"કૉલેજ કેમ્પસ"ભાગ-64
આકાશ તેને કહી રહ્યો હતો કે, આવતીકાલે તું કોલેજથી થોડી વહેલી નીકળી જજે હું તને લેવા માટે આવી જઈશ અને આપણે મારે થોડું કામ છે તે પતાવી આવીશું અને પછી કોઈ સારી રેસ્ટોરન્ટમાં ચા નાસ્તો કરીશું અને પછી હું તને તારી કોલેજ ઉપર ડ્રોપ કરી જઈશ એટલે તું ઘરે ચાલી જજે.
પરી વિચારી રહી હતી કે, હવે શું કરવું આ આકાશનું? અને એટલામાં તેની નજર પોતાની વોચ ઉપર પડી અને તે ઉભી થઈ ગઈ અને આકાશને કહેવા લાગી કે, "આઈ એમ ગેટીંગ લેટ મારે હવે નીકળવું જોઈએ અને બંને છૂટાં પડ્યા..
આકાશ બોલી રહ્યો હતો કે, કાલે આપણે મળીએ છીએ પરંતુ પરી તો પોતાની ધૂનમાં હતી અને નીકળી ગઈ હતી.
બીજે દિવસે ફરીથી આકાશ પરીની કોલેજ પાસે આવીને ઉભો રહ્યો અને તેને બહાર બોલાવવા માટે તેને ફોન કરવા લાગ્યો. આકાશે ત્રણથી ચાર વખત પરીને ફોન લગાવ્યો પરંતુ પરીએ ફોન ન ઉપાડ્યો એટલે આકાશે તેને મેસેજ કર્યો કે, તું ફોન નહીં ઉપાડે તો હું તારી કોલેજની અંદર આવીશ માટે પ્લીઝ ફોન ઉપાડ... છેવટે પરીએ ફોન ઉપાડ્યો એટલે આકાશે તેને બહાર આવવા માટે કહ્યું પરીએ તે પણ ના પાડી પરંતુ આકાશ ખૂબ જીદ કરી રહ્યો હતો એટલે નછૂટકે પરીએ હા પાડી અને પોતે કોલેજની બહાર આકાશને મળવા માટે આવી.
પછીથી આકાશ તેને પોતાની સાથે કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો. પરી રસ્તામાં તેને પૂછી રહી હતી કે, આપણે ક્યાં જઈ રહ્યા છીએ પરંતુ આકાશ તેને એ તો મારે કામ છે.આ પાર્સલ આપવાનું છે પછી આપણે છુટ્ટા પછી આપણે ક્યાંક બહાર જઈએ. પરીએ તેને ફરીથી પ્રશ્ન પૂછ્યો કે, "શેનું પાર્સલ છે આ? અને અહીંયા કેમ આપવાનું છે?" એટલે આકાશે તેને કહ્યું કે, "એ તો ઓફિસનું પાર્સલ છે"
પરીને થોડી નવાઈ લાગી કે, ઓફિસનું પાર્સલ આપવા માટે આકાશ જાતે કેમ જાય છે અને આ બાઈક પણ કોનું હશે? એટલે તેણે ફરીથી તેને પૂછ્યું કે, "ઓફિસનું પાર્સલ હોય તો કુરિયરમાં ન મોકલી દેવાય? આટલા પાર્સલ માટે તું છેક અમદાવાદથી અહીંયા ધક્કો ખાય છે?"
આકાશે તેને શાંતિથી જવાબ આપ્યો કે, "ના યાર, કુરિયરમાં નહોતું મોકલાય એવું અને અમદાવાદથી અહીંના ધક્કા આ તો મારે રોજનું છે."
પરીને થયું હશે છોડને... પણ પછી તેને થયું કે, આ આકાશ બાઈક કોનું લઈને આવ્યો હશે? એટલે તેણે તરત જ આકાશને પૂછ્યું કે, "તો તું આ બાઈક કોનું લઈ આવ્યો?"
આકાશ: એ તો મારા ફ્રેન્ડનું જ છે કોઈવાર આ રીતે જરૂર પડે એટલે લઈ આવું છું"
પરી: ઓકે, એવું છે?
આકાશ: હા, અહીંયા બેંગ્લોરમાં પણ આપણું તો સારું એવું ગૃપ છે.
પરી: અચ્છા એવું છે?
આકાશ: બસ, આપણે બંદા તો જ્યાં જઈએ ત્યાં મિત્રો બનાવી જ લઈએ છીએ.
પરી: હા તે સારું કહેવાય મને એવો સ્વભાવ ખૂબ ગમે..
આકાશ: અને એવા સ્વભાવવાળી વ્યક્તિ ન ગમે?
પરી: ગમે ને તે પણ ગમે.
આકાશ: તો પછી હું ગમું છું કે નહીં તે તો કહે.
પરી: તું મને ગમે છે પણ તું જે વિચારે છે કે, હું તને આઈ લવ યુ કહું અને પછી આપણે બંને આ રીતે દરરોજ મળતાં રહીએ અને પછી આપણાં લગ્ન થઈ જાય તે બધું મારા માટે હમણાં શક્ય નથી હું આટલું પૂરું કરીને હજી આગળ પણ ખૂબ ભણવા માંગુ છું અને માટે હું આ બધા કોઈ ચક્કરમાં પડવા માંગતી નથી.
આકાશ: આશરે તું કેટલા વર્ષ સુધી હજી ભણવા માંગે છે?
પરી: એવું અત્યારથી હું કઈરીતે કહી શકું?
આકાશ: તારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તું ભણી શકે છે હું તારી રાહ જોવા માટે તૈયાર છું.
પરી: પણ એવી તારે મારી રાહ જોવાની શું જરૂર છે તું આટલું ભણેલો છે, વેલસેટ છે, અંકલ અને આન્ટીનો નેચર પણ ખૂબ સરસ છે તો તને બીજી ગમે તે કોઈ સરસ છોકરી મળી જશે.
આકાશ: પણ મને તો તું જ ગમે છે, સ્વભાવથી દેખાવથી બધીજ રીતે, હું લગ્ન કરીશ તો ફક્ત તારી જ સાથે..
પરી: પણ મેં લગ્ન વિશે કંઈ વિચાર્યું જ નથી. કદાચ, હું તો લગ્ન ન પણ કરું?
આકાશ પરીની વાત વચ્ચે જ કાપતાં બોલ્યો કે, "તો તારો મને કુંવારા રાખવાનો ઈરાદો છે એમ જ ને? તું લગ્ન નહીં કરે તો હું પણ લગ્ન નહીં કરું.
પરી: ઓકે, તો તારી મરજી.
બાઈક ઘણે દૂર નીકળી ગયું હતું અને એરિયા પણ બિલકુલ અજાણ્યો કદી ન જોયો હોય તેવો હતો એટલે પરીએ આકાશને પૂછ્યું કે, "આપણે ક્યાં જઈ રહ્યા છીએ, બરાબર તો જઈ રહ્યા છીએ ને?
આકાશ: હા હા, બરાબર જ જઈ રહ્યા છીએ. હું અહીંયા ઘણી વખત પાર્સલ આપવા માટે આવું જ છું એટલે મને ખબર છે.
પરી: ઓકે.
અને આકાશને જ્યાં જવાનું હતું તે જ્ગ્યા આવી પહોંચી હતી એટલે આકાશે પરીને ગલીની બહાર ત્યાં બાઈક પાસે જ ઉભા રહેવા કહ્યું અને પોતે થેલો લઈને અંદર આપવા માટે ગયો એટલે પરી ગલીમાં અને આજુબાજુ બધે નજર કરવા લાગી કે, આ એરિયા બરાબર નથી આવા એરિયામાં આ આકાશ કોને પાર્સલ આપવા માટે આવ્યો હશે?
પરી આમ વિચારી રહી હતી અને આકાશ પાર્સલ આપીને બહાર આવી ગયો એટલે બંને ત્યાંથી નીકળી ગયા.
આકાશ પરીને ક્યાં લઈ ગયો હશે? પરી આકાશની પ્રેમજાળમાં ફસાસે કે નહીં ફસાય? આકાશ શું કામ માટે અવારનવાર બેંગ્લોર આવતો હશે? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/2/23