દરેક સ્ત્રીના જીવનમાં પત્ની થવાનો પ્રસંગ આવે જ છે. પત્ની થાય એટલે સ્વાભાવિકપણે વહુને અંતે સાસુ થવાનું જ હોય. પણ આ પાત્રો ભજવવામાં સ્ત્રીને ભારે એડજસ્ટમેન્ટસ લેવાં પડે છે. પોતાની પ્રકૃતિને સદંતર પલટાવવી પડે છે. એક મુક્ત જીવન જીવતી દીકરીમાંથી સાસરામાં અગણિત બંધનમાં જીવન જીવતાં શીખવું પડે છે. એ શિક્ષણ ક્યાંથી મળે ? આજકાલની શિક્ષણ પદ્ધતિમાં એ કોર્સ છે ક્યાંય ? વળી જે કંઈ શીખે છે તે માતા પાસેથી શીખે છે, પણ તેમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કેટલું મળે ? વળી પોતાના જીવનની સમસ્યાઓ કંઈ નવી જ જાતની આવીને ઊભી રહે ત્યાં શું કરવું ? ઘણી ખરી માતાઓ પોતે જ સમસ્યાઓમાં ડૂબેલી જ રહેતી હોય તે શું ઉકેલ શિખવાડી શકે પોતાની વહાલી દીકરીઓને ?! માટે સ્ત્રીને ખૂબ સંઘર્ષ ખેલવો પડે છે નવા જીવનમાં.
પરણીને સાસરે આવે ત્યારથી સૌથી પહેલી શરૂઆત એના માનસ પર એક જાતના દબાણથી થાય છે અને તે છે નવા ઘરમાં હું કેવી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકીશ ? ઘરના કામો, તેમાં ય ખાસ નવા ઘરની નવી પદ્ધતિની રસોઈ કરવી મને ફાવશે કે નહીં ? મારું બનાવેલું બધાને ભાવશે કે નહીં ? બગડી જશે તો ?! કોઈ કંઈ કહેશે તો ?! મારું, મારી માનું પછી કેટલું ખરાબ દેખાશે ?! ‘હું ખરાબ ના દેખાઉં’ એ દબાણ સાથે જ દરેક કાર્ય કરતી હોય છે, પરિણામે સહજતા તૂટે છે ને કામમાં ધબડકા વળે છે. ને તેનાથી વધારે દબાણ આવે છે. આની ગુંગળામણ પાર વગરની હોય છે. આવા સમયે શાણી સાસુ સંભાળી લે તો કળી ખીલી ઊઠે ! વહુને પ્રેમથી, ધીરજથી, એના અહમને જરાય ઠેસ ના લાગે તે રીતે નવી રીતીઓ શીખવાડવી ઘટે. કદાચ ‘નવી વહુ નવ દહાડાની’ કહેવત એ સાર્થક કરે પણ પછી એની ધીરજનો અંત આવે. જેમ ઠોઠ નિશાળીયા આગળ માસ્તરનું બને છે તેમ ! સાસુની ધીરજ તૂટે કે પછી સાસુમાની રેકર્ડ સવારથી વાગ્યા જ કરે કે મારા દીકરાને આવું શાક ભાવે, આવી ગ્રેવીવાળું, આવા સ્વાદવાળું, તારા સસરાને વળી જુદી જ ગ્રેવીવાળું ભાવે. મેં તો આખી જિંદગી ઘરમાં દરેકના ટેસ્ટ પ્રમાણે દરેકને દરરોજ જુદું જુદું બનાવીને જ ખવડાવ્યું છે, વિગેર, વિગેરે. એટલે પેલી વહુ ગભરાય. હજુ એકના ટેસ્ટનું તો ફાવતું નથી ત્યાં દરેકનું ક્યાંથી પહોંચી વળીશ ? અને પછી દબાણ ખૂબ વધી જાય તો શું થાય ? ફાટી જાય. તેમ તેનું મન ફાટી જાય છે ને સામે આર્ગ્યુમેન્ટસ ચાલુ થાય છે. શરૂઆતમાં મનમાંને મનમાં ને પછી ધીમે ધીમે ધણી પાસે ને છેલ્લે સાસુની આમને સામને ! પછી સાસુ વહુ ને વર વચ્ચેનો ત્રીકોણીયો જંગ શરુ થાય છે.
શરુ શરૂની સ્ટેજમાં વરને વારંવાર ફરિયાદ કરે છે એકલામાં કે તારી મા તો મને આમ કહે છે ને આમ કરાવે છે, હું ગમ્મે તેટલું સારું કરું તો ય ખોડ જ કાઢે છે, મારી એક વાતને એપ્રિશિએટ કરતી નથી. મને ખૂબ ગુંગળામણ થાય છે. ત્યારે પતિની સ્થિતિ કફોડી થાય છે. હજુ માનો પ્રભાવ વિશેષ રહેલો છે ત્યાં પત્નીનું આવું આવીને ઊભું રહે છે. તેથી સ્વાભાવિક માના પ્રભાવને લીધે ફટાક કરીને કહી નાખે છે કે ‘મારી મા આવી નથી’ ક્યારેક ‘તું જ એવી છે, મારી મા એવી નથી.’ હવે ત્યાં પતિએ ખૂબ જ જાગૃતિપૂર્વક આનું સમાધાન પત્નીને કરાવવું જોઈએ, જે એ ચૂકે છે. એટલે પત્ની મનમાં ધીમે રહીને ગાંઠ વાળે છે, ‘હજી આ માવડીયો જ છે. ફરી ક્યારેક લાગ આવે ત્યારે વાત !’ આમ કરતાં કરતાં વરસ બે વરસ વહુ ફેઈલ જાય છે. પતિ માના જ પક્ષમાં રહે છે. પછી ક્યારેક મા દીકરાને તો જામે કે નહીં ? અને એવું મોટું છમકલું થાય ત્યારે પત્ની ધીમે રહીને મમરો મૂકી આપે, ‘જો તારી મા છે ને એવી ! હું તો તને કાયમ કહેતી હતી. મારી જોડે તો આવું રોજ કરે છે.’ અને પેલો પલળે છે અને એનો અભિપ્રાય બદલાય છે કે હા, મા છે તો ખરી એવી. ત્યાર પછી ધીમે ધીમે વહુ ગુરુ બની જાય છે, માને સ્થાને ! એટલે સુધી કે પછી વહુ આગળ પાછળની દાઝ કાઢે છે ને અંતે જુદા પડી જાય છે, નોખુ ઘર માંડે છે. આમ સાસુ પોતે જ અણસમજણથી પોતાના ઘડપણને એકલવાયું નોતરે છે. ત્યાં જો સાસુ શરુઆતમાં વહુને સાચવી લે, એક દીકરીને તાલિમ આપે તેમ વહુ જોડે વર્તે, પ્રેમથી ને ધીરજથી, તો ઘરમાં સ્વર્ગ જેવું વાતાવરણ સર્જી શકાય. એમાં ય વિધવા સાસુનું પાછલું જીવન ખૂબ સુખ શાંતિમાં જાય.
દીકરો, મા ને પત્નીના ત્રિકોણમાં દીકરાની મનોવ્યથા પણ સમજવા જેવી છે. એક બાજુ જનની કે જેનો ઉપકાર જિંદગીમાં ક્યારે ય ના ભૂલાય, એ સંસ્કાર ઘરમાં, સ્કુલમાં બધે થી જ મળેલા અને બીજી બાજુ પત્ની કે જે પોતાનું સર્વસ્વ છોડી પતિના શરણમાં આવેલી છે તેનો ય ખ્યાલ સતત રાખવાનો ! આમ આ બે સ્ત્રીઓ વચ્ચે પુરુષ તરીકે ખૂબ જ ડહાપણથી, ધીરજથી ને ગંભીરતાથી રસ્તો કાઢવાનો. માને ય સંભાળવાની ને પત્નીને ય સંભાળવાની. માનો પક્ષ લે તો પત્ની રિસાય, ને એટલે સુધી જોવા મળે કે મોટાભાગના છૂટાછેડા હિન્દુસ્તાનમાં સાસુ વહુના અણબનાવને કારણે જોવા મળે છે. માના પક્ષમાં રહીને વહુને નિગ્લેક્ટ કર્યે રાખે તેના અંજામ છૂટાછેડામાં આવે છે ! એમ ઘર ભાંગે છે અને વહુનો પક્ષ લીધા કરે તો માને, બાપને અથવા વિધવા મા હોય તેને કેવી રીતે જુદી કઢાય ? ક્યાં રખાય તેને ? ઘરડાં ઘરની વ્યવસ્થા હજુ ભારતમાં પરદેશની જેમ સ્વીકારાઈ નથી, તેથી ખૂબ કફોડી સ્થિતિ તેમના માટે સર્જાય છે ! આમાં ખૂબ જ બેલેન્સ રાખી પુરુષે રસ્તો કરવો પડે. બન્નેના મનનું સમાધાન સાથે સાથે રાખવું પડે જે ખૂબ કઠીન હોવા છતાં અશક્ય તો નથી જ.
એક સાસુમા અમને કહે, ‘મારો સ્વભાવ ઘરમાં બહુ ચોખ્ખુ રાખ રાખ કરવાનો. આજકાલની વહુઓ એક તો કામ ઓછુ કરે, ને કરે તે ય પરાણે કરે અને ગંદવાડો ઘરમાં ને રસોડામાં પાર વગરનો રાખે. મને એ જરા ય ગમે નહીં. એના માટે એના જોડે મારે રોજ કચકચ થાય. મારાથી સહન થાય નહીં ગંદવાડો, તે વહુ સુઈ જાય પછી હું પાછું રસોડું ચોખ્ખું કરી નાખું, ગંદા વાસણ પાછાં ધોઈ નાખું.’ તે આમ છાનું કેટલા દહાડા રહે ?! વહુને ખબર પડી જ જાય ને તે વધારે ચીઢાય. પછી તો એ ય સામી થવા લાગી ગઈ, ‘તમને મારું કરેલું કામ ગમતું નથી તો તમે જ કરો, હું નથી કરવાની.’ ને અંતર ખૂબ વધતુ ગયું. પણ જેમ જેમ દાદા ભગવાનના સત્સંગમાં હું આવતી ગઈ તેમ તેમ મને રીયલાઈઝ થયું કે આ તો મારી જ ભૂલ છે. ને પછી આ બધી કચકચ અંદરથી ને બહારથી એની મેળે જ બંધ થઈ ગઈ. આજે અમે સાસુવહુ બે પ્રિય બહેનપણીઓની જેમ ઘરમાં રહીએ છીએ. નાનકડી ભૂલ ભાંગે તો કેવું સુંદર પરિણામ મળે !
એક પ્રસંગ નજરે જોવા મળેલો. એક સાસુ વિધવા થયાં. તેમને ત્રણ વહુઓ. આ જમાનાની, ભણેલી, શ્રીમંત ને ખાનદાન કુટુંબની. સંયુક્ત કુટુંબ, મોટું સાસરુ એટલે સ્વાભાવિક છે કે આજે નહીં તો કાલે, ઘરમાં દેરાણીઓ જેઠાણીઓ વચ્ચે કલેશ કંકાસ ને અંતે જુદા રહેવાનો વખત આવવાનો જ. આ કુટુંબ આખું આત્મજ્ઞાની શ્રી ‘દાદા ભગવાન’ ને હૃદયથી ફોલો કરતું હતું. એક વખત પરમ પૂજ્ય દાદા ભગવાન એ કુટુંબમાં સત્સંગાર્થે ગયેલા. ઘરના દરવાજેથી વળી પાછા અંદર આવીને નાની ત્રણે ય વહુઓને સંબોધીને બોલ્યા, ‘તમે મારી એક આજ્ઞા પાળશો ?’ ત્રણેવે ‘હા,’ પાડી પૂજયશ્રી એ વહુઓને કહ્યું, ‘દરરોજ સવારે તમારાં સાસુમાને પગમાં પાડીને નમસ્કાર કરજો, દિલથી, મને જેવી રીતે કરો છો એવા જ ભાવથી.’ આ એક આજ્ઞા પાળવાની શરુ કરી દીધી ત્રણેવ વહુઓએ. એનું પરિણામ શું આવ્યું ? વહુઓ દરરોજ નાહીને સાસુમાને પગે લાગે. હવે એમની જોડે એમનાં નાના બાળકો આંગળી ઝાલીને આવે તે પણ મમ્મીનું જોઈને પગે લાગતાં થઈ ગયાં. અને એમના પતિઓને થયું, ‘આ પારકી જણી મારી માને દેવી માની પગે લાગે છે તો હું કેમ રહી જાઉં ?!’ આ એક જ આજ્ઞા પાળવાથી આખા ઘરમાં માનું સ્થાન ખૂબ જ ઊંચુ થઈ ગયું ને આજે પણ એ જ સ્થાન છે, વર્ષો પછી પણ ! અને જે વહુ દરરોજ સાસુને આ રીતે પગે લાગતી હોય તે સાસુની શી મજાલ કે એ વહુનો દોષ દેખી શકે ?! આ પ્રસંગનું વર્ણન અમે જ્યાં જ્યાં સત્સંગ સભામાં કરીએ છીએ ત્યારે કેટલીયે વહુઓ સાસુ સાથેના ક્લેશમાંથી છૂટવા આ રસ્તો અપનાવે છે, આગલું પાછલું બધું જ ભૂલીને અને ઘર સ્વર્ગસમ બની જાય છે !
એક બેન કહે, ‘મારી સાસુ મને બહુ પ્રોબ્લેમ કરે છે. એ વાત વાતમાં બહુ ખોટુ બોલે છે. અને કંઈક હોય ને ખોટી ખોટી માંદી પડી જાય ને બધાંના એટેન્શન માંગી લે. મારો વર માવડીયો જ છે. એ આ કાંઈ સમજતો જ નથી. હું તો સાચું બોલનારી છું. ખોટું કેમ ચલાવી લેવાય ? તે હવે પિયર આવી ગઈ છું. રોજ રોજ આમ થાય તો કેમ જીવાય ? મને મારા વર જોડે કોઈ પ્રોબ્લેમ નથી. એ જુદો રહે તો હું સાસરે જવા તૈયાર છું, પણ એ માનતો નથી. મને વર તો જોઈએ જ છે પિયરવાળા ય મને સાસરે જવા કહે છે પણ સાસુ સુધરે તો જાઉં કે વર જુદો રહે તો જાઉં.’ હવે આનો ક્યારે પાર આવે ? વર જોઈતો હોય, આપણા બાળકોને પિતા જોઈતો હોય, તો ક્યાંક તો બાંધછોડ કરવી જ પડે ને ? સાસુની પ્રકૃતિ આવી જ છે એ ક્યારે બદલાય ? જેમ આપણે સત્યનો પૂછડું પકડયું છે તેમ એણે જૂઠનું પૂંછડું ( પણ એની પોતાની દ્રષ્ટિએ તો સત્ય જ છે ને !) પકડયું છે. આપણે ગરજ હોય, વર જોઈતો હોય તો આપણે એડજસ્ટ થઈ જ જવું. પિયરમાં આખી જિંદગી મા-બાપ, ભાઈઓ, ભાભીઓ, વિગેરે. જોડે શું એડજસ્ટમેન્ટસ નહીં લેવા પડે ? એના બદલે એક સાસુ જોડે એડજસ્ટ થઈ જાવને ! એમની પ્રકૃતિ જે છે તે, એ બદલાવાની નથી, તો એને સ્વીકારી લોને ચોખ્ખા મને ! એક વખત દિલથી એક્સેપ્ટ કરશો પછી ફરિયાદ નહીં રહે અને ઘર સચવાઈ જશે, છોકરાં સચવાઈ જશે ને આપણા પ્રિય પતિ પણ સચવાઈ જશે. જીવન હર્યું ભર્યું ને રળિયામણું થશે.