DISEMBAR DIGA DIGA MAUSAM BHIGA BHIGA in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૭૮

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૭૮

ડીસેમ્બર ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા..!

નેરોગેજ લાઈન ઉપર બ્રોડગેજનું એન્જીન આમ તો ચઢાવાય નહિ, પણ આ તો એક વાત કે જોડ્યું હોય તો..? એવું જ કમબખ્ત આ જિંદગીનું છે. ઠુચ્ચૂક...ઠુચ્ચૂક કરીને, પુરા સ્પેર-પાર્ટસ સાથે શરીરને ડીસેમ્બર સુધી ઘસડી લાવ્યા, ત્યારે એક ફિલ થાય કે, તેલ લેવા જાય મોતી, પણ દરિયો તરીને કાંઠે તો આવી ગયા..? વધામણા કરવા, જલશા જ જલશા બાવા..! છેલ્લી કોટિનો માણસ ભટકાય કે નહિ ભટકાય, પણ સાલનો છેલ્લો મહિનો તો સૌને ભટકાય..! છેલ્લા મહિનાની આ જ તો ઈજ્જત છે દાદૂ..! અધિક માસ જેવાં ફ્લેગ સ્ટેશન ગણતરીમાં નહિ લઈએ તો આ ‘લાઈફ-ટ્રેન’ દરેક વર્ષમાં ૧૨ સ્ટેશન કરે. જેવો ડીસેમ્બર કોણ બેસે એટલે સાલનો dead end…! ૧૨ મહિનાનો હિસાબ પૂરો. એ બાર મહિનામાં કોણ કેટલાં ભીનેવાન થયાં, કોણ કેટલાં તાલેવાન થયાં. કોણ-કોણ ગબડ્યા, કોણ પૃથ્વીસ્થ થયું, કોણ સ્વર્ગસ્થ થયું, કોણે કેટલા લીટર પરસેવો પાડ્યો ને કોણે કોને ઉબડા પાડ્યાં, એના તાળા મેળવવાનો સમય નથી. પણ પાડ માનો પરમેશ્વરનો કે, ૨૦૨૨ ની સાલમાં કોરોનાએ કોઈના ઘરમાં છાપો મારી સળી શુદ્ધાં કરી નથી. હવે બે હજારને બાવીસ જશે, ને ત્રેવીસ આવશે..! નવા વર્ષમાં પ્રવેશ કરવાના વિઝા આપોઆપ મળી જશે. મારે તો મારાં Well wisher ને એટલું જ કહેવાનું કે, ૨૦૨૨ ના નુતન પ્રભાતે ઘણા લોકોએ મને શુભેચ્છા પાઠવેલી, એ હજી અકબંધ છે. એમાંથી કોઈ પાકી પણ નથી ને વપરાય પણ નથી. માટે ૨૦૨૩ ના વર્ષ માટે, નવી શુભેચ્છા નહિ મોકલશો તો ચાલશે. એટલો સમય બચાવી ઘરના પંખા સાફ કરી લેજો..!

મહિનાઓની આવન-જાવન તો, જીવન અને મૃત્યુના ચકરાવા જેવી છે મામૂ..! રોજ સુરજ ડૂબે ને રોજ પાછો ઉગે. ચગડોળની માફક બધું ચાલ્યા કરે. નવી સાલ આવતાં વિદાય થયેલા મહિનાઓ ફરી પાછાં પ્રગટ થશે. ફરી ટાઈઢ પડવાની, બફારો થવાનો, ઝરમર ઝાપટાં પડવાના, છત્રીઓ કાગડો થવાની..! છાપામાં હમણાં જ વાંચ્યું કે, એકાદ દાયકામાં માણસ ચંદ્રની આબોહવામાં પણ આળોટતો થઇ જશે. જે લોકોને ચૂંટણીની ટીકીટ પૃથ્વી પર મળી નથી, એમના માટે ચંદ્રનું મેદાન મોકળું થવાનું. યાર...આઝાદી પછી ભારતે ઘણું-બધું કર્યું, જે થવાનું હતું એ પણ થયું ને નહિ થવાનું હતું એ પણ થયું. આ તો મારા મગજમાં ગંઢેલે માળો બાંધ્યો કે, નુતન વર્ષની શુભકામનામાં લેટેસ્ટ ભરતકામ થાય, તો કેવું થાય, એની છણાવટ કરું..! કારણ કે વ્હોટશેપ યુનીવર્સીટી ચલાવવાની જવાબદારી આપણી છે. વ્હોટશેપ-મેસેજ-ઇન્સટાગ્રામ-ટવીટર-રીલ જેવી લીલોતરી સુકાય જાય તે કેમ ચાલે..? લોકો શુભેચ્છાના બહાને કેવાં કેવાં સાબુના ગોટા ફેરવશે એની મઝા લેવા જેવી છે દાદૂ...!

૨૦૨૩ ના નુતન વર્ષની રસપ્રદ શુભકામનાઓ....

૧. નુતન વર્ષાભિનંદન..! તમારા ભેજામાં ખૂણે-ખાંચરે કટાવા આવેલી મેલી મુરાદનો નવા વર્ષમાં સંપૂર્ણ નાશ થાય. સદગુણોને વસવાટ કરવા માટે જગ્યા મળે. પોતાની જ વાઈફ દ્વારા વધારેમાં વધારે માન-સન્માન અને અકરામની વૃષ્ટિ થાય, લોહીમાં હેમોગ્લોબિન ફાટ-ફાટ થવાને બદલે, લેવલ પકડી રાખે. કોઈપણ ટોનિક લીધા વગર તમારા શરીરમાં શક્તિના ફૂવ્વ્વારા છૂટે. સાહસ અને હસાહસના ભેદ પરખાય, એવી ૨૦૨૩ના નુતન વર્ષની શુભકામના..!

-કાંતુ કોમિક ( અમલસાડ)

૨. તમને સાચેસાચ બ્રહ્મજ્ઞાન લાધે કે, ‘વુમન’ ને ઊંધું વાંચવાથી ‘નમવું’ થાય, ને ‘મેન’ ને ઊંધું વાંચવાથી ‘નમે’ થાય. અને એ પ્રમાણે તમારા ભેજામાં ઉભાર આવે, ક્રોધીલો સ્વભાવ ઠાળે પડે, અને વાઈફ સાથેના સંબંધો ફાલુદા જેવાં સ્વાદિષ્ટ બને એવી ભદ્રભાવના સાથે Happy new year..!

-પ્રપંચ પંચરંગી (ખારા પારડી )

3. કોઈ એમ કહે કે, તમારું ઠેકાણું નથી, તો નવા વર્ષમાં મોંઢું બગાડતા નહિ. કહી દેવાનું કેઆનંદદ્વાર એપાર્ટમેન્ટના આઠમાં માળે મારું ઠેકાણું છે. તમારા વિચારો ઊંચા હોવાથી, બાકીના બધાં નીચા લાગશે, તો નીચા નહિ માનવાના. ‘ઉંચે લોગ્કી ઉંચી પસંદ’ વાળી ભાવના રાખવાની. બળેલાઓના પેટમાં ભલે હિંગના વઘાર થતાં હોય, એની દરકાર કર્યા વગર, અત્તરના છાંટણા જ નાંખવાના. આગામી નુતન વર્ષમાં તમે ઉંચે ને ઉંચે હજી જાવ એવી અભિલાષા..!

-ઈશ્વર ઈચ્છાધારી (મોરા ભાગડ)

૪. આગામી નવું વર્ષ તમને સર્વાંગી રીતે ફરાળી નીવડે, તમારા જીવનમાં રંગરોગાન થાય, ખુશીઓ તમારા ખોળે રમવા આવે અને તમારો સંસાર હરા ભરા કબાબ જેવો બને અને ચંદ્ર ઉપર આંટો મારવા તમને પહેલી ટીકીટ મળે એવી શુભભાવના.

- રતનજી રંગારો (બરૂચ)

૨૦૨૨ ની સાલમાં ડીમ ડીમ ડિગા..ડિગા ઘણું કર્યું. નેતાઓના ભાષણો હજી કાનમાં ગુનગુન થતાં હશે. પણ, ૨૦૨૩ ના સાલની રીબન કાપવાના, કંકુ-તિલક કરવાના તમે યશભાગી થયાં એ મોટી વાત છે. કંઈ કેટલા LBW થઇ ગયાં..! કંસારના રાંધણ કરો, ધાબા ઉપર દીવડા પ્રગટાવો, થાળી થોકો, તાળી પાડો, પણ ૨૦૨૩ના વધામણા કરો. ૨૦૨૩ની સાલના સાક્ષી અને ઉદ્ઘાટક થવું એ દૈવીકૃપા છે. બધાં જ જાણે છે કે, નવી સાલ લાવવામાં કોઈએ કોઈ ધાડ મારી નથી, વારસાઈમાં મળી છે, તો સાચવવાની..! પાડોશણને ત્યાં બાબો આવ્યો હોય એમ, હરખ કરવાનો. યાદ રાખવાનું કે, પ્રત્યેક જાન્યુઆરી મહિનો જૂની સાલનો હત્યારો, અને નવી સાલનો યજમાન હોય છે. શિયાળાના ખભા ઉપર બંદુક ગોઠવીને જૂની સાલના હત્યારા બનવું એનું નામ જાન્યુઆરી..! ઠંડીની મૌસમ એટલે ડિગા ડિગા..! પંખો ચાલુ બંધ રાખવા બાબતે વાઈફ સાથે ‘સ્વીટ-વોર’ થાય એટલે ડિગા ડિગા..! ટાઈઢમા ચાહની ચૂસકી લેવાની જે મઝા જાન્યુઆરીમાં આવે, એ જુનમાં પણ નહિ આવે, એવી સમજણ આવે તો ડિગા ડિગા..! .! હવામાન નસીડું બનીને LOVE કરવા આવે તો ડિગા ડિગા..! પથારી ટાઢીબોર થતાં બરફની લાદી ઉપર સુતા હોય એવો અહેસાસ કરાવે તો ડિગા ડિગા..! કાળો કામળો ઓઢીને ખૂણે બેઠાં હોય ત્યારે. હિમાલયની ગુફામાં ચાતુર્માસ કરવા આવ્યા છો એવું ફિલ થાય તો માનવું કે ડીસેમ્બર ડિગા.ડિગા, મૌસમ ભીગા ભીગા..!

લાસ્ટ ધ બોલ

ડીસેમ્બરના અંતિમ દિવસે રાત્રે બારના છેલ્લા ટકોરે શ્રીશ્રી ભગાને શાંતાકલોઝ મળ્યા. અને કહ્યું, “માંગ માંગ બચ્ચા તુઝે ક્યા ચાહીએ..?

HP (હરખપદુડો) કહે, ‘ મારી આ વાઈફથી હું ત્રાસી ગયો છું, મને બીજી સરસ વાઈફ આપો દાદા..! “

આ સાંભળી તરત શ્રીશ્રી ભગાની વાઈફે જેવો શાંતાકલોઝનો પહેરવેશ ઉતાર્યો, ત્યારથી શ્રીશ્રી ભગો હજી બેભાન છે.

આને કહેવાય ડીસેમ્બર ડિગા ડિગા મૌસમ ભીગા ભીગા..!

------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )