Atut Bandhan - 20 in Gujarati Fiction Stories by Snehal Patel books and stories PDF | અતૂટ બંધન - 20

Featured Books
Categories
Share

અતૂટ બંધન - 20





(ગરિમાબેન વૈદેહીને ઘરની રસોઈમાં ઉલઝાવી દે છે અને સાથે સાથે એને હેલ્પ કરી રહેલા મનોજને પણ એ બજારમાં મોકલી દે છે તો આ તરફ એસીપી ચતુર્વેદી સાર્થકને પીછેહઠ ન કરવાની સલાહ આપે છે. સાર્થક રજનીશભાઈને તેઓ વૈદેહીને આ બધાં માટે જવાબદાર તો નથી માનતા ને એવું પૂછે છે જેના જવાબમાં રજનીશભાઇ કહે છે કે એમનાં મનમાં વૈદેહીને લઈને કોઈ ફરિયાદ નથી. પણ બીજી તરફ ગરિમાબેન વૈદેહીને ઘરમાંથી બહાર કાઢવાનું વિચારે છે. હવે આગળ)

વૈદેહી જ્યારે વાંચીને રૂમમાં આવી ત્યારે સાર્થક ઊંઘી ગયો હતો. વૈદેહી એને જોઈ રહી. એનાં હોઠો પર આપોઆપ સ્માઈલ આવી ગઈ. પણ બીજી જ પળે એના ચહેરા પર ચિંતાનાં વાદળ છવાઈ ગયા.

'મારે સાર્થકને જણાવવું જોઈએ કે પહેલાં પેપરના દિવસે વિક્રમ શિખાને નુકશાન પહોંચાડવા આવ્યો હતો ? પણ શું જણાવું ? એ દિવસે વિક્રમ દેખાયો પણ બે દિવસથી તો વિક્રમ નજરે પણ નથી પડતો ? અને હું શ્યોર પણ તો નથી કે વિક્રમ શિખાને નુકશાન પહોંચાડવાનાં ઈરાદે જ ત્યાં આવ્યો હતો ! શું કરું ? હમણાં કંઈ નથી કહેવું. જો હવે બીજીવાર વિક્રમ કંઈ કરશે તો હું સાર્થકને કહીશ. આમ પણ મારા કારણે એ ટેન્શનમાં તો હતો જ, હવે આ બધી વાત કરી પાછો એને ટેન્શનમાં મૂકી દઈશ. અત્યારે બધું બરાબર જ ચાલે છે તો આ વાત કરવાનો કોઈ ફાયદો નથી.' વૈદેહી સાર્થકને જોઈને વિચારી રહી.

વૈદેહીએ એની બુક્સ સાઈડમાં મૂકી અને સવારે વહેલી ઊઠીને વાંચશે એવું વિચારી જઈને સુઈ ગઈ. સવારનાં સાડા ચારે એની આંખ ખુલી. બાથરૂમમાં જઈ એ ફ્રેશ થઈ અને અવાજ કર્યા વિના બુક્સ લઈ રૂમની બહાર નીકળી ગઈ જેથી સાર્થક ડિસ્ટર્બ ન થાય.

જેવી એ નીચે હોલમાં ગઈ એને વાસણ ખખડવાનો અવાજ સંભળાયો. અવાજ કિચનમાંથી આવી રહ્યો હતો. વૈદેહીએ બુક્સ એકબાજુ મૂકી અને કિચનમાં ગઈ. એણે જોયું તો ગરિમાબેન ડબ્બામાંથી લોટ કાઢી રહ્યાં હતાં. એમણે એમનાં માથા પર રૂમાલ બાંધેલો હતો.

"આંટી, તમે આ શું કરો છો ?" વૈદેહીએ ગરિમાબેન પાસે જઈને કંઇક અસમંજસથી પૂછ્યું.

"અરે વૈદેહી, એ તો કાલે રાતે મનોજે કહ્યું કે એને એનાં ગામ જવું પડે એમ છે તો એ સવારે ચાર વાગ્યાની બસમાં જતો રહ્યો. હવે સવારે બધાને જ વહેલું જવાનું હોય છે તો નાસ્તો તો બનાવવો જ પડે છે. તો મને થયું કે હું બનાવી દઉં." ગરિમાબેને કહ્યું.

"પણ તમને જોઈને લાગે છે કે હજી તમારું માથું નથી ઉતર્યું." વૈદેહીએ માથે બાંધેલા રૂમાલ તરફ જોઈ કહ્યું.

"હા દુઃખે તો છે પણ..."

"લાવો હું બનાવી દઉં. તમે આરામ કરો." વૈદેહીએ ગરિમાબેનના હાથમાંથી લોટનો ડબ્બો લઈ લીધો.

"નહીં વૈદેહી, કાલે પણ તારાથી વંચાયું નથી અને આજે પણ જો તું આમ કામ કરવા લાગશે તો...."

"એ બધું હું જોઈ લઈશ. તમે આરામ કરો. મને ફક્ત એટલું જણાવી દો કે નાસ્તામાં શું બનાવવાનું છે ?" વૈદેહી ગરિમાબેનનો હાથ પકડી રસોડાની બહાર લઈ આવી અને સોફા પર બેસાડી પૂછ્યું.

"આલુ પરોઠા અને કાચા પપૈયાનો સંભાર. આમ તો સાર્થક માટે મેથીનાં થેપલા પણ બનાવવાના હતાં પણ ચાલશે. તું ફક્ત આલુ પરોઠા જ બનાવી દે." ગરિમાબેને કહ્યું.

વૈદેહી હસી અને કિચનમાં જતી રહી. વૈદેહીએ સૌથી પહેલાં બટાકા બાફવા માટે મૂક્યા અને પછી મેથી સાફ કરી અને થેપલાનો લોટ બાંધી દીધો. ત્યાં સુધીમાં બટાકા બફાઈ ગયા હતા તો એણે કુકરમાંથી બટાકા કાઢી ઠંડા કરવા મૂક્યા અને સ્ટફિંગ માટે મસાલો બનાવવા લાગી.

ગરિમાબેન હોલમાં બેઠાં બેઠાં વૈદેહીને જોઈ રહ્યાં હતાં. તેઓ વૈદેહીની કામ કરવાની કળા પર જાણે મોહી પડ્યા. તેઓ અજાણતા જ મનમાં વૈદેહીનાં વખાણ કરવા લાગ્યા પણ પછી વૈદેહીનાં કારણે શિખા પર જે મુસીબત આવી હતી એ યાદ આવતાં એમનું મોં પડી ગયું અને ફરીથી વૈદેહીને જોવા લાગ્યા.

વૈદેહી ખૂબ જ ખંતથી નાસ્તો બનાવી રહી હતી. બધાં તૈયાર થઈને નીચે આવ્યા ત્યાં સુધીમાં તો વૈદેહીએ આલુ પરોઠા, મેથીનાં થેપલા, કાચા પપૈયાનો સંભાર, ગરિમાબેન માટે કોફી,સાર્થક માટે ગ્રીન ટી અને શિખા માટે ચા તૈયાર કરી ડાયનીંગ ટેબલ પર બધું મૂકી દીધું હતું અને પોતે તૈયાર થવા જતી રહી હતી. એણે ગરિમાબેનને કહ્યું હતું કે બધું એણે બનાવ્યું છે એ કોઈને જણાવે નહીં. જો કે વૈદેહી એ વાતથી અજાણ હતી કે ગરિમાબેન જાણીજોઈને એની પાસે બધું કરાવતાં હતાં.

વૈદેહી કોલેજ જવા તૈયાર થઈ બધાં સાથે નાસ્તો કરવા બેઠી. રજનીશભાઈએ આલુ પરોઠાનાં ખૂબ વખાણ કર્યા. જે સાંભળી વૈદેહી ખુશ થઈ ગઈ. જો કે આ વખાણ એનાં માટે નહતા એ પોતે જાણતી હતી પણ એણે બનાવેલ નાસ્તાના વખાણ થયા એ એને ગમ્યું.

ચા નાસ્તો કર્યા પછી દરરોજની જેમ જ સાર્થક વૈદેહી અને શિખાને કોલેજ ડ્રોપ કરવા ગયો.

"ભાઈ, થેપલા કેવા હતા ?" શિખાએ પૂછ્યું.

વૈદેહીએ પાછળ ફરી એની તરફ જોયું. સાર્થકે એને સામો પ્રશ્ન કર્યો,

"કેમ આવું પૂછે છે ?"

"અરે બોલો ને, કેવા લાગ્યાં થેપલા ?" શિખાએ ફરીથી પૂછ્યું.

"સારા હતા."

"ફક્ત સારા હતા." શિખાએ ફરીથી પૂછ્યું.

"અરે હા બાબા. સારા હતાં. ઈન ફેક્ટ, આજે કંઇક અલગ ટેસ્ટ આવતો હતો." સાર્થકે કહ્યું.

"અલગ એટલે ? સારો કે ખરાબ ?" શિખાએ ફરીથી પૂછ્યું.

"સારો જ તો. ખરાબ હોત તો હું ખાતે જ નહીં ને ? પણ તું આવું કેમ પૂછે છે ? તારે ખાવા હતા થેપલા ?" સાર્થકે સાઈડ પર ગાડી ઉભી રાખી પાછળ ફરી શિખા તરફ જોઈ પૂછ્યું.

"ના મારે નહતાં ખાવા. હું તો મારી સાથે બે પરોઠા લઈને જ આવી છું. ટેસ્ટ કરવા છે ?" શિખાએ ડબ્બો સાર્થક તરફ ધરીને પૂછ્યું.

"ના હવે, મને એટલા નથી ભાવતા. પણ તું અત્યારે આ નાસ્તા પુરાણ લઈને કેમ બેઠી છે ?" સાર્થકે પૂછ્યું.

"કારણ કે આજે નાસ્તો વૈદુ એ બનાવ્યો છે. બરાબર ને વૈદુ ?" શિખાએ વૈદેહી તરફ જોઈ કહ્યું.

"મેં...નહીં તો. મેં તો..."

"ખોટું નહીં બોલ. ઘરમાં બીજા કોઈએ તો નહીં પણ મેં તારા હાથનાં પરોઠા ઘણીવાર ખાધા છે. તું જ લાવતી હતી મારા માટે. તો તારા હાથનો ટેસ્ટ હું સારી રીતે જાણું છું." શિખાએ કહ્યું.

"શિખા સાચું કહે છે વૈદેહી ?" સાર્થકે બાજુમાં બેઠેલી વૈદેહીને પૂછ્યું.

"એકચ્યુલી, જ્યારે હું વાંચવા હોલમાં ગઈ ત્યારે આંટી લોટ બાંધતા હતાં. એમણે એમના માથે રૂમાલ બાંધેલો હતો કારણ કે એમને માથું દુઃખતું હતું. તો મેં જ એમને આરામ કરવાનું કહી નાસ્તો બનાવ્યો હતો. અને મેં જ એમને કહ્યું કે આ વાત કોઈને ન કરે." વૈદેહી નીચું જોઈ એકીશ્વાસે બોલી ગઈ.

"પણ અમને જણાવવામાં વાંધો શું છે ?" શિખાએ પૂછ્યું.

"કેમ નહીં હોય ? કાલે મેં ડિનર બનાવ્યું તો તમે બધા આંટીને કેટલું કહેવા લાગ્યા હતા ? તો આજે પણ તમે કંઈ ચૂપ તો બેસવાના નહતાં. તો મેં આવું કર્યું."

"પણ વૈદેહી, તારી એક્ઝામ છે અને તેથી જ તને કામ કરવાનું ના કહીએ છીએ. શિખાએ જણાવ્યું છે અમને. તારે આગળ ભણવું છે અને હંમેશા ફર્સ્ટ આવવું છે. કારણ કે તારા પપ્પા તારો પહેલો નંબર આવવાથી ખૂબ ખુશ થતાં હતા. અને આ બધા કામ કરવામાં તારું વાંચવાનું બગડે છે અને...." સાર્થક આગળ કંઈ બોલે એ પહેલાં વૈદેહીએ એને રોક્યો અને કહ્યું,

"આ પહેલાં પણ હું કામ કરતી જ હતી ને મામાનાં ત્યાં. ત્યારે તો મારે ઘરનું બધું જ કામ કરવું પડતું હતું અને ઘણીવાર તો... ઘણીવાર તો મામીને કોઈ કામ ન ગમે તો એ ફરીથી કરવું પડતું હતું."

વૈદેહી બોલતાં બોલતાં ઉદાસ થઈ ગઈ. એની આંખો ભરાઈ આવી. સાર્થકે એનાં હાથ પર હાથ મૂક્યો. વૈદેહી તરત જ સ્વસ્થ થઈ અને હસીને કહ્યું,

"તો પણ હું ફર્સ્ટ આવતી જ હતી ને ? તો પછી ખાલી રસોઈ કરવાથી મારો નંબર કઈ રીતે જતો રહેશે ?" વૈદેહીએ શિખા અને સાર્થક તરફ જોયું.

"પણ..."

"પણ શું ? ક્યાંક એવું તો નથી ને કે તમને મારાં હાથની રસોઈ નથી ભાવતી." વૈદેહીએ ભ્રમરો સંકોચી પૂછ્યું.

"અરે એવું નથી. તું ખૂબ જ સરસ રસોઈ બનાવે છે પણ..."

"પણ બમ કંઈ નહીં. આ વિષય પર કોઈ વાત નહીં સમજ્યા ?" વૈદેહીએ સાર્થકની તરફ આંગળી ચીંધી કહ્યું. આ જોઈ શિખા હસવા લાગી.

"ભાઈ, લાગે છે તમારે પણ હવે ડરતાં શીખી જવું જોઈએ."

આ સાંભળી વૈદેહી નીચું જોઈ ગઈ.

બીજી તરફ વિક્રમનાં કાકાનું એક્સિડન્ટમાં મૃત્યુ થવાથી એ એનાં ગામડે ગયો હતો અને એની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી તો એનાં પપ્પાએ એને ત્યાં જ રોકાવા માટે કહ્યું હતું તેથી શિખા અને વૈદેહીને સબક શિખવાડવાનું એનું સપનું હાલ પૂરતું અધૂરું રહી ગયું હતું.

એને ગમે એમ કરી કોલેજ જવું હતું પણ અત્યારે એ ગામડે હોવાથી જઈ શકે એમ નહતો. જો એ એનાં ઘેર હોત તો ગમે એ બહાનું કાઢી કોલેજ જઈ આવ્યો હોત પણ અહીં ગામડેથી એ શક્ય નહતું કારણ કે એનું ગામ શહેરથી ખાસ્સું દૂર હતું.

*****

વૈદેહી અને શિખા પેપર આપી ઘરે આવી ગયા હતા. બે દિવસમાં સાર્થક ઓસ્ટ્રેલિયા જવાનો હોવાથી અને ગરિમાબેનની તબિયત ખરાબ હોવાથી ઘરનું બધું કામ વૈદેહીએ એનાં માથે લઈ લીધું.

વૈદેહી ખુશી ખુશી ઘરનું કામ કરતી હતી જે જોઈ ગરિમાબેને એક પ્લાન બનાવ્યો. સાર્થક અને શિખા ઘરે હોવાથી એ કંઈ કરી શકે એમ નહતા. તેથી એમણે સાર્થક ઓસ્ટ્રેલિયા જાય પછી બે દિવસમાં શિખા અને વૈદેહીની એક્ઝામ પણ પૂરી થવાની હતી તેથી એમણે શિખાને એમનાં ભાઈનાં ત્યાં થોડા દિવસ રોકાવા માટે મોકલવાનો નિર્ણય કર્યો જેથી એ એમનાં પ્લાનમાં સફળ થાય.

શું હશે ગરિમાબેનનો પ્લાન ? શું હશે વૈદેહીનું ભવિષ્ય ?