Pranay Parinay - 13 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 13

The Author
Featured Books
Categories
Share

પ્રણય પરિણય - ભાગ 13

સમાઈરાના મનસૂબા પર રઘુ અને વિક્રમે પાણી ફેરવી દીધું એટલે સમાઈરા ગુસ્સે તો બહુ થઇ પણ એ ગુસ્સો તે કોઈના પર ઉતારી શકે તેમ નહોતી.

બે દિવસ પછી સમાઈરા અમેરીકા માટે નીકળી ગઈ અને વિવાને છુટકારાનો શ્વાસ લીધો


**


પ્રણય પરિણય ભાગ ૧૩


સમાઈરા અમેરિકા જવા નીકળી ગઈ અને બીજા દિવસે વિવાન ચાર દિવસની બિઝનેસ ટ્રીપ માટે ચેન્નઈ જવા નીકળ્યો.

કાવ્યા માટે મોકળું મેદાન હતું. તેને હવે કોઈની બીક નહોતી.

અગાઉથી નક્કી થયા પ્રમાણે કાવ્યા આજે મલ્હારે આપેલા એડ્રેસ પર એબોર્શન કરાવવા માટે જવાની હતી.


'ફઈ.. હું મારા ફ્રેન્ડ જોડે બહાર જાઉં છું.. મારે આવતા મોડું થશે..' કાવ્યાએ વૈભવી ફઈને કહ્યુ.


'બેટા આજે બા અને ભાઈ આવવાના છે, વિવાન પણ નથી.. બા આવતાં જ તમારા વિશે પૂછશે.. એટલે તું જલ્દી આવવાની ટ્રાઈ કરજે.' વૈભવી ફઈ બોલ્યા.


'શું..? દાદી અને ડેડ આજે આવે છે?' કાવ્યાએ વિમાસણથી પૂછ્યું.


'હાં, સવારે જ એમનો ફોન આવ્યો હતો.'


'ઠીક છે હું કોશિશ કરીશ જલ્દી આવવાની, પણ જમવામાં મારી રાહ નહીં જોતા. અમે લોકો બહાર જમવાના છીએ.'


'ઓકે બેટા, જલ્દી આવજે..'


જતી વખતે કાવ્યા વૈભવી ફઈને જોરથી ભેટી પડી. વૈભવીને થોડી નવાઈ લાગી પણ એણે વિચાર્યુ કે સમાઈરા કે વિવાન કોઈ નથી એટલે કદાચ તેને એની કમી લાગતી હશે.


કારમાં બેસતાં જ કાવ્યાએ મલ્હારને ફોન કરીને પોતે નીકળી ગઈ છે એમ જણાવ્યું, અને કાર મારી મૂકી.

શહેરની બહાર એક ગોડાઉન જેવી જગ્યાનું એ એડ્રેસ હતું. આજુબાજુમાં પણ એવા જ ખખડધજ મકાનો હતાં. સાવ વિરાન વિસ્તાર હતો, દૂર દૂર સુધી ક્યાંય માણસ દેખાતો નહોતો.

કાવ્યા એ એડ્રેસ પર પહોંચી. મલ્હારે તેને ગળે લગાવી.


'આ કેવી હોસ્પિટલ છે?' કાવ્યાએ પૂછ્યું.


'આ હોસ્પિટલ નથી બેબી.. આપણું ગોડાઉન છે. અહીં જ એબોર્શન થશે.' મલ્હાર બોલ્યો.


'અહીં?' કાવ્યાએ આશ્ચર્ય વ્યક્ત કર્યુ.


'હાં ડિયર, આ જગ્યા આપણાં માટે સેફ છે, જો આપણે કોઇ હોસ્પિટલમાં જઈએ તો કોઈ ઓળખી જાય. આગળ જતાં આપણને તકલીફ પડે.' મલ્હાર કાવ્યાને સમજાવતા બોલ્યો.

કાવ્યાને એ જગ્યા બરાબર લાગતી નહોતી.


'પણ મને ખૂબ અજીબ લાગે છે.' કાવ્યા બોલી.


'જગ્યા જોઈને તુ જરાય નર્વસ નહીં થા બેબી.. ખૂબ ટેલેન્ટેડ ડોક્ટર બોલાવી છે મેં. તને કોઇ તકલીફ નહીં થાય. તું ટેન્શન નહીં લે.' મલ્હારે કાવ્યાને ધરપત આપી.


'અને તેં કીધું હતું કે એબોર્શન પછી તરતજ આપણે લગ્ન કરી લઇશું?' કાવ્યાએ મલ્હારને એનું વચન યાદ અપાવ્યું.


'હાં બેબી.. મને યાદ છે, ઈન ફેક્ટ મેં તો વકીલ અને રજીસ્ટ્રારને પણ બોલાવી રાખ્યા છે. એ લોકો અંદર જ છે.' મલ્હાર એમ કહીને કાવ્યાને અંદર લઇ ગયો.


'મારી તો ઈચ્છા છે કે એબોર્શન કરાવવા પહેલા જ આપણે લગ્ન કરી લઇએ.' મલ્હાર કાવ્યાને રજીસ્ટ્રાર પાસે લઇ જઇને બોલ્યો.


'સાચ્ચે..!' કાવ્યા ખૂશ થતા બોલી.


'હા.. ચલ પહેલા લગ્ન કરી લઇએ.' મલ્હારે કહ્યું.


વકીલે અગાઉથી તૈયાર કરી રાખેલા પેપર્સ પર પહેલાં મલ્હારે સહી કરી. લાગણીના આવેશમાં કાવ્યાએ પેપર્સ વાંચવાની તસ્દી ના લીધી અને કાગળ પર જ્યાં જ્યાં નિશાની કરી હતી ત્યાં ત્યાં કાવ્યાએ પણ સહી કરી. પછી બંને જણાએ એક બીજાને હાર પહેરાવ્યા.


કાવ્યાની મનઃસ્થિતિ ડહોળાયેલી હતી. એક તરફ જેને પ્રેમ કર્યો હતો એની સાથે જ પરણવાની ખુશી હતી. તો બીજી તરફ એ જ પ્રેમની નિશાનીને મિટાવવા જઈ રહી હતી. એના લગ્ન જે સંજોગોમાં થઇ રહ્યા હતાં તેનું પણ એને દુઃખ થઈ રહ્યું હતું. કેટકેટલાં સપના જોયા હતા એણે પોતાના લગ્નનાં.

હજારો લોકોની વચ્ચે ધામધૂમથી લગ્ન થાય એટલા માટે મલ્હારને પોતાના પરિવારની બરોબરી પર લાવવા એણે પોતાના ભાઈ સાથે દગો કર્યો. પણ છેવટે આજે ચોરીછૂપીથી ખંડિયર જેવી જગ્યાએ મિત્રો, પરિવારની ગેરહાજરીમાં એ પરણી રહી હતી.


લગ્નના પેપર્સ પર વકીલ અને રજીસસ્ટ્રારે જ સાક્ષી તરીકે સહીઓ કરી.


'હવે તો ખુશને?' મલ્હારે કાવ્યાને ભેટતાં કહ્યુ.


'હંમ્.. આઈ લવ યૂ.' કાવ્યા મલ્હારનાં કાન પાસે બોલી.


'આઈ લવ યૂ ટૂ.' મલ્હાર બોલ્યો.

કાવ્યાએ એક ઉંડો શ્વાસ લીધો અને એ અંદરની રૂમમાં ગઈ. ત્યાં એક લેડી ડોક્ટર અને એક નર્સ હતી. ડોક્ટરે ગ્રીન કલરનો ગાઉન, માથે સર્જિકલ કેપ, મોઢા પર માસ્ક અને હાથમાં ગ્લોઝ પહેર્યા હતાં. તેને જોઇને કાવ્યાનું હૃદય ધકધક થવા લાગ્યું.


'ડોન્ટ વરી મે'મ, કંઇ નહીં થાય, અડધા કલાકમાં તમે મોકળા થઇ જશો.' ડોક્ટર બોલી.


કાવ્યાએ માથું હલાવીને હાં કહ્યુ. અને આંખો બંધ કરીને પેટ પર હાથ ફેરવ્યો.


'આઈ એમ સોરી બેબી..' એમ મનમાં બોલીને એક ઉંડો શ્વાસ લઈને તેણે આંખો ખોલી. પછી ચેઈન્જ કરીને એ ટેબલ પર સૂતી.

કાવ્યાને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવ્યો અને ડોક્ટરે એનુ કામ શરુ કર્યું. કાવ્યાની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું.

પ્રેમને પામવા માટે એ માતૃત્વનું બલિદાન દઈ રહી હતી. હૃદયમાં એની વેદના થઈ રહી હતી.


એબોર્શન થઇ ગયું. પણ કાવ્યાને સિડેટિવ્સ આપી હોવાથી બે કલાક સુધી એ સૂતી રહી.

મલ્હારે તેના માટે એક મેસેજ ટાઈપ કરીને સેન્ડ કર્યો અને એ ત્યાંથી નીકળી ગયો.


જ્યારે કાવ્યાની નીંદર ખૂલી ત્યારે ત્યાં ફક્ત પેલી નર્સ જ હતી. કાવ્યાએ ઉભી થવાનો પ્રયત્ન કર્યો, નર્સે તેને ઉભી થવામાં મદદ કરી.


'મલ્હાર ક્યાં છે?' કાવ્યાએ આજુબાજુ જોતા પ્રશ્ન કર્યો.


'તમારૂ એબોર્શન થઈ ગયું કે તરતજ એ નીકળી ગયા. તમને સિડેટિવ્સ આપ્યા હતા એથી તમે બે કલાક સૂઈ રહ્યા એટલે તમને ખબર નથી.' નર્સે કહ્યુ.


'મારો મોબાઈલ ક્યાં?' કાવ્યા આજુબાજુ પોતાનો મોબાઈલ શોધતા બોલી.


'અહીં જ છે.' કહીને નર્સે કાવ્યાનુ પર્સ અને મોબાઈલ આપ્યા.

કાવ્યાએ મોબાઈલ અનલોક કર્યો, મલ્હારનો મેસેજ દેખાયો. તેણે મેસેજ ખોલ્યો.


'ડિયર કાવ્યા, મારે એક અરજન્ટ કામ આવી પડ્યું છે એટલે હું જઈ રહ્યો છું. તારા પર્સમાં મે આપણાં લગ્નના પેપર્સ મૂક્યા છે. તું અત્યારે નિશ્ચિંત થઈને ઘરે જા અને થોડા દિવસ આરામ કર. તને રિકવરી આવી જાય પછી સન્માન પુર્વક તને લેવા માટે હું તારા ઘરે આવીશ.

બાય એન્ડ ટેક કેર..'


કાવ્યાએ મેસેજ વાંચીને તરત એને ફોન લગાવ્યો પણ મલ્હારનો ફોન સ્વીચ ઓફ હતો.

કાવ્યાએ કપડાં ચેઇન્જ કર્યા અને ત્યાંથી નીકળી.


તેને ઘણી વીકનેસ લાગતી હોવાથી આજની રાત તેની ફ્રેન્ડ આરોહીના ઘરે રોકાઈ જવાનું નક્કી કર્યું અને એ મતલબનો મેસેજ વૈભવી ફઈને કરી દીધો.


**


'વિવાન... કાવ્યા.. ' દાદીમાં સાદ પાડતાં બંગલામાં દાખલ થયાં.


'માં.. ' વૈભવી એને ભેટતા બોલી.


'વિવાન ક્યાં છે?' દાદીએ પૂછ્યું.


'માં, એ બે દિવસથી ચેન્નઈ ગયો છે.


'અને કાવ્યા..? એ ક્યા છે?'


'કાવ્યા એના કામથી બહાર ગઈ છે. તેનુ કામ પત્યુ નથી એટલે તેની ફ્રેન્ડના ઘરે રોકાવાની છે.'


'મને તો એમ હતું કે ઘરમાં આવતા જ છોકરાંવ મળશે.' દાદી નિરાશ થઇને બોલ્યા.


'કાવ્યા કાલે આવી જશે માં, અને વિવાન બે દિવસમાં..' વૈભવીએ કહ્યું.


'કેમ છે વૈભવી..?' કૃષ્ણકાંત અંદર આવતા બોલ્યા.


'મજામાં ભાઈ, પણ તમે લોકો નહોતા એટલે ગમતું નહોતું.' વૈભવી બોલી.


'સમાઈરા આવી હતીને? ક્યાં છે એ?' કૃષ્ણકાંતે પૂછ્યું.


'અરે એ તો ચલી પણ ગઈ.. તમને મળી ના શકાયું એટલે નિરાશ પણ બહું થઈ.' વૈભવીએ કહ્યું.


'અરે! તો એને ગામડે મોકલવી જોઈએ ને..' દાદી બોલ્યા.


'માં તને તો ખબર છે ને કે એ વિવાનને છોડીને ક્યાંય જાય એમ છે?' વૈભવી બોલી.


'હા! એ પણ છે..' દાદી બોલી.


'અચ્છા તમે ફ્રેશ થઈ જાવ પછી આપણે ચા નાસ્તો કરીએ' વૈભવીએ કહ્યું.


**


કાવ્યા એ રાત આરોહીના ઘરે જ રોકાઈ ગઈ.

તેણે મલ્હારને ઘણી વાર ફોન લગાવ્યો પણ મલ્હારનો ફોન સળંગ બંધ જ આવી રહ્યો હતો.

એબોર્શન પછી મલ્હારે એક પણ વાર ના ફોન કર્યો કે ના તો મેસેજ.


બીજા દિવસે સવારે એ ઘરે આવી. આજે કાવ્યાને કાલ કરતાં ઘણું સારું લાગી રહ્યું હતું.

દાદી, વૈભવી ફઈ અને કૃષ્ણકાંત સોફા પર બેસીને ગપ્પા લડાવી રહ્યાં હતાં.

પપ્પાને જોઈને કાવ્યાનુ હૃદય ભરાઈ આવ્યું.


'ડેડ..' કહીને કાવ્યા કૃષ્ણકાંતને ગળે વળગી ગઈ.


'આવી મારી દીકરી.. ક્યાં હતી બેટા.. કાલનો રાહ જોઉં છું તારી દિકરા..' કૃષ્ણકાંત કાવ્યાની પીઠ પર થપકી મારતાં બોલ્યાં.


કાવ્યા હીબકાં ભરતી રડી રહી હતી.


'શું થયું બેટાં..?' દાદી કાવ્યાના માથે સાથ ફેરવતાં બોલ્યાં.


કાવ્યાના મનમાં તો ઘણો વલોપાત હતો.. એના મન-હૃદય પર ઉઝરડા પડ્યા હતા.. એને કોઈનો ખભો જોઈતો હતો.. ખાલી થવું હતું એને.. પણ એવું થઇ શકે તેમ હતું નહીં. ઘણાં સમયે બાપનો હાથ એની પીઠ પર ફર્યો અને આંસુઓનો બંધ તૂટી ગયો.


'મને તમારી ખૂબ યાદ આવતી હતી, આવી રીતે મને છોડીને નહીં જતા હવે ક્યારેય.' કાવ્યા રડતાં રડતાં દાદીને ભેટીને બોલી.


'અરે બેટા! અમે કંઈ પહેલીવાર થોડા ગયા હતા.. અમારુ તો આવવા જવાનું ચાલુ જ હોય છે ને!' દાદીએ કહ્યુ.


'કાવ્યા.. કંઈ થયું છે કે બેટા?' કૃષ્ણકાંતે કાવ્યાનો રૂની પુણી જેવો સફેદ પડી ગયેલો ચહેરો જોઈને ચિંતાથી પૂછ્યું.


'કંઇ નહીં ડેડ, તમને જોયા એટલે હૃદય ભરાઈ આવ્યું.' કાવ્યા આંખો લૂછતા બોલી.


'શ્યોર?' કૃષ્ણકાંત બોલ્યા.


'યસ ડેડ' કાવ્યાએ કહ્યું.


'કાવ્યા દીકરી.. તારી તબિયત ઠીક નથી કે? તારો ચહેરો સાવ સૂકાઈ ગયો છે..' દાદીએ કાવ્યાને નીરખીને જોતાં પૂછ્યું. એથી કાવ્યા થોડી ખચકાઈ.


'હાં માં, છેલ્લા થોડા દિવસોથી એને ચક્કર આવે છે અને ઉલટી જેવું થાય છે. એ જ બહારનું જે તે ખાવાનું અને રાતના મોડે સુધી જાગવાનું.. એમા પિત્તવાયુ જેવું થઈ ગયું છે.' વૈભવી ફઈ બોલ્યા.


'કાવ્યા તબિયતનું ધ્યાન રાખ બેટા.' દાદીએ કહ્યુ.


'હાં, બા.. હવેથી બહારનું કંઈ ખાવુ જ નથી.' કાવ્યાએ કહ્યું.


'ડોક્ટર પાસે જઈ આવી કે ઘરે બોલાવું?' કૃષ્ણકાંતે કહ્યું. કાવ્યા ગભરાઈ.


'ના ડેડ.. એતો કાલે આરોહીના ઘરે આખી રાત જાગીને ગપ્પા માર્યાને એટલે.. થોડી વાર આરામ કરી લઇશ તો બધુ સરખું થઇ જશે.. તમે ચિંતા નહીં કરો.' કાવ્યા બોલી.


'ઠીક છે, જા બેટા આરામ કર.' કૃષ્ણકાંતે કહ્યું.


'હાં ડેડ.' કહીને કાવ્યા પોતાના રૂમમાં ગઈ.


'કાવ્યા જરા અશક્ત હોય તેમ નથી લાગતું તને?' દાદીએ કૃષ્ણકાંતને પૂછ્યું.


'હં..! મને પણ એવું લાગ્યું, કંઈ ટેન્શનમાં હોય તેમ લાગે છે. નિરાંતે પૂછી લઇશ એને.' કૃષ્ણકાંત કંઇક વિચાર કરતાં બોલ્યા.


**

ગઝલ પોપકોર્ન ખાતા ખાતા એની રૂમમાં ટીવી સીરીઝ જોઈ રહી હતી. બાજુમાં તેનો ફોન વાગી રહ્યો હતો. ટીવી જોતા જોતા જ એણે ફોન ઉપાડ્યો.


'હેલ્લો..' ગઝલ બોલી.


'હેલ્લો..' મલ્હાર સિડ્યુસિવ અવાજે બોલ્યો.


'કોણ બોલો છો?' તેનું પુરુ ધ્યાન ટીવીમાંજ હતું.


'મલ્હાર બોલુ છું.'


'કોણ મલ્હાર?' એ એમજ બોલી ગઈ.


'તારો ગુલામ.. મલ્હાર રાઠોડ બોલુ છું.' મલ્હાર એકદમ રોમેન્ટિક અવાજમાં બોલ્યો.


મલ્હાર રાઠોડ નામ સાંભળતા જ ગઝલ સફાળા ઉભી થઇ એના હાથમાંથી બધા પોપકોર્ન નીચે ઢોળાઈ ગયા.


'મલ્હાર.. અં.. ઓહ, મલ્હાર..?' ગઝલ થોથરાતા બોલી.


'યસ મલ્હાર..' મલ્હાર હસીને બોલ્યો.


'અં.. એ.. એેક મિનીટ હં..' ગઝલએ રિમોટ શોધીને ટીવીનો અવાજ ધીમો કર્યો.


'હાં મલ્હાર બોલ.' ગઝલ વ્યવસ્થિત થઇને બેસતાં બોલી.


'મારી સાથે નાઇટ ક્લબમાં આવીશ?' મલ્હારે પૂછ્યું.


'આજે?'


'હાં આજે.. કેમ તારો કંઇ બીજો પ્લાન છે કે?'


ના.. રે.. હું તો બેઠી બેઠી નેટફ્લિક્સ પર ફ્રેન્ડઝ સીરીઝ જોઈ રહી હતી.


'વ્હોટ..? ફ્રેન્ડઝ..? એ તો સ્કૂલમાં જતી છોકરીઓ જુએ યાર..' મલ્હાર મશ્કરીમાં હસતાં બોલ્યો.


'એમાં શું… મને ગમે છે એ સીરીઝ..' ગઝલ બોલી.


'પણ.. ફ્રેન્ડઝ..?' મલ્હારને હજુ માનવામાં નહોતુ આવતું.


'હમ્મ..' ગઝલને તો એમાં કશું નવાઈ જેવું નહોતું લાગતું.


'અચ્છા..ઓકે.' મલ્હારને ગઝલની નાદાની પર હસવું આવી રહ્યું હતું.


'હં.. તો શું કહે છે? તું આવીશ?' મલ્હારે પૂછ્યું.


'અં.. મારે ઘરે પૂછવું પડશે.. ભાભી હા પાડશે તો આવીશ.' ગઝલએ કહ્યું.


'ઓકે, તો પૂછીને મને ફોન કર. હું તને પીક અપ કરીશ.' મલ્હાર બોલ્યો.


'હાં.. ઓકે..' ગઝલ ખુશ થતાં બોલી.


ફોન કટ કરીને તરત જ ગઝલ કૃપાને પુછવા એની રૂમમાં ગઈ.


'ભાભી..' ગઝલ રૂમમાં જતાં બોલી.


'હાં બોલ.' કૃપા બોલી.


'હું આજે નાઇટ ક્લબમાં જાવ?' ગઝલએ પૂછ્યું.


'હમણાં જ તો ગઈ હતીને?' કૃપાએ કહ્યુ.


'હા, પણ આજે ફરી જવું છે..' ગઝલ બોલી.


'કોના જોડે જવું છે?' કૃપાએ પૂછ્યું.


'ફ્રેન્ડસ્ સાથે.' ગઝલ બોલી.


'નીશ્કા પણ આવે છે કે?' કૃપાએ કહ્યું.


'હં.. હા.. એક્ચ્યુઅલી નીશ્કાએ જ પ્લાન બનાવ્યો છે, એ કાલે જતી રહેવાની છેને એટલે.' ગઝલ વાતને ગોઠવતા બોલી.


'ઠીક છે.. જા.. પણ ઘરે જલ્દી આવી જજે દસ પહેલા.. હું ડ્રાઈવરને કહી દઉં છું.' કૃપા પરમીશન આપતાં બોલી.


'હાં, ઓકે..' બોલીને ગઝલ અટકી પછી પૂછ્યું: 'ભાભી, હું શોલ્ડર લેસ ગાઉન પહેરૂ?'


'હા પહેર.' કૃપાએ કહ્યું.


'યસ, યસ.. થેન્ક યૂ.. ભાભી.. આઈ લવ યૂ..' ગઝલ કૃપાને ભેટતાં બોલી.


'અરે અરે! હાં હવે..! સંભાળીને જા અને તારુ ધ્યાન રાખજે.' કૃપા હસીને બોલી.


'હા.. એન્ડ ડોન્ટ વરી, આઈ વીલ બી બેક બીફોર ટેન.' ગઝલ બોલી.


'ઠીક છે.' કૃપાએ કહ્યું.


ગઝલએ તરતજ મલ્હારને ફોન કર્યો અને તેને પીક અપ કરવાની જરૂર નથી, તે પોતાની કારમાં આવી જશે એમ કહ્યું.


ગઝલ એકદમ સરસ તૈયાર થઈ. આજે પણ મલ્હારે ગઝલને મૂનલાઈટમાં જ બોલાવી હતી.


ગઝલ નાઈટ ક્લબ પહોંચી. મલ્હાર બહાર જ એની રાહ જોઈને ઉભો હતો.


'કાકા તમે ગાડી પાર્કિંગમાં લઈ જાવ, નીકળવાનું હશે ત્યારે હું ફોન કરીશ ઓકે?' ગઝલએ ડ્રાઈવરને કહ્યુ અને એ કારમાંથી નીચે ઉતરી


'ઓકે બેન.. ' કહીને ડ્રાઈવર ગાડી પાર્કિંગમાં લઈ ગયો.


ગઝલ મૂનલાઈટનાં પગથિયાં ચઢી. મલ્હાર ત્યાં ઉભો હતો.


'હાય..' મલ્હારે પોતાના હાથ ફેલાવ્યા.


'હાય..' કહીને ગઝલ એને ભેટી.


'યૂ આર લુકિંગ બ્યુટીફૂલ ઈન ધિસ..' મલ્હારે તેના વખાણ કર્યાં.


'થેન્કસ.' ગઝલ બોલી.


'જઈએ..?' મલ્હારે અંદર જવાના રસ્તા તરફ હાથ બતાવતા કહ્યું.


'શ્યોર..' ગઝલ મલ્હારના હાથમાં હાથ નાખીને અંદર ગઈ.


'હેલ્લો ફ્રેન્ડઝ્.. મિટ માય ફ્રેન્ડ ગઝલ..

એન્ડ ગઝલ આ બધા મારા ફ્રેન્ડ્ઝ..' મલ્હારે બધા સાથે ગઝલની ઓળખાણ કરાવી.

ગઝલ એ બધા જોડે સરસ હળીમળી ગઈ. તેઓએ મસ્ત ડાન્સ કર્યો અને ખુબ એન્જોય કર્યું.

મલ્હાર આજે ગઝલને ખૂબ સ્પેશિયલ ફીલ કરાવી રહ્યો હતો. ગઝલ ભરપુર આનંદ માણી રહી હતી.


કાવ્યાની ફ્રેન્ડ આરોહી ક્લબમાં આજે હતી. તેણે

મલ્હારને ગઝલ સાથે નાચતો જોયો પણ આરોહીને એમ લાગ્યું કે એ મલ્હારના ફ્રેન્ડ સર્કલમાંથી જ કોઈ હશે એટલે તેણે ઇગ્નોર કર્યું.


દસ વાગવા આવ્યા એટલે ગઝલએ ઘરે જવા માટે કહ્યું. મલ્હાર તેને બહાર સુધી મૂકવા આવ્યો. ગઝલએ ડ્રાઈવરને ફોન કરીને બોલાવ્યો.


'થેન્કસ્ ફોર કમિંગ..' મલ્હારે ગઝલને કહ્યું.


'મને પણ અહીં આવીને ખૂબ મજા આવી.' ગઝલ બોલી.


'તને ગમ્યું હોય તો આપણે રોજ મળતા રહેશુ. શું કહે છે! બરાબરને?' મલ્હારે ગઝલને રોમાન્ટિક સ્વરે કહ્યું.


'હાં.' ગઝલએ જવાબ આપ્યો. ત્યાં ડ્રાઈવર કાર લઈને આવ્યો.


'ઓકે ધેન બાય.. ગુડ નાઈટ.' ગઝલએ કહ્યું.


'બાય ગુડ નાઈટ.. હું મેસેજ કરીશ.'


'યા, ઓકે.' એમ કહીને ગઝલ કારમાં બેસીને નીકળી ગઈ.


મલ્હાર પાછો અંદર આવ્યો. ગઝલ હતી ત્યાં સુધી એ પરાણે કંટ્રોલમાં રહ્યો. હવે એણે મિત્રો ગાંજા વાળી સિગરેટ સળગાવી.


'મલ્હાર.. આ ગઝલ તો સાવ સીધી સરળ છોકરી છે.. તું એને પણ યૂઝ કરે છે?' મલ્હારનો દોસ્ત મોન્ટી બોલ્યો.


'અરે નહી રે.. એ તો પરફેક્ટ મેરેજ મટીરીયલ છે. સીધી છે, ભોળી છે અને મારા કહ્યામાં રહે એવી છે. એટલે જ મારે તેની સાથે લગ્ન કરવા છે. કારણ કે હું મારું આ મોજ મસ્તી કરવાનું છોડી શકુ તેમ નથી. એટલે મારે ઘરમાં એવી ટિપીકલ બાઈડી જોઈએ કે જે રૂપાળી હોય.. સીધી, સરળ અને સંસ્કારી હોય. મારી બાઈડીને મારા પર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.. મને પતિ પરમેશ્વર ગણીને મારી પૂજા કરવી જોઈએ.. તેને મારા પર આંધળો વિશ્વાસ હોવો જોઇએ. હું જે બોલું એને પોતાનું કર્તવ્ય સમજીને એનું પાલન કરવી જોઈએ. તેના પર મારો ફૂલ કંટ્રોલ રહેવો જોઇએ અને તે મારા ઘરને ઉજળું કરી દેખાડે એવી હોવી જોઇએ. ગઝલમાં એ બધાજ ગુણ છે એટલે હું તેની સાથે લગ્ન કરીશ.' મલ્હાર છાતી કાઢીને બોલ્યો.


'અરે વાહ તારું તો બધુ સેટ છે યાર.. પહેલા બિઝનેસ અને હવે આટલી સુંદર બાઈડી..' મોન્ટી મોઢામાંથી લાળ પાડતાં બોલ્યો.


મારું બધું પ્લાન કરેલું જ હોય છે. એક વાર મારા લગ્ન ગઝલ સાથે થઈ જાય પછી જો મારો બિઝનેસ હજુ વધશે. મલ્હાર ગાંજા વાળી સિગરેટનો લાંબો કશ ભરીને બોલ્યો.


'એ કેવી રીતે?' મોન્ટીએ પૂછ્યું.


'ગઝલ મિહિર કાપડિયાની બહેન છે.. એને કોઈ સંતાન નથી એટલે બધો વારસો ગઝલને જ મળશે.. અને ગઝલ દ્વારા મને..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.


'અરે વાહ ગ્રેટ..' મોન્ટી એને તાળી આપતાં બોલ્યો. અને એ લોકોએ ગાંજા વાળી સિગરેટ પૂરી કરી.


.

.

ક્રમશઃ

.

.


પ્રિય વાચક મિત્રો, તમારા પ્રતિભાવ અને કોમેન્ટ્સ નવલકથાને આગળ વધારવાનો મારો ઉત્સાહ ટકાવી રાખે છે. તમારા પ્રતિભાવો મારી આળસ ખંખેરીને મને મારા લખવાના ટેબલ સુધી ખેંચી લાવે છે, એટલે દિલ ખોલીને તમારા અમૂલ્ય પ્રતિભાવો આપવા વિનંતી. ❤ ❤