પ્રકરણ ૧
"શ્રીમતી ફિલા મર્ચન્ટ, દરેક સમયે, તમને બે વસ્તુ સ્પષ્ટપણે યાદ રાખવી પડશે. એક, તમે કેટલા પણ યોગ્ય સોશિયલ વર્કર અને બાળકોના કાઉન્સલર હશો, પણ અહીં તમારી કુશળતાની આવશ્યકતા નથી. તમારી જવાબદારી અનાથાશ્રમમાં અન્ય બીજા વોર્ડન જેવી જ રહેશે."
મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે વરિષ્ઠ મેટ્રન, કલ્યાણી પાટીલ મને આટલી સખ્તાઇથી, આવી વિચિત્ર વાત શા માટે કરી રહી હતી. હેપ્પી હોમ અનાથાશ્રમમાં તે માત્ર મારો પ્રથમ કલાક હતો, અને મને આવો આઘાતજનક આવકારો મળ્યો.
પણ મને તરત જ સમજાયું, કે આટલું જ નહોતું. અમારી આસપાસની હવા તેના સત્તાધિકારી અવાજ જેટલી ભારી થઈ ગઈ, કારણ કે કલ્યાણી પાટીલના શબ્દોનો વાર હજી બાકી હતો. "બીજું, આપણે ત્યાં આવતા મહિને વિદેશી લોકોનું જૂથ આવવાનું છે. તમારી પાસે બધાને જાણવાનો અને અમારી કાર્યપ્રણાલીને સમજવા માટે પૂરતો સમય છે. હું ઇચ્છું છું કે તમે તેમની સામે આપણા સંસ્થાના પ્રતિનિધિત્વ રીતે વાત કરો. તેઓ આપણા સંભવિત ડોનર છે અને જો આપણે તેમને પ્રભાવિત કરી શકીએ, તો હું એ લોકો પાસેથી દાનની મોટી રકમની અપેક્ષા રાખું છું. "
હું સંપૂર્ણપણે અચંબિત રહી ગઈ અને જ્યારે તેણે મારા ચહેરા પર આશ્ચર્ય જોયું ત્યારે કલ્યાણી પાટીલે આગળ ખુલાસો કર્યો, "શરૂઆતથી જ સ્પષ્ટ રહેવું સારું છે, હું તમને કોઈ પ્રકારના ભ્રમમાં રાખવા નથી માંગતી."
તેણે મારી બાજુમાં ઉભેલી મહિલા તરફ ઇશારો કર્યો અને કહ્યું, "આ અમારી સુપરવાઈઝર અંજલિ શર્મા છે. તમે તેના માર્ગદર્શન હેઠળ કામ કરશો અને તેની સાથે રૂમ પણ શેર કરશો. તે તમને બધું બતાવશે. હવે તમે જઇ શકો છો."
હું મારી જગ્યાએથી બિલકુલ ન હટી. કલ્યાણીની આપેલી બધી માહિતી ખૂબ જ ડરામણી હતી અને મને કેટલાક પ્રશ્નોના જવાબની જોઈતા હતા. "પણ શ્રીમતી પાટીલ, મને સમજમાં નથી આવતું, શા માટે તમે....."
તેણે તેના ચશ્માની પાછળથી મારી સામે ગુસ્સામાં આંખ કાઢી. "મેં કહ્યું, જાવ અહીંયાંથી! અંજલિ, ખાતરી કરજે કે આને આપણી સિસ્ટમ સ્પષ્ટ રીતે અંતિમ વિગત સુધી સમજમાં આવી જાય."
"જી મેડમ."
અંજલિએ મારી કોણી દબાવી અને અમે બહાર નીકળી ગયા. "શાંતિ રાખ. આપણે પછી વાત કરીશું."
અમારા રૂમ સુધી પહોંચવામાં જેટલો સમય લાગ્યો, એમાં મેં આસપાસ નજર ફેરવી. જેવા ગામડાઓમાં હોય છે, તેવા નળીયાથી બનેલા છાપરાવાળા ત્રણ બેઠા ઘાટના મકાન હતા. મેદાનમાં વૃક્ષો પાસે ઓટલા બનેલા જોવા મળ્યા. કેટલીક નાની છોકરીઓ રમતી હતી, પરંતુ ત્યાં કેટલીક યુવાન છોકરીઓ જૂથમાં ઉભી હતી, જે મને શંકાસ્પદ નજરથી જોઈ રહી.
અંજલિએ મને અનાથાશ્રમની બધી વિગતો જણાવાનું શરૂ કર્યું. "મને ખાતરી છે કે તું જાણતી હશે કે આ જિલ્લામાં અને આજુબાજુના દસ ગામોમાં આપણું એકમાત્ર અનાથઆશ્રમ છે. આપણે ત્યાં સાંઈઠ છોકરીઓ છે અને તું જોઈ શકે છે, આ ફક્ત મહિલાઓ માટેનું આશ્રમ છે. સૌથી નાની છોકરી ત્રણ વર્ષની અને સૌથી મોટી પંદર વર્ષની છે. કુલ અહીંયા છ કર્મચારીઓ કામ કરે છે, તું સાતમી છો. ત્યાં જે લીલી ઇમારત છે, તે આપણી સ્કૂલ છે. ગામના અન્ય બાળકો પણ અહીંયા ભણવા આવે છે. આપણે ત્યાં આઠમા ધોરણ સુધીના વર્ગો છે, આવતા વર્ષે, નવમાં ધોરણનું પણ સમાવેશ થઈ જશે. સ્કૂલના શિક્ષકો અહીં નથી રહેતા. તેઓ ઘરેથી આવજાવ કરે છે."
જે બિલ્ડિંગમાંથી અમે નીકળ્યા હતા, અંજલિએ એની તરફ ધ્યાન દોરીને કહ્યું, "એ બિલ્ડિંગમાં ઓફીસ, વેઇટિંગ એરિયા, ડાઇનિંગ હોલ, રસોડું, મેડિકલ રૂમ, એક નાનું મંદિર અને મનોરંજન ખંડ છે. આ ઉપરાંત, જ્યાં આપણે જઈ રહ્યા છીએ, ત્યાં ચાર શયનગૃહો, વોર્ડન રૂમ અને બાથરૂમ છે."
છેવટે અમે અમારા રૂમમાં પહોંચ્યા, તે કોરિડોરના અંતમાં હતો. અંજલિએ તાળું ખોલ્યું અને અંદર પગ મૂકતાંની સાથે જ દરવાજો બંધ કરી નાખ્યો. રૂમ એક માચીસની ડબ્બી જેટલો નાનો હતો, જેમાં બે પલંગની વચ્ચે એક ટેબલ હતું, જેની ઉપર એક અરીસો હતો. બારી પાસે લાકડાની અલમારી ઉપર એક સુટકેસ પડેલી હતી.
અમે બંને પલંગ પર બેઠા. તેણે જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યું અને મારી તરફ આગળ કરતા કહ્યું, "મને લાગે છે કે તને આની જરૂર છે."
મેં દલીલ કર્યા વગર એક લાંબો નિસાસો નાખ્યો અને પાણી પીધું. એ સમજી ગઈ કે હું ગુસ્સામાં હતી.
"હા ફિલા, હવે બોલ જે બોલવું હોય તે."
મને ખબર નહોતી કે અંજલિ પર કેટલો ભરોસો કરવો, પણ મારા મનમાં ઘણી બધી શંકાઓ ઉપડી રહી હતી અને અમુક પ્રશ્નના જવાબ જરૂરી હતા.
હું ઊભી થઈને આંટા મારવા લાગી.
"ફિલા...? કંઈક તો બોલ."
"જો આ અનાથાશ્રમને કોઈ સોશિયલ વર્કર અને બાળકોની કાઉન્સલરની જરૂર નહોતી, તો પછી મને શા માટે નિમણૂક કરવામાં આવી? ફક્ત એક સાધારણ કર્મચારી બનવા માટે, મેં વર્ષો મધરાત્રી તેલ નથી બાળ્યું અને આવા મામૂલી કામ માટે આટલું બધું નથી ભણી!"
મારા માતાપિતાના વિરોધ છતાં, હું અનાથાલયમાં કામ કરવાના ઉદ્દેશથી અહીં આવી હતી. મને હંમેશાં અનાથ બાળકોના જીવનને શક્ય તેટલું તેજસ્વી બનાવવા માટે ફાળો આપવાનો ઉત્સાહ હતો.
શરૂઆતથી જ મને તેમના માટે લાગણી હતી. અને એટલે જ હું એક સોશિયલ વર્કર અને બાળકોની કોઉન્સલર બની. આ મારી પ્રથમ નોકરી હતી અને મને કેટલું ભયાનક આવકારો મળ્યો હતો! હું સાવ નિરાશ થઈ ગઈ અને મને ભાગી જવાનું મન થઈ રહ્યું હતું. મને કલ્યાણીનું વલણ પસંદ ન આવ્યું. તે માત્ર બરછટ નહોતી, મને કાંઈક છેતરપિંડીનો પણ આભાસ થઈ રહ્યો હતો.
અંજલિ આવીને મારી સામે ઉભી રહી. "હું તારામાં એક આગ, એક ઉલ્લાસ જોઈ શકું છું, જે મેં અન્ય કોઈનામાં નહોતું જોયું."
"તમે શું કહેવા માગો છો?"
"જો ..... તું પહેલી સોશિયલ વર્કર નથી જેને આ અનાથાશ્રમએ નિમણુંક કરવાનો પ્રયત્ન કર્યો છે. અમારી પાસે અગાઉ ત્રણ આવ્યા હતા, પરંતુ એક પછી એક તેઓ બધા જતા રહ્યા."
મેં માથું હલાવ્યું. "હું સમજી નહીં."
"આજે તારો પહેલો દિવસ છે, તેથી હું તને ડરાવવા નથી માંગતી. સમય જતા તને બધું જ ખબર પડી જશે. પણ બે બાબતો છે જે તને તરત જ જાણી અને સમજી લેવી જોઈએ. એક, કલ્યાણીને ઉચ્ચ શિક્ષિત લોકો નથી ગમતા. તે જે રીતે અનાથાશ્રમ ચલાવે છે તેમાં ખલેલ પડે છે. પરંતુ મેનેજમેન્ટે સોશિયલ વર્કર નિમણુંક કરવું ફરજિયાત પાડ્યું છે, તેથી કલ્યાણી કાંઈ કરી નથી શકતી અને વિભિન્ન યુક્તિઓથી તેમને દબાવવાનો પ્રયાસ કરે છે."
મેં હોઠ દબાવતા પૂછ્યું. "બીજી વાત શું છે?"
"જયાં સુધી તું અમારી સાથે છે, તને ઘણી બધી વસ્તુઓ જોવા અને સાંભળવા મળશે જે તને યોગ્ય નહીં લાગે. જો તું હેપી હોમમાં ટકી રહેવાની ઇચ્છા રાખતી હોય, તો આંખ આડા કાન કરવામાં જ સમજદારી છે "
મારા અભ્યાસક્રમ દરમિયાન, મેં ઇન્ટર્નશિપ માટે થોડા અનાથાશ્રમમાં કામ કર્યું હતું. મેં આ નિર્દોષ બાળકો પ્રત્યેની અન્યાયી વર્તન વિશે પણ પુષ્કળ સાંભળ્યું હતું. મારા મગજમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા, પણ હાલ ફિલહાલ હું કંઈક બીજું વિચારી રહી હતી. અંજલિ મને આ બધું શા માટે કહી રહી હતી? શું તે મારી પાછળ કલ્યાણીની ત્રીજી આંખ હતી? ક્ષણમાં, મને મૌન રહેવું વધુ યોગ્ય લાગ્યું. મેં નક્કી કર્યું કે મારા આંખ અને કાન ખુલા રાખીશ અને બધી વસ્તુની જાતે ચકાસણી કરીશ.
પ્રકરણ ૨
અમારો દિવસ સવારે પાંચ વાગ્યે શરૂ થતો અને રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલતો. જેમ અંજલિએ મને ચેતવણી આપી હતી, તે જ રીતે હેપ્પી હોમ વિશેની ઘણી વસ્તુઓ દુઃખદ અને અસહ્ય હતી. ખરાબ લાઇટિંગ, બેઢંગ રહેઠાણ, અભણ અને નિર્દય સ્ટાફ, અને બાળકોનું મૂળરૂપે એવી દેખરેખ રાખવામાં નહોતી આવતી જેવીકે રાખવી જોઈએ. મોટાભાગે તેઓ જૂના, મેલાઘેલા કપડાંમાં વાઘરીના અવતારમાં ફરતા હતા. કોઈ એમના વાળ પણ નહોતું ઓળતું. કર્મચારીઓ કરતા વધારે, અનાથાશ્રમના મોટા બાળકો નાની છોકરીઓનું ધ્યાન રાખતા હતા.
"ફિલા, બીજી બાબતોની તુલનામાં આ નાનો મુદ્દો છે. રિલેક્સ કર!" જ્યારે મેં અંજલિને પ્રશ્ન કર્યો, ત્યારે તેણે મને આવો જવાબ આપ્યો.
ત્રણ અઠવાડિયામાં, મને એક પછી એક આઘાતજનક ઘટનાઓ જોવા મળી. બાળકો સાથે ખરાબ વર્તન જોઈને હું સ્તબ્ધ રહી ગઈ. એ લોકો સાથે થતી ક્રૂરતા જોઈને મારું હૃદય આ બાળકો માટે રડતું. તેમને લાકડીથી ફટકારતાં, તેમના વાળ ખેંચતા અને ચહેરા પર લાફા મારતા. આ બધું એટલું સામાન્ય હતું, જાણે કે આ કઠોર વ્યવહાર કર્યા વિના વોર્ડનને તેમની સાથે વાત કરતા આવડતું જ ન હોય. નિયમિત હિંસા જ શિસ્તનું સાધન હતું.
આખું સેટઅપ એવું હતું જાણે બાળકોને એક સાથે ફેંકી દેવામાં આવ્યાં હોય અને સંસ્થાના લોકો તેમને એક બોજારૂપ દુખાવો સમજતા હતા. અંજલિના બે મુખોટાં હતા. જ્યારે કોઈ હાજર ન હોય, ત્યારે તે બાળકો સાથે સારી વર્તણૂક કરતી, અન્યથા તે બાકીના સ્ટાફની જેમ વર્તતી. અંજલિ અને બીજી એક મહિલા છોકરીઓ પ્રત્યે દયાળુ હતા, તે છતાંય એમની વર્તણૂક એટલી સંતોષકારક નહોતી.
દરરોજ રાત્રે મને નિરાશા અને લાચારીનો એહસાસ થતો. મને આ અનાથ બાળકો માટે કંઈક સારું કરવું હતું, પણ આશ્રમમાં કોઈ એવું ન હતું જે મારી મદદ કરે, કે પછી મને સમજી શકે. રાત્રે સૂતા પહેલા, હું બેસીને આખા દિવસની ઘટનાઓનો અહેવાલ મારી ડાયરીમાં લખતી. મારી ભળાસ કાઢવાનો આ એકમાત્ર માધ્યમ હતો.
"ફિલા, તું દર રાત્રે આટલું બધું શું લખતી હોય છે? દરરોજ હું તને એક પછી એક પાના ભરતા જોઉં છું." અંજલિ મારી પાછળ આવીને ઉભી રહી અને સુતા પહેલા તેણે મને પ્રશ્ન કર્યો.
"મેં અત્યાર સુધી જે કંઇ અહીંયા જોયું છે, તેને હું કાગળ પર ઉતારી લેવા માંગુ છું. આ મારો ફાઇનલ રિપોર્ટ બનાવવામાં મદદ કરશે."
અંજલિ ચોંકી ગઈ, "કેવો રિપોર્ટ?"
હું તેને જોતી રહી ગઈ અને મારા એન્ટેના ઊભા થઈ ગયા. મારે રિપોર્ટ શબ્દનો ઉપયોગ નહોતો કરવો જોઈતો. મેં વાત બંધ કરતા કહ્યું, "જોઈએ હવે. અહીંયા જે બધું ચાલી રહ્યું છે, તે વિશે કાંઈક તો કરવું જ પડશે."
અંજલિએ કપાળે હાથ માર્યો અને ગભરાઈને મને સાવચેતીનો ડોઝ આપ્યો. "ફિલા તારી આ ડાયરીને એક ગ્રંથની જેમ સાચવીને રાખજે. તે ક્યારેય ખોટા હાથમાં ન આવી જાય, નહિતર આપણે બંને કલ્યાણીના સપેટામાં આવી જઇશું."
"હા, હા, હું જાણું છું. તું ચિંતા નહીં કર."
આ બધાની વચ્ચે નરગિસ હતી, જેને હું કઈ રીતે સાંચવું તે સમજમાં જ નહોતું આવી રહ્યું. નાલાયક નરગીસ! આખા આશ્રમમાં તે આ રીતે પ્રખ્યાત હતી. તે પંદર વર્ષની હતી અને વાસ્તવમાં અનાથ નહોતી. તેના માતાપિતા અતિશય ગરીબ હતા અને એમનામાં નરગિસનું પાલન પોષણ કરવાની ક્ષમતા નહોતી. જ્યારે તે પાંચ વર્ષની હતી ત્યારે તેઓ તેને અહીં મૂકી ગયા હતા, અને ત્યારબાદ તેના વિશે પૂછપરછ કરવાની પણ તસ્દી નહોતી લીધી. મેં નરગિસના ચહેરા પર ક્યારેય સ્મિત નહોતું જોયું. તે હિંમતવાન, નીડર અને પોતાની લડાઇ પોતે જ લડવા વાળી છોકરી હતી. તે તદ્દન બદમાશ અને આખાબોલી હતી અને તેની ઉમરની અન્ય છોકરીઓ સાથે અનાથાશ્રમમાં એક ગેંગ ઉભી કરી નાખી હતી. કોઈ તેની સાથે મુઠભેડ નહોતું કરતું, અને આશ્રમના કર્મચારીઓ પણ એનાથી પોતાનું અંતર જાળવી રાખતા હતા.
એકવાર જ્યારે નરગિસ હોમવર્ક કરી રહી હતી, ત્યારે મેં મદદ કરવાની ઓફર આપી.
"કેમ? તમે મારા કરતા વધુ હોંશિયાર છો? હું મારું કામ જાણું છું. જાવ, તમારું કામ કરો!"
અંજલિ આવીને મને એક તરફ ખેંચી ગઈ. "તેને ન વતાવ. એ એકલી જ સારી છે."
"પણ તેનામાં આટલી કડવાશ કેમ છે?"
"ફિલા, તે બાકી છોકરીઓ કરતા મોટી છે. તે કલ્યાણીની યુક્તિઓ જુએ છે અને સમજે છે, કે અહીંયા શું ચાલી રહ્યું છે. અલબત્ત, એને તારા ઉપર પણ વિશ્વાસ નથી, જેમ કે તે અહીં કોઈના પર વિશ્વાસ નથી કરતી."
પહેલા દિવસથી નરગિસ મને તુચ્છ નજરથી જોઈ રહી હતી અને જ્યારે પણ હું કંઈક સારું કરવાનો પ્રયત્ન કરતી, ત્યારે તે મને કટાક્ષ કરતી. મને તેના વિશેની બે બાબતોનો અહેસાસ થઈ ગયો હતો. નરગિસના દિલમાં આશ્રમના કર્મચારીઓ માટે ખૂબ ઘૃણા ભરેલી હતી, અને ખરું જોવા જઈએ, તો તેનું વલણ જ તેની સંરક્ષણ પદ્ધતિ હતી.
એકવાર વોર્ડન શીતલે, છ વર્ષની બાળકને જોરથી ધક્કો માર્યો, કારણ કે એનાથી પોતાનો નાસ્તો જમીન ઉપર પડી ગયો હતો. એ છોકરી નીચે ઢડી પડી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. હું એની તરફ દોડી, એને ઉભી કરી અને એનો ચહેરો લૂછતાં શીતલને કહ્યું, "તમે આટલા નિર્દય કેવી રીતે હોઈ શકો! આ કેટલી નાની છે અને આ ભૂલ તેણે હેતુપૂર્વક નથી કરી."
"ફિલા, તમે નવા છો, તમે આ ખેપાન બાળકોને નથી ઓળખતા. તેઓ ફક્ત સોટી અને મુક્કાની ભાષા સમજે છે."
"શીતલ તમે ક્યારેય પ્રેમથી કહેવાનો પ્રયત્ન કર્યો છે?"
તે કટાક્ષમાં હસી પડી. "પ્રેમ? શું તમે ગાંડા થઈ ગયા છો? જો આપણે થોડી દયા બતાવીશું, તો આ બધા આપણા માથા પર બેસશે."
હું ફરીને જવાબ આપું તે પહેલાં, અંજલિ અમારી પાસે આવી અને વચ્ચે બોલી. "બસ બહું થઈ ગયું! ફિલા, તું મારી સાથે આવ. શીતલ, તારા હાથને કાબૂમાં રાખ અને આ છોકરી માટે બીજી પ્લેટ લઈ આવ."
જેમ અંજલિ મારો હાથ પકડીને મને ડાઇનિંગ રૂમમાંથી બાહર લઈ જવા લાગી, ત્યારે નરગિસ અમારી સામે આવીને ઉભી રહી ગઈ. તેણે મારી સામે ગુસ્સામાં એકી ટસે જોયું અને સખતીની સાથે બોલી, "ફિલા મર્ચન્ટ, તમને અમારી બહું ફિકર છે, એવો ઢોંગ કરવાની કાંઈ જરૂરત નથી. મેં તમારા જેવા ઘણાને આવતા અને જતા જોયા છે. થોડા મહિનામાં બીજા બધાની જેમ તમે પણ અમારી સાથે કઠોળ બની જશો. તેથી આ નાટક અહીં જ સમાપ્ત કરો. સમજ્યા?"
તેના શબ્દોએ મને અચંબીત કરી નાખી, અને મારી પ્રતિક્રિયા આપતા પહેલા અંજલિએ તેને બાજુ પર કરીને કહ્યું, "નરગિસ, જા તારો નાસ્તો પૂરો કર, સ્કૂલનો સમય થઈ ગયો છે."
"ફિલા, હું નથી ઇચ્છતી કે કલ્યાણી તને આ હાલતમાં જુએ. આપણા રૂમમાં આવ, તારે ઠંડા થવાની જરૂર છે."
અંજલિએ દરવાજો બંધ કર્યો કે તરત જ મેં મારો ગુમાળ બહાર કાઢ્યો, "અંજલિ, આ બધું શું ચાલી રહ્યું છે? આ અનાથાશ્રમ છે કે તિહાર જેલ? બાળકો સાથે આટલું ખરાબ વર્તન કેમ કરવામાં આવે છે? જયારે જુઓ ત્યારે ફક્ત અન્યાય થતો રહે છે."
મેં એને બોલવાનો મોકો ન આપ્યો અને સતત બોલતી રહી. "બાળકોને ખાવા માટે પૂરતું ભોજન નથી આપવામાં આવતું. જો કોઈ બીજી વાર માંગે તો તેને મારવામાં આવે છે. વોર્ડન તેમના મોઢેથી ઓછું અને હાથેથી વધુ બોલે છે. જો બાળકો લડતા હોય, તો કોઈ તેમને અટકાવતું નથી, પણ બધા તમાશો જોવા ઉભા રહી જાય છે. બાળકોને સ્કૂલમાં ભણવાના બદલે આશ્રમના કામ કરાવવામાં આવે છે. તો પછી આટલા બધા કર્મચારી શું કામના છે? ફક્ત બિચારી છોકરીઓને મારવા માટે? "
હું મારા આક્રોશમાં આગબબુલા થઈ, નિસાસો ભરતી રહી અને અંજલિ શાંતિથી મારી સામે જોઈ રહી હતી. જ્યારે મેં તેની સામે નજર કરી, ત્યારે તેણે કહ્યું, "ફિલા, તું તારા લિસ્ટમાં એક વાતને ઉમેરવાનું ભૂલી ગઈ."
"શું?"
"ગેમ્સ, ચોકલેટ અને કપડાં જે અમને દાન કરવામાં આવે છે, તે બધી વોર્ડન લઈ જાય છે અને આ બાળકોને કંઇ આપવામાં નથી આવતું ."
હું આશ્ચર્ય થતા અંજલિ પર ભડકી ગઈ. તે હેપી હોમમાં થઈ રહેલી તમામ નાઇન્સાફીથી સારી પેટે વાકેફ હતી, તે છતાં તેણે આંખ આડા કાન કરી રાખ્યા હતા. પણ શાં માટે?
"અંજલિ!! તું આ સ્થાનના દરેક પાસાઓ અને દરેક અંધારા ખૂણાથી વાકેફ છે. તું છેલ્લા ચાર વર્ષથી અહીં છે..."
"પાંચ વર્ષ." તેણે મને સુધારી.
"વાહ! પાંચ વર્ષ, અને તું સુપરવાઈઝર છે, તો પછી તે આ બધા વિશે હજી સુધી કેમ કંઈ નથી કર્યું?"
અંજલિ એક લાંબો ચીંથરેહાલ નિસાસો ભરતા પલંગ પર બેસી ગઈ. "એવું નથી કે આ બાળકો માટે મને કોઈ સહાનુભૂતિ નથી, અને એવું પણ નથી કે મેં પ્રયત્ન નથી કર્યો. શરૂઆતમાં, હું એકદમ તારા જેવી હતી અને દરેક અન્યાય સાથે લડવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ પછી મને ધમકી આપવામાં આવી. કલ્યાણી અને તેની ટીમ ખૂબ જ શક્તિશાળી છે. એકવાર, તે ચોકીદાર સાથે મધ્યરાત્રિએ મારા રૂમમાં આવી અને કહ્યું, જો તારે આ જોબ ગુમાવવી ન હોય, તો આંખ, કાન અને મોં બંધ રાખજે. નહિતર, ન ફક્ત તું આ નોકરી ગુમાવી દઈશ, પણ જતા પહેલા, જો તારી સાથે કંઇક ખરાબ થાય, તો હું તેના માટે જવાબદાર નહીં હોઈશ. તેણે આ વાત ચોકીદારને ઇશારો કરતાં કહ્યું હતું."
અંજલિની આંખોમાં આંસુઓ આવી ગયા. "હું જાણું છું કે હું સ્વાર્થી છું. પણ ફિલા, મને પૈસાની જરૂર છે અને મારે આ નોકરી ગુમાવવી નથી. ઉપરાંત, છુપી રીતે હું બાળકોની મદદ કરતી રહ્યુ છું. હું એ પણ સુનિશ્ચિત કરું છું કે આજુબાજુ કંઈ પણ વધું વિનાશક ન થતું હોય."
તેની વાતોએ મને થોડી શાંત પાડી. અંજલિની બાજુમાં બેસીને મેં મારો હાથ તેના ખભા પર રાખ્યો અને ધીમેથી શરૂ કર્યું. "અંજલિ, અનાથ બાળકો સૌથી વધુ સંવેદનશીલ હોય છે. તેઓ પાસે માતાપિતા, કુટુંબ અથવા પોતાનું ઘર નથી. તેઓ આપણા પર નિર્ભર છે. અહીં જે થઈ રહ્યું છે, તે ફકત એક સામાજિક ગુનો નથી, ભગવાનની નજરમાં પણ તે પાપ છે. કલ્યાણી ભય સાથે આ આશ્રમ પર શાસન કરી રહી છે. આપણે ક્રૂરતાના આ ત્રાસજનક જહન્નમને એક સુરક્ષિત સ્વર્ગમાં પરિવર્તિત કરવાની જરૂરત છે."
અંજલિએ દોષી નજરથી મારી સામે જોયું અને મેં આગળ વાત કરી. "નરગિસને જો. તે છેલ્લાં દસ વર્ષથી અહીં છે અને જે ક્રોધ તેની અંદર સળગી રહ્યો છે, તે ભયાનક છે. જો આ ક્રૂરતા ચાલુ રહેશે તો આપણે આવતીકાલ માટે ખરેખર વધુ ગુસ્સાવાળા અને ક્રૂર નાગરિકોને ઉભા કરી રહ્યા છીએ. ફક્ત પ્રેમ પ્રેમને જન્મ આપી શકે. દયા જ સહાનુભૂતિ લાવી શકે. પણ અહીંયા આપણે સામેથી છોકરીઓને શીખવાડી રહિયા છે કે કેવી રીતે નિર્દય બનવું જોઈએ."
મને જોઈતું હતું કે તે મારી વાત ઉપર વિચાર કરે, તેથી હું થોડી વાર ચૂપ થઈ ગઈ. મને અંજલિના ચેહરા પર માનસિક સંઘર્ષ દેખાઈ રહ્યો હતો. છેવટે તેણે મારી સામે જોઇને કહ્યું, "જો ફિલા, આપણે ખુલ્લેઆમ કંઈ નથી કરી શકતા, નહિતર બીજે જ દિવસે આપણને અહીંથી કાઢી નાખવામાં આવશે. તે શું પ્લાન કર્યું છે?"
પ્રોત્સાહન મળતા, મેં મારી વાત ઉત્સાહથી શરૂ કરી.
"અંજલિ, પહેલા મને એક વચન આપ. શું હું તારા પર પૂરો ભરોસો કરી શકું છું? અંત સુધી તું આ લડાઈમાં મારો સાથ આપીશ?"
તેણે નિશ્ચિતપણે હામી ભરી.
"ખૂબ સરસ! મને એક વાત જણાવ, મેનેજમેન્ટમાંથી કોઈ પણ ક્યારેય અહીં નિરીક્ષણ માટે નથી આવતું ?"
"તેઓ, છ મહિનામાં એક વાર આવે છે. પરંતુ તે સમયે બાળકોને ઘણી બધી ધમકી આપીને ચૂપ કરવામાં આવે છે. તેઓને વ્યવસ્થિત તૈયાર કરીને સ્કૂલમાં સંપૂર્ણ હાજરી સાથે બેસાડવામાં આવે છે."
મેં કટાક્ષમાં સ્મિત કર્યું. "હમ્મ ... દેખીતી વાત છે. એટલે જ કલ્યાણી અને તેની ટીમ નિડર થઈને હેપી હોમમાં આટલી ગુંડા ગરદી કરવાની હિમ્મત કરે છે, કારણ કે તેમની પૂછપરછ કરવા માટે કોઈ નિયમનકારી સંગઠન નથી."
મેં અંજલિનો હાથ મારા હાથમાં લેતાં કહ્યું, "અંજલિ આપણે ડિરેક્ટરને બતાવવા માટે પૂરતા પુરાવા એકત્રિત કરવા પડશે. તું સમજી? બાળકોના ફોટા, વિડિઓઝ અને વાતચીત, જે તેઓ એકબીજા સાથે કરતા હોય છે. બોર્ડના સભ્યોને જાણ થવી જોઇએ કે અહીં શું ચાલી રહ્યું છે, તો જ આપણને મદદ મળશે અને આ અત્યાચાર બંધ થશે."
અંજલિ શંકાસ્પદ થઈ ગઈ અને તેણે માથું હલાવ્યું. "તારી યોજના ખૂબ જ જોખમી લાગે છે ફિલા."
"અંજલિ, આપણે આ બધુ ગુપ્ત રીતે અને સમજદારીપૂર્વક કરીશું. કોઈને કાંઈ પ્રશ્નો પૂછવાની જરૂર નથી, ફક્ત દ્રશ્ય પુરાવા એકઠા કરવાના. હું નરગિસને પણ વિશ્વાસમાં લેવા માંગુ છું."
અંજલિ એકદમ ઘબરાઈને ઉભી થઇ ગઇ જાણે હજાર મધમાખીઓ તેને એકસાથે કરડી ગઈ હોય. "ફિલા, શું તું ગાંડી થઈ ગઈ છો! નરગિસ કોઈ પણ રીતે આપણી મદદ નહીં કરશે. ઉલટાનું તે આપણી મજાક ઉડાવશે, જોર જોરથી કટાક્ષ કરશે અને તારી બધી પ્લાનિંગ ઠપ થઈ જશે."
મેં માથું હલાવ્યું. "ના, એવું કાંઇ નહીં થાય. તે છોકરીની અંદર જે ગુસ્સો સળગી રહ્યો છે તેને એક દિશાની જરૂર છે. તુરંત તો નહીં, પરંતુ જ્યારે તે જોશે કે આપણે કંઈક સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે તે આપણને સપોર્ટ કરશે."
"પણ ફિલા, આ મિશનમાં નરગિસને લાવવાની શું જરૂર છે?"
"કારણ કે તેનું વ્યક્તિત્વ જોરદાર છે. તે હેપ્પી હોમમાં અન્ય બાળકોનો અવાજ અને ચહેરો બની શકે છે. જો આપણે તેનો વિશ્વાસ જીતી લઈએ અને તેને સારી રીતે ટ્રેન કરી શકીએ, તો તે એક કડી બની જશે, બાળકો અને મેનેજમેન્ટ વચ્ચેનો એક પુલ બનશે. અંજલિ, કાંઈ ઉતાવળ નથી. તેમ છતાં નરગિસ અને તેની ગેંગને આપણી સાઈડ ઉપર લેવી ખૂબ જ આવશ્યક છે."
અંજલિએ ભારે નિસાસો ભર્યો અને માથું ખંજવાળતાં પલંગ પર બેસી ગઈ. "ફિલા, હમણાં કાંઈ ટ્રિગર ન કરતી. વિદેશી પ્રતિનિધિઓને આવીને જવા દે. તે પછી જ આપણે આ બધા વિશે કંઇક કરીશું. ઠીક છે?"
મેં હામી ભરી. મારે અત્યંત કાળજી રાખવી પડે એમ હતું. અગર મારે આ મોટો બદલાવ લાવવાની ઈચ્છા હતી, તો અનાથાશ્રમમાં ટકી રહેવું જરૂરી હતું, અને મહત્વપૂર્ણ એ હતું કે મારી નોકરી ખતરામાં ન આવી જાય.
પ્રકરણ ૩
"અંજલિ, તું અને ફિલા, વિદેશી પ્રતિનિધિઓને આશ્રમ બતાવવા માટે મારી સાથે રાઉન્ડ પર આવશો અને બોલવાનું કામ ફિલા કરશે. તે સ્પષ્ટ થઈ ગયું?"
અમે બંનેએ હામી ભરી અને કલ્યાણીએ મારી તરફ વળીને વધુ સૂચના આપી. "ફિલા, ઓફિસમાં તારા બધા પ્રમાણપત્રો ટીંગાડી નાખ્યા?"
"જી."
"તારે મૂળ વાત એ કરવાની રહેશે, કે આપણે બાળકો સાથે કેટલા પ્રેમાળ છીએ, અને જો આપણી પાસે વધુ પૈસા હોય, તો આપણે બીજું કેટલું બધું કરી શકીએ. તું તારી સામાજિક કાર્ય અને કાઉન્સિલિંગની કુશળતા વિશે પણ વાત કરી શકે છે. સમજાયું?"
માનવું પડશે! કલ્યાણીને ખરેખર એક નાટકીય પ્રદર્શન કરતા આવડતું હતું, ભલે તે હોય તદ્દન ખોટું, પણ સાચું લાગે.
"જી."
સક્રિયક ચહેલ-પહેલથી આખું આશ્રમ ગુંજી રહ્યું હતું, મુલાકાતીઓના સ્વાગત માટે બધા વ્યસ્ત હતા. બાળકોને નવડાવવામાં આવ્યા, સારા, સ્વચ્છ, કપડાં પહેરાવ્યા, સરખી રીતે તેમના વાળ ઉડ્યા અને વધુમાં તેમના ચહેરા ઉપર પાવડર પણ લગાવવામાં આવ્યો.
મોટા બાળકોના શયનગૃહની બાજુમાંથી પસાર થતી વખતે, મેં એક છોકરી, જાનકીને નરગીસ સાથે વાત કરતા સાંભળ્યું, "ભગવાનનો આભાર કે વિદેશી પ્રતિનિધિઓ આજે આવી રહ્યા છે. આ બહાને આપણને સાફ સુત્રા કપડાં તો પહેરવા મળ્યા. હું પેલા ગંદા ટોપ અને મારી પોતાની મેલી ચામડીની દુર્ગંધથી ત્રાસી ગઈ હતી."
નરગીસે કટાક્ષમાં જવાબ આપ્યો, "આ સુખ સાહેબીની આદત ન પાડતી. તું જાણે છે ને કે આ કામચલાઉ છે અને આપણે આ કપડાં સાંજ પહેલા ઉતારવા પડશે."
"હા હા મને ખબર છે. તે છતા પણ હું એટલી જ ખુશ છું. મને ખાતરી છે કે તેઓ આપણા માટે ઘણી ભેટો લાવશે."
નરગીસે તેની પીઠ થપથપાવી. "હા. પરંતુ તેઓ આપણને નથી મળવાની, તને ખબર તો છે."
જાનકીએ હાંફળાફાંફળાં કરીને કહ્યું, "આ તો સરાસર અન્યાય છે! મહેમાનો ભેટ આપણા માટે લાવે છે."
જ્યારે મેં નરગીસનો જવાબ સાંભળ્યો ત્યારે મને આઘાત લાગ્યો. "હા, અન્યાય છે, બીજી ઘણી બાબતોની જેમ. હું ફકત ૧૮ વર્ષની થવાની રાહ જોઈ રહી છું અને પછી હું અહીંથી ભાગી જઈશ."
જાનકીએ તેનો હાથ પકડીને ઉતાવળા જીવે કહ્યું, "પ્લીઝ મને પણ સાથે લઈ જજે, આપણે સાથે ભાગી જઈશું."
"ચોક્કસ. પણ એ આપણું સિક્રેટ છે. આના વિશે ગાવાની જરૂર નથી. સમજી?"
તેમની દિલ દુભાવતી વાર્તાલાપ સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ. ન છૂટકે એક બિહામણા વિચારે મને પોતાની ગિરફ્તમાં જકડી લીધી; અનાથાશ્રમમાં કેટલી છોકરીઓ બરાબર આ જ કરવાનું વિચારતી હશે; આ જેલમાંથી ભાગી જવાનું! તદુપરાંત, છુટકારો મળ્યા પછી, જો તે પોતે અપરાધી નહીં બની જાય એની શું ખાતરી? આખરે તેઓ સાથે એટલું ખરાબ વર્તન કરવામાં આવતું હતું, કે બધી છોકરીઓ વગર કીધે શીખી રહી હતી કે ગુંડાગર્દી કેવી રીતે કરવાની. દૃઢ સંકલ્પ લેતા, મેં મારી જાતને વચન આપ્યું કે હવે કંઈ પણ થઈ જાય, હું આ બાળકોની જિંદગીમાં સકારાત્મક પરિવર્તન લાવીને જ રહીશ.
રવિવારનો દિવસ હતો અને બચ્ચાઓને હોશિયારીથી આખા અનાથાશ્રમમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. અમુકને મેદાનમાં રમવાની છૂટ આપી હતી અને થોડી છોકરીઓને મનોરંજન ખંડમાં ઇન્ડોર ગેમઝ રમવા બેસાડ્યા હતા. અન્ય બાળકોને કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતા બતાવવામાં આવ્યા.
મુશ્કેલ હતું, પરંતુ મેનેજમેન્ટના બે ડિરેક્ટરની સાથે, આઠ વિદેશી લોકો, જે અમને મળવા આવ્યા હતા, તેમની સામે હેપ્પી હોમની એક સંપૂર્ણ ચિત્રણ રજૂ કરવાનો મેં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આશ્રય માટે નવા પલંગ, ગાદલા અને બાળકો માટે સારી માત્રામાં પુસ્તકોની જરૂર હતી. આશ્રમને પેઇન્ટિંગની પણ ઘણી અવશક્તા હતી. અમે તેમને અમારી સ્કૂલ જોવા લઈ ગયા અને કહ્યું કે ગામના અન્ય બાળકો પણ અહીં ભણવા માટે આવે છે, એ વાત તેમને ખૂબ પ્રભાવિત કરી ગઈ.
એક પટાવાળાએ આવીને કલ્યાણીને કહ્યું કે એના માટે ઓફિસમાં ફોન આવ્યો છે. કલ્યાણી અંજલિ અને મને અમારા મહેમાન સાથે મૂકીને ફોન અટેન્ડ કરવા જતી રહી.
"તમે અતિશય સારું કામ કરી રહ્યા છો. અમને ખાતરી છે કે અમે તમને જે પૈસા દાન કરીશું, તેનો તમે જરૂર સદુપયોગ કરશો."
તેમની આ ટીપ્પણી સાંભળીને અંજલિ અને મેં આંખ ચાર કરી. અંદરનો ભેદ તો ફક્ત અમને જ ખબર હતી, જેને ઉઘાડું કરાય એમ નહોતું. જૂથમાંથી એક મહિલાએ મને મોટો ડબ્બો આપ્યો અને કહ્યું, "આમાં ચોકલેટ્સ છે. કૃપા કરીને આને બધા બાળકોમાં વહેંચી નાખશો?"
એક બીજી વ્યક્તિએ અંજલિ સામે જોઇને કહ્યુ,
"પ્લીઝ તમે અમને ઓફિસમાં લઇ જશો, જેથી દાનની વિધિ પૂર્ણ કરી શકીએ?"
"ચોક્કસ. આઓ મારી સાથે."
અંજલિ તેમની સાથે રવાના થઈ, અને એક અનોખો વિચાર મારા મગજમાં ઉત્પન્ન થયો. હું નરગિસની શોધમાં ગઈ. તે તેના પલંગ પર બેઠી પુસ્તક વાંચી રહી હતી.
"નરગિસ, ચાલ, આ ચોકલેટ બધા બાળકોમાં વહેંચી નાખ. જલ્દી કર! હમણાં જ જા."
મારા અવાજમાં ઉતાવડનો સ્વર તે ભાંપી ગઈ. તેણે પોતાની બુક બંધ કરી, સીધી બેઠી, અને મને શંકાસ્પદ રીતે જોવા લાગી. "તમે શું બોલી રહ્યા છો, તેનો ખ્યાલ છે? તે વાઘણ કલ્યાણીને આના વિશે ખબર છે?"
"ના. આપણે તેને કંઈપણ કહેવાની જરૂર નથી. આ બાળકો માટે છે અને તું તેમને વહેંચવા માટે યોગ્ય વ્યક્તિ છો. હવે જલ્દી કર!"
તે ઉભી થઈ અને કમર પર હાથ મુક્તા કટાક્ષ કર્યો. "આટલી ઉદારતા શેના માટે?"
"હું ફક્ત ઇન્સાફ કરવાનો પ્રયત્ન કરું છું."
એણે મારા હાથ માંથી બોક્સ લેતી વખતે ઉપહાસપૂર્વક આંખો ફેરવી.
"વાહ ... ઇન્સાફ હ....!! કંઇક નવું સાંભળવા મળ્યું. અલબત્ત, જો કલ્યાણીને ખબર પડશે, તો તે તમારા માથાનો દુખાવો રહેશે."
"ચિંતા નહીં કર, હું એ બધું જોઈ લઈશ. અને થેંક યું."
* * * * * * *
"મારી પરવાનગી વિના તે બાળકોમાં ચોકલેટ વહેંચવાની હિંમત કેવી રીતે કરી?!?"
મેં માથું નીચે કર્યું અને નિર્દોષતાથી કહ્યું, "વિદેશી પ્રતિનિધિઓએ જ મને તે કરવાનું કહ્યું હતું અને તેઓ મારી તરફ જ જોઈ રહ્યા હતા, તેથી મારે કરવું પડ્યું."
છેલ્લો વાક્ય ખોટો હતો. કલ્યાણીએ ગુસ્સામાં તેના હાથની મૂઠ્ઠી વાળી અને જોરથી મારા પર વરસી પડી, જેથી બીજા કર્મચારીઓ પણ સાંભળી શકે. "ફિલા તારી સ્માર્ટનેસ તારી પાસે રાખ! હું તને આ વખતે ફકત એટલા માટે ક્ષમા કરું છું કે આપણને ખૂબ મોટું દાન મળ્યું છે, પરંતુ હવેથી તું મારી રજા વગર એક પાંદડું પણ નહીં હલાવીશ. તે સ્પષ્ટપણે સમજી ગઈ?!"
હું ચુપચાપ હામી આપતા, ત્યાંથી નીકળી ગઈ.
કલ્યાણીની આજ્ઞાનું પાલન કરતા, મેં મારી સ્માર્ટનેસ મારી પાસે રાખી. આવનારા અઠવાડિયાઓમાં, સમજદારીથી, પરંતુ નિશ્ચિતરૂપે મેં જે કરવાનું નક્કી કર્યું હતું તે શરૂ કરી નાખ્યું; પુરાવા એકત્રિત કરવા. મારે ખૂબ જ કાળજી લેવી પડી હતી જેથી કોઈ ભમર ઉંચા ન કરે, અથવા કોઈનું ધ્યાન મારી તરફ આકર્ષિત ન થાય. ઘણી વાર મને ચાન્સ ન મળ્યો અને અન્ય પ્રસંગોએ હું લગભગ પકડાતા પકડાતા બચી ગઈ.
"તમે ફોટા ક્લિક કરી રહ્યા છો?"
જ્યારે એક વોર્ડને મારો મોબાઈલ પોઝિશનમાં જોયો, ત્યારે તેણે મને પૂછ્યું. હું ડરી ગઈ અને ફોન મારા હાથમાંથી પડી ગયો. મેં તેને ઝડપથી ઉપાડીને બંધ કરી નાખ્યો.
"ના, હું મારી બેટરી તપાસ કરી રહી હતી, ગઈ કાલે રાત્રે ચાર્જ કરવાનું ભૂલી ગઈ."
મારી વાત એના ગળે ઉતરી અને તે જતી રહી. મેં પકડી રાખેલા શ્વાસને મુક્તિ આપી. હાશ! સહેજમાં બચી ગઈ!
નરગિસનો વિશ્વાસ મેળવવો સૌથી મુશ્કેલ હતું. તેમ છતાં અંજલિને એક આઈડિયા આવી. "આપણે નરગિસને છેડવાની જરૂર નથી. શ્રેષ્ઠ એ રહેશે, કે તેની સામે અન્ય બાળકોની મદદ કરવી અને જ્યારે તે આસપાસ હોય ત્યારે તેમની સાથે માયાળુ વર્તણુક કરવું. નરગિસને ખાતરી આપવા માટે પુરાવાની જરૂર છે, કે અમે બાકીના સ્ટાફ જેવા નથી અને અમારા ઇરાદા નેક છે."
શક્ય હોય ત્યારે, અમે બાળકોને તેમના હોમવરકમાં મદદ કરતા, તેમના વાળ ઓળતા, વાર્તાઓ કહેતા અને તેમની સાથે રમતો પણ રમતા. આ આઈડિયા કામ કરી ગઈ. શબ્દહીન, નરગિસ અમારું અવલોકન કરતી. કેટલીકવાર તે તીખાશથી બોલી ઉઠતી, શંકાસ્પદ રીતે અમારી તરફ જોતી, પરંતુ હવે તેની આંખોમાં આશાની કિરણ દેખાઈ રહી હતી.
એક બપોરે કલ્યાણી બહાર ગઈ હતી અને હું રમતના મેદાનમાં બાળકો પર નજર રાખી રહી હતી. ત્યારે નરગિસ મારી પાસે આવીને બેઠી. મેં તેની સામે જોયું અને સ્મિત કર્યું. તેના ચહેરાના હાવભાવ ન બદલાયા, પણ તે મને જોતી રહી. થોડીક મૌન મિનિટ પછી એણે મને ધીમેથી પૂછ્યું. "શું તમે ખરેખર એક સામાજિક કાર્યકર અને કાઉન્સિલર છો?"
"હા, મેં તેનો અભ્યાસ કર્યો છે."
"તમે પહેલાં કોઈ અનાથાશ્રમમાં કામ કર્યું છે?"
"ના, આ મારી પહેલી નોકરી છે. પરંતુ મેં મારી ઇન્ટર્નશીપ થોડા આશ્રયોમાં કરી હતી."
પછી તે મુખ્ય મુદ્દા પર આવી. "હું ઘણા દિવસથી તમારું નિરીક્ષણ કરી રહી છું. તમે જે કાંઈ કરી રહ્યા છો, છોકરીઓને સારા વર્તણૂક અને સારવારની ટેવ પડી જશે. પણ જ્યારે કલ્યાણીને ખબર પડશે અને તમને અહીંથી કાઢી નાખવામાં આવશે, ત્યારે તેમનું શું થશે?"
મેં આસપાસ નજર ફેરવી, ખાતરી કરવા કે અમારી વાતો કોઈ સાંભળતું તો નથી ને. "નરગિસ, મને ખરેખર તમારા બધા પ્રત્યે ખૂબ લાગણી છે. હું ક્યાંય નથી જવાની અને અહીંયા હું સકારાત્મક પરિવર્તન લાવવા માંગુ છું, પણ મારું મિશન પૂરું કરવા માટે મને તારી મદદની જરૂર છે."
તેની આંખો આશ્ચર્યમાં મોટી થઈ ગઈ. "મિશન! કયું મિશન?"
મેં મારો અવાજ ધીમો કર્યો. "અહીંયા જે કાંઈ ચાલી રહ્યું છે, હું તેના ખિલાફ પૂરતા પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છું, જે હું બોર્ડ ઓફ ડિરેક્ટરઝ ને બતાવી શકું. મને ખાતરી છે કે તેઓ આપણી મદદ કરશે, અને તમે છોકરીઓ વધુ સારું અને ઉજ્જવળ ભવિષ્ય જીવી શકશો."
નરગિસ નર્વસ થઈ ગઈ અને એણે સામે પ્રશ્ન કર્યો. "આ બધામાં હું કેવી રીતે મદદ કરી શકું?"
મેં સ્મિત કરતા તેના ખભા પર હાથ મુક્યો. "નરગિસ, તું હોશિયાર છો અને બધી છોકરીઓ કરતા સૌથી મોટી છો. તને અહીંના વિશે મારા કરતાં વધુ જાણકારી રાખે છે. હું ઇચ્છું છું કે તે અત્યાર સુધી જોયેલા દરેક અન્યાયને લખે અને મને આપે. અહીંની અન્ય બધી લાચાર છોકરીઓનો તું ચહેરો અને અવાજ બની શકે છે. આ ઉપરાંત, તારી આપેલી માહિતી કલ્યાણી અને તેની ટીમ સામે મજબૂત પુરાવા તરીકે કામ કરશે."
નરગિસને એક ડર સતાવી રહ્યો હતો અને એણે મને ફરી પ્રશ્ન કર્યો. "હું પકડાઈ જઈશ તો?"
"તું જે કંઇ પણ લખે, તે મને રોજનું રોજ આપી દેજે, તારી પાસે ન રાખતી."
એક પણ શબ્દ બોલ્યા વિના, તે ઉભી થઈ અને જવા લાગી. મને મનમાં શંકા થઈ, કે નરગિસ પર ભરોસો કરીને, શું મેં કોઈ ભૂલ કરી હતી? પરંતુ જતા પહેલાં તે વળી અને સ્મિત કર્યું. મને ખાતરી થઈ ગઈ, કે મારુ તીર એકદમ નિશાના પર લાગ્યું હતું.
પ્રકરણ ૪
છ મહિના. કલ્યાણી અને તેની અત્યાચારી ટીમ વિરુદ્ધ પૂરતા દસ્તાવેજો એકત્રિત કરવા માટે મને છ મહિના લાગ્યા. મને ખાતરી કરવી હતી, કે ક્યાંય પણ કોઈ કચાસ બાકી ન રહી જાય. તદઉપરાંત, મારે દરેક નાઇન્સાફીની નોંધ લેવાની હતી. વિડિઓઝ, ફોટા, મારો અહેવાલ તથા નરગિસ લેખિત ઘટનાઓ, વગેરે. નરગિસ મારી અપેક્ષાઓ કરતાં વધુ હોશિયાર નીકળી. સૂર્યોદય પહેલાં, વહેલી સવારે નરગિસ મારા દરવાજા નીચે નાની પરચિઓ ખસકાળીને કોઈ જોવે તે પહેલાં ત્યાંથી ચાલી જતી. પછી દિવસ દરમિયાન, તે મારી સાથે જરા પણ વાત નહોતી કરતી, અને એવું વર્તન કરતી કે જાણે તે મને પહેલાંની જેમ નફરત કરતી હોય.
અંજલિ અને મેં નરગિસની આપેલી ચિઠ્ઠીઓ વાંચી. કેટલીક ઘટનાઓ એટલી ભયાનક હતી કે તેમણે અમારી રુવાંટી ઉભી કરી નાખી. છોકરીઓને ફક્ત મારવામાં કે ઓછો ખોરાક આપવામાં નહોતો આવતો, પરંતુ કેટલીકવાર તેઓને આખી રાત બાથરૂમમાં બંદ કરી રાખતા. છોકરીઓને હાથ પર ગરમ મીણબત્તીના ડામ પણ આપતા. તેઓને હંમેશા ડરાવી ધમકાવીને રાખવામાં આવ્યા હતા. માનસિક આઘાત હંમેશા શારીરિક નુકસાન કરતા વધુ ખરાબ હોય છે.
એક રાત્રે અંધારામાં, લાઇટ બંધ કરીને, અંજલિ અને હું, મોડી રાત સુધી ચર્ચા કરી રહ્યા હતા કે હવે પછીનું મોટું પગલું કેવી રીતે લેવું. એક નવા વિચારે મારા પર હુમલો કર્યો અને મેં મારા નવા વિશ્વાસુ મિત્ર સામે મારો ભય પ્રસ્તુત કર્યો. "અંજલિ, મને એક વસ્તુથી ડર લાગે છે."
"શું?"
"શું ડિરેક્ટર મંડળી આપણી વાત પર વિશ્વાસ કરશે? અથવા જો તેમાંથી કોઈ કલ્યાણી સાથે મળેલું હશે તો?"
અંજલિ થોડી સેકન્ડ્સ માટે ચૂપ થઈ ગઈ. "હમ્મ... આ જોખમ તો તારે લેવું પડશે. પણ એક વાત છે ફિલા."
"મહેરબાની કરીને કાંઈક સારા સમાચાર આપજે અંજલિ. શું છે બોલ."
"ફિલા, મને લાગે છે કે તારે દરેક દસ્તાવેજની બે કોપી બનાવી જોઈએ, મેનેજમેન્ટની સાથે સાથે, ગ્રામ પંચાયતને પણ પુરાવાનો એક સેટ આપવો જોઈએ."
મારા મનમાં આશાની કિરણ જાગી અને અંજલિએ આગળ સમજાવ્યું. "તદુપરાંત, આ કરવાથી એ થશે, કે મેનેજમેન્ટને ખબર પડશે કે પંચાયતને આ વિશે જાણ છે, અને એવી જ રીતે પંચાયતને પણ ચેતવણી મળશે કે મેનેજમેન્ટને ખબર છે."
મને તેની વિચારસરણી ગમી અને હું બેઠી થઈ.
"વાહ અંજલિ, ખૂબ સરસ આઈડિયા છે! આ રીતે બંને સજાગ રહેશે અને નક્કી ક્યાંક ને ક્યાંકથી મદદ આવશે."
એક ઓછા વ્યસ્ત બપોરે, અંજલિ અને હું અમારા રૂમમાં સરકી ગયા, અને બધા જમા કરેલા પુરાવાને સરખી રીતે વ્યવસ્થિત ગોઠવી નાખ્યા. તે રાત્રે અંજલિએ મારી મદદ કરી અને બીજા દિવસે હું કલ્યાણી સાથે કેવી રીતે વાત કરીશ, તેનું રિહર્સલ કર્યું. તેણે એ બધા મુશ્કેલ પ્રશ્નો વિચાર્યા કે જે કાલ્યાણી મને પૂછી શકે છે. અમે એ ખાતરી કરવા માંગતા હતા કે હું મારા જવાબમાં ક્યાંય લથડી ન જાવ.
બીજા દિવસે સવારે હિંમત કરીને મેં કલ્યાણીની ઓફિસમાં પગ મૂક્યો. "મારે એક દિવસની રજા જોઈએ છે."
તેણે તેના જાડા ચશ્માંની પાછળથી મને જોયું. "કેમ?"
"મારે થોડી જરૂરી ચીજો ખરીદવા માટે બાજુના શહેરમાં જવાની જરૂર છે, જે આપણા ગામમાં ઉપલબ્ધ નથી."
"ફિલા, તું આખો દિવસ અનાથાલયમાં રહે છે, તને એવી કઈ વસ્તુની જરૂરત પડી શકે? તે છતાંયે, સૂચિ લખીને પીયૂનને આપ, તે લાવી આપશે."
હું આ માટે તૈયાર હતી, મેં ફરી ધીરજ રાખતા કહ્યું, "હું છેલ્લા સાત મહિનાથી સતત કામ કરી રહી છું. મને ઓછામાં ઓછો એક દિવસની રજા તો મળી શકે ને? પ્લીઝ મેમ!"
તે સંશયપૂર્વક મારી સામે જોતી રહી. "તારે ક્યારે જવું છે?"
"કાલ સવારે. હું નવ વાગે નીકળીશ અને સાંજે પાંચ વાગે પાછી આવી જઈશ."
"હમ્મ, ઠીક છે."
મેં રાહતનો નિસાસો નાખ્યો. "ખૂબ ખૂબ આભાર."
"ફિલા મને ડર લાગે છે. પ્લીઝ સાવચેતી રાખજે."
બીજા દિવસે જતાં પહેલાં અંજલિએ અમારા રૂમમાં મને શુભેચ્છા આપી.
બસમાં મને પાડોશી શહેર પહોંચવામાં બે કલાક લાગ્યાં. હું અમારા ગામમાંથી તે કામ કરવાનું જોખમ નહોતી લેવા માંગતી. અમારા એકત્રિત કરેલા બધા પુરાવાની મેં બે કોપી બનાવી. પછી તેને બે મોટા પરબિડીયામાં સીલ કરી નાખ્યા. અંજલિએ મને જે સરનામાં આપ્યા હતા, એના પર મેં તેને સ્પીડ પોસ્ટ દ્વારા વરિષ્ઠ ડિરેક્ટર અને સરપંચને મોકલી દીધા. આ કરવામાં મારા ઘણા પૈસા ગયા, પણ જો એનાથી છોકરીઓનું ભલુ થતું હોય, તો મારી મહેનત સફળ રહેશે.
ફક્ત કલ્યાણીને બતાવવા માટે, મેં અમુક ન જોઈતી વસ્તુઓ ખરીદી. તેમ છતાં મેં અંજલિ અને નરગિસ માટે નાની ભેંટ પણ લીધી. આ મહાન કાર્ય તેમના વિના શક્ય નહોતું.
અપેક્ષિત પ્રતીક્ષા શરૂ થઈ. ત્રીસ દિવસ સુધી કોઈ હલચલ ન થઈ. અંજલિ અને મને શંકા થવા લાગી કે શું અમે ભૂલ કરી હતી? શું અમારી બધી મહેનત વ્યર્થ હતી? પરંતુ એક ઉજ્જવળ સવારે, હેપી હોમની બહાર ચાર ગાડીઓ આવીને ઉભી રહી. મેનેજમેન્ટ ટીમ અને પંચાયત સમિતિના સભ્યો આશ્ચર્યજનક મુલાકાત માટે આવી પહોંચ્યા. તે પંદર કરતા વધારે લોકો હતા. કલ્યાણી તેઓને જોઈને અતિશય ઘબ્રાઈ ગઈ અને ઓફિસની બહાર દોડી આવી. તે ધ્રુજવા લાગી અને શબ્દો માટે મૂંઝવણમાં પડી ગઈ.
"અરે ... હે ... હેલો સર, કેમ ઓચિંતાનું આવવાનું થયું!"
એક અધિકારીએ તેને મોટેથી પૂછ્યું, "ફિલા મર્ચન્ટ કોણ છે?"
"કેમ સર? શું થયું સર?"
હું ડાઇનિંગ એરિયા પાસે ઉભી હતી અને ધીરેથી તેમની પાસે ગઈ. "ગુડ મોર્નિંગ. હું ફિલા મર્ચન્ટ છું."
અધિકારીએ એક વાર મારી સામે જોયું અને કલ્યાણી તરફ વળ્યા. "કોઈ એક મોટા રૂમમાં ખુરશીઓની ગોઠવણ કરાવો. અમારે મીટિંગ કરવાની જરૂર છે. જલ્દી કરો."
કલ્યાણીએ મારી સામે આંખ કાઢી અને ઓર્ડર પુરો કરવા જતી રહી. જ્યારે બધું સેટ થઈ ગયું, ત્યારે અધિકારીએ મને ફરીથી સંબોધિત કરી, "આઓ અમારી સાથે."
જ્યારે કલ્યાણી પણ સાથે આવવા લાગી, ત્યારે અધિકારીએ તેની તરફ આંગળી ચીંધી અને કહ્યું, "તમે નહીં. ફક્ત ફિલા મર્ચન્ટ."
મારું હૃદય મારા મોંમાં આવી ગયું, અને મને ખરેખર નહોતી ખબર કે આગળ શું થવાનું હતું. મેં પ્રાર્થના કરી કે બધું સારું થાય. જ્યારે બધા સદસ્ય બેસી ગયા, ત્યારે પંચાયતમાંથી એક વ્યક્તિએ દરવાજો બંધ કરી દીધો. એક અધિકારીએ તેના બ્રીફકેસમાંથી એક મોટું પરબિડીયું કાઢ્યું અને તે મને દેખાડતા પૂછ્યું. હું રૂમની વચ્ચે ઉભી હતી અને એમના હાથમાં જે કવર હતું, તે હું ઓળખી ગઈ.
"આ તમે મોકલ્યું હતું?"
મેં હા પાડી અને તેણે કહ્યું, "અમને બધું વિગતવાર જણાવો."
એક ઊંડો શ્વાસ લઈ, મેં શરૂઆત કરી. ધીમે ધીમે, મેં તેમને પહેલા દિવસથી લઈને આજની તારીખ સુધીની બધી માહિતી આપી. મેં અંજલિ સાથે થયેલી ઘટનાની પણ જાણ કરી. તદઉપરાંત નરગિસ ઉપર આ બધાની કેવી અસર થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો. જ્યારે હું વાત કરી રહી હતી, ત્યારે તેઓ તે પરબિડીયાના વિષયવસ્તુ સાથે ચકાસી રહ્યા હતા જે મેં તેમને પહેલાં પોસ્ટ કર્યું હતું.
તેઓએ વચવચ્ચે મારી પુછપરછ કરી, અને મને જે જે વસ્તુની જાણ હતી, તે મેં એમને કહ્યું. તેઓએ આપસમાં થોડીક ચર્ચા કરી, અને પછી તેમાંથી એક વ્યક્તિએ મને કહ્યું, "હું સરપંચ, પવન ચૌધરી છું. જાવ અને આ છોકરી નરગિસને બોલાવી લાવો.
મેં બહાર નીકળીને જોયું કે કલ્યાણી અને લગભગ આખો સ્ટાફ દરવાજા પાસે કાન લગાડીને ઉભો હતો. કલ્યાણીનો પરસેવો છૂટી ગયો, અને ગુસ્સાએ તેના ચહેરાના લક્ષણો વિકૃત કરી નાખ્યા હતા. આ બધાને અવગણીને હું નરગિસની શોધમાં ગઈ. તે શયનગૃહના દરવાજા પાસે ઉભી, દરેક વસ્તુને જિજ્ઞાસા પુર્વક જોઈ રહી હતી.
"નરગિસ, મેનેજમેન્ટ કમિટી અને પંચાયતના સભ્યો આવી ગયા છે. તેઓ તને મળવા માંગે છે."
તેને ઝટકો લાગ્યો. એની આંખ ભય સાથે આશ્ચર્યચકિત થઈ ગઈ. "હું?!? કેમ?"
તેના ખભા પર હાથ રાખીને મેં તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. "નરગિસ, તે જે લખ્યું હતું, તે બધું એ લોકોએ વાંચ્યું છે અને હવે એ તારા મોઢેથી સાંભળવા માગે છે. તેઓ છેલ્લા એક કલાકથી મારી ઉલટતપાસ કરી રહ્યા હતા."
તે હજી ખચકાતી રહી. "પણ દીદી, મને ડર લાગે છે. હું તેમને શું કહીશ?"
પહેલી વાર તેણે મને દીદી કરીને બોલાવી હતી. મેં તેનો હાથ પકડ્યો અને ચાલવા લાગી. "ચિંતા નહીં કર, હું છું તારી સાથે."
કલ્યાણી નરગિસને મારી સાથે જોઈને હેરાન રહી ગઈ. અને બીજી બાજુ નરગિસ રૂમની બહાર બધાને જોઈને વધુ નર્વસ થઈ ગઈ. મેં તેને ઇશારો કર્યો કે તે શાંત રહે અને મારી પાછળ આવે. અમે રૂમમાં પગ મૂક્યો અને મેં અમારી પાછળ દરવાજો બંધ કરી દીધો. બધા સભ્યોનું ધ્યાન મારી બહાદુર છોકરી પર કેન્દ્રિત થયું અને સરપંચજીએ કહ્યું, "હેલો નરગિસ, બેસીજા બેટા."
તે હજીએ ડરેલી હતી.
"ડર નહીં બેટા. અહીં શું અને ક્યારથી ચાલી રહ્યું છે તે અમને જણાવ."
નરગિસની નજર મારા પર પડી. મેં તેની પીઠ થાબડી અને તેને બોલવા માટે પ્રોત્સાહિત કરી. ધ્રુજતા ધ્રુજતા, અને ડરતા ડરતા, તેણે ધીમેથી શરું કર્યું.
નરગિસ એક પછી એક ઘટનાઓનું વર્ણન કરતી ગઈ, અને બધા સભ્યોના ચહેરા પર ભયાનક અભિવ્યક્તિઓ આવવા લાગ્યા. નરગિસ અને મારી આંખમાં આંસુ ભરાઈ આવ્યા. અમે ખરેખર બધી નાની છોકરીઓની પીડા અને દુઃખને અનુભવ કરી રહ્યાં હતાં. તે ભાવનાઓ સાથે ગૂંગળાઈ ગઈ અને આગળ ન બોલી શકી. અચાનક તે ઉભી થઈ અને મને વળગી પડી. આટલા વર્ષોમાં પહેલી વાર કોઈએ તેની વાત સાંભળી હતી, અને પહેલી જ વાર એના દિલનો ગુમાળ બહાર આવ્યો હતો.
રૂમમાં બેઠેલા માણસોની પ્રતિક્રિયાની ઝલક લેવા મેં નજર ઉંચી કરી, તેઓ બધા ચૂપ થઈ ગયા હતા. સમિતિના એક સભ્યએ કહ્યું, "શ્રીમતી મર્ચન્ટ, નરગિસને લઈ જાઓ અને અમને થોડો સમય આપો, અમારે અમુક બાબતો પર ચર્ચા કરવાની જરૂર છે. અમે તમને પછી બોલાવીશું."
હું નરગિસને લઈને જવા લાગી અને તેઓએ આગળ સૂચના આપી, "કોઈને કાંઈ ન બોલતા, ઠીક છે?"
મેં હામી ભરી અને અમારી પાછળ દરવાજો બંધ કરી નરગિસ સાથે રૂમમાંથી બહાર નીકળી ગઈ.
કલ્યાણીએ મારો હાથ જકળી લીધો અને મને એક બાજુ ખેંચીને લઈ ગઈ. તે ઠપકો આપે એ પહેલાં, મેં નરગિસને જવાનો ઇશારો કર્યો.
"ફિલા, આ બધું શું છે? ન કહેતી કે તું આ વિશે કાંઈ નથી જાણતી! મને સો ટકા ખાતરી છે કે તે જ આ બધાને બોલાવ્યા છે."
તેણે મારો હાથ પીડાદાયક રીતે સખત પકડ્યો હતો. "બોલ!!"
હાથ છોડાવતા, મેં એની સામે આંખ કાઢી. "તમારા બધા જવાબો અંદર બેઠેલા સજ્જનો પાસે છે. જાઓ અને તેમને પૂછો."
હું ત્યાંથી ચાલી ગઈ અને અંજલિ મારી પાછળ અમારા રૂમમાં આવી.
મેં અંજલિને બધી વિગતવાર માહિતી આપી, તેના અભિવ્યક્તિઓ એવા થઈ ગયા જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. "ફિલા, હવે મને નથી લાગતું કે હું અહીં કામ કરી શકિશ. આ લોકોના જવાની સાથે જ કલ્યાણી આપણને અહીંથી કાઢી મુકશે."
મારા વિચાર એનાથી જુદા હતા. "મને નથી લાગતું અંજલિ, કે એવું કાંઈ થશે. હવે આજ પછી બધું સારું જ થશે, એવી હું આશા રાખું છું."
"તને આટલો ભરોસો કેમ છે ફિલા?"
હું જવાબ આપું, તે પહેલાં એક પટાવાળાએ આવીને દરવાજો ખખડાવ્યો.
"કોણ?"
"સરપંચ શ્રીમતી ફિલાને બોલાવે છે."
મને આશ્ચર્ય થયું કે કલ્યાણી અને તેની ગેંગ દરવાજાની બહાર નહોતી. બોર્ડ ના સભ્યોએ મને લગભગ એક કલાક પછી બોલાવી અને ફરી એકવાર હું બધાની સામે ઉભી હતી. તદુપરાંત, મને ખબર નહોતી કે શું અપેક્ષા રાખવી. સરપંચ, પવન ચૌધરીએ શરૂઆત કરી. "હું બોલી રહ્યો છું, પરંતુ આ અમારા બધાનો સર્વસંમત નિર્ણય છે. અમે આખા અનાથાશ્રમનું નિરીક્ષણ કર્યું. કલ્યાણી પાટીલ સાથે પણ વાત કરી."
છેલ્લા વાક્યએ મને ભયભીત કરી નાખી. તે એક ખૂબ જ ચાલાક મહિલા હતી અને મને ડર હતો કે શું તે આ લોકોને પોતાની તરફ લેવામાં સફળ થઈ હશે? મારા વિચારોમાંથી મને બહાર કાઢતા સરપંચ ફરી બોલ્યા, "તમે આ અનાથ બાળકોની સુખાકારી માટે લીધેલા પ્રયત્નોની અમે પ્રશંસા કરીએ છીએ. એ તો સ્વાભાવિક છે કે, અમે કલ્યાણી પાટિલને તરત જ કાઢી નાખવાના છીએ. મારો પ્રશ્ન તમને એ છે, શ્રીમતી મર્ચન્ટ, જો અમે તમને સિનિયર મેટ્રન બનાવીએ, તો શું તમે આ અનાથાશ્રમ ચલાવી શકશો? તમે શિક્ષિત છો, દયાળુ છો અને આ બાળકો પ્રત્ય તમારી કેટલી પ્રેમ ભાવના છે, તે સાબિત થઈ ગયું છે. તેથી મને જવાબ આપો."
મારે જરા પણ વિચારવાની જરૂર નહોતી. મેં ઉત્સાહની સાથે જવાબ આપ્યો, "મારા પર વિશ્વાસ રાખવા બદલ તમારો આભાર સરપંચજી. મને આ કામ કરવામાં ખુશી થશે."
બીજા કોઈએ આગળ સ્પષ્ટ કર્યું. "હવેથી અમે આ સંસ્થાની ખૂબ જ કડક દેખરેખ કરવાના છીએ. તમારી એપોઇન્ટમેન્ટ અસ્થાયી વ્યવસ્થા છે. અમે તમને છ મહિનાનો સમય આપી રહ્યા છીએ, જો અમને તમારુ કામ સંતોષકારક લાગશે, તો અમે તમને આહીંયાં આગળ કામ કરવાની મંજૂરી આપીશું."
મેં હા પાડી પરંતુ તેમને વધુ બોલવું હતું. "તમને પુરી છૂટ છે, કે જે કર્મચારી સરખું કામ ન કરતા હોય, તમે એમને કાઢીને બીજાને રાખી શકો છો. અમને નોકરી માટે અરજીઓ આવતી રહે છે, અને અમે તમને અહીં સહાય કરવા માટે નવા લોકોને નિમણૂક કરીશું. આ જગ્યાને સુધારવા માટે, તમે અમને જરૂરી ચીજોની સૂચિ પણ મોકલી હતી. તેને સમય લાગશે, પરંતુ હું તમને ખાતરી આપું છું, ધીરે ધીરે અમે તમને બધી વ્યવસ્થા કરી આપીશું."
મારા મનનો સઁતોષ અને આનંદ મારા ચહેરાના સ્મિતમાં સાફ સાફ છલકાઈ રહ્યો હતો. આખીરકાર મારી બધી મહેનત સફળ થઈ.
ઉપસંહાર
ત્રણ વર્ષ પછી
"ફિલા, હવે આપણી શાળા બારમાં ધોરણ સુધી પહોંચી ગઈ. આ ત્રણ વર્ષમાં એટલું બધું બદલાઈ ગયું છે, કે જેની મેં ક્યારે કલ્પના પણ નહોતી કરી."
અંજલિએ આસપાસ નજર દોડાવતા કહ્યું. જોકે બધા પરિવર્તન અમારી સામે જ થયા હતા, તેમ છતાં, માનવું મુશ્કેલ છે. અંજલિની સાથે મેં પણ ચારે બાજુ જોયું. બધા સકારાત્મક પરિવર્તન જોઈને ખુશી અને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.
મેનેજમેન્ટ અને પંચાયત સભ્યોની અચાનક સંયુક્ત મુલાકાત પછી ઘણા ફેરફાર થયા. ધીમી ગતીએ કામ થયું, પણ આખિરકાર અમારી બધી બિલ્ડીંગની મરમ્મત થઈ અને પેંટિંગ પણ કરવામાં આવી. હવે ક્લાસ રૂમમાં યોગ્ય બ્લેકબોર્ડ્સ સાથે બચ્ચાઓ માટે વધુ સારા ટેબલ ખુરશી છે. અમારી પાસે મનોરંજન કેન્દ્રમાં ઘણી નવી રમતો છે અને આઉટડોરમાં બેડમિંટન અને બાસ્કેટ બોલ પણ છે.
પોતાની વાત ઉપર અટલ રહેતા, કોઈ ન કોઈ, મેનેજમેન્ટમાંથી, અથવા પંચાયતનું કોઈ સભ્ય અનાથ આશ્રમનું નિરીક્ષણ કરવા માટે આવતા. તેઓ ન ફક્ત આખી સંસ્થાનું રાઉન્ડ લેતા, પરંતુ બાળકો અને સ્ટાફ સાથે વાતો પણ કરતા. બધી કરેલી ચકાસણીની લેખનમાં નોંધ કરવામાં આવતી અને મારી પાસે હસ્તાક્ષર પણ કરાવતા.
હવે અહીંયા દસ કર્મચારી કામ કરે છે અને અમારી પાસે સો કરતા પણ વધુ છોકરીઓ છે. અમે અનાથાલયની અને અન્ય ગામની છોકરીઓ માટે વ્યવસાયિક તાલીમ શરૂ કરી છે. એવા નિષ્ણાતો છે જે આવીને તેમને બાસ્કેટ બનાવવાનું, ભરતકામ, રસોઈ અને નૃત્ય શીખવે છે. અને જ્યાં મારો સવાલ છે, તો મારી ટેમ્પરરી પોઝિશન, પરમનન્ટ થઈ ગઈ.
એક સંતોષજનક શ્વાસ લેતા, મેં અંજલિ સામે સ્મિત કેયું. "હા, આપણું આશ્રમ આવું જ હોવું જોઈએ."
તેણે મારા ખભા પર હાથ મુકતા કહ્યું, "ફિલા, હવે જે આપણા આશ્રમમાં ખુશનુમાં માહોલ છે, તેનો શ્રેય, હું તને અને તારી હિંમતને આપું છું. તારા વગર આ શક્ય જ નહોતું."
"અંજલિ, મને સૌથી વધારે ખુશી એ વાતની છે, કે હવે છોકરીઓના ચહેરા પર સ્મિત અને નીડરતા છે. દરેકને આપણી સાથે સુરક્ષિત મહેસુસ થવું જોઈએ અને અંદરથી એમ લાગવું જોઈએ કે હાં, આ મારું ઘર છે."
અંજલિએ મારી પીઠ થાબડી અને કહ્યું, "હમ્મ, તે આખરે તારું ઉદ્દેશ પ્રાપ્ત કરી લીધું."
માથું હલાવતા, મેં તેને કહ્યું કે હું આગળ શું કરવા માંગતી હતી. "ના અંજલિ, હજી મારે ઘણું બધુ કરવાની ઇચ્છા છે. હું અમુક એનજીઓનો સંપર્ક કરવાની છું અને આશા રાખું છું, કે ધીરે ધીરે, એક પછી એક આ છોકરીઓને દત્તક લેવામાં આવે, જેથી તેઓને પ્રેમાળ અને સંભાળ રાખનારા પરિવારો મળી શકે."
"વાહ! ફિલા જો એવું થાય, તો અતિ ઉત્તમ રહેશે."
"હમ્મ, ચાલો, જોઈએ."
અંજલિ ઉભી થતા બોલી,
હું જઈને જોઉં કે ભોજન તૈયાર થયું કે નહીં, જમવાનો સમય થઈ ગયો છે."
હું પોતે પણ સાથે સાથે ઉભી થવા ગઈ, પણ નરગિસને મારી તરફ આવતા જોઈને અટકી ગઈ અને એને જોઈને મારા દિલને ઠંડક થઈ. પાછલા ત્રણ વર્ષોમાં તે એક સુંદર અને પ્રેમાળ યુવતીમાં ખીલી ગઈ હતી. મને લાગે છે કે તે હંમેશાં ખૂબ પ્રેમાળ હતી, પરંતુ ક્યાંક તેણે તેનું વશીકરણ ગુમાવી નાખ્યું હતું. આજે તેને જોઈને હું ગર્વ મહેસુસ કરી રહી છું. તે આશ્રમની અન્ય છોકરીઓ માટે મિત્ર અને માર્ગદર્શિકા બની ગઈ છે. મને એ વિચારીને ઘણું દુઃખ થાય છે, કે નરગિસનો સમય આ આશ્રમમાં પૂરો થવા આવ્યો. ખબર નહીં, આગળ તે પોતાની જિંદગીમાં શું કરશે.
"દીદી, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું."
મેં મારી બાજુની જગ્યા પર હાથ થપથપાડ્યો અને તે બેસી ગઈ. મેં એના વાળ સરખા કરતા પૂછ્યું, "બોલ, શું વાત છે?"
"હું જાણવા માંગતી હતી, કે સોશિયલ વર્કર બનવા માટે તમે શું અભ્યાસ કર્યો હતો. હું પણ એ જ કરવા ઈચ્છું છું."
મને આ સાંભળીને ખુશી થઈ અને મેં એને બાથમાં લેતા સ્મિત કર્યું. પણ પછી મને એક વિચાર આવ્યો. "નરગિસ, તું આ ગામમાં રહીને કેવી રીતે ભણીશ? આશ્રમમાંથી નીકળ્યા પછી, તને તારા માતપિતા પાસે નથી જવું?"
તેણે માથું હલાવ્યું અને તેના ચહેરા પર દુઃખ અને ક્રોધનું મિશ્રણ છવાઈ ગયું. "કયા માતપિતા? પંદર વર્ષમાં એકેય વાર તેઓ મારા વિશે પૂછપરછ કરવા નથી આવ્યા. હું તેમના માટે મરી ગઈ છું."
મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને તેણે કહ્યું, "દીદી, તમે જ મારી માં છો. મેં જિંદગીમાં કોઈને આટલો પ્રેમ નથી કર્યો અને કોઈના પર આટલો ભરોસો નથી કર્યો, જેટલો હું તમારા પર કરું છું. તમે આ નરકને સ્વર્ગમાં ફેરવી નાખ્યું, અને આ બદલાવ મેં મારી નજરની સામે જોયું છે. હવે આ આશ્રમ જ મારું ઘર છે. જો હું ભણીને પાછી આવું, તો શું તમે મને અહીં નોકરી આપશો? તમે જે મહાન કાર્ય કરી રહ્યા છો, હું તેને ચાલુ રાખવા માંગુ છું."
અમારા બંનેની આંખો ભીની થઇ ગઇ અને મેં એને ગળે લગાડી લીધી. હું એને જોતી રહી અને એક ખૂબ સારો વિચાર મારા મગજમાં આવ્યો. મને ખાતરી હતી કે મારા મમ્મી પપ્પા જરૂર મને સહયોગ આપશે.
"નરગિસ, તું મને ખૂબ જ વ્હાલી છો. તું મારા માતાપિતા સાથે રહીને ત્યાંથી ભણવાનું પસંદ કરીશ? તારો બધો ખર્ચો અમે ઉપાળીશું, એની તું ચિંતા નહીં કરતી."
તે ચોંકી ગઈ. તેના ચહેરા પર આસું અને સ્મિત એક સાથે આવી ગયા અને તે મને ખુશીથી ભેટી પડી.
"થેંક યું સો મચ દીદી! તમે સર્વશ્રેષ્ઠ છો! પણ મારી નોકરી અહીંયા પાક્કી છેને?"
હું હંસી પડી અને અમે બંને ઉભા થયા.
"હાં બબા, પાક્કી! જ્યારે તું ભણીને આવીશ, તો અમે હેપી હોમમાં ફરીથી તારો સ્વાગત કરીશું."
શમીમ મર્ચન્ટ, મુંબઈ.
----------x----------x----------x----------
લેખિકાની નજરે,
નમસ્કાર મિત્રો,
અનાથાશ્રમ: એક રક્ષણાત્મક આશ્રય, છતાં એક એવી જગ્યા, જે સંવેદનશીલ બાળકોના હૃદયમાં ઘર અને પરિવાર માટે તૃષ્ણા બાકી રાખે છે, જેને તેઓ પોતાનું કહી શકે. આ નાનીકડી નવલકથા તેમના જીવનનું કાલ્પનિક પ્રતિબિંબ છે; નિરાશાથી આશા સુધીનું.
----------x----------x----------x----------
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=