GHATMA GHUNTAN THANGANE ANE AATAM VINZE PANAKH in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૮૧

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૮૧

ઘટમાં ચૂંટણી થનગને મતપત્ર વીંઝે પાંખ..!



ઇસ દેશકે હમ વાસી હૈ જહાં કભી ખુશી કભી ગમ હૈ

પોલ્યુશનકી મહેરબાની દેખો કભી ખાંસી કભી દમ હૈ


નેતાઓને મતદાર જનમ આપે, ને મા-બાપ આપણને જનમ આપે એટલો જ ફેર..! દીકરો મા-બાપનો નહિ થાય એમ નેતા જનતા જનાર્દનના નહિ થાય તો માથામાં ખીલો ઠોકી દીધો હોય એમ ચીસ પાડીને 'હોઓઓહાઆઆ' નહિ કરવાની..! મા-બાપ કેવાં સેટ થઇ જાય, એમ સેટ થઇ જવાનું..! એકવાર બોડી-મસલ્સ બને પછી, એમને લાંબી બાંયના ખમીશ ફાવે જ નહિ, મસલ્સ દેખાય નહીને..? ચૂંટણીની પણ શું બોલબાલા છે..? જ્યારથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું, ત્યારથી શ્રીશ્રી ભગામાં પણ વસંત ફૂટી છે બોલ્લો..! મને શુદ્ધાં ચોપડાવી દીધું કે, મને શ્રીશ્રી ભગો નહિ કહેવાનું, શ્રીશ્રી ભગવાધારી કહેવાનું..! ચૂંટણી જાહેર થઇ ત્યારથી મરઘાં કરતાં વહેલો ઉઠી જાય.ચોખ્ખો-ચણાક થઈને સુરવાલ-ઝભ્ભો-ટોપી પહેરીને ખભે ખેસ નાંખીને નમસ્તેની મુદ્રામાં નીકળી પડે. એક તો એવો કાળી મેસ જેવો કે, એનો ખેસ જ દેખાય, અંધારામાં એ તો દેખાય જ નહિ. આમ તો મળે ત્યારે GOOD MORNNING બોલતો, આજે આર્શીવાદ માંગ્યા. મને કહે, આજથી ‘આચાર’ (અથાણું) બંધ..! આચાર-સંહિતા લાગી ગઈ..!
નવા વર્ષમાં મારે શું નવું કરવું એવો મને વિચાર આવેલો ત્યારે સંકલ્પ કરેલો કે, આ વર્થીષથી લોકોને હસવા-હસાવવાનું બંધ, માત્ર હું ગંભીર બનીશ, ગંભીર લખીશ, અને ગંભીર બોલીશ..! ભૂત-પ્રેત-ચૂડેલ કે ચંડાળ ઉપર લખીશ, પણ હાસ્યલેખ નહિ લખું..! ‘આદમી શૌચતા હૈ કુછ, ઔર હોતા હૈ કુછ ઔર..! આ બરમૂડાએ મારી એવી પથારી ફેરવી નાંખી કે, મારાં સંકલ્પનો ભાંગીને ભુક્કો કરી નાંખ્યો. પઠાણને અફઘાનિસ્તાનની સવારી મળી ગઈ હોય એમ, કે દા’ડાનું પૈણું-પૈણું’ કરતો હતો એ ભગાને ચૂંટણી લાધી ગઈ..! ચૂંટણી જાહેર થતાં જ ઝભ્ભા-પાટલુનના રંગ બદલાય ગયા..! કુતરાઓને ડર લાગ્યો કે, આ બરમુડો આજે બદલાય કેમ ગયો? (ડર તો લાગે જ ને યાર, જેને જોઇને કુતરા મોં ફેરવી દેતાં હોય એ ચૂંટણી આવતાં ગેલમાં આવી જાય તો સહન થાય..?) અમુક તો ચૂંટણીને બદલે ઘરમાં ‘સાળી’ પરોણી આવી હોય એમ, લુખ્ખાઓની કુંડળીઓ જાગૃત થઇ ગઈ..! ભગાની આ હરકતમાં,રમેશ ચાંપાનેરી, ફરીથી હસવા-હસાવવાને રવાડે ચઢી ગયાં..! જુલમ કરીને પગના તળિયા કોઈ ખણતુ હોય, ને કેડ પકડીને લોખંડી આંગળીથી ગલગલીયાં કરતું હોય ત્યારે કયો સંયમી સ્વસ્થ રહે..? એરંડિયુંને બદલે રસમલાઇ ખાધી હોય એમ, એનું મોઢું લાપસી-લાપસી થઇ જ જાય..! એવું મારે બન્યું..!
એકવાર ચૂંટણી જાહેર થાય એટલે. પોતાના હાથ-પગ-કાન-નાક-પેટ-કપાળ-આંખ વગેરે શરીરના કયા મહોલ્લામાં આવેલાં છે, ને ટકેલા છે કે, પક્ષ પલટો કરી ગયેલા છે, એ પણ ભૂલી જાય, સામે ચૂંટણી જ દેખાય..! મને પણ આ વખતે ટીકીટ જ દેખાણી..! સારું છે કે, મને ટીકીટ મળી ગઈ. વાંદરાએ પહેલી ધારનો દારુ ઢીંચી નાંખ્યો હોય, એવી ઝણઝણાટી પણ આવી..! રખે એવું માની લેતાં કે ચૂંટણીની ટીકીટ મળી, વંદે માતરમ્ ટ્રેનના રીઝર્વેશનની ટીકીટ મળી ગઈ..! જેને કોઈ છકડામાં નહિ બેસાડે એને ચૂંટણીની ટીકીટ ફાળવે કોણ..? હાથો-ઘોડાં ભૂખ્યા રહે, તો બકરીને પાલો નાંખવા કોઈ આવે..? સોસાયટીમાં સેક્રેટરી નહિ થવા દે, એ ધારાસભ્ય થવા દે ખરાં..? બહુ શોખ હોય તો, બસમાં રાખેલી ધારાસભ્યશ્રીની અનામત સીટ ઉપર બેસીને હરખ પૂરો કરી લેવાનો..! ધારાસભ્ય થવું, એ વગર ચૂંટણીએ અને વગર કપડે જંગલના રાજા થવા જેટલું સહેલું નથી માકોઈ શાયરે કહ્યું છે ને કે....
જિંદગી ભી એક નશા હૈ, હંમે જીના નહિ આતા

નશા તો હર ચીજમેં હૈ હમે પીના નહિ આતા

મારા બાપૂજીએ ઘસીને નાં પાડી દીધેલી કે, ચૂંટણી આવે તો ભલે આવે, એમાં ઊભાં રહેવાની ઊછળ-કૂદ નહિ કરવાની. આપણી પેઢીમાંથી નિશાળમાં કોઈ વર્ગ-ખંડનો મોનીટર પણ નહિ બનેલો, માટે રાજકારણમાં તો ફાંફા મારવા જ નહિ. લોકસેવા માટે ચૂંટણી ખેલવાની ચળ ઉપડે તો, ઘરના પંખાની ધૂળ સાફ કરી લેવાની, ક્યાં તો રોજ શૌચાલય સાફ કરી નાંખવાના..! એ પણ સેવા જ કહેવાય..! ડીપોઝીટ અને ઈજ્જત બંને ડૂલ નહિ થાય..! એકપણ પૂર્વજે વિલનામામાં એવું લખેલું નથી કે, ઘરનો ઉધ્ધાર કરવો હોય તો ચૂંટણીમાં ઉભા રહેવાનું..! કુળમાં કોઈ પ્રધાન તો ઠીક કોટવાળ પણ પાક્યો નથી, એનું કારણ પણ આ જ.! પ્રધાન થયા પછી પણ સાલું કેટલું મર્યાદામાં રહેવાનું ? નહિ રેંકડી ઉપર પ્લાસ્ટીકના પવાલામાં કટિંગ ચાહ પીવાય, ઉબાડીયાના માંડવે તમતમતું ઉબાડિયું ખવાય, છકડામાં બેસીને મેળાનો લ્હાવો લેવાય, કે નહિ ટ્રેન-બસની ધક્કા-મુક્કી ને ગીર્દીની લહેજત મણાય..! આવું કરવા જઈએ તો મીડિયાવાળા સ્ટેન્ડ-બાય જ હોય..! તરત છાપામાં આવે કે, “જોઈ લ્યો..! આ છે ‘પેલો ૧૮૩૬ ના નવાબ બહાદુરભાઈ ઝાફરનો છેલ્લો વારસદાર કાફર રમેશ ચાંપાનેરી, મીનીસ્ટર થઈને રેંકડી ઉપર ઉભો-ઉભો ચાહની ચૂસકી લઇ રહ્યો છે..!” એના કપાળના કાંદા ફોડે..!
પણ ઝંખના ક્યારેય કોઈને જંપવા દેતી નથી. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એટલે, ભેજામાં ઘંટડી વાગવા માંડે. પોતાનો શણગાર તો બદલાય જાય, વાઈફનો પણ બદલાય જાય. ને ઓળખાણ તો એવી આપે કે, 'I am a wife of applied minister Chamaniya..! ' નેતા થવાની પણ મઝા છે મામૂ..! એટલે તો એવો એક દેશ નથી કે જ્તોયાં નેતાઓનું અસ્તિત્વ ના હોય..! કોઈનો નેતા મગર મચ્છ જેવો હોય તો, કોઈનો ‘એક્વેરિયમ’ ની ફીશ જેવો હોય..! જન્મ્યો ત્યારથી જોઉં છું કે, નથી ગરીબી મટી, નથી મોંઘવારી મટી કે, નથી હું મટ્યો..! છતાં નેતાઓનું ઉત્પાદન ઘટ્યું નથી. ચૂંટણીની આચાર સંહિતા જાહેર થાય, એટલે બાપ દીકરી માટે મુરતિયો શોધવા માંડે, એમ મુરતિયા પણ ફેસિયલ કરાવીને ઉમેદવારી માટે લાઈન લગાવવા માંડે. ચૂંટણીનો વેશ ભજવવા ખેસ અનિવાર્ય હોય એમ, શ્રીશ્રી ભગાએ વાઈફની ચાર-પાંચ સાડી ફાડીને ૧૨ ડઝન તો ખેસ બનાવડાવ્યા. જેના લગનના માંગા નહિ આવતા હોય, એ પણ પીઠી ચોળીને તૈયાર થઇ જાય. તંબુઓ તાણતા થઇ જાય, ને કંકોત્રીને બદલે ચૂંટણીના પેમ્પ્લેટ વહેચતા થઇ જાય. ગમતી કન્યા મળે તો ઠીક, નહિ તો અપક્ષ બનીને પણ કન્યા-હરણ કરવા તૈયાર..!

લાસ્ટ ધ બોલ

- સાંભળો છો? સગાઇ થયા પછી તો તમે મને કેટલું ફરવા લઇ જતાં હતાં. મારા માટે કેટલું સરસ સરસ લાવતા હતાં. કેટલી સાડી-ડ્રેસ વગરે લાવતાં..? લગન થયા પછી તમે તો આ બધું ભૂલી જ ગયાં..!

- મને ખબર છે, મારું મગજ નહિ બગાડ..! ચૂંટણી પતી ગયા પછી કયો ગધેડો પ્રચાર કરવા નીકળે એની તો તને ખબર છે ને..? પરીક્ષા પતી ગયા પછી કયો વિદ્યાર્થી વાંચવા બેસે તેની તો તને ખબર છે ને..? તેવું જ લગનનું, સમઝી..?

તારા કપાળમાં કાંદા ફોડું..!!!

---------------------------------------------------------------------------------------------------------------------