Trikoniy Prem - 11 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | ત્રિકોણીય પ્રેમ - 11

Featured Books
Categories
Share

ત્રિકોણીય પ્રેમ - 11

ભાગ….૧૧

(સાન્યાના પપ્પા સાન્યાને બર્થ ડે ગીફટ આપે છે. એક ભિખારી ભીખ માંગતો આશ્રમ બાજુ પહોંચે છે. બધા તેને ફટકાર અને ધુત્કાર સાથે આશ્રમનો રસ્તો બતાવે છે. હવે આગળ....)

એ ભિખારી એ આશ્રમ તરફ ગયો અને આશ્રમમાં તે કોઈની રોકટોક વગર આગળ વધી ગયો. આશ્રમમાં ભિખારીને આમ તેમ ફરતો જોઈ એક શિષ્યે પૂછ્યું કે,

"હે ભકત આપ અહીં કેમ આમ ફરી રહ્યા છો? અહીં શું કરો છે અને કોનું કામ છે?"

ભિખારીએ ડરતાં ડરતાં કહ્યું કે,

"હું તો ખાવાનું શોધું છું, ખૂબ ભૂખ લાગી છે."

પેટ બતાવીને કહેવા લાગ્યો કે,

"કયારનો શોધી રહ્યો હતો કે કોઈ મને આપે અને આ પેટ ઠારે, પણ અહીં તો મને કોઈ મળી જ નથી રહ્યું."

"સારું ચાલ, હવે નીકળ અહીંથી, આ કંઈ ભિખારી માટે આશ્રમ નથી બનાવ્યો."

"આવું ના કરો, કંઈક ખાવા તો દો પછી હું જતો રહીશ. ખૂબ ભૂખ લાગી છે. બહુ બધી આશા સાથે આવ્યો છું, અને આશ્રમ તો દરેક માટે ખુલ્લો હોય ને?"

"હા, હવે બસ, બહુ ના બોલ. ચાલ તને અમારા મુખ્ય મહંત સાથે મળાવું છું."

એમ કહીને તે ચાલ્યા અને ચંપાનંદ પાસે ગયા અને બોલ્યા કે,

"ૐ શાંતિ ચંપાનંદ મહારાજ...."

"ૐ શાંતિ, કોઈ તકલીફ મુકતાનંદજી, સાધના બરાબર થાય છે ને?"

"ના બસ, બાપજીની સહાયથી સારું ભજન અને સાધના થાય છે. આ તો આ ભિખારી ખાવાનું માંગતો આશ્રમમાં ફરે છે, એટલે અહીં લઈને આવ્યો છું."

"હમમ... ૐ શાંતિ આપ પ્રસાદકક્ષમાં પ્રસાદ લેવા પધારો. હું એની સાથે વાત કરું છું."

મુકતાનંદ જતા રહે છે. ચંપાનંદ તે ભિખારીને ધ્યાનથી જોવે છે, પછી કહે છે કે,

"છે તો યુવાન, ચહેરા પર નૂર છે, તો પછી ભીખ કેમ?"

"શું કરું, પેટનો ખાડો પૂરવા કંઈક તો કરવું પડે છે, મહારાજ. અમારા જેવાનું કોણ બેલી, ખાલી અમારો ભગવાન..."

"ભગવાન બધું કરી આપે પણ મહેનત કરવી પડે ભાઈ, તો પછી કામ કેમ નથી કરતો, પછી ભીખ નહીં માંગવી પડી."

"કોઈ કામ નથી આપતું, પછી?..."

"તો એ માટે બધે ભીખ માંગતો ફરીશ, કોઈ કામ જ નહીં કરવાનું."

"હા... ના... ભીખ નહીં માગું, અને કામમાં તો તમે જે કહેશો તે કામ કરીશ."

ચંપાનંદ મહારાજ તેની સામે જોઈ રહ્યા હતાં તો તે,

"જુઓનેમને બધા જ કામ આવડે છે, જેવા કે પોતાં કરવાં, વાસીદુ વાળવા, સૌથી વધારે તો ભોજન બનાવતાં અને કોઈ... પણ કામ કરી શકીશ. મારી ખોલીમાં હું જ કામ કરું છું."

"અને કોઈને ઉલ્લૂ બનાવતાં પણ સરસ આવડે છે, નહીં?"

તો ભિખારી હસવા લાગ્યો કે,

"શું મહારાજ તમે પણ? મેં તમને ક્યારે ઉલ્લૂ બનાવ્યા?"

"અને બનાવે તો પછી મારે શું કરવાનું?"

"ના મહારાજ, મારે ઉપર જવાનું છે અને ભગવાનને મ્હોં બતાવવાનું છે. તમને ઉલ્લુ બનાવું તો નરકમાં જગ્યા પણ નહીં મળે."

"વાહ, જબરો પણ છે તું ભાઈ અને વાચાળ પણ! સારું જા, પ્રસાદકક્ષમાં પ્રસાદ આપશે."

કહીને ચિઠ્ઠી લખી આપી,

"અને હા, પ્રાસાદ લઈ પછી મને મળીને જજે."

"એ સારું મહારાજ, ભગવાન તમારું ભલું કરે."

પછી હસવાં લાગ્યો.

"ભગવાન તમારું નહીં મારું ભલું કરે..."

ભિખારીએ પ્રસાદકક્ષમાં જઈને ભોજન લેવા બેઠો, પણ ત્યાંના માણસે બબડતાં આપ્યું અને તે ભિખારીએ તેનું મનોરંજન કરીને વધારે ભોજન માંગીને ખાઈ પણ લીધું. ભોજન કર્યા બાદ તે ચંપાનંદ મહારાજ પાસે ગયો. ચંપાનંદ મહારાજે પૂછ્યું કે,

"અલ્યા, શું નામ તારું?"

"મહારાજ મને કોઈ ભિખારો કહે, આજુબાજુવાળા કાનો કહે અને મારી માં બાળપણમાં કનુ કહેતી હતી." તેને ઊભડક પગે બેસતાં કહ્યું.

"સારું તો કનુ, તને બધું જ કામ કરવાનું ફાવે છે. એ તો બરાબર, પણ કામ અહીં મળશે, એવું તને કોને કહ્યું."

"પેલી વિસામો પરવાળાએ અને સાહેબે.... મને બધું જ કામ ફાવશો, તમે એકવાર કામ આપી જુઓ."

"સારું, એક કામ કરવાનું છે. અહીં આવ, પણ કામ કોઈને કહેવાનું નહીં, સમજ્યો."

"હા મહારાજ..."

ચંપાનંદ ફોનમાં થી એક ફોટો બતાવીને કહ્યું કે,

"આ છોકરી પર ધ્યાન રાખવાનું છે અને જે હોય તે મને કહેવાનું અને યોગ્ય લાગે તો ફોટા પણ પાડીને મને મોકલવાનાં, બરાબર?"

"એ કામ તો બરાબર કરી દઈશ, પણ મને મહેનતાણું શું દેશો?"

ચંપાનંદ મહારાજે તેની સામે જોઈ રહ્યા અને કહ્યું કે,

"ભાઈ, તું તો જબરો છે. સારું ચાલ, બે સમયે જમવાના 200 અને વધારાના દિવસના 100 રૂપિયા. એમ થઈને દરરોજના 300 રૂપિયા આપીશ."

"આટલાં બધાં રૂપિયા, જન્મયા પછી પહેલી વાર જોઈશ,વાહ. પણ મારે તો ફક્ત આનું જ ધ્યાન રાખવાનું?"

"હા, તેને કોણ મળે છે, ક્યાં જાય છે, એ પણ આ ભિખારીને વેશમાં જ..."

"સારું, એ તો કરીશ જ અને કિડનેપ કરવી હોય તો પણ કહેજો."

"એ વધારે પડતું નહીં બોલવાનું, કહ્યું એટલું જ કરવાનું અને આ લે ફોન. દરરોજ રાતે મને અપડેટ આપજે, સમજ્યો. હું તને આના પર એડ્રેસ મોકલી દઈશ. અને હા, દસ દિવસ બાદ વધારાના પૈસા લઈ લેજે. આ લે હજાર રૂપિયા, જા હવે."

કંંઈક યાદ આવતાં પાછાં બોલ્યા કે,

"અને હા, પકડાય તો મારું નામ નહીં બોલવાનુ.'

"શું મહારાજ તમે પણ, ભિખારીને કોણ પકડે, ખાલી એ લોકો હપ્તા ઉઘરાવે. અરે યાદ આવ્યું, એ હપ્તાનાં હજાર રૂપિયા પણ આપજો."

"હા, હવે અલ્યા તું તો આંગળો આપીએ તો પહોંચો પકડે એવો છે. જા બરાબર કામ કરજે અને આંખ, કાન ખુલ્લા રાખજે. અને તારી જીભડી બંધ રાખજે."

ચંપાનંદ મહારાજે તેની વાચળતા પર હસતાં હસતાં કહ્યું.

"હા, મહારાજ..."

કનુ ત્યાંથી જતો રહ્યો. કનુ મોબાઈલ મેળવીને ખુશ થઈ ગયો અને ચાલી પર જઈ તેના મિત્રોને બતાવવા લાગ્યો. તેના એક મિત્ર,

"એ કાના આવો મોબાઈલ મને પણ કોઈ આપે તેવું કામ અપાવને. મારી કમલી આવો મોબાઈલ જોઈ ખુશ થઈ જશે."

"એમ નહીં કહેતો કે મારે વટ પાડવશો કમલી પર?"

"સમજી જા ને, નક્કી કર્યુંશે પછી?..."

"પણ જો ભાઈ આવા મોટા મોટા કામ હાલ ના મળે એ તો મોટી ઓળખાણવાળા ને જ મળે, પણ જો તારે જમવું હોય તો મને મળેલા જમવાના પૈસામાં થઈ તને જમાડીશ."

"સાચે જ, તું તો મારો સાચો દોસ્ત છે."

કનુએ ચંપાનંદ મહારાજે મોકલેલો એડ્રેસ પર જઈને ઊભો રહ્યો અને તેના ઘર આગળ ભીખ માંગવવા લાગ્યો. કનુ સાન્યા અને તેના પપ્પા પર બરાબર વોચ રાખી રહ્યો હતો. તે શું કરે છે, ક્યાં જાય છે, વિગેરે... વિગેરે...

સાન્યા જેવી ઓફિસ જવા નીકળે તો તેની પાછળ સાયકલ લઈને પહોંચી જતો. કનુ આખો દિવસ સાન્યા પર ધ્યાન રાખતો. તે પલ્લવસાથે ક્યાં જાય છે, તે પણ જોતો. એ બધું ચંપાનંદ મહારાજને જણાવ્યું અને તેમના કહ્યા મુજબ પલ્લવની, સાન્યાના પપ્પાની દિનચર્યા બરાબર લખી લીધી. આ બધી જ વાતો દરરોજ તે ચંપાનંદને અપડેટ કરતો.

દસેક દિવસ આમ ચાલ્યું. આટલાં દિવસમાં કંઈ જ વાંધાજનક મળી નહોતું રહ્યું એટલે કનુ ઉબકી ગયો કે,

'કેવું કામ આપ્યું છે, આ મહારાજે. ખાલી બેસી રહેવાનું છતાં પૈસાના માટે કરવું પડે છે."

દસેક દિવસ બાદ સાન્યા ડિનરની તૈયારી કરીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવી રહી હતી. ત્યાં જ આઈપીએસ અશ્વિન સિંહ તેમને મળવા આવ્યા.

(ચંપાનંદ મહારાજ સાન્યા પર કેમ વોચ રાખી રહ્યા છે? જે માટે કનુને ગોઠવ્યો તે મળશે? અશ્વિન સર કેમ મળવા આવ્યા? કયાંક ચંપાનંદ મહારાજની શંકા સાચી છે કે પછી?

જાણવા માટે વાંચો આગળનો ભાગ. ભાગ... 12)