Bhinjawali-Ek Vyatha prem ni - 1 in Gujarati Horror Stories by THE MEHUL VADHAVANA books and stories PDF | ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 1

Featured Books
Categories
Share

ભીંજાવલી-એક વ્યથા પ્રેમની - ભાગ 1

આ વાર્તા પ્રેમ, રહસ્ય, રોમાંચ અને ભૂતકાળને વાગોળતી ડરાવની વાર્તા છે..જેના તમામ પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ અન્ય વાર્તાઓ સાથે કોઈ લેવાદેવા નથી મને આશા છે આપ સૌ વાંચકમિત્રોને મારી નવી વાર્તા પસંદ આવશે..તો ચાલો આપણે ભીંજવલીના ડરાવનો સફર શરૂ કરીએ..

■■■■ભીંજાવલી■■■■

એક વ્યથા પ્રેમની ભાગ-૧
-મેહુલ વઢવાણા (માધવ)
------------------------------------------------------------------------

રોજની જેમ આજે પણ વિનીત લાઈબ્રેરી જવા માટે પોતાનું ખખડેલ સ્કૂટર લઈને ઘરેથી નીકળ્યો, ઓહઃ પણ આજે રોજ કરતા થોડું વધુ મોડું થઈ ગયું છે. લાઈબ્રેરી તો રાતના 9 વાગે બંધ થઈ જાય છે અને વિનીતને પુસ્તકો વાંચવાનો એટલો શોખ કે આખો દિવસ પણ ઓછો પડે, પણ સાંજે 6 વાગે નોકરીએથી છૂટીને સીધો રોજ આવીજ રીતે વિનીત ૭ વાગે લાઈબ્રેરી પહોંચી જતો, પણ આજે 8 વાગવા આવી ગયા એક કલાકમાં તો કેટલું વાંચી શકશે ? પણ છતાંય લાઈબ્રેરી પહોંચી ગયો.. વિનીત લાઈબ્રેરીની અંદર જાય છે પણ રોજની જેમ એન્ટ્રી આપવાવાળા ટોની અંકલ આજે ક્યાંય દેખાતા નહતા, એટલે એન્ટ્રી વગર જ સમય બચાવીને વિનીત અંદર વાંચવા જતો રહે છે, ફટાફટ કાલની અધૂરી રહેલી પુસ્તક લે છે અને પોતાની રોજીંદી મનપસંદ જગ્યા પર બેસી જાય છે અને ફટાફટ વાંચવાનું શરૂ કરી દે છે...
સમય વીતવા લાગે છે આખા ખંડમાં વિનીત એકલો બેઠો હોય છે બહાર ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ચૂક્યો હોય છે અને અચાનક એક જોરદાર વીજળીનો કડાકો થાય છે વિનીત ભડકીને પુસ્તકમાંથી બહાર આવી જાય છે, અને ફટાફટ ઘડિયારમાં જોવે છે તો ઓહઃ રાતના 9.30 ઉપર થઈ ચૂક્યું હોય છે વિનીત ફટાફટ ઉભો થાય છે અને ભાગે છે ભાગતા ભાગતા રસ્તામાં એક પુસ્તકોથી ભરેલા કબાટને અથડાય જાય છે તો 2-3 પુસ્તકો નીચે પડી જાય છે વિનીત અનદેખી કરી બહાર નીકળે છે તો ત્યાં અંધારું હોય છે અને લાઈબ્રેરીનો દરવાજો પણ બંધ થઈ ચૂક્યો હોય છે , વિનીત ડરી જાય છે એ દરવાજો ખખડાવે છે પણ કોઈ જવાબ નથી મળતો , વિનીતને ખ્યાલ આવી જાય છે કે ટોની અંકલને ખ્યાલ જ નહીં હોય કે હું અંદર બેઠેલો હતો અને એ જોયા વિનાજ વધુ વરસાદના ડર થી ફટાફટ નીકળી ગયા હશે..
હવે શું કરવું ક્યાં જાવું કોને કઈ રીતે બોલાવા કે મને કાઢો.. વિનીત એકલો એકલો બકવા લાગે છે અને બહાર તો જોરદાર વિજળીઓના કડાકા થઈ રહ્યા હોય છે , પછી ઉદાસ થઈને વિનીત ફરી પેલા વાંચન ખંડમાં પ્રવેશે છે.. અને ચાલતા ચાલતા પોતાની જગ્યાએ જઇ રહ્યો હોય છે ત્યાંજ એનો પગ જમીન પર પડેલી પુસ્તકો પર પડવાનો હોય છે પણ વિનીતની નજર જતા એ નમીને જમીન પર પડેલી 2-3 પુસ્તકો ઉઠાવે છે જે એના અથડાવાથી જ પડી ગયી હોય છે. એ પુસ્તકોને હાથમાં લઈને સાફ કરતોજ હોય છે ત્યાં એમાંની એક પુસ્તક એના હાથમાં એવી આવે છે જે બહુજ ખરાબ થઈ ચૂકી હોય છે પુસ્તકના કવર પર માટીની સેપટ લાગી ચુકી હોય છે વિનીત એ માટી સાફ કરે છે તો પુસ્તક પર લખ્યું હોય છે.. "ભીંજાવલી"

વિનીતને નવાઈ લાગે છે અને પુસ્તકનું નામ જોઈને વિચિત્ર લાગે છે, રસિલો વાંચક હોવાથી એ તરત જ પુસ્તક લઈને પોતાના ટેબલ પર બેસી જાય છે.. પુસ્તકના કવરને જોવે છે, તો વિચારે છે લેખકનું નામ ક્યાં છે આગળ પાછળ પત્તા ફેરવીને જોયું, નામ જ નથી..વિનીત હસવા લાગે છે અને વિચારે છે લો આવા પણ લેખક હોય...હા હા હા
સમય જતો નથી રાતના હજી 11 વાગ્યા છે હજી તો આખી રાત લાઇબ્રેરીમાં કાઢવી પડશે.. આમ-તેમ આંટા મારે છે એક નાની બારીમાંથી બહાર જોવે છે તો વરસાદ ખૂબ આવતો હોય છે અને વિજળીઓ પણ થઈ રહી હોય છે.. આખરે કંટાળીને વિનીતને એમ થાય કે લાવ આજની રાત આ લેખક વિનાની પુસ્તક વાંચીને કાઢી લઉં...વિનીત પોતાના ટેબલ પર જઈને ફરી પેલી (ભીંજાવલી) પુસ્તકના પત્તા ખોલે છે અને વિનીત વાંચવાનું શરૂ કરે છે...

ભીંજાવલી પુસ્તક શરૂ..

રાતનો એક વાગી ગયો હતો મારી ટ્રેન મોડી પડી હતી, હું આજ કેટલાય વર્ષો પછી મારાજ ગામે પાછો ફર્યો હતો, હા કેતલપુર માં . આ રસ્તામાં પડતા ગામના નાના એવા સ્ટેશન પર મારા સીવાય કોઈ નહતું ઉતર્યું.. દૂર સુધી અંધારું હતું અને ઠંડી ભેજવાળી હવાઓ આવી રહી હતી. જીવનની કેટલીય લડાઈઓ લડીને આજ ફરી આ ગામમાં આવવાનો મોકો મળ્યો હતો, કેતલપુર ગામની પોસ્ટઓફિસમાં મારી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે બઢતી સાથે બદલી પણ થઈ હતી. હું મારો સામાન ઉઠાવીને આગળ વધ્યો એટલામાંજ પાછળથી મોરારીજી મોરારીજી એવી બુમો સંભળાયી રહી હતી હું ઉભો રહ્યો અને પાછળ જોયું તો એક ભારી શરીરનો અડધી ઉંમરનો માણસ દોડતો દોડતો મારી જોડે આવી પહોંચ્યો અને આગળ...

ગોપાલ : બાબુજી મારું નામ ગોપાલ છે તમેજ ને નવા માસ્ટર મોરારીજી ?

(મેં હસીને જવાબ આપ્યો)

કિશન : માત્ર મોરારી નહીં, મારું નામ કિશન દેવમોરારી છે. પણ વાંધો નહીં તમે મને મોરારી કહી શકો છો ગોપાલભાઈ.

ગોપાલ : બાબુજી માફ કરજો આવવામાં થોડું મોડું થઈ ગયું..

કિશન : ના-ના ગોપાલભાઈ કાંઈ વાંધો નહીં , મને તમારી વાત મહેશભાઈ એ કરેલી પણ અહીં અટલું અંધારું લાગ્યું અને મારી ટ્રેન આમેય અડધો કલાક મોડી પડી છે.. તો મારે તમારી રાહ નથી જોવી પડી, પણ મને એવું લાગ્યું કે મારે મોડું થઈ ગયું અને ઉતાવળમાં હુંજ ભૂલી ગયો કે તમે મને લેવા આવવાના હતા..

ગોપાલ : અરે વાંધો નહીં બાબુજી, લાવો તમારો સમાન હું લઇ લઉં.. હું પોસ્ટ ઓફિસમાં પટ્ટાવાળા તરીકે સેવા કરું છું..તમને મળીને આનંદ થયો.

કિશન : હા મને પણ, અરે ગોપાલભાઈ મારે જ્યાં રહેવાનું છે એ રૂમ કેટલે દૂર છે..

ગોપાલ : બસ વાતો કરતા જઈશું ને હમણાં આવી જશે.. બાબુજી, પણ અહીં થોડા ઉતાવળમાં ચાલવાનું રાખજો જરા..

(મેં જોયું ગોપાલનો ચહેરો થોડો ડરેલો હતો એટલે પૂછી લીધું..)

કિશન : કેમ એવું..

ગોપાલ : બાબુજી માફ કરશો પણ આ સુમસામ રસ્તા પર મને તો કહેતા પણ ડર લાગે છે હું તમને પછી ક્યારેક કહીશ અત્યારે તો આપણી માટે એટલુંજ સારું કે આપણે જલ્દી રૂમ બાજુ પહોંચી જઈએ..

(હું અને ગોપાલ ચાલવા લાગ્યા વીસેક મિનિટ વીતી ગયી આખરે ગોપાલે મને રૂમ સુધી પહોચાડી દીધો, મેં રૂમમાં નજર નાખી ગોપાલે પહેલેથી જ ઘરની સાફ-સફાઈ કરી રાખી હતી..મારે બસ સમાન ગોઠવીને રહેવાનુજ બાકી રહ્યું..)

ગોપાલ : લો બાબુજી આ તમારૂ ઘર આજ થી, પહેલાવાળા 'બ્રાન્ચ પોસ્ટ માસ્ટર' પણ આજ રૂમમાં રહેતા હતા.. અહીં તમને બધી સુવિધાઓ શહેર જેવી મળી રહેશે..

કિશન : ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ અટલી તૈયારીઓ કરવા માટે..

ગોપાલ : બાબુજી એમાં શેનો આભાર, તમે તો પુરી બ્રાન્ચ ના પોસ્ટ માસ્ટર છો, અને હું તો સાવ ગરીબ પટ્ટાવાળો, મારી ફરજ છે તમારી સેવા કરવી અને બાબુજી હવે તમે આરામ કરો હું અહીં બહારના ઓરડામાં સુઈ જઈશ..

કિશન: અરે ગોપાલભાઈ મારી ચિંતા ના કરશો મને તો ઊંઘ આવી જશે, તમારે ઘરે જાવું હોયતો જાવ, તમારા ઘરે ચિંતા થશે પરિવાર ને,...

(ગોપાલ હસવા લાગે છે અને પછી..)

ગોપાલ : મારે ક્યાં પરિવાર, એક પત્ની હતી એ પણ મને છોડીને ચાલી ગયી, હું એકલોજ રહું છું, પણ અત્યારે અટલી રાતે જવાય એમ નથી... નહીતો કાલ તમને ગોપાલના અંતિમ દર્શન સીધા મળશે...

કિશન : અરે કેમ આમ બોલો, વાંધો નહીં તમે આરામથી આજ રાત અહીંજ રોકાય જાવ...

ગોપાલ : હા બાબુજી, શુભરાત્રી.

(અટલું કહીને ગોપાલ બહારના ઓરડામાં સુવા ચાલ્યો ગયો, મેં પણ મારો સામાન એક ખૂણામાં સાચવીને મુક્યો અને પથારીમાં આડો પડ્યો..રાતના અઢી વાગી ચુક્યા હતા, અને ભયંકર થાકના કારણે મને ઊંઘ આવી ગયી. અચાનક એક બહુજ મોટા કડાકા સાથે વિજળીનો અવાજ આવે છે હું ડરીને ઉઠી જાઉં છું, ઘડિયારમાં જોયું તો હજી રાતના સાડા ત્રણ વાગ્યા હોય છે, રૂમમાં એક બારી હતી જે બહુજ અવાજ કરતી હતી એને સરખી બંધ કરવા હું ઉભો થયો અને હું એ બાજુ ગયો.. બારી બંધ કરવા હાથ બહાર કાઢ્યો કે તરત માત્ર એક સેકન્ડ માટે મને અચાનક એવો આભાસ થયો કે કોઈએ મારો હાથ પકડી લીધો હોય, હું ડરી ગયો જલ્દી મારો હાથ અંદર લીધો અને જોયું તો બારીની બહાર ખૂબ અંધારું હતું કુતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો અને વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો હતો, મેં બારીને સરખી બંધ કરી અને પાછો પથારી પર આવીને સુઈ ગયો..અને મારી નજર દિવાલના એક ખૂણામાં પડે છે જયાં પાણીનો ભેજ હોય છે આંખોમાં ઊંઘ ઉડી ગયી હતી અને નજરો એ ભેજને જોયા કરતી હતી, એક એક ટીપું પાણીનું ધીમે ધીમે જમીન પર પડી રહ્યું હતું અને હું મારા ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો..
ક્રમશઃ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

હજી તો શરૂઆત છે આગળ ઘણું બાકી છે પ્રેમ, રહસ્ય અને રોમાંચ થી ભરપૂર ડરાવના સફરને અધુરો ના છોડતા આવનારો ભાગ વાંચવાનું ના ભૂલતા.. ભીંજાવલી..

-મેહુલ વઢવાણા 'માધવ'