Dashavatar - 62 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 62

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 62

          "યાદ રાખો, જો તમે માનો છો કે તમારો એક ભાગ હંમેશા નિર્ભય છે તો તમારી પાસે ગમે તે ભય પર કાબૂ મેળવવાની હિંમત હશે. જો તમે માનતા હોવ કે તમારામાં એક મિત્ર છે જે તમને જ્યારે તેની જરૂર હોય ત્યારે તમારી સાથે રહી શકે છે....” વજ્રએ ચાલુ રાખ્યું, એની આંખો તાલીમના મેદાનમાં ઊભા દરેક જ્ઞાનીના ચહેરા પર ફરતી હતી, “બસ તમારે કલ્પના કરવાની છે કે તમારા હૃદયમાં નિર્ભય છે. જેમ તમે અનુભવો છો કે તમારા મનમાં એક જ્ઞાની છે અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે એ જ્ઞાની બહાર આવે છે એ જ રીતે જો તમે અંદરના નિર્ભયને ઓળખી લેશો તો જયારે પણ તમને જરૂર પડશે ત્યારે તમારું હૃદય એ નિર્ભયને સ્થિતિનો સામનો કરવા માટે આગળ કરશે. આપણી અંદરનો નિર્ભય આપણાથી ભયને દૂર ધકેલે છે.”

          એણે ઊંડો શ્વાસ લીધો, "તમે કોઈ બાળકને થોડા અંધકારથી ડરતું જોયુ છે?"

          “હા.” દક્ષાએ માથું હલાવ્યું.

          "તમે નાના હતા ત્યારે અંધારાથી ડરતા હતા?"

          "હા."

          "અને હવે?"

          "હું એનાથી નથી ડરતી."

          "કેમ?"

          "મને ખબર નથી."

          "પણ મને ખબર છે." વજ્રએ કહ્યું, "જ્યારે તમે નાના હતા ત્યારે તમે તમારી અંદરના નિર્ભયની મદદ કેવી રીતે મેળવવી એ વિશે સંપૂર્ણપણે અજાણ હતા પણ હવે તમે મોટા થઈ ગયા છો અને તમે તમારી અંદરના નિર્ભયની મદદ મેળવી શકો છો.  સમસ્યા એ છે કે તમે હજુ પણ અજાણ છો કે તમે અંધકારના ડર પર કાબુ મેળવી લીધો છે એમ તમે તમારા બાકીના ડર પર પણ કાબુ મેળવી શકો એમ છો.”

          "તો, આપણે કોઈ પણ ડરને દૂર કરી શકીએ?" અંગદે હિંમત કરીને પૂછ્યું.

          "હા, તમે કરી શકો." વજ્રએ કહ્યું, "જ્યારે હું બાળક હતો ત્યારે મને ડર લાગતો. જેમજેમ હું મોટો થયો તેમતેમ મારા પિતાએ મને શીખવ્યું કે એને કેવી રીતે દૂર કરવો અને આજે મને કોઈ ડર નથી. મારા માટે આ ધરતી પર ડરનો કોઈ પ્રદેશ નથી.” એણે પોતાનો હાથ ફેલાવ્યો, “ટૂંક સમયમાં જ તમને કોઈ ભય નહીં રહે પણ એના માટે તમારે તમારા હૃદયમાં નિર્ભયતા પેદા કરવાની જરૂર છે. આ નિર્ભયતા હ્રદયના ભંડકિયામાં ભેગી થયા કરે છે. તમે ડર અનુભવો ત્યારે તમે તમારા હૃદયના એ ભંડકિયામાં જઈને હિંમત મેળવી શકો છો.”

          "હું એને કાપી નાખીશ." દક્ષા ચાડીયા તરફ ચાલવા લાગી, "તીર આવવા દો." એનું દરેક પગલું મક્કમ હતું. એ અડગ લાગતી હતી. કદાચ એને હિંમત ભરેલું હ્રદયનું ભંડકિયું મળી ગયું હતું.

          વિરાટને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. બોલાયેલા શબ્દો કેટલા શક્તિશાળી હોય છે? વજ્રએ નિર્ભય કેવી રીતે બનવું એ કહ્યું અને શૂન્યોએ એમના હૃદયમાં એક નિર્ભયની હાજરી અનુભવી. વિરાટ ઇચ્છતો હતો કે એમને નાનપણથી જ આવા શબ્દો સાંભળવા મળ્યા હોત તો આજે કંઈક ઓર વાત હોત!. દક્ષા અને વજ્ર મહાવરો કરવા લાગ્યા અને બાકીના લોકોએ પણ એ જ મહાવરો - હવામાં તીર કાપવાની શરૂઆત કરી.

          એ દિવસે દક્ષા પંદર તીર ચૂકી ગઈ. એ તીરને રોકવાનો પ્રયત્ન કરતી રહી પરંતુ સાંજ સુધી એને સફળતા ન મળી.

          "હું દિલગીર છું." દિવસ પૂરો થયા પછી ઘરે પરત ફરતી વખતે દક્ષાએ વજ્રને કહ્યું.

          "કેમ?" 

          "હું એક પણ તીર કાપી ન શકી."

          એણે સ્મિત વેર્યું, “શું તેં આજે કોઈ ખાસ વાત નોંધી છે?”

          "ના." 

          બધા જ્ઞાની એમની વાત સાંભળતા હતા.

          "તેં આજે કંઈક ખાસ કરી બતાવ્યું છે."

          "મેં શું કર્યું?" દક્ષાએ નવાઈથી કહ્યું, "કંઈ નહીં. સાંજ સુધી પ્રયત્ન કર્યો છતાં એક પણ તીર કાપી ન શકી.”

          "પણ તેં કંઈક બીજું કર્યું છે." એણે કહ્યું, "પણ તું એનાથી અજાણ છો."

          "મેં શું કર્યું છે?" દક્ષાએ પૂછ્યું, "કોઈ ભૂલ?"

          "ના." એણે ફરીથી સ્મિત કર્યું, "એક મહાન કાર્ય."

          "શું?"

          “જ્યારે તું ચાડીયા પાસે ગઈ અને લક્ષ બનીને ઊભી રહી ત્યારે તેં જે બહાદુરી બતાવી એ બહાદુરી દીવાલની આ તરફ પહેલાં કોઈએ બતાવી નહોતી. તારી બહાદુરીએ બાકીના તાલીમાર્થીઓના હૃદયને હિંમતથી ભરી દીધા અને એકવાર એમણે તને લક્ષ બનીને ઊભેલ જોઈ અને તીર કાપવાનો પ્રયત્ન કરતી જોઈ ત્યારે એમને હિંમત મળી. એમને થયું કે જો અમારામાંથી કોઈ એક કરી શકે તો બાકીના પણ કરી શકે.” એણે આગળ કહ્યું, “અને એમણે બધાએ એ કર્યું. એમણે બધાએ ઉડતા તીરની સામે ઊભા રહેવાની હિંમત કરી. તને ખબર નથી પણ આખો દિવસ એમની જે હિંમત હતી એ તારા હૃદયમાંથી આવી હતી.”

          “વજ્ર સાચું કહે છે,” અંગદે કહ્યું, “જ્યાં સુધી તેં હિંમત ન કરી ત્યાં સુધી હું પણ એ કરવા માટે તૈયાર નહોતો.”

          "જ્યારે મને લાગ્યું કે મારે ઉડતા તીરનું નિશાન બનવું પડશે ત્યારે મને પણ ડર લાગતો હતો પરંતુ જ્યારે તું નિશાન બનીને ઊભી રહી ત્યારે મારો ડર ઓગળી ગયો." સુબોધે કહ્યું.

          "એકવાર નિર્ભય બનવાનું શરૂ કરો." વજ્રએ કહ્યું, “અને તમે નિર્ભય બની જશો. પાટનગરના નિર્ભય સિપાહીઓ સામેની લડાઈ દરમિયાન તમારે આ હિંમતની જરૂર પડશે.” તેણે દક્ષા તરફ જોયું, "પણ તેં જે કર્યું એ યુદ્ધના મેદાનમાં સૌથી મહત્વપૂર્ણ છે."

          એ લોકો હવે ઝૂંપડીઓના વિસ્તારમાં પ્રવેશવાની તૈયારીમાં હતા.

          "તમે યુદ્ધના મેદાનમાં હિંમત ગુમાવો એ પળ લડાઈ દરમિયાન એકવાર તો અચૂક આવે છે. તમને ડર લાગે છે. તમારું મન દુશ્મનની શક્તિ વિશે જ વિચારવા લાગે છે. તમારા ઘૂંટણ ઘોડાના અવાજ સામે નબળા પડવા લાગે છે. આ એ સમય છે જ્યારે તમને કોઈ એવી વ્યક્તિની જરૂર હોય જે પહેલા હિંમત બતાવે. જો તમારા પક્ષમાંથી કોઈ કાયરતા બતાવે અને યુદ્ધના મેદાનમાંથી ભાગી જાય તો એના હૃદયનો ડર બાકી બધાના હ્રદયને ઘેરી વળે છે. પણ જો તમારામાંથી કોઈ એક પણ વ્યક્તિ મૃત્યુના ડર વિના દુશ્મનની તલવાર પર કૂદી પડવાની હિંમત બતાવે તો એની હિંમત બીજાના હૃદયને શક્તિ અને બહાદુરીથી ભરી દે છે અને એ પણ એમ કરવાણી હિમત કરી શકે છે."

          દક્ષાએ માથું હલાવ્યું.

          એ પછીની પંદર મિનિટ વજ્રએ એમને બહાદુરી અને હિંમત વિશે જ્ઞાન આપ્યું અને પછી બધા છુટા પડ્યા. વજ્ર અને તારા ગુરુ જગમાલની ઝૂંપડી તરફ વળ્યા. બાકીના પોતાની ઝૂંપડીઓ તરફ આગળ વધ્યા.

          તીરંદાજીની તાલીમ ધાર્યા કરતા સારી રહી હતી. દસ દિવસમાં અડધા કરતાં વધારે તાલીમાર્થીઓ હવામાં ઉડતા તીરને કાપવા લાગ્યા હતા. જોકે હજુ અંગદ, વિરાટ અને એક બે બીજા જ્ઞાનીઓ જ તારાની જેમ તીરના બરાબર બે ટુકડા કરી શકતા હતા.

          એ રાત્રે કૃપા પરોઢિયે વિરાટની ઝૂંપડીએ પહોંચી હતી. હજુ સૂરજ નીકળ્યો નહોતો એટલે બધી ઝૂંપડી અંધકારમાં ગરકાવ હતી. વિરાટ ફાનસ સળગાવીને દેવતાઓની મશીનરી વિશેનું પુસ્તક વાંચતો હતો.

          કૃપા થાકેલી હતી. એની આંખોમાં ભય હતો, એના કપડાં પરસેવાથી ભીના થઈ ગયા હતા અને એનો ચહેરો ધૂળથી ખરડાયેલો હતો.

          એણે બેચેનીથી ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. વિરાટે પુસ્તકને ખાટલાનાં ગાદલા નીચે સંતાડી દીધું અને દરવાજો ખોલીને જોયું તો કૃપા ઉદાસ ચહેરે દરવાજાની બહાર ઊભી હતી. એ ભયાનક રીતે ધ્રૂજતી હતી. એ સોનેરી વાળ અને સુંદર ચહેરાવાળી પાતળી છોકરી. એનો ચહેરો ગોળ હતો અને એની મોટી આંખો સુંદર હતી. જોકે અત્યારે એ આંખોમાં સુંદરતાને બદલે ભય ડોકિયું કરતો હતો.

          "તું અહીં શું કરે છે?" વિરાટે દરવાજો  ખોલતાં જ નવાઈથી પૂછ્યું. એ ઉઘાડા પગે ઊઉભી હતી અને એનું શરીર તોફાની પવનમાં સુકા પાંદડા જેમ કાંપતું હતું. રાત્રે અર્ધ-રણનો ઠંડો પવન ફૂંકાતો હતો છતાં પરસેવાના રેલા એના કપાળ પરથી વહેતા હતા.

          “હું…હ…એ…આર…એ…” એનામાં જવાબ આપવાની હિંમત નહોતી.

          "શું થયું છે?" એણે પૂછ્યું, "તારી મા, દક્ષા, કે પરિવારમાં કોઈને કઈ થયું છે?”

          કૃપાએ કઈ જવાબ ન આપ્યો.

          “તારે આ સમયે બહાર ન નીકળવું જોઈએ.” વિરાટે કહ્યું, “દીવાલની આ તરફ બાળકો રાતે પોતાની ઝૂંપડીમાં જ સુરક્ષિત રહે છે."

          "મારી ઝૂંપડી સુરક્ષિત નથી." છેવટે એણે જવાબ આપવાની હિંમત ભેગી કરી.

          મારી ઝૂંપડી સલામત નથી. આ શબ્દો વિરાટના મગજમાં તીરની જેમ દાખલ થયા. એ જાણતો હતો કે એનો અર્થ શું છે. એ જાણતો હતો કે દીવાલની આ તરફ કોઈ ઝૂંપડી સલામત નથી એનો શું અર્થ નીકળે છે.

          ઓહ! ના. ભગવાન! આજની રાત એ રાત ન હોઈ શકે. પ્રલય પહેલાના દયાળુ ભગવાન! કોઈ દુર્ઘટના નહીં થવા દે. વિરાટે મનોમન પ્રલય પહેલાના દયાળુ દેવોને પ્રાર્થના કરી

          "શું તારી ઝૂંપડી પર અક્રમણ થયું છે?" એના અવાજમાં બેચેની હતી.

          આક્રમણનો વિચાર એના માથામાં ઘૂમતો હતો. દીવાલની આ તરફ ભાગ્યે જ કોઈ આક્રમણ રાતે થતું. વિરાટ જ્યારે દસ વર્ષનો હતો ત્યારે અક્રમણ જોયુ હતું. એ એનાથી બે ઝૂંપડી દૂર એક ઝૂંપડી ઉપર થયું હતું. એ રતનગુરુની ઝૂંપડી પર થયું હતું.

          એ રાતે નિર્ભયની એક ટુકડી દીવાલની અંદર હતી, સ્ટેશનમાં નહીં પણ શેરીઓમાં.  એ રાત જુદી હતી.  એ રાતે દીવાલની આ તરફ સંચારબંધી હતી. દસ નિર્ભય સૈનિકોની એક ટુકડી મોટરસાઇકલ પર શેરીઓમાં ફરતી હતી. બધાના માથા પર હેલ્મેટ હતા એટલે એમના ચહેરા દેખાતા નહોતા. એ રાતે કોઈની બહાર નીકળવાની હિંમત નહોતી.

          રતનગુરુની ઝૂંપડી પર નિર્ભય સિપાહીઓએ હુમલો કર્યો ત્યારે બૂમોના અવાજ સાંભળીને વિરાટ અને એનો પરિવાર જાગી ગયા હતા. આસપાસ નજીકમાં જે ઝૂંપડીઓ હતી એ બધા જાગી ગયા હતા પણ કોઈનામાં બહાર જવાની હિંમત નહોતી કેમકે એ રાતે દીવાલની આ તરફ સંચારબંધી હતી. અનુજા અને નીરદ રાતના નિશાચરોના અવાજને સારી રીતે ઓળખતા હતા. નિર્ભય સિપાહીઓની મોટરોનો અવાજ બિલાડીના અવાજ જેવો નહોતો કે લોકો એ સાંભળ્યા પછી પણ સુઈ શકે. નીરદ અને અનુજા જાણતા હતા કે દીવાલની એમની તરફ દરેક ઝૂંપડીમાં શૂન્યો જાગતા હશે પણ કોઈનામાં ફાનસ સળગાવવાની જીગર નહોતી. જોકે અનુજાએ હિંમત કરીને ફાનસ સળગાવ્યું હતું અને એમણે ઝૂંપડીના એક છિદ્રમાંથી બહાર ડોકિયું કર્યું.

          એ દૃશ્ય ભયાનક હતું. નિર્ભય સિપાહીઓએ રતનગુરુ, એમની પત્ની અને એમના બે બાળકોને ઝૂંપડીમાંથી બહાર ખેંચી લાવ્યા હતા અને એ ચારેય બદનસીબ આત્માઓ ઘૂંટણ પર બેઠા હતા. એમના હાથ પીઠ પાછળ બાંધેલા હતા. અનુજાએ વિરાટને સ્મિત આપીને એને છાતી સરસો ચાંપી લીધો હતો. જયારે પણ વિરાટ કોઈ ખરાબ સ્વપ્નમાંથી જાગી જતો ત્યારે અનુજા એની સામે જોઈને એ મધુર સ્મિત વેરતી – એ હુંફાળું સ્મિત એને કહેતું કે બધું સારું જ થશે.

          પણ એ રાત જુદી હતી. વિરાટ એ ઉમરે પણ જાણતો હતો કે કંઈ જ સારું થવાનું નથી.

          એક નિર્ભય સિપાહીના હાથમાં એક પુસ્તક હતું, "બળવાખોર." એણે શીર્ષક વાંચ્યું અને રતનગુરુ તરફ જોયું, "તને આ પુસ્તક ક્યાંથી મળ્યું?"

          "હું સ્ટેશન આસપાસ ફરતો હતો ત્યારે મને એ મળ્યું હતું" રતનગુરુએ જવાબ આપ્યો.

          “પુસ્તક શેરીઓમાં નથી મળતા.” નિર્ભય સિપાહી ગુસ્સામાં બરાડ્યો, “અને આ પુસ્તક તો ન જ મળી શકે કેમકે દીવાલની ઉત્તરમાં પણ આ પુસ્તક પર પ્રતિબંધ છે.”

          "અને છતાં મને એ મળી ગયું." રતનગુરુનો જવાબ એ જ રહ્યો હતો.

          "સાંભળ, શુન્ય." નિર્ભય સિપાહીએ કહ્યું, “હું આ સાંભળવા માંગતો નથી. હું તારા બહાના સાંભળવા માંગતો નથી. તારી પાસે જે છે એ તારી પાસે ન હોવું જોઈએ."

          "આ શું છે?" રતનગુરુ પૂછ્યું.

          "એ ભગવાનનો વિરોધ કરતું પુસ્તક છે." નિર્ભય સિપાહીએ કહ્યું, "અને તું એ જાણે જ છે."

          “મને ખબર નથી.” રતનગુરુએ વિનંતી કરી, “મને હમણાં જ એ મળ્યું અને મને નવાઈ થઈ કે આ શું છે. મેં કરેલી એકમાત્ર ભૂલ આ શ્રાપિત પુસ્તકને જ્યાં પડ્યું હતું ત્યાંથી ઉપાડવાની છે."

          "તું ખોટું બોલે છે." નિર્ભય બોલ્યો, "તું કોના માટે કામ કરે છે? શું તું ધર્મસેના માટે કામ કરે છે?"

          રતનગુરુ મૌન રહ્યા પણ વિરાટે મોટરસાઈકલની લાઈટના ઉજાસમાં એમની આંખમાં સાચો જવાબ જોયો. એ જવાબ નિર્ભય સિપાહીએ પણ જોઈ લીધો હતો.

          “તું ગદ્દાર છે.” નિર્ભય સિપાહી બરાડ્યો, “તું ધર્મસેનાનો સાથ આપી રહ્યો છે. આ પુસ્તક દીવાલની પેલી તરફથી કોઈએ ચોર્યું છે. તું એમાંથી શીખીને તારા લોકોને બળવો કરવા માટે ભડકાવવા માંગે છે.” એ થોડીવાર થોભ્યો, "અને આવા ગુનાઓ માટે પાટનગર શું સજા નક્કી કરશે એ તું જાણતો જ હોઈશ."

          "હું જાણું છું પણ મેં કોઈ ગુનો કર્યો નથી." રતનગુરુ મક્કમ હતા, "મેં ભૂલથી એક પુસ્તક ઉપાડી લીધું છે જે મારે ન કરવું જોઈએ."

          "તેં જે કર્યું એ વિશ્વાસઘાત છે." નિર્ભય ફરી બરાડ્યો, "હું તને છેલ્લીવાર પૂછું છું - શું તું ધર્મસેના માટે કામ કરે છે?"

          "ના." રતનગુરુનો જવાબ ન બદલ્યો.

          નિર્ભય કશું બોલ્યો નહીં. એ રતનગુરુની પત્ની પાસે ગયો અને પોતાની લાંબી છરી એમના ગળા પર મૂકી. છરીની ધાર મોટરસાઇકલની હેડલાઈટોના ઉજાસમાં ભયાવહ લાગતી હતી.

          "શું હું એની સુંદર ગરદન કાપી નાખું એ પછી તું સાચું બોલીશ?" એણે રતનગુરુ તરફ જોયું, "હવે હું થોડા જ પ્રશ્નો પૂછીશ અને દરેક ખોટા જવાબ સાથે તારા પરિવારનો એક સભ્ય મૃત્યુ પામશે." નિર્ભય બોલ્યો, “તને આ પ્રતિબંધિત પુસ્તક કેવી રીતે મળ્યું? જ્યારે તું દીવાલની ઉત્તરમાં હતો ત્યારે તારી મદદ કોણે કરી?”

          "મારો જવાબ એ જ છે." રતનગુરુએ કહ્યું એ સાથે જ નિર્ભય સિપાહીએ એમની પત્નીના નરમ ગળામાં છરી ઊંડે સુધી દબાવી દીધી અને એની ગરદનમાંથી લોહીનો ફુવારો છુટ્યો. નિર્ભયે છરી હટાવી એ સાથે જ એમની પત્ની કુમળા છોડની જેમ રેતમાં ફસડાઈ પડ્યા. એ હવે દીવાલ આ પારના તમામ દુખોથી મુક્ત હતા. હવે એ પ્રલય પહેલાના દયાળુ દેવો પાસે જઈ રહ્યા હતા.

          "શુ તું વાંચી શકે છે?" નિર્ભય રતનગુરુના દીકરા સૂરજ પાસે ગયો અને પૂછ્યું, "અને જો તું ન વાંચી શકતો હોય તો તને કેવી રીતે ખબર પડી કે આ બળવાનું પુસ્તક છે?"

ક્રમશ: