એક સાંજે પૂજાબેન અને કિશનભાઈ બન્ને હોલમાં બેઠા હતા. બન્નેનો એક નો એક દીકરો આરવ પોતાના રૂમમાં કાંઈક કામ કરતો હતો. અચાનક જ પૂજાબેને અવાજ કર્યો... બેટા આરવ, તું ફ્રી હો તો અહીં આવ હોલમાં આપણે સાથે બેસીએ.
આરવે કહ્યું, હા મમ્મી આવ્યો થોડી વારમાં...
મમ્મી કહે ઓકે બેટા...
થોડી વારમાં આરવ હોલમાં આવ્યો અને બોલ્યો, બોલ મમ્મી કંઈ ખાસ કામ હતું મારુ???
મમ્મી કહે હા બેટા એક ખાસ કામ છે તારું, પણ તું રોજ કામમાં વ્યસ્ત હોય છે એટલે હું તને કહેવાનું ટાળું છું...
આરવ કહે બોલને મમ્મી શું કામ છે તારે, કામ તો ચાલ્યા કરશે...
મમ્મી કહે બેટા, જો હવે તું ઉંમરલાયક થઇ ગયો છે અને વળી વેલસેટ પણ છે જ, સારી એવી કંપનીમાં મેનેજર તરીકે જોબ પણ કરે છે તો હવે તારે લગ્ન કરી લેવા જોઇએ...
આરવ સાહજિક જ બોલી ઉઠ્યો, ના મમ્મી મારે લગ્ન નથી કરવા...
મમ્મી કહે, જો બેટા હું તને લગ્ન બાબતે જ્યારે પણ વાત કરું છું, ત્યારે તું હંમેશા એની અવગણના કરે છે. આવું કેમ? તારે કોઈ ગર્લ ફ્રેન્ડ હોય તો પણ અમને કહી દે અમે એના ફેમેલી સાથે વાત કરીશું.
આરવ કહે, ના ના મમ્મી એવું કશુ જ નથી. પણ મારે લગ્ન જ નથી કરવા.
મમ્મી કહે, જો બેટા પેલો તારો ફ્રેન્ડ મંથન પણ પરણી ગયો. અને એ ઘરને વહુ પણ કેટલી સારી મળી ઘરની જાણે દીકરી જ સમજ... તો શું અમને આવી અપેક્ષા ના હોય?
આરવ થોડો ગુસ્સે થયો અને બોલ્યો, અપેક્ષા?, શું મમ્મી તો એ વિચાર કે મારા દાદા દાદીએ પપ્પાના લગ્ન તારી સાથે કર્યા ત્યારે એમની એવી અપેક્ષા નહીં હોય કે દીકરી જેવી વહુ મળે? અને જો તે એ અપેક્ષા પુરી કરી હોત તો આજે એ લોકોને ઘરડા ઘડપણે વૃદ્ધાશ્રમનો આશરો ના લેવો પડત.
મારા પપ્પા એ તને બધા સુખ આપ્યા છતાં તું દાદા-દાદીને દબાવતી, ધમકાવતી અને નોકરોની જેમ કામ કરાવતી. છતાં પપ્પા મારા ભવિષ્ય માટે ચૂપ રહ્યા..
મારા જીવનમાં પણ દરેક ક્ષણે મને બંધનમાં બંધનારી તું જ હતી. અને હવે માની લે હું લગ્ન કરું અને મને પણ મંથન જેવી જ સારી પત્ની મળે તો એ વિચાર કે એને પણ તારી જોહુકમી જ સહન કરવાની ને? અને જો તારા જેવી મળી તો મારી અને પપ્પાની જિંદગી શું? મારા પપ્પાને હવે હું વધુ દુઃખી જોવા નથી માંગતો.. એટલે રહેવાદે મમ્મી... મારે લગ્ન નથી જ કરવા...
મેં તારો અને પપ્પાનો લગ્ન પછીનો જીવન સંસાર ખૂબ બારીકાઈથી જોયો છે... જો લગ્ન જીવનનો અર્થ પરિવારને વિખેરવાનો અને એક બીજા ઉપર બંધન લાદવાનો જ હોય તો લગ્ન કરવા કરતાં કુંવારા રહેવું સારું...
આરવે અંતે ઉમેર્યું કે જ્યાં સુધી તું દાદા દાદીને વૃદ્ધાશ્રમમાંથી પરત ના લાવે અને મારા દાદા દાદી તેમજ પપ્પાને સન્માન જનક જીવન ના આપી શકે ત્યાં સુધી મારા લગ્નનો વિચાર સુધા ના કરતી..
પૂજાબેનને પોતાના અહંમના કારણે પોતાની જે ભૂલો પાછલા પચ્ચીસ વર્ષોથી નહોતી સમજાણી એ આરવે જાણે પચ્ચીસ મિનિટમાં સમજાવી...
પૂજાબેન ચુપચાપ પોતાના રૂમમાં જઇને સુઈ ગયા... ઊંઘ તો એને આખી રાત ના આવી..
સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઇને કિશનભાઈ અને આરવ માટે નાસ્તો બનાવ્યો. ત્યારબાદ બન્નેને જગાડ્યા. નાસ્તો કરતા કરતા પૂજાબેને કિશનભાઈ અને આરવની માફી માગતા કહ્યું, આમ તો હું તમારી માફીને લાયક નથી પણ હું જ સાચી એવા અહંમના મેં ચશ્મા પહેર્યા હતા એટલે આજ સુધી સાચું શું છે એ હું ક્યારેય સમજી શકી જ નહીં અને મારી જ મનમાની અને અહંમના કારણે બધાને દુઃખ દઈ બેઠી. પણ આજે હું એ વાતનું પ્રાયશ્ચિત કરવા માગું છું. આજે તમે બન્ને જોબ પર રજા રાખી દો. આપણે બા - બાપુજીને વૃદ્ધાશ્રમમાંથી તેડવા જવા છે.
આરવની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને મમ્મીને ભેટી પડ્યો અને તે જ દિવસે ત્રણેય વૃદ્ધાશ્રમમાં ગયા અને પૂજાબેને આરવના દાદા દાદીના પગે પડીને માફી માગીને એમને સન્માન સાથે ગાડીમાં બેસાડીને ઘરે લાવ્યા..
આરવે કહેલા શબ્દોથી પૂજાબેનના વર્તનમાં ખૂબ પરિવર્તન આવ્યું, કિશનભાઈના મમ્મી પપ્પા સાથે દીકરી થઇને રહેતા. અને વડીલોની કદર કરતા..આરવના પરિવારમાં જાણે ચાર ચાંદ લાગી ગયા!!!
બીજાની લાગણી દુભાયાનું દુઃખ જ્યારે પોતાની લાગણી દુભાય ત્યારે જ સમજાય છે...