ham chhod chale hai mahefilko in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૭૫

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૭૫

હમ છોડ ચલે હૈ મહેફિલકો...!

 

ચૂંટણીમાં જીતવા ભલે ને બાબરિયા ભૂતની બાધા રાખી હોય, કોઈ ફેર નહિ પડે..! મશીનનું બટન દબાવવા બાબરીયો જાતે નહિ આવે..! નસીબ બળવાન તો ગધા ભી પહેલવાન..! ક્યાં તો નોટ ચાલે, ક્યાં તો વોટ ચાલે..! અંધશ્રદ્ધા બહુત બુરી ચીજ હૈ બાબુ મોસાઈ...! જેનું કુળ સારું હોય, તેમના ખોળામાં તો પહેલેથી જ મોતીડાએ બાંધેલા હોય એટલે, ચૂંટણી જીતવા મરણીયા બનવું પડતું નથી. પણ જેને ઈંચની સૂઝ નહિ, ને ફૂટમાં ફરક નહિ પડતો હોય, તેઓ મોતી મેળવવા મરજીવા બનીને ખાડામાં પણ પડે. ચૂંટણી પણ ખરાખરીનો ખેલ છે દાદૂ..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું નથી, હોંશલો હોય તો, કાગડાને પણ હંસ માર્ગે જવાની ઈચ્છા થાય. (ભલે ગાંધી માર્ગે ક્યારેય ચાલ્યો ના હોય..!) ઉમેદ ની વાત છે બોસ..! ચાબુક હોય તો જ ઘોડાગાડી આવે એવી ગ્રંથી એને ગમે ત્યાં ગબડાવે..! પછી એ ભલે ને, કોઈપણ પ્રકારની ઉમેદવારી હોય..? લગનની હોય, નોકરીની હોય, ભાંગી કઢાવવાની હોય કે રમત-ગમતના ખેલની હોય..! ફૂટબોલની માફક મનોબળને મેદાનમાં મુકવું પડે. ફૂટબોલની માફક લાતો પણ ખાવી અને ખમવી પડે. આન-માન-સન્માન કે અકરામ લાતો ખાવાથી પણ મળતાં હોય તો જુગાડ ખેલવો પડે. ક્ષેત્ર નાનું હોય કે મોટું, ખાનગી હોય કે જાહેર, હરીફાઈ તો રહેવાની. ‘મુઝસે અચ્છા કોઈ નહિ’ વાળી ફાંકાની ફાકી તો મારવી જ પડે..! એ વખતે એવી શંકા નહિ રખાય કે, ‘સાબુની નાલ્લી..ગોટીમાંથી બાલ્દી ભરીને સફેદી મળશે ખરી..? ફાંકા રાખ્યા વિના કોઈપણ મુકામ સુધી પહોંચાઈ નહિ. ઇચ્છાઓની સફળતા હાર કે જીતના મામલા ઉપર જ જીવેલી હોય. માત્ર PLAY & STOP નું જ્ઞાન જોઈએ કે, ક્યાં ટકવું ને ક્યાં અટકવું..! પછી ભલે લટકવાનું આવે, તે વખતે છટકી જવાનું..! ઉમેદવાળા બધાં જ ઉમેદવાર કહેવાય..! મહોલ્લાનું કુતરું ભલે એને જોઇને ‘ઇકો સાઉન્ડ સીસ્ટમ’ સાથે ભસતું હોય, ચળ આવવી જોઈએ, તો એ ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી નાંખે..! ચૂંટણી જીતવાનો જંગ માંડી બેસે, એટલાં ઝેરી હોય..! આ બધું લોટરીના ખેલ જેવું છે દાદૂ..! લોટરીની ટીકીટ લીધાં વગર લોટરી લાગતી નથી. ઘરમાં પીંછોડી ઓઢીને સુઈ રહેવાથી રોડ-પતિમાંથી કરોડ-પતિ નહિ થવાય..! મનને મનાવી લેવું પડે કે, ‘લાગી તો લાગી નહિ તો હરી હરી..!’

હારવું કે જીતવું નસીબના ખેલ છે દાદૂ..! ચૂંટણીમાં હારી જવું એ પણ મર્દાનગીના ખેલ છે. રાજક્ષેત્રમાં જવું હોય તો, કુરુક્ષેત્રના ખેલ પણ ખેલવા પડે. પ્રવાસીઓને આકર્ષવા જેમ ટુરીઝમવાળા લાલ જાજમ બિછાવે, એમ રાજકારણ એક એવું ફિલ્ડ છે કે, જેમાં કોરી આંખે લીલોતરી પણ દેખાય, ને નહિ દેખાય તો લીલા ચશ્માં પણ પહેરાવવા પડે. અગ્નિમાં પડ્યાં વગર જેમ દાઝ્યાની અનુભૂતિ થતી નથી, એમ ચૂંટણીમાં ઉભા રહ્યા વગર હાર-જીતના તોલ-માપ નીકળતા નથી. પછી તો “જો જીતા વો સિકંદર..!” ચૂંટણીના પડઘમ જ્યારથી વાગવાના શરુ થયાં ત્યારથી, શ્રીશ્રી ભગાને પણ ઉમેદવારી કરવાની કબજીયાત થયેલી. એક તો એની ઉમ્મરની છેલ્લી ઓવર ચાલે. એમાં, આખાં તડબુચના ભજીયા ચાવવાની હોંશ જાગે. ચૂંટણીમાં ઉભા રહેવાનો આફરો એવો ચઢેલો કે, ઊંઘવાનો હોય તો પણ ઘોડાની માફક ઉભો-ઉભો જ ઊંઘે..! પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય એમ, લાંબા ક્ષેત્રફળમાં હરણફાળ ભરી..! થયું એવું કે, ઘેંટુ ઉન ખોઈને આવે એમ, શ્રીશ્રી ભગલું ડીપોઝીટ ગુમાવીને ઘરભેગું થયું. ઝભ્ભા-ચોઈણા-ટોપા-ખેસ વગેરે જો કે, માથે પડ્યું એમ તો નહિ કહેવાય, કારણ કે એની સમજદાર વાઈફે તરત જ કહ્યું કે, ‘આવતી ચૂંટણી સુધી હવે મને ઘરમાં પોતા-પાણી કરવા કપડાંની અછત નહિ પડે..! પૂરો સ્ટોક થઇ ગયો..!’

ચૂંટણી પણ એક નશો છે. પરિણામ આવે ત્યાં સુધી તો એકવાર તો ઉમેદવારને ગેસના ફુગ્ગા જેવો કરી નાંખે. ઉંચો ને ઉંચો જ ચાલે. પછી જેવું પરિણામ આવે એટલે, આકાશનો તારો ભોંઈ-ભેગો થયો હોય એમ શોધેલો નહિ મળે..! સાતમાં પાતાળના ખૂણે બેઠો બેઠો કરેલાં ભાષણો વાગોળવા માંડે..! “ રેરેએએએ’રે મેં કેવાં કેવા ભાષણો ઝીંકેલા? ગાંધી અને ગોડસે નો ફરક નહિ જોયેલો..? બોલેલું, બકેલું, વરતેલું, થૂંકેલું બધું જ, ગ્રામોફોનની અટકી ગયેલી પીનની માફક પડઘાવા માંડે..! પસ્તાવાની પસ્તાળ પડવા માંડે. ભાષણો કરીને ‘ચોક-અપ’ થયેલાં ગળાને ખંખેરવા વાપરેલા બાટલાઓનો ઉકરડો દેખાવા માંડે. ધૂમધડાકા સાથે કાઢેલી જાન, વગર મીંઢોળે માંડવેથી પાછી ફરે ત્યારે, ચોક્કસ જગ્યાએ બળતરા થવા માંડે. ત્યારે બ્રહ્મજ્ઞાન લાધે કે, બરબાદ કરેલા રૂપિયા જેટલાં પણ મને મત નહિ મળ્યા રેએએએ..! રાજકારણના ચટકા, માંકડના ચટાકાથી પણ danger હોય છે, એનું ભાન થવા માંડે..! માંકડના ચટકા તો સુતેલાને ઉભો કરે, ત્યારે રાજકારણના ચટકા તો જાગતાને દૌડતો કરી નાંખે..! પણ હાર્યા પછી કપાળમાં કાંદા ફોડવાથી શું વળે..?

આ બધાં ઉમેદવારીના હરખ કહેવાય..! એમાં જે ફાવેલો તે ડાહ્યો, ને બાકીના ડાહ્યાઓની તો લાલ જ થાય..! અમારા શ્રીશ્રી ભગાની ‘ડીચ’ બનવાની ઈચ્છા એટલે જૂની ઉધરસ જેવી. જ્યારથી અંગ્રેજો પલાયન થયેલાં ત્યારથી આ ઈચ્છાએ એના મગજમાં માળો બાંધેલો. કોઈ શાયરે સરસ વાત લખી છે કે,

आज तक है उसके लौट आने की उम्मीद,
आज तक ठहरी है ज़िंदगी अपनी जगह,
लाख ये चाहा कि उसे भूल जाये पर,
हौंसले अपनी जगह बेबसी अपनी जगह।

 

‘પાકીઝા’ ફિલ્મના ગીતના શબ્દોમાં કહું તો, “ જો ભી ઉસે મિલે વો, સભી બે-વફા મિલે..! જેને જોઇને, ચાર પગના પ્રાણીઓ રસ્તા બદલી નાંખતા હોય, એનું ચૂંટણીમાં કામ નહિ એ બધું, આપણે સમઝીએ, પણ તોફાને ચઢેલા આખલાને સમઝાવે કોણ..? એને કહેવા કોણ જાય કે, તારા ઘરના જ તને સ્વીકારતા નથી, તો મતપત્રમાં શું કામ ભીડ કરે છે ? પણ કહેવાય છે ને કે, લોભિયા હોય ત્યાં ધૂતારાના પેટને બદલે પટારા હોય..! કોઈએ સલાહ પણ આપી કે, ‘શ્રીશ્રી ભગેશ્વર..! ચૂંટણી જીતવી હોય, તો એક કામ કર, તાંત્રિકોના હવાલે જા..! શરીરમાં માદળિયાના બાંધકામ કરાવ. એ વિના ગાડરિયાના પ્રવાહને ટાઢો નહિ કરાય..! જીતાડવાના તમામ ઈલમ એની પાસે હોય. પછી તો ભૂતને પીપળા મળી રહે, એમ એકાદ તાંત્રિક પણ એને મળી ગયો. તાંત્રિકે છાતી ઠોકીને કહી દીધું, કે ‘ શ્રીશ્રી ભગાજી, આ વખતની ચૂંટણી જીતવા માટે તમારા તમામ ગ્રહો જોરદાર શંખનાદ કરી રહ્યા છે. તું એકવાર આંખ મીંચીને ઝંપલાવી દે, ફતેહ છે આગે..! તૂટી પડ..! આટલું કહે, પછી શ્રીશ્રી ભગો ઝાલ્યો રહે..? ‘મુડદામાં પ્રાણ આવ્યો હોય એમ, ઉકરડામાંથી ગુલાબ ફૂટવા માંડ્યા. લાપસી-લાપસી થઇ ગયો..! સાધુ સંતોની તો ઇન્દ્રિયો જ જાગૃત થાય. પણ શ્રીશ્રી ભગાની સુકાવા આવેલી ઈચ્છાઓ પણ સજીવન થઇ ગઈ. ચઢાવી દીધી ચૂંટણીની પીઠી. પછી તો જોવાનું જ શું..? રખડાટ-પછડાટ-પ્રચાર-ભાષણ-નાસ્તાપાણી, ખાટલા બેઠક, અને મોટા મોટા હોર્ડિંગ ને બેનરમાં કરી નાંખ્યો ધુમાડો.! તાંત્રિક પાસેથી ખરીદેલા, મોટાં મોટાં માદળિયાં, એકાદ કેડમાં. એકાદ ડોકમાં, તો એકાદ હાથના બાવડામાં બંધાયા. તાંત્રિકે કહ્યાં એટલા મંત્રો પણ જપાવી નાંખ્યા. પઅઅઅણ જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે બધું કકડ ફૂઉઉઉઉઉસ.! માદળિયાં આપોઆપ છૂટી ગયાં..! જપેલા મંત્રો ‘રીટર્ન‘ થઇ ગયાં. લોકો કેસરિયો કરતાં હતાં, ને શ્રીશ્રી ભગો પોતાની જાત ઉપર અબીલ-ગુલાલ ઉડાડતો હતો..! માત્ર ૧ જ મતે ભગેશ્રી હારી ગયો.! તે પણ એની ઘરવાળીને લીધે.! કારણ ઘરવાળી સાથે ચૂંટણીના આગલા જ દિવસે ઝઘડો થયેલો, ને મત આપ્યા વગર પિયર ચાલી ગયેલી..! વાઈફનો એક જ મત મળ્યો હોત તો એ આજે સિકંદર બની ગયો હોત. મને કહે, ‘ રમેશીયા.! કૂતરા જેવી મારી હાલત થઇ ગઈ. નહિ ઘરનો રહ્યો, નહિ ઘાટનો રહ્યો. માદળિયા અને મંત્રો બધું જ નપુસંક નીકળ્યું....! જાણે વિશ્વની ઊંચામાં ઉંચી દુબઈની બિલ્ડીંગ ‘ બુર્જ ખલીફા ‘ ઉપરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધો હોય, એવા આઘાત સાથે ડૂસકાં લઉં છું દોસ્ત..! મેં કહ્યું દોસ્ત..! જે લોકો વાઈફને સમઝી શકતા નથી. એની આવીજ હાલત થાય. NO LIFE WITHOUT WIFE...! વાઈફ કેટલો કીમતી દાગીનો છે એ તને આજે સમઝાયું.! વાઈફનો મત ના હોય તો, હવેલી લેવામાં ઝુંપડી પણ જાય..! જે લોકો ગલોફાં ફુલાવી ફુલાવીને કહેતા હતાં, ‘ શ્રીશ્રી ભગા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..! ‘એમાંનો એકેય આજે શોધેલો જડતો નથી..! લગનમાં આવે તો ઘણાં, પણ ચાંલ્લો કેટલો આવ્યો એ મહત્વનું છે. કીડીયારાની જેમ માણસ ભલે ઉભરાય, પણ ભિખારીના વાડકા જેટલો જ ચાંલ્લો આવે તો માનવું કે, આપણામાં હજી કંઈ ખૂટે છે..!

મને કહે, રમેશીયા..! સાલું સત્ય મોડું સમઝાયુ કે, પેલા તાંત્રિક પાસેથી જ એના હરીફે પણ માદળિયું બનાવેલું..! વાઈફ જો પિયર પલાયન નહિ થઇ હોત તો, ૧૦૦ ટકા હું શ્રીશ્રી ભગામાંથી ભગેશ્રી બની ગયો હોત.!

 

--------------------------------------------------------------------------------------------------