમીરભાઈ આ માણસની લાચારી જોઈ વ્યથિત થયાં. તેઓ બોલ્યાં," ભાઈ, હવે આ મજૂરીની જરૂર જ નથી. તમારી દીકરીને નોકરી મળી ગઈ છે. અને એ વાસમાં રહેવા જવાની પણ જરૂર નથી. એક-બે દિવસમાં ત્યાં જઈને જરૂરી સામાન સમેટી લેજો. આવતા રવિવાર સુધીમાં તો નવાં ઘરમાં રહેલા જવાનું છે."
તેમણે મેઘનાબહેનને પોતાનો ફોન લઈ એસ્ટેટ એજન્ટ નવલરામને
બેય ભોળિયાં જીવ મલકાયાં પણ તે મલકાટ તેમનાં કપાળે ચિંતાની રેખાઓ છોડતો ગયો.
* રમીલાનાં માતાપિતાને શેની ચિંતા હતી?
* શું લીલા અને રામજીનું લગ્ન શક્ય બનશે?
* શું રમીલાનાં નાનાં ભાઈ બહેન ભણી શકશે?
ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા