HANSLA HALONE HAVE MOTIDA NAHI RE MLE in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૭૩

Featured Books
Categories
Share

હાસ્ય લહરી - ૭૩

 હંસલા હાલો ને હવે, મોતીડાં નહિ રે મળે..!

 

                             અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને  દરિયો ખેડવાનું આવતું નથી.  કેટલાંક એવાં પણ હોય કે, દરિયા ખેડવાને બદલે  ગંધારા ખાડામાંથી જ મોતી મેળવવા ફાંફા મારતા હોય..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું નથી. આ બધી ઉમેદની વાત છે.  ચાબુક હોય તો ઘોડાગાડી આવે એમ, ઉમ્મીદ હોય તો ઉમેદવારી કરવાની ખંજવાળ આવે. પછી એ કોઈપણ પ્રકારની ઉમેદવારી હોય..! લગનની હોય, નોકરીની હોય,  ભાંગી કઢાવવાની હોય કે  રમત-ગમતના ખેલની હોય..!મનોબળ ફૂટબોલના  જેવું રાખવું પડે. ફૂટબોલની માફક લાતો ખમવી પડે.  માર ખાવાથી જો આન-માન-સન્માન કે અકરામ મળતાં હોય તો, ખેલ ખેલી નાંખવા પડે. કોઈપણ ક્ષેત્રમાં ઉમેદવારી કરો એટલે ફાંકો તો આવવાનો કે, ‘ મુઝસે અચ્છા કોઈ નહિ..!  ધોબી પછડાટ ખાધા પછી, ભલે અનુભૂતિ આવે કે, ‘ સાબુની નાલ્લી..ગોટીમાંથી બાલ્દી ભરીને સફેદી તો આવતી જ નથી..! પણ આવા ફાંકા તો રાખવા જ પડે. તો જ મુકામ સુધી ઉમેદવાર પહોંચી શકે. ઈચ્છાઓ કોઈપણ હોય, એ હાર કે જીતના મામલા ઉપર જ જીવેલી હોય માત્ર PLAY & STOP નું જ્ઞાન જોઈએ કે, ક્યાં ટકવું ને ક્યાં અટકવું..! 
                               કોઈપણ પ્રકારની ઉમેદવાળા બધાં જ ઉમેદવાર કહેવાય..! એને ચળ આવે તો એ  ચૂંટણીમાં પણ ઉમેદવારી કરે. અને જેને જોઇને મહોલ્લાનું કુત્તરું પણ ‘sound effect’ સાથે ભસતું હોય, એ પણ ચૂંટણી જીતવાનો જંગ માંડી બેસે, એટલાં ઝેરી..! લોટરીના ખેલ જેવું છે દાદૂ..! લોટરીની ટીકીટ લીધાં વગર ઘરમાં પીંછોડી ઓઢીને સુઈ રહેવાથી રોડ-પતિમાંથી કરોડ-પતિ નહિ થવાય..! લાગી તો લાગી નહિ તો હરી હરી..! લોટરીની ટીકીટ તો ખરીદવી જ પડે..!  
                                  હારવું કે જીતવું નસીબના ખેલ છે. એમાં ચૂંટણીમાં હારી જવું એ મર્દાનગીના ખેલ છે. રાજક્ષેત્રમાં જવું હોય તો, કુરુક્ષેત્રના ખેલ પણ કરવા પડે. પ્રવાસીઓને આકર્ષવા ટુરીઝમવાળા કેવી લાલ જાજમ બિછાવે, એમ રાજકારણ એક એવું ફિલ્ડ છે કે, જેમાં કોઈને કોરી આંખે લીલોતરી દેખાય, તો કોઈને લીલોતરી દેખાડવા માટે લીલા ચશ્માં પણ પહેરાવવા પડે.  જેમ અગ્નિમાં પડ્યાં વગર દાઝ્યાની અનુભૂતિ થતી નથી, એમ ચૂંટણીમાં ઉભા રહ્યા વગર તોલ-માપ નીકળતા નથી. પછી તો જો જીતા વો સિકંદર..! ચૂંટણીના પડઘમ વાગવાના જ્યારથી શરુ થયાં ત્યારથી, ઉમ્મરની છેલ્લી ઓવરમાં, શ્રીશ્રી ભગો આખાં તડબુચના ભજીયા ચાવી ગયો હોય એમ,   એને ચૂંટણી લડવાનો આફરો ચઢેલો..! પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય એમ, લાંબા ક્ષેત્રફળમાં હરણફાળ કાઢેલી..! થયું એવું કે, ઘેંટુ ઉન ખોઈને આવે એમ, શ્રીશ્રી ભગલું ડીપોઝીટ ગુમાવીને ઘરભેગું થયું. ઝભ્ભા-ચોઈણા-ટોપા-ખેસ વગેરે બધું માથે પડ્યું એમ તો નહિ કહેવાય, કારણ કે વાઈફે તરત જ કહ્યું કે, આવતી ચૂંટણી સુધી મને હવે ઘરમાં પોતા-પાણી કરવા કપડાંની અછત નહિ પડે..! પૂરો સ્ટોક થઇ ગયો..!
                               ચૂંટણીનું પરિણામ આવે ત્યાં સુધી તો ઉમેદવાર ગેસના ફુગ્ગા જેવો થઇ જાય. નીચે તો આવે તો બચ્ચો,  ઉંચો ને ઉંચો જ જાય. જેવું પરિણામ આવે એટલે, આકાશનો તારો ભોંઈ-ભેગો થયો હોય એમ શોધેલો નહિ મળે..! સાતમાં પાતાળના ખૂણે બેઠો હોય એમ બધું યાદ આવવા માંડે..! રેરેએએએ’રે મેં કેવાં કેવા ભાષણો ઝીંકેલા? બોલેલું, બકેલું, વરતેલું, થૂંકેલું બધું ગ્રામોફોનની અટકી ગયેલી પીનની માફક પડઘાવા માંડે..! પસ્તાવાની પસ્તાળ પડવા માંડે કે, ‘હાય રે મેં તો  કોયલને કાગડામાં ચિતરવાની ચેષ્ટા કરી નાંખેલી.! ભાષણો કરીને ‘ચોક-અપ’ થયેલાં ગળાને ખંખેરવા વાપરેલા બાટલાઓનો ઉકરડો કરી નાંખેલો, પણ પોતાના માટે ઉકરડા જેટલો મતનો ઢગલો પણ કરી ના શક્યો. ધૂમધડાકા સાથે કાઢેલી જાન, વગર મીંઢોળે માંડવેથી પાછી ફરે ત્યારે, ચોક્કોકસ જગ્નેયાએ કોને બળતરા નહિ થાય, એવી વેદના થવા માંડે. શ્રીશ્રી ભગાને ત્યારે બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, રાજકારણના ચટકા, માંકડના ચટાકાથી પણ danger હોય છે..!  માંકડના ચટકા તો સુતેલાને ઉભો કરે, ત્યારે રાજકારણના ચટકા તો જાગતાને દૌડતો કરી નાંખે..! ખુરશી ચીજ ઐસી હૈ..! ‘
                    આ બધાં ઉમેદવારીના હરખ કહેવાય..! એમાં જે ફાવેલો તે ડાહ્યો કહેવાય, ને  બાકીના ડાહ્યાની તો લાલ જ થાય..! શ્રીશ્રી ભગાની ‘ડીચ’ બનવાની ઈચ્છા એટલે જૂની ઉધરસ જેવી. જ્યારથી અંગ્રેજો પલાયન થયેલાં ત્યારથી આ ઈચ્છાએ એના મગજમાં માળો બાંધેલો. ‘ડીચ‘ બનવાની લ્હાયમાં આજે પણ એ ‘ફ્રીઝ‘ છે..! કોઈ શાયરે સરસ વાત લખી છે કે,

             आज तक है उसके लौट आने की उम्मीद,
                    आज तक ठहरी है ज़िंदगी अपनी जगह,
                                लाख ये चाहा कि उसे भूल जाये पर,
                                 हौंसले अपनी जगह बेबसी अपनी जगह।

           

                                 ‘પાકીઝા’ ફિલ્મના ગીતના શબ્દોમાં કહું તો, “ જો ભી ઉસે મિલે વો, સભી બે-વફા મિલે “ ના કારણે તો મત  મેળવવા કરતાં ડીપોઝીટ વધારે ગુમાવેલી..! જેને જોઇને, ચાર પગના પ્રાણીઓ રસ્તા બદલી નાંખતા હોય, એનું ચૂંટણીમાં કામ નહિ એ બધું, આપણે સમઝીએ, પણ તોફાને ચઢેલા આખલાને સમઝાવે કોણ..? એને કહેવા જાય કે, તારા ઘરના જ તને સ્વીકારતા નથી, તો મતપત્રમાં શું કામ ભીડ કરે છે ભાઈ..? પણ કહેવાય છે ને કે,  લોભિયા હોય ત્યાં ધૂતારાના પેટ મોટા જ હોય..!  કોઈએ સલાહ પણ આપી કે, ‘શ્રીશ્રી ભગેશ્વર..! ચૂંટણી જીતવી  હોય, તો એક કામ કર, તાંત્રિકોના હવાલે જા..! માદળિયાના બાંધકામ વિના ગાડરિયાના પ્રવાહને ટાઢો નહિ કરાય..! જીતાડવાના તમામ ઈલમ એની પાસે હોય. પછી તો જેમ ભૂતને પીપળા મળી રહે, એમ એકાદ  તાંત્રિક પણ મળી ગયો. તાંત્રિકે છાતી ઠોકીને કહી દીધું, કે ‘ શ્રીશ્રી ભગાજી, આ વખતે ચૂંટણી જીતવા તમારા તમામ ગ્રહો આ વખતે શંખનાદ કરી રહ્યા છે.  તું એકવાર આંખ મીંચીને ઝંપલાવી દે, ફતેહ છે આગે..! તૂટી પડ..! આટલું કહે, પછી શ્રીશ્રી ભગો ઝાલ્યો રહે..? ‘મુડદામાં પ્રાણ આવ્યો હોય એમ, ઉકરડામાંથી ગુલાબ ફૂટવા માંડ્યા. લાપસી-લાપસી થઇ ગયો..! સાધુ સંતોની તો ઇન્દ્રિયો જ જાગૃત થાય. પણ શ્રીશ્રી ભગાની સુકાવા આવેલી ઈચ્છાઓ  પરિવાર સાથે સજીવન થઇ ગઈ. ચઢાવી દીધી ચૂંટણીની પીઠી. પછી તો જોવાનું જ શું..? રખડાટ-પછડાટ-પ્રચાર-ભાષણ-નાસ્તાપાણી, ખાટલા બેઠક, અને મોટા મોટા હોર્ડિંગ ને બેનરમાં કરી નાંખ્યો ધુમાડો.! તાંત્રિક પાસેથી ખરીદેલા, મોટાં મોટાં માદળિયાં, એકાદ  કેડમાં. એકાદ ડોકમાં, તો એકાદ હાથના બાવડામાં બંધાયા. તાંત્રિકે કહ્યાં એટલા મંત્રો પણ જપી નાંખ્યા. પઅઅઅણ પાઘડીનો વળ છેડે નીકળ્યો. જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું બધું કકડ ફૂઉઉઉઉઉસ.! માદળિયાં આપોઆપ છૂટી ગયાં..!  જપેલા મંત્રો ‘રીટર્ન‘ થઇ ગયાં. લોકો કેસરિયો કરતાં હતાં, ને શ્રીશ્રી ભગો પોતાની જાત ઉપર અબીલ-ગુલાલ ઉડાડતો હતો..! માત્ર ૧ જ મતે ભગેશ્રી હારી ગયો.! તે પણ એની ઘરવાળીને લીધે.! કારણ ઘરવાળી સાથે ચૂંટણીના આગલા જ દિવસે ઝઘડો થયેલો, ને મત આપ્યા વગર પિયર ચાલી ગયેલી..!  વાઈફનો એક જ મત મળ્યો હોત તો એ આજે સિકંદર બની ગયો હોત. મને કહે, ‘ રમેશીયા.! કૂતરા જેવી મારી હાલત થઇ ગઈ. નહિ  ઘરનો રહ્યો, નહિ  ઘાટનો રહ્યો. માદળિયા અને મંત્રો બધું જ નપુસંક નીકળ્યું....! જાણે વિશ્વની ઊંચામાં ઉંચી દુબઈની બિલ્ડીંગ ‘ બુર્જ ખલીફા ‘ ઉપરથી ધક્કો મારીને નીચે ફેંકી દીધો હોય, એવા આઘાત સાથે ડૂસકાં લઉં છું દોસ્ત..! મેં કહ્યું દોસ્ત..! જે લોકો વાઈફને સમઝી શકતા નથી. એની આવીજ હાલત  થાય. NO LIFE WITHOUT WIFE...! વાઈફ કેટલો કીમતી દાગીનો છે એ તને આજે સમઝાયું.! વાઈફનો મત ના હોય તો, હવેલી લેવામાં ઝુંપડી પણ જાય..! જે લોકો ગલોફાં ફુલાવી ફુલાવીને કહેતા હતાં, ‘ શ્રીશ્રી ભગા તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ..! ‘એમાંનો એકેય આજે શોધેલો જડતો નથી..! લગનમાં આવે તો ઘણાં, પણ ચાંલ્લો કેટલો આવ્યો એ મહત્વનું છે. કીડીયારાની જેમ માણસ ભલે ઉભરાય, પણ ભિખારીના વાડકા જેટલો જ ચાંલ્લો આવે તો માનવું કે, આપણામાં હજી  કંઈ ખૂટે છે..!
                                મને કહે, રમેશીયા..!  સાલું સત્ય મોડું સમઝાયુ કે, પેલા તાંત્રિક પાસેથી જ એના હરીફે પણ માદળિયું બનાવેલું..! વાઈફ જો પિયર પલાયન નહિ થઇ હોત તો, ૧૦૦ ટકા હું શ્રીશ્રી ભગામાંથી ભગેશ્રી બની ગયો હોત.!
 

                                                                      લાસ્ટ ધ બોલ

                                                           જેને ચોકડી લગાવો એ જ ચૂંટણીમાં ચૂંટાય છે,

----------------------------------------------------------------------------------------------------------------------------------------------