Kasak - 2 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 2

Featured Books
Categories
Share

કસક - 2

ચેપ્ટર-૨

બીજા દિવસે સવારે આંખ થોડી મોડી ખુલી.આજે રવિવાર હતો.તે પોતાની રોજની દિનચર્યા પતાવીને હજી વિચારતો હતો કે આજનો શું પ્લાન છે?,તે બિલકુલ ભૂલી ગયો હતો કે આજે તેને વિશ્વાસના ચિત્રોના પ્રદશન માં જવાનું હતું.તેણે ઘડિયાળ માં જોયું તો ૧૧ વાગ્યા હતા.તેણે ફિલ્મ જવા જોવાનું વિચાર્યું.એમ પણ તે થિયેટર માં એક સારી ફિલ્મ લાગી હતી, “કોંજ્યુરિંગ-૨”. તે ઈંગ્લીશ ફિલ્મ હતી અને સાથે સાથે તે હોરર ફિલ્મ હતી.કવનને હોરર ફિલ્મ ખૂબ ગમતી હતી.આ ફિલ્મ જોવા જવાનું બીજું કારણ તે પણ હતું કે જ્યારે કવન તેનો પ્રથમ ભાગ જોવા ગયો હતો ત્યારે તેણે આરોહીને પણ ત્યાં થિયેટર માં જોઈ હતી.વાચક તરીકે તમને એવું લાગતું હશે કે આતો ગાંડપણ કહેવાય.આટલું બધું કોણ વિચારે છે,આટલું બધું કોણ યાદ રાખે છે.બની શકે કે પ્રેમમાં આવું લોકો કરતાં હોય."મેં તો નથી કર્યો પ્રેમ,તો મને ખબર નથી કે પ્રેમમાં આવું થાય"આ વાક્ય હળાહળ જુઠાણું છે.૧૫ થી ૨૫ કે ૩૦ વર્ષની ઉંમર ના દરેક ને એક વારતો પ્રેમ થઈ ગયો હોય છે. કદાચ પ્રેમ કરવાની રીત બધાની જુદી હોઈ શકે તોય પ્રેમ તો છેલ્લે પ્રેમ જ રહે છે.કવન પણ આવી અમુક બાબતો ને માનતો જે બીજા ને મતે ગાંડપણ હતું પણ તેના મતે તે પ્રેમ હતો.કવને ઓનલાઈન ટિકિટ બુક કરી દીધી હતી બે વાગ્યાની અને તે ફિલ્મના શો ની રાહ જોઈ રહ્યો હતો.તેણે જાતે કરીને શો બહુ જલ્દી બુક કર્યો હતો.ફિલ્મ શરૂ થવાની કલાકની વાર હતી પણ તે કંઈક જલ્દી જ ત્યાં પહોંચી ગયો હતો.કલાક થિયેટર ના વેઇટિંગ રૂમમાં બેસીને એમેઝોન કિન્ડલ માં નવલકથા વાંચી રહ્યો હતો અને આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો કદાચ આરોહી દેખાઈ જાય.પણ કલાક થવા આવી આરોહી ત્યાં નહોતી આવી.કલાકથી એકલા બેસી ને તે કંટાળી ગયો હતો.જો તેને ફિલ્મ શરૂ થવાની હજી રાહ જોવી પડી હોત તો તે નક્કી ત્યાંજ બેઠા બેઠા સૂઈ ગયો હતો.તેની પાંચ વર્ષની પરંપરા તૂટવાના આરે હતી આમ પણ હવે તેણે આશા જ છોડી દીધી હતી.તે થિયેટરના સ્ક્રીનની સામે હજી બેઠોજ હતો કે તેનો ફોન રણક્યો.તેણે ફોનમાં જોયું તો ખબર પડી કે ફોન વિશ્વાસ નો હતો.તેને અચાનક યાદ આવ્યું અરે હા! આજે તો વિશ્વાસના ચિત્ર નું પ્રથમ પ્રદશન હતું.તે કદાચ મારી રાહ જોતો હશે પણ ત્રણ કલાક બાદ જઈશ.હું જઈશ ત્યારે કદાચ પ્રદશન પણ પતી ગયું હશે. વિશ્વાસ ગુસ્સે થસે.પણ હવે ટિકિટ લઈ લીધા બાદ કોઈ ચારો પણ નથી.કોઈ વાંધો નહીં હું કંઈક બહાનું બનાવી દઈશ.તેણે ફોન ઉપાડ્યો જ નહીં અને સાયલન્ટ કરીને તેણે ફોન ખિસ્સામાં મૂકી દીધો અને ત્યારબાદ ફિલ્મ શરૂ થઈ.હવે કવનનું તે બાબત પરથી ધ્યાન હટી ગયું હતું.તેણે સીધો ફોન ફિલ્મ ના ઈન્ટરવલ માં કાઢ્યો તે ત્યારે બાથરૂમ માં હતો.તેણે જોયું તો એક સાથે પંદર મિસ્કોલ અને ૩ મેસેજ હતા.જેમાં લખ્યું હતું આરોહી અહીંયા આવી છે તું જલ્દી આવ.જો તારું વોટ્સઅપ.એવું બીજા મેસેજ માં લખ્યું હતું.તેણે જલ્દી થી વોટ્સઅપ ખોલ્યું અને તેમાં ફોટા જોયા તેમાં કોઈક ભાઈ હતા જેમના ચિત્રો ના પ્રદશન આગળ આરોહી ઉભી હતી.કવન તે ભાઈ ને ઓળખતો ના હતો.તેને થયું કે તેણે કદાચ બહુ મોટી ભૂલ કરી દીધી હતી.તેણે આરોહીને જોવાનો એક મોકો ગુમાવી દીધો.પણ શું હજી ચાન્સ હતો?,તેને થયું હજી એક કલાક જ થયો છે જો તે ફિલ્મ અધુરી છોડીને જતો રહે તો કદાચ પાંચ વર્ષની પરંપરા બરકરાર રહે.કવને જલ્દીથી ફિલ્મ અધૂરી છોડી ને પાર્કિગમાં આવતો રહ્યો તેણે ઝડપથી એડ્રેસ જોયું થોડું દૂર હતું પણ જો ટ્રાફિકનું વિઘ્ન ના નળે તો અડધી કલાક નો રસ્તો હતો.તેને જલ્દીજ બાઇક ને કિક મારી અને સીધો પહોંચી ગયો જવાહરલાલ નહેરુ સાર્વજનિક હોલ.તેણે મનમાં જ ભગવાન નો આભાર માન્યો કારણકે આજે ટ્રાફિક ઓછો હતો.તે સીધો હાફળો ફાફળો થઈને અંદર જતો રહ્યો.તે વિશ્વાસ ને ગોતવા માંડ્યો.આમ તેમ ભટક્યા બાદ વિશ્વાસ તેને સામે મળ્યો.


"તું ક્યાં હતો કવન?, મેં તને કેટલા ફોન કર્યા, તું શું કરી રહ્યો હતો અત્યાર સુધી?"

"કંઈ ખાસ નહીં બસ ફોન ની બેટરી લો હતી એટલે તેને ચાર્જ કરવા મુક્યો હતો.મને ખબર જ ના રહી કે તારા આટલા બધા ફોન આવ્યા છે.તે બધું મુક મને પહેલા એમ કહે આરોહી ક્યાં છે?"

"તું અહીંયા શું કરવા માટે આવ્યો છે?"

"આરોહી ને જોવા"

"વાહ,મિત્ર હોય તો આવો.કોઈ તો પહેલા પ્રદશન કેવું રહ્યું તેમ પૂછે?,મારા ચિત્રો જોવે અને પછી તેમાંથી થોડો ઘણો સમય બચી જાય તો પોતાની પ્રેમિકા વિષે પૂછે."

"અરે સોરી પણ કહે ને યાર તે ક્યાં છે?"

"કવન તને કલા ની સહેજ પણ કદર જ નથી.ચાલ બતાવું તને આરોહી."

કવન અને વિશ્વાસ બંને ચાલીને એક ભવ્ય ઓરડામાં ગયા ત્યાં ઘણા બધા આર્ટિસ્ટ પોતાના ચિત્રો ગોઠવીને તેની પાસે ઉભા હતા.વિશ્વાસ અને કવન બંને જ્યાં વિશ્વાસ ના ચિત્રો મુકવાની જગ્યા ફાળવી હતી ત્યાં ગયા.વિશ્વાસ ત્યાં જઈને ઉભો રહી ગયો કવન પણ ત્યાં તેની બાજુમાં ઉભો રહી ગયો.કવને ફરી વિશ્વાસ ને પૂછ્યું "ક્યાં છે?"

કવન વિચારતો હતો કે વિશ્વાસ તેને ઉલ્લુ તો નથી બનાવી રહ્યો ને જો કે તેણે ફોટા મોકલ્યા હતા તેથી આમ તે વાત ખોટી તો નહોતી.

વિશ્વાસે સામે તરફ આંખથી ઈશારો કર્યો કવન સમજી ગયો.તેણે સામે જોયું ત્યાં દૂર વ્હાઇટ ટોપ અને બ્લ્યુ જીન્સ માં આરોહી ઉભી હતી.તેના વાળ ખુલ્લા હતા અને કાનમાં લાંબી ઈયરિંગસ પહેરી હતી.તેણે આંખોમાં લગાવેલું કાજલ તેની સુંદરતા માં કઈંક વધારો કરી રહ્યું હતું.કવન ને તેની આંખો હંમેશાથી ખૂબ ગમતી હતી.તેના હોઠ પાતળા હતા.તેની હાઈટ કવન કરતા થોડીક નાની હતી.તે હસતી હોય ત્યારે તેના દાંત ભાગ્યેજ દેખાતા.તે સામે ઉભી હતી.તેણે પોતાના બંને હાથ પાછળ રાખ્યા હતા.તે જેમની પાસે ઉભી હતી, તેમની સાથે કઈંક વાત ચીત કરી રહી હતી.તેની પાસે ૪૫ કે ૫૦ એક વર્ષના ભાઈ ઉભા હતા.કદાચ તેની બાજુમાં લાગેલા ચિત્રો તે ભાઈના હતા.તે આરોહી ની સામે જોઈને વાતો કરતા કરતા હસી રહ્યા હતા.કવને તે ભાઈ સામે જોઈને વિશ્વાસ ને પૂછ્યું "તે કોણ છે?"

"ખબર નહીં,તે શરૂઆતથી તેમની પાસે જ ઉભી છે.કદાચ તેમની સાથે આવી હશે.બની શકે તેના પપ્પા જ હોય."

કવનનું ધ્યાન તે ભાઈ પર હતું તેણે ધીમેક થી કહ્યું હા એવું જ હશે.વિશ્વાસ થોડી વાર માટે વ્યસ્ત થઈ ગયો.કારણકે પ્રદશનમાં કેટલાય લોકો તેના ચિત્રો પાસે આવતા અને વિવિધ જાત ના પ્રશ્નો પૂછતા,કવન પણ તેની પાસે ઉભો રહીને તે બધાની વાતો સાંભળતો હતો અને સમય મળે નજર હટાવીને આરોહી સામે જોઈ લેતો.જોકે આરોહી નું ધ્યાન બિલકુલ તે તરફ ના હતું. જાણે કે તેને ખબર જ ન હતી. ધીમે ધીમે ૨ કલાક ઉપર વીતી ગયું હતું.હવે પ્રદશન પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો હતો.ચિત્રો જોવા વાળા માણસો ઓછા થઈ ગયા હતા.દરેક ચિત્રકારો બીજા ચિત્રકારોના ચિત્રો જોવા માટે તથા રૂબરૂ મળવા માટે જતા હતા.

આરોહી અને તે અંકલ પણ બીજા ચિત્રકારો ના ચિત્ર જોવા માટે જઈ રહ્યા હતા.તે ધીમે ધીમે વિશ્વાસ ના ચિત્રો ની તરફ આવતા હતા.વિશ્વાસ ના ચિત્રોની પાસે ઘણી બધી ભીડ હતી. ત્યારે એક સાથે ચારેક ચિત્રકારો તેના ચિત્રો જોવા આવ્યા હતા.તે વિશ્વાસ ના ચિત્રો ને વખાણી રહ્યા હતા.તે વિવિધ સવાલો પૂછતાં હતા.કંઈક સલાહ આપતા હતા અને નાની ઉંમરે તેની પ્રગતિની વાહ વાહ કરતા હતા.તે બધાજ વિશ્વાસ ના ચિત્ર જોઈને આગળ વધ્યા બાદ વિશ્વાસ ના ચિત્રો જોવા તે લોકો આવ્યા હતા જેની રાહ વિશ્વાસ થી વધારે કવન જોતો હતો.આરોહી અને તે અંકલ બંને વિશ્વાસ ના ચિત્રો જોઈ રહ્યા હતા.કવન પણ આરોહી ને જોઈ રહ્યો હતો.જોકે હવે આરોહીને ખબર હતી કે કવન તેની સામે જોઈ રહ્યો છે.આરોહી એ તેની સામે જોયું ત્યારે એક વખત કવને તેની સામે જોઈને નજર ચુકાવી લીધી.જોઈને નજર ફેરવી લેવી પણ એક કલા છે.એવું હું માનું છું.આંખ પ્રેમ નો બહુ જૂનો અને જાણીતો પત્ર વ્યવહાર છે. જો કોઈ તમને જોઈને નજર ચુકાવી લે તો તમારે સમજી જવું જોઈએ કે તે હવે પછીની બે મિનિટમાં તે વ્યકિત માત્ર તમારા વિચારો માં હશે અને તેના વિચારોમાં તમે હશો.નજર ચૂકવવાના કારણો પણ હોય છે.જેમ કવને નજર ચુકાવી કારણકે તે ડરતો હતો કે આરોહી શું વિચારશે? જો હું આમ એક ધાર્યો તેની સામે જોઈ રહીશ તો તેને સારું નહીં લાગે. જો તમને કોઈ વ્યકિતને સારું લાગે છે કે ખરાબ તે વિશે વિચારો છો તો તમે તે વ્યકિત ને લઈને લાગણી ધરાવો છો.તે લાગણી તેવી છે જેમાં કોઈને કશુંજ કહેવાની જરૂર નથી.બસ છે તો છે. અત્યાર સુધીની વાર્તા માત્ર કવન અને વિશ્વાસ તરફ થી હતી.પણ હવે પછીની વાર્તા આરોહી તરફથી પણ હશે. આરોહી તે બંને છોકરાઓ ને જાણતી હતી.જાણે પણ કેમ નહીં કારણકે બંને તેના ક્લાસમાં ભણતા હતા.જોકે સ્કૂલમાં તેમનો વાર્તા લાપ અંશ માત્ર જ હશે. આરોહીની સાથે જે અંકલ હતા.તેમનું નામ સુહાસ હતું.જે તેમણે વિશ્વાસ ને પોતાનો પરિચય આપતા કહ્યું.સુહાસ અંકલ ને તે ચિત્રો ખૂબ પસંદ આવ્યા અને તેમણે સુહાસના ચિત્રોના કલર શેડ્સ અને કલર સિલેક્શન,વગેરે ના ખૂબ વખાણ કર્યા. જે ખરેખર અદ્દભૂતજ હતા.વિશ્વાસે દોરેલું કુદરતી દ્રશ્ય ખરેખર એકદમ લાઈવ લાગતું હતું.આખરે આરોહી એ પણ તેના ચિત્રો ના વખાણ કર્યા અને ત્યારબાદ આરોહી બોલી "અંકલ આ બંને મારા કલાસ માં જ ભણતા હતા." આ સાંભળીને કવન ને વિશ્વાસ કરતાં પણ વધુ સારું લાગ્યું અને તેને બે વસ્તુ જાણવા મળી એક કે તે તેના પિતા નહીં તેના અંકલ છે અને બીજી વસ્તુ કે તે બંને ને તે હજી પણ ઓળખતી હતી.કેટલીક વસ્તુઓનું અનુમાન આપણે ખોટું લગાવીએ છીએ પણ છતાંય આપણને તે વાત નો આનંદ હોય છે કે તે અનુમાન આપણું ખોટું છે.

સુહાસ અંકલે કવન અને વિશ્વાસ ને પોતાના પ્રોફેશન વિશે પૂછ્યું

"શું તમે બંને સ્ટડી કરો છો?"

આ સવાલનો જવાબ વિશ્વાસે આપ્યો.

"નહિ,બસ હમણાં જ ભણવાનું પૂરું થયું છે. હું ઇલેક્ટ્રિકલ એન્જીનીયર છું પણ મને ચિત્રો દોરવાનો પહેલે થી જ ખૂબ શોખ છે. તેથી મને જ્યારે સમય મળે ત્યારે હું ચિત્ર પણ દોરું છું.આ મારો ખાસ મિત્ર છે કવન, તે ડોકટર છે તેને પણ વાંચવાનો ખૂબ શોખ છે."

"ઓહહ..આરોહીને પણ વાંચવાનો ખૂબ શોખ છે,હું પણ એક C.A છું. મને પણ ચિત્રો દોરવાનો ખૂબ શોખ છે.માણસે પોતાના વ્યસ્ત જીવન માંથી કલા માટે થોડોક સમય જરૂર કાઢવો જોઈએ જેથી મન ખુશ રહે."

"હા, તે વાત તમારી બિલકુલ સાચી છે."

આરોહી મંદ રીતે હસી રહી હતી અને તેમની વાતો સાંભળી રહી હતી.કવનનું પણ કંઈક તેવુંજ હતું.

સુહાસ અંકલે પોતાના ખિસ્સા માંથી મોબાઈલ કાઢ્યો અને વિશ્વાસનો નંબર લઈ લીધો.

"વિશ્વાસ,આવતા અઠવાડિયામાં અમે કદાચ હિમાચલ પ્રદેશ જવાનું વિચારીએ છીએ ત્યાં આગળ જંગલમાં અને વિવિધ જગ્યાએ લાઈવ કુદરતી દ્રશ્ય અને લાઈવ દ્રશ્યો દોરવાનું વિચારીએ છીએ.જો તું ફ્રી હોય તો અમારી સાથે આવજે અમને બહુ ખુશી થશે."

"હા, જરૂર મને પણ આપની સાથે આવીને ખુશી થશે.મને જવાનું હોય તેના થોડા દિવસો પહેલા જાણ કરી દેશો.હું મારી જોબ માંથી થોડા દિવસોની રજા લઈ લઈશ."

કવને વિશ્વાસની સામે જોયું પણ વિશ્વાસનું ધ્યાન વાતો માં હતું.

વિશ્વાસે ફરીથી પૂછ્યું "શું હું પૂછી શકું કોણ કોણ જવાનું છે?"

"હા,જરૂર કેમ નહિ.મારા કેટલાક ચિત્રકાર મિત્રો છે,જે તેમની પત્ની ને લઈને આવવાના છે.તથા હું મારી પત્ની અને આરોહી."

"ઓહહ..સારું છે."

"વાતો કરતા કરતા ખૂબ મોડું થઈ ગયું વિશ્વાસ,ચાલો અમે નીકળીએ છીએ.હજી ચિત્રો પણ ગાડીમાં મુકવાના છે.હું તને જવાના એક અઠવાડિયા પહેલા જાણ કરી દઈશ."

"હા, જરૂર અંકલ,ફરીથી જલ્દી મળીશું."

આરોહી અને સુહાસ અંકલ ત્યાંથી જતા રહ્યા.વિશ્વાસ ફરીને ચિત્રો પાછા કવર માં મુકતો હતો.ત્યાંજ આરોહીના ગયા બાદ કવને વિશ્વાસને બહુજ સહજતાથી પૂછ્યું "શું તે તને કહેશે તો તું તેમની સાથે જઈશ?"

"તું આવીશ?"

"મતલબ કે હું પણ તારી સાથે આવું?"

"હા, કેમ નહીં તને આરોહી સાથે સમય પસાર કરવાનો મોકો મળશે તે બહાને તે તને સારી રીતે જાણી પણ લેશે."

"પણ તેમણે માત્ર તને જ કીધું છે."

"તો શું થઈ ગયું.તે તો હું તેમને જણાવી દઈશ કે મને કંપની આપવા માટે તું આવ્યો છે."

"પણ…"

"પણ બણ કંઈ નહીં.હું નહીં સમજુ,તારે આવાનું છે.આવો મોકો ફરીવાર નહીં મળે."

ના આવની અને આવવાની દલીલ થોડા સમય ચાલી અને પછી કવને છેલ્લે કહી જ દીધું.

"ઠીક છે હું આવીશ." કવન છેલ્લે આવવા માટે તૈયાર થઈ ગયો પણ તે મનમાં જ વિચારતો હતો કે શું સુહાસ અંકલ સાચે જ વિશ્વાસ ને તેમની સાથે આવવા માટે કહેશે?

વિશ્વાસ અને કવન છૂટા પડ્યા.આજના દિવસની તારીખ અને સમય કવને તેની નોટ્સમાં ઉમેરી દીધી.

કવન ઘરે ગયો ત્યારે તે આજે ખુશ હતો.કારણકે પોતાની પાંચ વર્ષની પરંપરા બરકરાર રહી.તેને તે વાત નો ખુબ આનંદ હતો.કવન ના ઘરનું વાતાવરણ શાંત રહેતું તેને બે માળ નું મકાન હતું તેનો રૂમ ઉપર હતો.તે દિવસે પણ તે ઉપર જઈને પોતાની બુક વાંચવા લાગ્યો.તે જ્યારે વાંચતો હતો ત્યારે તેને સુહાસ અંકલે કહેલી તે વાત યાદ આવી કે આરોહી ને પણ વાંચવું ગમે છે.તે મનોમન વિચારતો હતો કે તેને કેવી બુક વાંચવી ગમતી હશે.હવે હું તમને લઇ જાઉં આરોહી પાસે.કોઈ મને કહે કે આરોહી કેવી છે,તો હું માત્ર એટલુંજ કહું કે એક સુંદર છોકરી છે, જેને પ્રેમ શું કહેવાય તે ખબર જ નથી.તેણે પ્રેમ ફિલ્મો માં ચોપડીઓ માં જોયો છે,તેણે પ્રેમ કર્યો નથી.તેની માટે પ્રેમ એક કાલ્પનિક વસ્તુ છે.જેને માત્ર આપણે માણી શકીએ છીએ ફિલ્મોમાં પુસ્તકોમાં પણ ખરેખર તેવું કઈંજ હોતું નથી. તે રાત્રે આરોહી એ તેવું કશુંજ નહોતું અનુભવ્યું જે કવન અનુભવી રહ્યો હતો.તે પણ સાચું છે કે આરોહી ભૂલી ગઈ હતી કે મને આજે કોઈ ખાસ મળ્યું હતું. કારણકે તેની માટે તો કવન અને વિશ્વાસ તે જ સામાન્ય માણસો હતા, જેમ રોજબરોજ જીવન માં લોકો તેને મળે છે પણ એક વાર્તા માં તેઓની શરૂઆત કયાંક તો લખી હતી જેમ ભગવાન દરેક પ્રેમીઓની પહેલી મુલાકાત લખે છે.હા આ તેમની પહેલી મુલાકાત તો ના હતી પણ એક નવા અધ્યાય ની શરૂઆત જરૂર હતી.

બીજા દિવસથી સૌ કોઈ પોતાના રોજીંદા કામમાં લાગ્યા કારણકે આજે સોમવાર હતો. સોમવાર દરેક લોકો માટે ખૂબ કપરો હોય છે.કારણકે નાના બાળકોને સ્કુલ જવું નથી ગમતું અને મોટા યુવાનોને ઓફીસ.પણ બંને એકબીજાથી ઈર્ષા જરૂર અનુભવે છે.નાના બાળકો મોટાથી અને મોટા લોકો નાના થી પણ ખરેખર જીવન તો બાળપણનું જ હોય છે.પાંચ દિવસ આમ જ વીતી ગયા,જેમ કોઈ સામાન્ય દિવસ હોય.શુક્રવાર ની સાંજે ચાર વાગ્યે એક મેસેજ આવ્યો જે કવન ના જીવનમાં કંઈક નવું લઈને આવે તેમ હતું.તેણે ક્લિનિક માં બેઠા બેઠા મેસેજ જોયો જેમાં લખ્યું હતું કે આજે સાંજે ચા પીવા જઈશું,એક જરૂરી વાત કહેવી છે.મેસેજ વિશ્વાસનો હતો.સાંજે બંને પોતપોતાના રોજિંદા કામથી છૂટ્યા બાદ તેજ ચાની કીટલી આગળ સૌથી છેલ્લી જગ્યાએ બેઠા,જ્યાં હમેશાં બેસતા હતા.આજે પણ વિશ્વાસ રોજ ની જેમ મોડો આવ્યો હતો.

કવન:"તું મને વહેલા બોલાવે છે અને તું જ શાંતિ થી આવે છે."

વિશ્વાસ: "હા, ભાઈ છેલ્લા સમયે કામ આવી ગયું હતું એટલે મોડું થઈ ગયું માફ કરજે."

"દર વખતે તારે જ છેલ્લા સમયે કામ આવી જાય છે."

"હા, ચાલ જવાદે તે બધું. હું તને કહું તે સાંભળ, તો આજે આરોહી ના અંકલ નો મેસેજ આવ્યો હતો."

આ સાંભળીને કવને બધીજ ફરિયાદો વાળી લીધી અને તેણે ઉત્સુક્તાથી પૂછ્યું "અચ્છા તો શું કીધું તેમણે?"

"તેમણે મને તેમની સાથે હિમાચલ પ્રદેશ આવવાનું કહ્યું છે."

"તો શું વિચારે છે તું?"

"તું આવીશ?"

"પણ તેમણે માત્ર તનેજ કીધું છે." કવન આ માત્ર બોલવા ખાતર બોલ્યો હતો તે અંદરથી તેમની સાથે જવા માટે ઉત્સુક હતો.

"તો પણ તું મારી સાથે આવીશ જ"

"હું કંઈ રીતે આવી શકુ?,મને તો ચિત્ર દોરતા પણ નથી આવડતું." કવને એક દલીલ ફરી કરી જેને એક નબળી દલીલ કહી શકાય.

"તો આવો નિયમ કયો છે કે જેને ચિત્ર દોરતા નથી આવડતું તે ના આવી શકે."

"પણ.."

"તું પણ પણ કરવા માં જ રહી જઈશ,અને એક સારો મોકો હાથ માંથી નીકળી જશે."

"ઠીક છે હું આવીશ." કવને છેલ્લે માંની જ લીધું.

"હા, હવે થઈને કંઈક વાત."

"પણ જવાનું કયારે છે?" કવને ઉત્સાહમાં પૂછ્યું.

"આ રવિવારે રાત્રે, હું કાલે ઓફીસ માંથી થોડા દિવસની રજા લઈ લઈશ."

"હું પણ કંઈક થોડા દિવસો માટે ક્લિનિક નહીં જાઉં."

"ખૂબ મઝા આવશે."

"હા, મજા તો આવશે.

વિશ્વાસ ખુશ હતો પણ તેનાથી કઇંક ગણો વધારે ખુશ હતો કવન,જે પોતાની ખુશી વિશ્વાસ સામે જાહેર કરતાં શરમ અનુભવતો હતો.

દુનિયામાં બધીજ ખુશી આપણે જાહેર નથી કરી શકતા કારણકે આપણને ડર લાગે છે કે આપણી આસપાસ રહેલા તે લોકો આપણી ખુશીને નહીં સમજી શકે.

બંનેની વાત પૂરી જ થઈ હતી કે ચા આવી. કવન ચાનો કપ હાથ માં લઈને આવનારા દિવસો વિશે વિચારી રહ્યો હતો.આવનારા દિવસો જાણે બંને ની જિંદગી માં શું રંગ ભરવાના હતા.આવનાર દિવસો આપણને ત્યારેજ સારા લાગે છે જ્યારે આપણને ઉત્સાહ હોય કે આપણી સાથે કઈંક સારું બનવાનું હોય છે.તેથી માનવીએ પણ કપરા દિવસોમાં આગળના દિવસો સારા જશે તેવો ઉત્સાહ રાખવો જોઈએ.

કવન અને વિશ્વાસે પોતપોતાના ઘરે જઈને તે વાત નો ખુલાસો કરી દીધો કે તે બંને રવિવારે રાત્રે હિમાચલ પ્રદેશ જાય છે.બંને ના ઘરે તે વાત ની પ્રતિક્રિયા કઈ ખાસ જુદી ના હતી.કવન જયારે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમતો હતો ત્યારેજ તેણે ખુલાસો કર્યો કે તે રવિવારે એક અઠવાડિયા માટે હિમાચલ પ્રદેશ ફરવા માટે જાય છે.

કવનની મમ્મી એ આશ્ચર્યથી કહ્યું

"શું તું હિમાચલ જાય છે?,તે પણ ફરવા!, તેની જાણ તું મને એક અને તેના અડધા દિવસ પહેલા કરે છે."

"હા,તેમાં શું છે?,પપ્પા પણ તેમને કાલ ક્યાં જવાનું છે,તેની જાણ તેના આગળ ના દિવસે જ કરે છે ને"

"હા,બેટા પણ તે કામ થી જાય છે અને તું ફરવા જાય છે."

"તો શું થઇ ગયું?,મમ્મી”

"ઠીક છે,પણ તે પપ્પા ને કહ્યું?" આ પ્રશ્ન દરેક ઘરમાં આવા સમયે મમ્મી દ્વારા જ પૂછવામાં આવે છે.

"ના તે મને મળ્યા જ નથી રાત્રે આવે ત્યારે તું કહી દેજે.હું કાલ સવારે કહી દઈશ"

"તું એકલો તો નહિ જ જતો હોય, તો બીજા કોણ કોણ આવે છે તારી સાથે?"

"વિશ્વાસ ના કેટલાક ચિત્રકાર મિત્રો છે જેમને હિમાચલ પ્રદેશ જઈને તેના રિયલ જંગલો,પહાડો વગેરે જગ્યાઓ ના ચિત્રો દોરવા છે,તો હું અને વિશ્વાસ જઈએ છીએ અને બાકી કેટલાક તે લોકો. એક ટુર કહી શકાય."

"અચ્છા,તો હું તને ટ્રેન માં લઇ જવા માટે થેપલા બનાવી દઈશ અને સાથે ખાખરા,ભાખરવડી."

"તે હું ના લઇ જાઉં તો?"કવને હસતા હસતા કહ્યું

"તો તારી આટલી તો તાકાત નથી કે તું આ ઘરની બહાર પગ મૂકી શકે."સુનિતા બહેને પણ હસતા હસતા જવાબ આપ્યો. જે તે મજાકમાં જ કહી રહ્યા હતા.

"તો તમે મને ચેલેન્જ કરી રહ્યા છો."

"હું તો તારા ભલા માટે કહું છુ એવું બહારનું કંઈ પણ ખાવું કરતા તો સારું છેને ઘરનું જ ખાવું." સુનિતા બહેને થોડા ધીમા સ્વરે નારાજ થવાની એક્ટિંગ સાથે કીધું."

"બસ સારી એક્ટિંગ હતી પણ એટલી બધી નહિ કે તું મને રોવડાવી દે,ઠીક છે હું થેપલા અને ખાખરા લઇ જઈશ."તેટલું કહીને તે પોતાની જગ્યા એથી હાથ ધોવા ઉભો થયો.

"ભાખરવડી પણ"

"હા તે પણ લઇ જઈશ." તે હાથ ધોતા ધોતા બોલ્યો."

એવું જ વાતાવરણ કંઈક વિશ્વાસ ના ઘરે હતું.

"હિમાચલ માં કઈ જગ્યા એ જવાનો છુ તું?" વિશ્વાસ ના પિતા વત્સલ ભાઈ એ પૂછ્યું.વિશ્વાસના પિતા એક બેંક માં મેનેજર હતા.તે સ્વભાવે ખુબ સારા હતા અને પ્રમાણિક માણસ હતા અને તે વિશ્વાસ માટે મિત્ર જેવા હતા.

"કદાચ સિમલા,મનાલી તે અમે પણ ફિક્સ નથી કર્યું. જ્યાં પણ સારા દ્રશ્ય હશે,મન ને શાંતિ મળશે ત્યાં જ અમે સુંદર ચિત્રો બનાવશું"

વિશ્વાસની મમ્મી ના સવાલ જવાબ નો કાફલો પહેલાજ પતિ ગયો હતો.

હવે બસ રાહ હતી તો તે દિવસની.


આપના સુંદર પ્રતિભાવો જરૂર થી મોકલાવો..

આગળ ની વાર્તા પછી ના ચેપ્ટર માં રહેશે.

કસક -૩..