આજે આવું પહેલીવાર બની રહ્યું હતું કે તમે કંઈ લખી શક્યા નહોતા. છેલ્લા અડધા કલાકથી તમે મને પકડીને બેસી રહ્યા હતા અને નોટબુકના કોરા પાનાને તાકી રહ્યા હતા. તમારે કુલ પચીસ પ્રશ્નોના ઉત્તર આપવાના હતા પણ તમારા મગજમાં જે વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું તેમાં રમુજ સુઝ્વી અશક્ય હતી.
અશોક, તમે હજી વિચારી જ રહ્યા હતા કે રસોડામાંથી તમારી પત્નીનો કર્કશ અવાજ સંભળાયો,”અશોક, બસ કરો હવે તમે ફરી નોટબુક અને પેન પકડીને બેસી ગયા. ચાર પૈસા તો કમાઈ શક્યા નથી આ કલમથી. રજાના દિવસે ઘરનું કોઈ કામ કરવાને બદલે કલમ લઈને બેસી જાઓ છો.”
તમે જાણતા હતા કે તમારી પત્નીને તમારી આ પ્રવૃત્તિ પસંદ નથી એટલે તમે નોટબુક પોતાની બેગમાં મુકીને ઉભા થયા અને રસોડા તરફ આગળ વધ્યા.
તમે નાના હતા ત્યારથી જ લેખન શરુ કર્યું હતું અને નાનપણમાં અનેક પુરસ્કાર પણ જીત્યા પણ પરિવારની આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ભણી શક્યા નહિ અને એક ફેકટરીમાં સામાન્ય મજુર તરીકે જોડાયા પણ સાથે જ લેખન પણ શરુ રાખ્યુ. તમે પોતે સ્વભાવે ધીરગંભીર હતા પણ એકવાર તમારા હાથમાં પેન આવી જાય એટલે ભલભલાને હસાવી નાખે એવી રચનાઓ લખી દેતા. તમારો મિત્ર દિલીપ તમને હાસ્યસમ્રાટ કહીને બોલાવતો. એક ફક્ત એ જ હતો જેને તમારી વાર્તાઓમાં રસ હતો. તેની સાથે તમે પોતાની હાસ્યવાર્તાઓ વિષે કલાકો સુધી ચર્ચા કરતા અને તેને તમારી વાર્તાઓ સંભાળવતા.
તમારા લગ્ન કમલા સાથે થયા. શરૂઆતમાં તે તમારી વાર્તાઓ સાંભળતી પણ એક દિવસ તેણે તમને કહી દીધું કે મને વાર્તાઓ સાંભળવામાં કે વાંચવામાં રસ નથી, તેમાંથી થનારી કમાણીમાં રસ ખરો પણ શું તેમાંથી તમે કમાયા છો?
તમને તેની વાત સાચી લાગી તેથી તમે તમે તમારી વાર્તાઓ પ્રકાશકોને મોકલવી શરુ કરી પણ દરેક જગ્યાએથી તે સાભાર પરત આવતી અને સાથે જ એક સલાહ પણ આવતી કે સામાજિક કે કોઈ અન્ય વિષય પર લખો બજારમાં હાસ્ય વાર્તાઓ નથી વેચાતી.
હવે તમે નિરાશ થવા લાગ્યા હતા પણ હું હાથમાં હોઉં એટલે તમારી અંદરનો લેખક ઉછાળા મારવા લાગતો અને તમે ફરી નિરાશા ઝાટકીને લખવા લાગતા. આવા કઠણ સમયમાં તમારી મિત્રતા એક પત્રકાર સાગર સાથે થઇ. થોડા જ સમયમાં એ તમારો ખાસ મિત્ર બની ગયો. તેને તમારી વાર્તાઓ ગમતી અને તે પણ દિલીપની જેમ તમારી વાર્તાઓ સાંભળતો.
સાગર એક દિવસ તમારી પાસે આવ્યો અને તમને કહ્યું,”જો તારે વધારાની કમાણી કરવી હોય તો મારી પાસે એક રસ્તો છે. મારા અખબારમાં એક કોલમ ચાલે છે સુપર સવાલના ડુપર જવાબ. હમણાં સુધી જે ભાઈ જવાબ લખતા હતા તે ભાઈ અખબાર છોડીને જતાં રહ્યા છે એટલે મેં સંપાદક સાહેબને તારા વિષે વાત કરીને રાજી કરી લીધા છે. તારી સેન્સ ઓફ હ્યુમર જોરદાર છે એટલે તું જોરદાર જવાબો લખીશ તેનો મને વિશ્વાસ છે. આમાં તને પૈસા મળશે પણ નામ નહિ મળે કારણ તે કોલમ બુલેટ અંકલના નામે ચાલે છે. તું જો તૈયાર હોય તો સંપાદક સાહેબને વાત કરું.”
તમે પણ તમારી પત્નીને બતાવવા માગતા હતા કે લેખનથી કમાણી થઇ શકે છે તેથી તમે આ કામ માટે તૈયાર થયા.
તમે સુપર સવાલોના ડુપર જવાબો કોલમમાં જવાબો લખવાનું શરુ કર્યા પછીના બીજે મહીને સાગરે તમારા હાથમાં પાંચસો રૂપિયા મુક્યા અને તમારી આંખમાંથી હર્ષાશ્રુનું એક ટીમ્પું તે નોટ પર પડ્યું. તમે તે પૈસામાંથી તમારી પત્ની માટે સાડી લઇ ગયા હતા. એ વાત જુદી કે તેનો રંગ જોઇને તમારી પત્નીએ નાકનું ટીચકું ચડાવ્યું હતું.
આ રીતે પાછલા છ મહિનાથી તમે સવાલોના જવાબો લખી રહ્યા હતા અને સાગર તમને દર મહીને પાંચસો રૂપિયા આપતો હતો. વચ્ચે તે તમારી પાસેથી તમારી વાર્તાઓ લખેલી પાંચ નોટબુકો વાંચવા માટે લઈ ગયો હતો.
ગઈકાલે ફેકટરીમાંથી પાછા વળતી વખતે આદતના હિસાબે પુસ્તકની દુકાનમાં ઉભા રહ્યા અને તમારી નજર એક પુસ્તક ઉપર પડી જેના એક ખૂણામાં સાગરનો ફોટો હતો. તે પુસ્તક જોવા માટે હાથમાં લીધું અને તમારા પગ નીચાથી ધરતી ખસી ગઈ. તે પુસ્તકમાં તમે લખેલી વાર્તાઓ હતી. તમે સાગરને મળવા તેની અખબારી ઓફિસે ગયા પણ તે ત્યાં ન હતો. તે કોઈ કામસર બહાર ગયો હતો.
તમે તે અખબારના સંપાદકને મળ્યા અને બધી વાત કરી એટલે તે ખડખડાટ હસી પડ્યા અને કહ્યું,”સાગર, એ કોઈ સામાન્ય પત્રકાર નથી તે અમારી બુલેટ છે અને આજે તે ઠીક નિશાના ઉપર લાગી છે. કેટલો રમુજી સ્વભાવ છે તેનો! તે અહીં બધાને વાક્યે વાક્યે હસાવે છે અને તમે કહેવા માગો છો એનું જે પુસ્તક છપાયું છે તે વાર્તાઓ તમે લખી છે! કોઈ ગાંડા વ્યક્તિને પણ કહો તો ન માને. તમે આવ્યા ત્યારથી તમારો સોગીયો ચેહરો જોઈ રહ્યો છું અને તે જોઇને લાગતું નથી કે હાસ્ય સાથે તમારો સ્નાનસુતકનો સંબંધ હશે. આપ હવે પધારો, હું બહુ વ્યસ્ત છું.”
આજે તમારો વિશ્વાસ મિત્રતા ઉપરથી ઉઠી ગયો હતો અને નોટબુકના કોરા કાગળોમાં તમારી પેનથી તમારા ઉપર થયેલા વારના ડાઘા દેખાઈ રહ્યા હતા અને આજે પહેલીવાર તમે એક અક્ષર પણ લખ્યા વગર નોટબુક બંધ કરી દીધી હતી.
રસોડામાં જઈને તમે પત્નીને કહી દીધું કે આજથી કલમ ચલાવવી બંધ.
સમાપ્ત