પ્રારંભ પ્રકરણ 4
જયેશ ઝવેરીનો નંબર મળી ગયા પછી પળનો પણ વિલંબ કર્યા વગર કેતને એને ફોન કર્યો.
" જયેશ હું કેતન બોલું સુરતથી. તારો જૂનો મિત્ર. યાદ હોય તો જામનગર તારા ઘરે પણ હું આવેલો છું. " કેતન બોલ્યો.
" અરે કેતન તું તો બહુ મોટો માણસ છે. તને ના ઓળખું એવું બને ? બોલ કેમ યાદ કર્યો ? " જયેશ બોલ્યો. જયેશ પહેલેથી જ કેતનનું રિસ્પેક્ટ કરતો હતો. કેતને એને કૉલેજમાં નાની મોટી મદદ પણ કરેલી.
"મારે તારું કામ હતું જયેશ. હું તો જામનગર પણ જઈ આવ્યો. પટેલ કોલોનીમાં પણ ગયો હતો પરંતુ તારું મકાન તો તેં વેચી દીધું છે. " કેતન બોલ્યો.
" હા કેતન. પપ્પાને લાખોનું દેવું થઈ ગયું હતું. ના છૂટકે મારે મકાન વેચીને રાજકોટ શિફ્ટ થઈ જવું પડ્યું. બી.કોમ થયા પછી સારી નોકરીઓ ક્યાં મળે છે ? એક સી.એ ની ફર્મમાં નોકરી કરું છું. ભક્તિનગર એરિયામાં ગોપાલનગર સોસાયટીમાં ભાડે રહું છું. " જયેશ બોલ્યો.
" તારું એડ્રેસ મને વોટ્સએપ કરી દે. બે ત્રણ દિવસમાં જ રાજકોટ આવીને તને મળું છું. " કેતન બોલ્યો અને એણે ફોન કટ કર્યો.
સૌરાષ્ટ્ર મેલ સુરતથી રાત્રે ૧૨:૩૦ વાગે ઉપડતો હતો. કેતને એમાં બીજા દિવસનું ફર્સ્ટ ક્લાસનું રાજકોટ સુધીનું રિઝર્વેશન કરાવી લીધું.
બીજા દિવસે રાત્રે સૌરાષ્ટ્ર મેઈલમાં કેતન રાજકોટ જવા નીકળી ગયો અને સવારે ૧૦:૩૦ વાગે રાજકોટ પહોંચી ગયો. જયેશ ઝવેરી રાજકોટના ભક્તિનગર એરિયામાં રહેતો હતો એટલે એણે ગુગલમાં જોઈને મવડી સર્કલ ઉપર આવેલી ફોર્ચ્યુન પાર્ક હોટલ પસંદ કરી. રીક્ષા કરીને એ ૧૧ વાગ્યે હોટલ પહોંચી ગયો.
હોટેલમાં નાહી ધોઈને કેતન ફ્રેશ થઈ ગયો અને એણે જયેશને ફોન કર્યો.
" જયેશ હું રાજકોટ આવી ગયો છું અને અત્યારે મવડી સર્કલ ઉપર હોટેલ ફોર્ચ્યુન પાર્કમાં છું. તું એકાદ કલાકમાં હોટલ ઉપર આવી જા. આજે આપણે સાથે જ ગ્રાન્ડ ઠાકરમાં જમીશું. સમય લઈને આવજે. બની શકે તો આજે રજા રાખજે. " કેતન બોલ્યો.
" ઠીક છે. હું ઓફિસે તો આવી ગયો છું પણ આજે રજા જ લઈ લઉં છું. " જયેશ બોલ્યો અને પોણા કલાકમાં એ હોટલ ઉપર આવી ગયો.
" કેટલા સમય પછી આપણે મળીએ છીએ ? ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમય થયો. " જયેશ ઝવેરી કેતનને જોઈને બોલ્યો.
" હું બે વર્ષ અમેરિકા રહી આવ્યો. મેનેજમેન્ટમાં માસ્ટર કર્યું. હવે તારા જામનગરમાં સેટ થવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. મને તારી મદદની જરૂર છે. ત્યાં હું જે ઓફિસ ખોલું એમાં તને મેનેજરની પોસ્ટ આપવા માગું છું. " કેતન બોલ્યો.
જયેશને કેતનની વાતથી ખૂબ જ આશ્ચર્ય થયું. કેતન એને મેનેજરની પોસ્ટ આપતો હતો એટલે પગાર તો અહીંના ૨૦૦૦૦ કરતાં વધારે જ હશે !- જયેશ વિચારી રહ્યો.
" તારો પગાર મહિને એક લાખ રૂપિયા હશે. તારા હાથ નીચે ચાર પાંચ જણનો બીજો સ્ટાફ હશે !" કેતને જયેશ આગળ ધડાકો કર્યો.
જયેશ બે ક્ષણ માટે તો અવાક થઈ ગયો. મહિનાનો એક લાખ પગાર !!! આ સ્વપ્ન છે કે સત્ય ? એને એના પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. કેતન કરોડપતિ છે એ તો એને ખબર જ હતી પણ પોતાને આટલો પગાર આપશે એવી એને કલ્પના પણ ન હતી.
" પરંતુ મારે કામ શું કરવાનું ? તું જો આટલી મોટી જવાબદારી મને સોંપવા માંગે છે તો એ કામ હું કરી શકીશ ખરો ? " જયેશ સહેજ મૂંઝાઈને બોલ્યો.
" કામ કામને શીખવે છે જયેશ અને અત્યારે તો કોઈ જ કામ તારે કરવાનું નથી. નવી ઓફિસમાં બેસીને આપણે તો હજુ પ્લાનિંગ કરવાનું છે કે આપણે કયો ધંધો કે બિઝનેસ કરવો. અને આપણો એ બિઝનેસ લોકોની સેવાનો જ હશે. પ્રોફિટનો કોઈ વિચાર જ નથી કરવાનો." કેતન બોલ્યો.
જયેશ માટે આ બધી વાતો આશ્ચર્યની હતી. આટલો મોટો પગાર અને કામ હજુ વિચારવાનું હતું ! પોતાનું તકદીર હવે બદલાઈ રહ્યું છે એવું જયેશને લાગ્યું.
" ઠીક છે. મને મંજૂર છે. પરંતુ હવે જામનગરમાં મારું કોઈ મકાન નથી. ત્યાં મકાન પણ મારે ભાડાનું શોધવું પડશે. " જયેશ બોલ્યો.
" સારામાં સારું મકાન શોધી કાઢ. ભાડાની ચિંતા ના કર. એક લાખનો પગારદાર છે તું . અને હવે તું મારો મેનેજર છે. વટથી જીવવાનું. તને કાર પણ અપાવી દઉં છું. " કેતન બોલ્યો.
હવે જયેશ ઝવેરી ખરેખર ચકરાઈ ગયો. જે રીતે કેતન એની સાથે વાત કરતો હતો એ બધું સપના જેવું જ લાગતું હતું. એને થયું હવે મારે કેતનને તું તારી થી વાત ના કરાય. મિત્ર ભલે હોય પણ હવે એ મારો બૉસ છે.
" કેતનભાઇ ખોટું ના લગાડતા પરંતુ હવે હું એક વચનમાં સંબોધન નહીં કરી શકું. મિત્રતા આપણી સાચી પરંતુ ઓફિસ ડેકોરમ પણ મારે જાળવવું જ પડે. " જયેશ બોલ્યો.
"ઠીક છે ઠીક છે. હવે મારી વાત સાંભળ. તેં જે પટેલ કોલોની શેરી નંબર ૪ નું મકાન કોઈને વેચી નાખ્યું છે એ મારે કોઈ પણ હિસાબે ખરીદવું છે." કેતન બોલ્યો.
" પણ એ પાછું કેવી રીતે મળે ? કોઈ પણ વ્યક્તિ ખરીદેલું મકાન પાછું થોડું આપે ? " જયેશ બોલ્યો.
" મોં માગી કિંમત મળે તો ચોક્કસ પાછું આપે. આપણે જમીને પછી સીધા જામનગર જઈએ છીએ. સુરતથી છેક રાજકોટ સુધી આવ્યો છું તો જામનગર પણ કામ પતાવી દઈએ. સાંજે એ ભાઈ ઘરે જ હોય એટલે મીટીંગ પણ કરી લઈએ. હું છું ને તારી સાથે !! " કેતન એટલા આત્મવિશ્વાસથી વાત કરતો હતો કે મકાન જાણે એને મળી જ જવાનું છે !!
" અચ્છા હવે મને એ કહે કે એ મકાન તેં કેટલામાં વેચ્યું ? " કેતને પૂછ્યું.
" બાવીસ લાખમાં. " જયેશ બોલ્યો.
" ૫૦ લાખ સુધીની તને છૂટ આપું છું. તને એ ઓળખે છે એટલે વાટાઘાટો તારે જ કરવાની. મારે આ મકાન જોઈએ એટલે જોઈએ. તું કેટલો કાબેલ છે એની પરીક્ષા પણ આજે થઈ જશે. " કેતને હસતાં હસતાં કહ્યું.
જયેશ માટે તો આજે આશ્ચર્યોની પરંપરા સર્જાઈ હતી. કેતન અતિ શ્રીમંત હતો. એ ધારે તે કરી શકે. એ તૈયાર થઈ ગયો.
" હવે તું મને ગ્રાન્ડ ઠાકર લઈ જા જમવાનું બિલ હું ચૂકવીશ. " કેતન બોલ્યો.
" અરે શેઠીયા.... રાજકોટમાં તમે મારા મહેમાન છો એટલે જમવાનું બિલ તો હું જ ચૂકવીશ. અને આ બાબતમાં તમારું કંઈ પણ સાંભળીશ નહીં. " જયેશે કહ્યું.
" ચાલો એમ રાખીએ." કેતન બોલ્યો અને બંને ઊભા થયા. રાજકોટ આમ રજવાડી શહેર ખરું પરંતુ એ એટલું બધું મોટું પણ નથી. રાજકોટમાં ટેક્સીઓનું પણ ખાસ ચલણ નથી. કોઈપણ સ્થળે જવા માટે મોટાભાગે રીક્ષાઓ જ છે. રીક્ષા કરીને બંને ગ્રાન્ડ ઠાકર પહોંચી ગયા.
હોટલમાં દાખલ થતાં જ કેતનને અસલમની યાદ આવી. મારે હવે અસલમ શેખને પણ રાજકોટ ભેગો કરવો પડશે !! કેતન વિચારી રહ્યો.
સવારથી કેતને કંઈ જ ખાધું ન હતું એટલે શાંતિથી એણે લંચ લીધું. થાળી ખરેખર ખૂબ જ સરસ હતી. ઉનાળાની સીઝન હતી એટલે કેરીનો રસ પણ હતો.
કેતન એપ્રિલ મહિનામાં અમેરિકાથી આવ્યો હતો. મે મહિનામાં એ ઋષિકેશ ગયો હતો. ગુરુજીએ માયાજાળમાં એને દોઢ વર્ષ પસાર કરાવ્યું હતું એટલે નવેમ્બર મહિનામાં એણે વારાણસીમાં ડૂબવાનો અનુભવ કર્યો હતો. પરંતુ એ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ઋષિકેશમાં તો મે મહિનો જ ચાલતો હતો !!
જમી કરીને બંને મિત્રો હોટલ ઉપર પાછા ગયા. જામનગર જવાનું હતું એટલે જયેશ કપડાં બદલવા માટે ગોપાલનગરના પોતાના ઘરે ગયો અને એકાદ કલાકમાં પાછો આવ્યો. એનાં કપડાં જોઈને કેતનને ફરી આશ્ચર્યનો આંચકો લાગ્યો.
જયેશે એ જ ટી શર્ટ પહેર્યું હતું જે પહેરીને એણે માયાવી દુનિયામાં કેતનને તે દિવસે જામનગર સ્ટેશને આખરી વિદાય આપી હતી !! મનસુખ માલવિયાએ પણ એ જ શર્ટ પહેર્યું હતું જે પહેરીને કેતનને વિદાય આપી હતી !! ગુરુજીની માયા ડગલે ને પગલે એને આશ્ચર્યચકિત કરી દેતી હતી.
" જયેશ આપણે બસ કે ટ્રેનની કોઈ રાહ જોવાની નથી. અહીંથી જામનગર જવા માટે ટેક્સી કરી લઈએ છીએ. નીચે હોટલના રિસેપ્શનમાં જરા તપાસ કરી લઈએ અને ટેક્સી અહીંયા જ બોલાવી લઈએ. એ લોકો પાસે બધી માહિતી હોય. " કેતને કહ્યું.
કેતન અને જયેશ બંને જણા નીચે રિસેપ્શનમાં ગયા અને જામનગર જઈને પાછા આવવા માટે એ.સી. ટેક્સીની વ્યવસ્થા કરવા માટે કહ્યું.
રિસેપ્શનિસ્ટે ડ્રોવરમાંથી ટેક્સીઓ વાળાનું લિસ્ટ કાઢ્યું અને કોઈ નંબર જોડીને વાત કરી લીધી.
" પંદરેક મિનિટમાં ટેક્સી આવી જશે. તમે લોકો બેસો. " રિસેપ્શનિસ્ટ બોલ્યો.
વીસેક મિનિટમાં હોટલમાં ઇનોવા ગાડી આવીને ઊભી રહી. કેતન અને જયેશ ગાડીમાં બેઠા અને જામનગર તરફ રવાના થયા. બે કલાકમાં તો જામનગર પહોંચી પણ ગયા. ગાડી સીધી પટેલ કોલોની લઈ લીધી.
સાંજના છ વાગી ગયા હતા. કેતન જે મકાનમાં રહેલો એ જ મકાન આગળ જઈને ગાડી ઊભી રહી. થોડા દિવસ પહેલાં અહીં કેતન આવ્યો ત્યારે ત્યાં રહેતાં બહેને એને સરખો જવાબ આપ્યો ન હતો. એમની પાસેથી જ આ મકાનને પાછું મેળવવું છે. જોઈએ હવે શું થાય છે. કેતને પોતાના ગુરુજીનું સ્મરણ કર્યું અને દિલથી પ્રાર્થના કરી.
જયેશે ડોરબેલ વગાડ્યો. પેલાં બહેને જ દરવાજો ખોલ્યો. એ જયેશભાઈને ઓળખી ગયાં. એમણે કેતનને પણ જોયો.
" આવો. તમારા ભાઈ ઘરે નથી. ઈ કારખાનેથી હવે આવશે. " જશુબેન બોલ્યાં.
" કંઈ વાંધો નહીં અમે બેઠા છીએ. એમને મળવા ખાસ રાજકોટ થી આવ્યા છીએ. " જયેશ બોલ્યો અને એ લોકો વરંડામાં બે ખુરશી નાખીને બેઠા.
૧૫ ૨૦ મિનિટમાં જ જયરામભાઈ આવી ગયા. એ જયેશને ઓળખતા જ હતા.
" આવો આવો. આજે આ બાજુ ભૂલા પડ્યા ? " જયરામભાઈ બોલ્યા.
" તમને મળવા જ ખાસ આવ્યા હતા જયરામભાઈ. " જયેશ બોલ્યો.
" અરે મહેમાનો માટે તેં ચા મૂકી કે નહીં ? " જયરામભાઈએ એમની પત્નીને કહ્યું.
" હા બસ ઈ જ કરું છું. " જશુબેન બોલ્યાં.
" બોલો જયેશભાઈ મારુ શું કામ હતું ? " જયરામભાઈ બોલ્યા.
" જયરામભાઈ આ મકાન તમારી પાસેથી મારે પાછું ખરીદવું છે. આ જગ્યા ઉપર વર્ષો સુધી હું રહ્યો છું. આ ઘરની એક માયા છે. મારો જનમ પણ આ ઘરમાં જ થયો છે. સમય ખરાબ ચાલતો હતો એટલે મારે વેચી દેવું પડેલું. સામે તમારે જેવું મકાન જોઈતું હોય એવું તમને અપાવી દેવા હું તૈયાર છું. કિંમતની કોઈ ચિંતા નથી. આ મારા શેઠ છે. " જયેશે ખૂબ વિચારીને જયરામભાઈને વાત કરી.
"અરે પણ એવું થોડું થાય ? અમારે પાછું બીજું મકાન ગોતવાનું ? અને અઢી વર્ષથી અમે પણ રહીએ છીએ તો અમારી પણ આ ઘર હારે માયા બંધાઈ હોય કે નહીં ? " જયરામભાઈ થોડા આવેશમાં આવી ગયા.
" હું તમને આજે ને આજે ખાલી કરવાનું કહેતો નથી. તમે શાંતિથી વિચારો. આ મકાન ૨૨ લાખમાં તમને વેચ્યું છે તેમ છતાં તમે કહો તે કિંમત આપવા હું તૈયાર છું. ૨૫ લાખ.. ૩૦ લાખ... ૩૫ લાખ... તમે જે બોલો તે. અને આ કિંમતમાં તો સારામાં સારા એરિયામાં તમને બીજો બંગલો મળી જશે. મહિના પછી પજેશન આપશો તો પણ ચાલશે. આ મારો ફોન નંબર છે. " જયેશ બોલ્યો.
જયેશની વાત સાંભળીને જયરામભાઈ હવે ઠંડા પડી ગયા. આટલી બધી કિંમત જો મળતી હોય તો સોદો કંઈ ખોટો નથી. જામનગરમાં મકાન તો ઘણાં મળી જાય. થોડા પૈસા પણ બચે આટલી કિંમતમાં તો.
" સારુ. હું વિચાર કરી લઉં છું. લો આ ચા આવી ગઈ. " જયરામભાઈ બોલ્યા. પૈસાની લાલચે એ થોડા પીગળ્યા હતા.
જશુબેને બંનેના હાથમાં ચાના કપ આપ્યા.
" અમે અહીં હોટલમાં રોકાવાના છીએ. રાત્રે શાંતિથી વિચારી લો. ઘરમાં ચર્ચા કરી લો. કારણ કે તમારી પાસે આજની રાત છે. મંજૂર હોય તો કાલે ટોકન આપી દઈએ. ભલે મહિના પછી ખાલી કરજો. ઈચ્છા ના હોય તો મારી પાસે તો પૈસા છે. હું તો મનગમતો બંગલો ખરીદી લઈશ. આ તો જૂના ઘરની એક માયા હતી એટલે એમ થયું કે તમને સૌથી પહેલા મળી લઉં. આ શેઠ કાલે નીકળી જવાના છે એટલે મારે કાલે ને કાલે સોદો કરવો પડશે. " જયેશે વાત પૂરી કરી.
એ પછી જયેશ અને કેતન ઊભા થઈ ગયા અને બહાર નીકળી ગયા. જયેશે જે રીતે વાત કરી હતી એ જોઈને કેતન એના ઉપર ખુશ હતો કે માણસ તો કાબેલ છે. પોતાની પસંદગી ખોટી નથી.
" જયેશ રજૂઆત તેં ખરેખર સરસ કરી. હવે અહીંની કોઈ બેસ્ટ હોટલમાં આપણે રાત રોકાઈ જઈએ. મને અહીંની હોટલોનો કોઈ આઈડિયા નથી. ગૂગલ સર્ચ કરીએ તો મળી જશે. " કેતન બોલ્યો.
" એમ તો એક બે હોટલો મારા ધ્યાનમાં છે પરંતુ એ બધી ચાલુ હોટલો છે. અંબર સિનેમા પાસે એક સયાજી હોટલ છે એ એક નંબરની હોટલ છે. આપણે ત્યાં જઈએ. એ તમને ગમશે." જયેશે કહ્યું.
જયેશ અને કેતન ઇનોવામાં બેઠા અને ડ્રાઇવરને અંબર સર્કલ તરફ લેવાની સૂચના આપી. જયેશે ગાઈડ કર્યા એ પ્રમાણે ઇનોવા સયાજી હોટલ પહોંચી ગઈ. હોટલ ખરેખર ખૂબ જ સરસ હતી.
કેતને ડ્રાઇવરને રાત રોકાવાની સુચના આપી અને બંને જણા હોટલની અંદર ગયા. એક રાત માટે ડીલક્ષ રૂમ બુક કરાવ્યો.
હોટલમાં જમવાની વ્યવસ્થા હતી એટલે કેતનની ઈચ્છા હવે ક્યાંય બહાર જવાની ન હતી. એણે રૂમ સર્વિસમાં ફોન કરીને જમવાનો ઓર્ડર આપી દીધો. સવારે ગુજરાતી થાળી જમ્યા હતા એટલે અત્યારે પંજાબી ડિશનો ઓર્ડર આપ્યો.
આજનો દિવસ સરસ રહ્યો હતો. જે પણ ગતિવિધિ થઈ એનાથી કેતન ખુશ હતો. મનસુખ માલવિયા અને જયેશ ઝવેરીની જોડી એને પાછી મળી ગઈ હતી. પટેલ કોલોની શેરી નંબર ૪ નો એનો બંગલો પણ એને લગભગ મળી જવાનો હતો એવો આત્મવિશ્વાસ હતો.
આ બધા વિચારોમાં કેતન સુઈ ગયો અને વહેલી સવારે ૫ વાગે એની આદત મુજબ ઊભો થઈ ગયો. લગભગ એક કલાક સુધી એ ધ્યાનમાં બેસી રહ્યો કારણ કે આ જામનગરની એ જ ભૂમિ હતી જ્યાં એણે દોઢ વર્ષ વિતાવ્યું હતું અને પોતાની પત્ની તથા પરિવાર સાથે જીવન જીવ્યો હતો. જો કે આજે તો એ સ્વપ્ન બધું ઉડી ગયું હતું !
ચેતન સ્વામીએ એને કહ્યું હતું કે હવે પછી ધ્યાનમાં એ પહેલાંની જેમ વારંવાર પ્રત્યક્ષ દર્શન નહીં આપે પરંતુ એમને અને પોતાના ગુરુ મહારાજ અભેદાનંદજીને એ પ્રાર્થના તો કરી જ શકતો હતો ! અને આટલા દિવ્ય મહાત્મા પોતાની પ્રાર્થના ન સાંભળે એવું તો કદી બને જ નહીં !! એણે આગળનો રસ્તો બતાવવાની ગુરુજીને દિલથી પ્રાર્થના કરી. અને પછી અડધો કલાક ગાયત્રીની પાંચ માળા પણ કરી.
એ પછી બ્રશ વગેરે પતાવી એણે ફટાફટ નાહી લીધું. જયેશ હજુ સૂતો હતો. કેતને વોશરૂમમાંથી બહાર આવીને જયેશને જગાડ્યો. ૬:૪૫ વાગી ગયા હતા. જયેશ સફાળો બેઠો થયો.
" અરે કેતનભાઇ તમે આટલા બધા વહેલા ઉઠી જાઓ છો ? તમે તો નાહી પણ લીધું." જયેશ બોલ્યો.
" પાંચ વાગે ઊઠવાની ટેવ છે જયેશ. હવે જલ્દી જલ્દી બ્રશ કરી લે એટલે ચા મંગાવીએ. " કેતન બોલ્યો.
જયેશ ૧૦ મિનિટમાં જ બહાર આવી ગયો અને એણે બે ચા અને બે પ્લેટ બ્રેડ બટરનો ઓર્ડર આપ્યો.
રોજ સવારે સાત વાગ્યા આસપાસ હોટલના દરેક રૂમમાં ન્યૂઝ પેપર પહોંચી જતું. પેપરવાળો આવ્યો એટલે કેતને ગુજરાતી પેપર માગ્યું. પહેલા પાને મુખ્ય સમાચાર વાંચી લીધા. અંદરના લોકલ ન્યુઝમાં એને ખાસ રસ ન હતો.
છેલ્લા પાને સમાચાર વાંચતાં વાંચતાં એની નજર એક સમાચાર ઉપર ગઈ અને એ ચોંકી ઉઠ્યો !
મોટા મથાળે સમાચાર હતા. - જાણીતા બુટલેગર રાકેશ વાઘેલાનું એની જ ગાડીમાં મધરાતે ખૂન !
કેતન ચમકી ગયો. પોતાની માયાવી દુનિયામાં જ્યારે હતો ત્યારે અસલમ શેખના ખાસ માણસ ફઝલુએ રાકેશ વાઘેલાનું એની જ ગાડીમાં ખૂન કરેલું.
આ જ ઘટના અત્યારે રીપીટ કેવી રીતે થઈ ? કેતન બે ઘડી તો ચક્કર ખાઈ ગયો !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)