Premnu Rahashy - 19 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | પ્રેમનું રહસ્ય - 19

Featured Books
Categories
Share

પ્રેમનું રહસ્ય - 19

પ્રેમનું રહસ્ય

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

અખિલને સંગીતાના પડી જવાની અને એને વાગ્યાની ચિંતા કરતાં સારિકા દેખાતી ન હોવાનો ડર વધુ પરેશાન કરી રહ્યો હતો. સંગીતા કહી રહી હતી કે સારિકા એની સામે બેઠી છે પણ પોતાને તો કોઇ દેખાતું ન હતું. એણે આખા હોલમાં બાઘાની જેમ સારિકાને શોધવા નજર ફેરવી લીધી. એને સારિકા ક્યાંય દેખાતી ન હતી. અખિલને થયું કે સારિકાના ભૂતે પોતાની જાત બતાવી છે. એ આવું કંઇક બનવાનું કહેતી જ હતી. હવે પોતાને સારિકા દેખાતી નથી એમ કહીશ તો સંગીતા ગભરાઇ જશે. મારે જવાબ શું આપવો?

અખિલને આમતેમ ફાંફા મારતો અને બઘવાયેલો જોઇ સંગીતા હસીને બોલી:'આમ સારિકા માટે પરેશાન કેમ થઇ રહ્યો છે?'

'હં... પણ...' અખિલ એ કહેવાનું ટાળતો હતો કે એને ખરેખર સારિકા દેખાતી નથી.

'અખિલ, હું તો મજાક કરું છું! સારિકા અહીં નથી. એ હમણાં જ કોઇનો ફોન આવ્યો એટલે એના ઘરે જતી રહી છે. તને તારી આંખ પર વિશ્વાસ નથી? સારિકા દેખાતી ના હોય તો અહીં ના જ બેઠી હોય ને? મને એકલાને થોડી દેખાવાની હતી?' સંગીતા પોતાનું કપાળમાં વાગ્યાનું દુ:ખ ભૂલી ગઇ હોય એમ અખિલની મૂર્ખાઇ પર બહુ હસવા લાગી હતી.

અખિલને હજુ પણ એની વાત પર વિશ્વાસ આવતો ના હોય એમ એ ઘરની બહાર નીકળ્યો અને આમતેમ જોયું. સારિકા ક્યાંય દેખાતી ન હતી. લિફ્ટ તરફ જોયું. એમાં લિફ્ટ સાતમા માળે ઊભી હોવાનું દેખાતું હતું. અખિલને આશ્વાસન મળ્યું કે સારિકા એના ઘરે હમણાં જ ગઇ હશે. પોતે ચૌદમા માળથી ઘર બદલીને પહેલા માળ પર આવ્યો એ પછી એ લિફ્ટનો ખાસ ઉપયોગ કરતો ન હતો અને એના પર ધ્યાન આપતો ન હતો. સારિકાના રહેવા આવ્યા પછી કદાચ એણે લિફ્ટનો વધારે ઉપયોગ કર્યો હશે.

અખિલ પાછો ઘરમાં આવ્યો અને નવાઇથી પૂછવા લાગ્યો:'સારિકા આમ તરત જ નીકળી કેમ ગઇ હશે? કોઇ સિરિયસ વાત તો ન હતી ને?'

'હશે હવે! આપણે શું ચિંતા કરવાની?' સંગીતા એને ટાળવાનો પ્રયત્ન કરવા લાગી હતી.

અખિલને થયું કે એ સારિકાને અહીં લઇ આવ્યો એ સંગીતાને ખાસ ગમ્યું ન હતું. એણે ખુલાસો કરતાં કહ્યું:'અસલમાં હું એની કુંદન સાથે મુલાકાત કરાવવા માગતો હતો. મેં કુંદનને બોલાવ્યો પણ છે. જો એ બંને એકબીજાને પસંદ કરી લે તો જોડી સરસ બને એમ છે...'

'મને તો એમ જ હતું કે તમે સારિકાની મારી સાથે મુલાકાત કરાવવા લાવ્યા છો!' સંગીતા મજાકીયું હસીને બોલી.

'કુંદન સાથે પરિચય કરાવતા પહેલાં તારી સાથે મુલાકાત કરાવવી પડે ને? તું એના વિશે જાણે તો કુંદનને પણ સરખી માહિતી આપી શકાય ને? આપણા પ્રતિભાવ એના માટે જરૂરી છે.' અખિલ લાળા ચાવતા બોલ્યો.

'ખેર! કુંદનને આવવામાં કેટલી વાર છે? હું એના માટે ચા- નાસ્તો તૈયાર કરી દઉં...' કહેતી સંગીતા ઊભી થઇ.

અખિલ અચાનક દોડીને એની પાસે પહોંચી ગયો અને કહ્યું:'તું તસ્દી ના લે. હું ઓનલાઇન મંગાવી દઉં છું. તને માથામાં વાગ્યું છે. આરામ કર...' અને એણે સંગીતાને પકડીને સોફામાં સુવડાવી દીધી.

અખિલે ધ્યાનથી જોયું ત્યારે એને લાગ્યું કે સંગીતાનું રૂપ આજે વધારે ખીલેલું છે. તે પોતાના શરીર પર વધારે ધ્યાન આપવા લાગી છે. એણે એના રસીલા હોઠને ચૂમીને કહ્યું:'આજકાલ તું બહુ સુંદર લાગી રહી છે! સજીધજીને મારું દિલ જીતી રહી છે.'

અખિલ એની સાથે પ્રેમમસ્તી કરવા લાગ્યો. સંગીતાએ આંખો પટપટાવી કહ્યું:'આજકાલ બહુ પ્રેમ ઊમટી રહ્યો છે ને?'

અખિલ એના પર ઝળુંબીને ગાલ પર ચુંબન કરી બોલ્યો:'તું દેખાય જ એવી છે કે...' અને એ આગળ વધવા ગયો ત્યાં સંગીતાએ ઊભા થતાં કહ્યું:'અંહ... હમણાં કુંદન આવી જશે. તમારી લાગણીઓને જરા કાબૂમાં રાખો...'

અખિલ એક આંચકા સાથે ઊભો થઇ ગયો અને ઘડિયાળમાં જોવા લાગ્યો. કુંદનના આવવાનો સમય થઇ જ ગયો હતો. તેણે ઝડપથી કોફી- નાસ્તાનો ઓનલાઇન ઓર્ડર આપી દીધો.

કુંદન આવ્યો એટલે અખિલે સારિકા વિશે બધી જ વાત કરી દીધી અને સંગીતા તરફ જોઇ કહ્યું:'સારિકા બહુ સુંદર દેખાય છે ને?'

'હા, સ્વભાવની પણ સારી છે.' સંગીતાએ પોતાની એની સાથેની ટૂંકી મુલાકાતને યાદ કરીને કહ્યું.

'અખિલ એનો કોઇ ફોટો તારી પાસે છે?' કુંદન એને જોવા ઉત્સુક થઇ ગયો હતો.

'ના, તમે બંને બેસો... હું ઉપર જઇને સારિકાને બોલાવી લાવું છું...' કહી અખિલ કોઇના જવાબની રાહ જોયા વગર ઘર બહાર આવી લિફ્ટ બોલાવી સાતમા માળે પહોંચી ગયો. એ અગાઉ એક વખત આવ્યો ત્યારે સારિકાએ પોતાનો જે ફ્લેટ બતાવ્યો હતો એના તરફ એણે જોયું. ફ્લેટના દરવાજે તાળું લટકતું હતું. એને નવાઇ લાગી. સારિકા પોતાના ઘરે જવાનું કહીને જ નીકળી હતી. તે ઝડપથી નીચે આવ્યો અને વોચમેનને સાતમા માળે ફ્લેટ નં.૭૦૧ માં રહેતી સારિકા વિશે પૂછ્યું. વોચમેન નવાઇથી એને જોઇ રહ્યો. એણે માહિતી આપી કે સાતમા માળે ફક્ત ફ્લેટ નં.૭૦૪ માં જ એક ભાઇ રહે છે. બાકીના ફ્લેટ ખાલી છે. અખિલે એની પાસેની નોટબુકમાંથી ફ્લેટ નં.૭૦૧ ના માલિકનો મોબાઇલ નંબર લઇ ફોન કર્યો અને પૂછ્યું કે તમારા ફ્લેટમાં અત્યારે કોણ રહે છે. મકાન માલિકે માહિતી આપી કે અત્યારે ખાલી જ છે. કોઇને ભાડે જોઇતો હોય તો જણાવો. અખિલે સારિકા વિશે કંઇપણ કહેવાનું ટાળી ભાડું પૂછી લઇ ભાડૂઆત મળે તો ફોન કરવાની વાત કરી લીધી.

અખિલને સમજાતું ન હતું કે સારિકા અહીં રહેતી જ નથી તો એ જેને મળી રહ્યો છે એ સ્ત્રી કોણ છે? એ ખરેખર ભૂત છે? એ પોતાની સાથે કોઇ રમત કરી રહી છે કે શું? પોતે કુંદનને બોલાવ્યો એની એને ખબર પડી ગઇ એટલે જતી રહી હશે? એ મારી સાથે જ લગ્ન કરવા માગે છે? હવે પોતે કુંદન અને સંગીતાને શું જવાબ આપશે? એ લોકો સારિકા ભૂત હોવાનું જાણીને કેવો પ્રતિભાવ આપશે? ના-ના એમને સારિકા ભૂત હોવાની વાત હમણાં કરવી નથી. એ ભૂતની તો ગમે ત્યારે ટપકી પડે. અને એના વિશે કંઇ બોલાઇ ગયું તો નુકસાન પણ પહોંચાડી શકે.

અખિલ કંઇક વિચાર કરીને ઘર પર પહોંચ્યો.

ક્રમશ: