મધરાત થવા આવી હતી પણ વિવાનની આંખમાં નિદ્રારાણીના આગમનની કોઈ નિશાની જણાતી નહોતી.
કલર્સ ઓફ લાઈફનું પહેલું પ્રકરણ વાંચીને જ વિવાન વિચારે ચઢી ગયો હતો. આ કામ જાણભેદુ સિવાય કોનું હોય શકે ? પણ, એ જાણભેદુ કોણ? પોતાની જિંદગીના આ પાનાં તો સાવ ગોપનીય હતા. એમાં ડોકિયું કરવું એટલે પોતાના મનમાં ડોકિયું કરવું.
વિવાને મનને પજવતાં વિચારોથી પીછો છોડાવવો હોય તેમ બાલ્કનીમાં જઈ સિગરેટ જલાવી. આજનો અધ્યાય અહીં જ સમાપ્ત.. કાલે તો એક જરૂરી બિઝનેસ મિટિંગ પણ છે. વિવાને વિચાર્યું.
વિવાનના પુસ્તકો સોનાની ખાણ સાબિત થઇ રહ્યા હતા એનો ફાયદો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લેવો હતો. જૂના પુસ્તકોના રાઈટ માટે એક નામાંકિત પ્રોડ્યૂસર ઓફિસે આવવાનો હતો. વિવાનની ઓફિસ એટલે ઘરમાં ફાળવેલો એક રૂમ. વિવાન મોટેભાગે ટ્રાવેલ કરતો રહેતો. મનનો માલિક હતો. આમ પણ ક્રિએટિવ વ્યક્તિને કોઈ બાંધી શકે ?
સિગરેટ બૂઝવા આવવા ત્યાં સુધીમાં પુસ્તક વાંચવાનું આવતીકાલ પર મુલતવી રાખવાનો વિચાર પણ સિગરેટના ધુમાડાની જેમ હવા હવા થઇ ગયો.
બેડમાં પડતું મૂકવાની સાથે જ વિવાને પુસ્તક હાથમાં લીધું.
કેશવ નાયકે તો વિકટ પરિસ્થિતિમાં આત્મહત્યા કરીને સહેલો માર્ગ શોધી લીધો પણ એને એ વિચાર ન કર્યો કે આ બેરહમ દુનિયામાં પોતાની પત્ની અને નાનો બાળક જીવશે કેમ કરીને ?
નાની ઉંમરમાં પિતાને ગુમાવવાનું દુઃખ ઓછું હોય તેમ વિધાતા હજી એક વધુ લપડાક મારવાની હતી એ તો નોંધારા થઇ ચૂકેલાં માદીકરાને ક્યાંથી ખબર હોય ?
ચોમાસું ફરી એકવાર હાથતાળી દઈ ચૂક્યું હતું. હવે તો દિવાળીના સપરમા દિવસો પાસે આવી રહ્યા હતા.
માદીકરાની સ્થિતિ વધુ વણસી હતી. બાકી હતું તેમ સરપંચ પાટીલ વારે તહેવારે ખેતર પર હક્ક જતાવવા આવી જતો.
'મારું માને તો મેં આપેલા સુઝાવ પર વિચાર કરી લે પ્રગતિ બાઈ. તારું ને તારા છોકરાનું ભવિષ્ય સુધરી જશે. ' ગામનો સરપંચ જે ખરેખર તો એક વડીલ કહેવાય આવી હલકી કરતૂત કરી રહ્યો હતો તેનાથી ગામલોકો અજાણ નહોતા. પણ, બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? કોઈની હિંમત નહોતી થતી કે સરપંચ સામે અવાજ કાઢે.
'મા , આ પાટીલ હવે ઘરમાં પગ મુકશે તો હું એનું માથું ફોડી નાખીશ ..પછી ભલે મને ફાંસી થઇ જતી.' એકવાર ઉશ્કેરાટમાં નિશિકાંત બોલી ગયેલો. ત્યારથી તો પ્રગતિનો ફફડાટ ઓર વધી ગયો હતો. ન કરે નારાયણ ને નાદાનિયતમાં આ છોકરો કોઈ એવું પગલું ભરી લે તો તો ઝેર ઘોળાવાનો જ વખત આવે.
આખરે કરવું શું ? પ્રગતિ ખરેખર મૂંઝાઈ ગઈ હતી. છતાં ખેતરે બીજાના ખેતરમાં મજૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
પ્રગતિને પોતાના ખેતરમાં કામ કરતી અટકાવવી એ પણ સરપંચની એક ચાલ જ હતી. હવે માદીકરા બે ટંકના રોટલા માટે તરસતાં થઇ ગયા હતા. પ્રગતિ પાસે બીજો વિકલ્પ પણ શું હતો ? એણે ગામના બીજા એક ખેડૂતના ખેતરમાં રોજ પર મજૂરીએ જવા માંડ્યું હતું. સવારે સૂરજ ઉગે ત્યારેથી કાળી મજૂરીએ લગતી પ્રગતિ તો ય બે જણના રોટલાનો બંદોબસ્ત કરી શકતી નહોતી.
નિશિકાંત આગળ ભણશે , ખૂબ ભણશે ને એક દિવસ સાહેબ બને એ સપનું તો હવે હાથતાળી દઈ ગયું હતું.
કેશવ કેવા કળણમાં નાખી ગયો હતો ? પ્રગતિને એ વિચાર આવતો એ સાથે જ ગુસ્સાથી તેની મુઠ્ઠીઓ વળી જતી અને બીજી જ ક્ષણે એ ગુસ્સો દુઃખ બનીને આંખમાંથી વરસી પડતું.
અને એક દિવસ પ્રગતિએ મન કાઠું કરીને પણ નિર્ણય લેવો જ પડ્યો. એમાં જ ભલાઈ હતી નિશિકાંતની.
પોતાનો નિર્ણય નિશિકાંતને જણાવવો એટલો જ જરૂરી હતો.
પ્રગતિ મજૂરીથી આવીને ચૂલો સળગાવી રહી હતી અને નિશિકાંત આવ્યો.
'નિશી , મારી પાસે બેસ મારે કંઈક વાત કરવી છે '
નાની ઉંમરમાં જ પીઢ બની ગયેલો નિશિકાંત એટલું તો સમજી શક્યો હતો કે મા કોઈ ગંભીર વાત કરવા જઈ રહી છે.
'નિશી , દીકરા તું તો કોઈ વાતથી અજાણ નથી. ' પ્રગતિએ પૂર્વભૂમિકા બાંધી એ સાથે જ સમજદાર દીકરો સમજી ચૂક્યો હતો કે વાત અરુચિકર જ હોવાની.
'આપણું ખેતર પાટિલના કબ્જામાં છે અને હું ચાહું છું એ ખેતર તારું છે તને જ મળે. '
'પણ , મા , એ છોડાવીશું કઈ રીતે ?' નિશિકાંત ભોળા ભાવે બોલ્યો તો ખરો પણ માની આ વાત દિલમાં એક ધબકાર ચૂકવી ગઈ હતી.
'મેં વિચારી લીધું નિશી , હવે કોઈ વિકલ્પ બાકી નથી.એક રસ્તો છે પાટીલ સાથે લગ્ન કરું તો ખેતર તારું થાય.'
' મા. તું શું બોલી રહી છે ભાન છે ? ' નિશિકાંત ચિત્કારી ઉઠ્યો.
માનું બલિદાન જેવું તેવું નહોતું. પણ, આ બલિદાન સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો એ તો એને પણ સમજાતું હતું।
ગામલોકોની ગુસપુસ વચ્ચે પ્રગતિએ આધેડવયના સરપંચ સાથે ચોરીના ફેરા તો ફર્યા ને નિશિકાંતની આખી દુનિયા બદલાઈ ગઈ.
************
સરપંચ પાટીલની પત્ની પ્રગતિ પર રોષે ભરાય સ્વાભાવિક હતું. પણ, થયું ઉલટું. પ્રગતિ સામે એને વાંધો નહોતો જેટલો એને નિશિકાંત સામે હતો. પ્રગતિને પરણીને લાવવાની સલાહ જ સરપંચની પત્ની રાધાબાઈની હતી. તેનું કારણ હતું ઉનાળામાં ઊંડા ઉતરી જતા કૂવાના પાણીનું. પાટીલની પત્ની રાધા હવે પ્રૌઢવયે પહોંચી હતી. કામ તો થતું નહોતું તો દૂર પાણી ભરવા કઈ રીતે જવું ? ઉનાળામાં કૂવા ઊંડા ઉતરી જવાથી દૂરના કુવામાંથી પાણી ભરવાની જવાબદારી પ્રગતિ પર આવી પડી હતી. નિશિકાંત શાળાએ જતો એ વાત પણ સરપંચની પત્ની રાધાની આંખમાં ખૂંચતું હતું. એની ઈચ્છા માદીકરાને ગુલામ બનવી રાખવાની હતી. સરપંચ ગામનો વડો જરૂર હતો પણ ઘરમાં ભાગ્યે જ રહેતો. લગ્ન પછી ખબર પડી કે પ્રગતિનું કામ પાણી ભરવાનું છે. સરપંચની ઉંમરલાયક પત્નીથી એ કામ થતું નહોતું એટલે પાણી ભરનાર બાઈ મફતમાં મળે તે ગણતરી જ પતિ પત્નીની હતી એમાં કિશોર વધારાનો મળ્યો.
પ્રગતિને પરણીને લાવવામાં આવી હતી એક બંધક મજૂર તરીકે.
પાટીલ સાથે ન તો કોઈ ગૃહસ્થીનો સંબંધ હતો ન વાતચીતનો.
પાટીલની વહુ રાધા જ આખો દિવસ હુકમ ચલાવતી રહેતી.
સવારમાં ઉઠે ત્યારથી એક કપ કાળી ચા પીને માદીકરો મજૂરીએ લાગતાં પણ પ્રગતિ એ તરત જ માથું ઊંચક્યું હતું : હું મારા લોહીનું ટીપે ટીપું વહાવી દઈશ પણ મારો નિશિકાંત ભણશે, એ ભણવાના સમયે કામ નહીં કરે.
રાધાની ગણતરી તો નિશીકાંતને ભણતર છોડાવી કામે લગાડવાનો હતો પણ એ માટે પ્રગતિએ માથું વારંવાર ઉંચકતી રહેતી.
'મારો નિશિકાંત શાળાએ જશે જ , ભણશે ને એનું ખેતર ખેડશે , એ તમારી મજૂરી નહિ કરે.' નિશિકાંતની વાત આવે ત્યારે પ્રગતિ વાઘણ બનીને મરણતોલ લડાઈ કરતી.
એના જવાબમાં ખાવી પડતી ગડદાપાટુ અને ઢોરમાર.
નિશિકાંત માને છોડાવવા વચ્ચે પડતો અને માર ખાતો. અઠવાડિયે થતી આ મારપીટ પછી તો રોજની થઇ પડી હતી. ગીરવે મુકાયેલું ખેતર પાછું નિશીકાંતને મળે એ આશા ઠગારી પૂરવાર થઇ રહી હતી.
એવા જ એક દિવસે સરપંચ દારૂ પીને રાજાપાઠમાં હતો અને રાધાની ઉશ્કેરણી શરુ થઇ ગઈ.
'જાણો છો આ માદીકરાની કરતૂત, પ્રગતિ દિવસે પાણી શું ભરી લાવે છે લાંબી થઈને સોડ તાણે છે અને આ નિશિકાંત. એ તો આખો દહાડો ચોપડીમાં માથું ઘાલીને બેઠો રહે છે.જાણે મોટો સાહેબ ન થવાનો હોય ! હવે તમે જ હિસાબ કરો. આ રોજ રોજ તરભાણું ભરીને જમાડવાનું કામ મારાથી નહીં થાય.
'એમ?' ચિક્કાર પીને ચૂર થયેલો પાટીલ ગર્જ્યો: પ્રગતિ એ પ્રગતિ , સાંભળે છે... કાલથી નિશિકાંત શાળાએ નહિ જાય , એ ખેતરે જશે.
દિવસ આખો વૈતરું કરીને થાકીને મરણતોલ થઇ જતી પ્રગતિ પર આ છેલ્લો વાર હતો.
ન જાણે કેમ રોજ મ્હેણાંટોણાં સહન કરી જતી પ્રગતિ નિશિકાંત ભણવાની બદલે ખેતરમાં મજૂરી કરશે એ વાત સાંભળીને એવી પાગલ થઇ ચૂકી હતી કે એને પરસાળમાં રહેલી લાકડી ઉઠાવી ને ધડાધડ સરપંચ પર ઝીંકી દીધી.
એક ઘા સીધો માથા પર થયોને સરપંચનું કપાળ ચિરાઈ ગયું અને લોહી વહેવા માંડ્યું.
'મારો નિશિકાંત શાળાએ નહીં જાય એમ ? જોઉં છું કોણ એને શાળાએ જતા રોકે છે ; પ્રગતિ પર કોઈક ઝનૂન સવાર થઇ ચૂક્યું હતું. એના હાથમાં રહેલી લાઠી બેફામ રીતે સરપંચની પીઠ પર, ગરદન પર વરસતી રહી.
સામે બેઠેલી રાધાએ દેકારો મચાવી ધીધો।
'બચાવો , બચાવો, આ માદીકરા અમને મારી નાખશે....'
એની રાડારાડ ગામલોકોને ભેગા કરે તે પહેલા જ રાધાએ ચટણી વાટવાનો પથ્થર લઇ પાછળથી જ રાધાના માથા પર ઝીંકી દીધો.
'ઓ મા મરી ગઈ ....' પ્રગતિએ કાળી ચીસ નાખી અને માથા પર હાથ દાબતાં બેસી પડી..
નારિયેળની કાચલીની જેમ પ્રગતિની ખોપરી ફાટી ગઈ હતી.
લોહીની તો જાણે નદી વહી રહી.
આ દરમિયાન ગામલોકો એકઠા થવા મંડ્યા હતા. પુરુષગણ તો ખેતરમાં હતો તેમને ખબર પહોંચાડવા કોઈ દોડી ગયું હતું. ઘડીકવારમાં લોક ભેગું થઇ ગયું.
સરપંચને પણ કપાળમાં ગંભીર ઇજા થઇ હતી છતાં સલામત હતો પણ પ્રગતિ , લોહીના ખાબોચિયામાં તરફડતી પડી હતી.
કોઈકે ક્યાંકથી નિશીકાંતને ખબર આપ્યા તે દોડતો આવી પહોંચ્યો.
'મા , મા ....' ચિખતો એ પ્રગતિના શાંત પડી રહેલા દેહને વળગી પડ્યો.
નહિવત સમયમાં જ પ્રગતિનો તરફડતો દેહ શાંત થઇ ગયો. એક સમયે મોટો સાહેબ બનાવવાના સપના જોતા માબાપ નિશિકાંતને ભરદુનિયામાં એકલો મૂકીને બંને જઈ ચૂક્યા હતા.
ગામલોકો સ્તબ્ધ થઈને ઉભું હતું. બનાવની જાણ થતાં પોલીસ આવી પહોંચી.
કેસ ચોખ્ખો હત્યાનો હતો પણ ગામલોકો સરપંચ સાથે ઉભા રહ્યા.
'સાહેબ, આ લોકોએ મારી માને મારી નાખી ' નિશિકાંત ચિખતો રહ્યો પણ પોલીસ પોતાનું કામ કરતી રહી.
રાધાના બયાન પ્રમાણે અને ગામલોકોએ આપેલી ગવાહી મુજબ પહેલો હુમલો પ્રગતિ દ્વારા કરવામાં આવ્યો હતો. તેનું પરિણામ સામે હતું , કપાળમાંથી વહી રહેલા લોહી સાથે પાટીલ માથે હાથ દઈને બેઠો હતો. કોઈક ક્યાંથી ડોક્ટરને પકડી લાવ્યું હતું. જે સરપંચ પાટીલની પાટાપિંડી કરવામાં રોકાયો હતો.
રાધાએ કરેલો હુમલો પાટિલના બચાવમાં થયેલા વાર તરીકે લેખાવાયો.
પોલીસે પ્રગતિના દેહનો કબ્જો લીધો અને ધાડું પહોંચ્યું પોલીસ સ્ટેશને.
નિશિકાંત તો ઘટનાસ્થળે હાજર જ નહોતો અને વળી નાબાલિગ એટલે એને પૂછપરછમાંથી બાદ રખાયો હતો.
*************
નદીકિનારે ચાર દિવાલો વિના ખડા કરાયેલા ખુલ્લાં સ્મશાનમાં પ્રગતિના દેહને નિશિકાંતે અગ્નિદાહ દીધો ત્યારે સમ ખાવા પૂરતાં પાંચ માણસો હાજર નહોતા. હાજર રહેલા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. એમાંથી એક હતા માસ્તરસાહેબ.
હીબકાંભરીને રડી રહેલા નિશિકાંતની પીઠ પસવારતાં આશ્વાસન આપતા રહ્યા હતા.
ગણતરીના સમયમાં એક તેર વર્ષના બાળકની દુનિયા બદલાઈ ગઈ હતી. માબાપની આંખોનો તારો હવે અનાથ હતો. ઉપર આકાશ નીચે ધરતી સિવાય ઉભા રહેવા કોઈ જગ્યા નહોતી. લગ્ન કરવા સાથે જ પ્રગતિને કેશવનું ઘર સરપંચે પચાવી પડ્યું હતું જેનો ઉપયોગ એ માલસામાન ભરવાના ગોદામ તરીકે કરતો હતો. બાકી હતું એમ ત્યાં પણ સવામણનું તાળું મારી દીધું હતું.
નિશીકાંતનું રુદન એટલું હૈયાફાટ હતું કે હાજર રહેલા પાંચ વ્યક્તિની આંખો ભીની થઇ ગઈ. આ અનાથ છોકરાનું બેલી કોણ ? એ પ્રશ્ન તો સહુના મનમાં ઉદ્ભવી રહ્યો હતો પણ આગળ ચાલીને કોઈ એનો હાથ ઝાલવા તૈયાર નહોતું. એના કારણ પણ હતા. એક તો હતું દુકાળનું વર્ષ. બધાની સ્થિતિ લગભગ સરખી હતી. એમાં ખાનાર એક મોઢું વધે કોઈને પોષાય તેમ નહોતું , જેને પોષાય તેમણે ઘરમાં પૂછ્યા વિના પગલું ભરવું નહોતું.
સમસ્યા તો એ થઇ હતી કે અગ્નિદાહ આપ્યા પછી નિશિકાંત જાય તો જાય ક્યાં?
સરપંચના ઘરનું બારણું તો સદાય માટે વસાઈ ચૂક્યું હતું. પોતાનું ઘર પણ પારકું થઇ ચૂક્યું હતું.
સળગી રહેલી ચિતાની જવાળા હવે શાંત પડતી જતી હતી. અગ્નિદાહ આપવા આવેલ ચાર વ્યક્તિઓમાં સહુએ નિશીકાંતને માથે હાથ ફેરવી, ખભો પસવારી વિદાય લઇ લીધી હતી. નિશીકાંતના હીબકાં હવે મંદ પડ્યા હતા પણ આંખમાંથી આંસુ તો અવિરત વહી રહ્યા હતા.
તેર વર્ષનો કિશોર હવે જશે ક્યાં ? એની ચિંતા કરવાવાળું હવે કોઈ આ જગતમાં નહોતું.
આંસુની ખારાશથી ,સામે અગ્નિની જ્વાલાથી ચચરી રહેલા ચહેરાને પોતાના મેલા ખમીસની બાંયથી લૂછીને નિશિકાંતે આજુબાજુ જોયું .
સાંજ આથમવા આવી હતી અને રાતની છાયા ધરતી પર ઉતરી રહી હતી.
આજુબાજુ તો કોઈ ન દેખાયું પણ થોડે દૂર એક પથ્થર પર એક વ્યક્તિ બેઠી હતી. કદાચ નિશિકાંતના સ્વસ્થ થવાની રાહ જોતી.
એ ઉઠીને નિશિકાંત પાસે આવી , અને સ્નેહભર્યો હાથ માથે પસવાર્યો .
'નિશી દીકરા, ચાલ મારી સાથે' એના અવાજમાં આદ્રતા હતી.
અનાથ નિશીકાંતનો સહારો બનનાર એ બીજું કોઈ નહીં ને નિશિકાંતના માસ્તરસાહેબ હતા.
વિવાને પુસ્તક બંધ કર્યું પણ એના મગજમાં ખુલી ગઈ હતી અતીતની એ ગલી જેમાં લટાર મારવાની કિંમત હતી આંસુ ને ડૂસકાં . મા બાપુ આમ તો યાદ ન આવતા પણ આ પુસ્તકમાં લખાયેલ એક એક શબ્દે માબાપને અને તેમના બલિદાનને ઉજાગર કરી દીધા હતા.
ક્રમશ: