Kalmsh - 3 in Gujarati Fiction Stories by Pinki Dalal books and stories PDF | કલ્મષ - 3

Featured Books
Categories
Share

કલ્મષ - 3



વિવાને ઘરે આવીને કપડાં બદલી બેડમાં પડતું મૂક્યું. સાંજનો બનાવ એને વ્યગ્ર કરી ગયો હતો. આત્મકથાનું પુસ્તક કારમાં જ ઉથલાવવા માંડ્યું હતું પણ બેકલાઇટના પ્રકાશમાં સરખું કળી શકાયું નહોતું. સાઈડ લેમ્પના ઉજાસમાં પુસ્તકનું મુખપૃષ્ઠ ખરેખર સુંદર લાગતું હતું. વિવાન પરફેકશનનો આગ્રહી હતો. જો પોતે આ પુસ્તક બહાર પડ્યું હોત તો આ તમામ બાબતોનો ખ્યાલ રાખ્યો હોત, એવી જ ચીવટથી કવર ડિઝાઈન થયેલું હતું. પોતે આ કવરની ડિઝાઇન વર્ષો પૂર્વે બનાવેલી એ ચીજ હૂબહૂ કોઈના દિમાગમાં કઈ રીતે ઉદ્ભવી શકે એ વાત જ અજાયબી ભરેલી હતી.

પ્રકરણ પહેલાનો જ ઉઘાડ થતો હતો સૂકાંભટ્ટ ખેતરમાં..
મે મહિનાનો સૂરજ આકરા મિજાજમાં હતો . ચારે તરફ લૂ દઝાડતી હવા ચાલી રહી હતી . તેર વર્ષનો એક બાળક પોતાની માની પાછળ પાછળ ચાલી રહ્યો છે. માદીકરો ખેતરે જઈ રહ્યા હતા. બંનેના ઉઘાડા પગ લાહ્ય ઓકતી જમીન પર પડે પહેલા જ ઉંચકાઈ રહ્યા છે. પગમાં પડી ગયેલા છાલાં તેમની ગતિમાં રુકાવટ નાખી રહ્યા છે. સામે એક ઝાડ નજરે પડે છે જે જોતાવેંત છોકરો દોડીને છાયામાં ઉભો રહી જાય છે.

'એ ચાલ હવે ,તારા બાપુ ભૂખ્યા હશે , રાહ જોઈને બેઠાં હશે. '

'મા , હું આ બેઠો તું બાપુને ભાથું આપી આવજે ...' છોકરો લાડ કરતો બોલ્યો.

'એમ કહેને તારા જોડીદારો અહીં મળવાના છે. ચાલ હવે છાનોમાનો ....'
માએ છોકરાનો કોલર પકડીને આગળ કર્યો।
મા દીકરો ઝડપભેર આગળ ચાલવા લાગ્યા ને જોતજોતામાં ખેતર આવી ગયું.

'કેમ આજે મોડું થયું , પ્રગતિ ? ' ચામડી ચીરી નાખે તેવા અગનઝાળ તડકાથી બચવા ખેતર ખેડવાનું બાજુએ રાખી લીમડાના ઝાડ નીચે ભાથાની રાહ જોઈ રહેલા કેશવે કપાળ પરથી પરસેવો લૂછતાં પૂછ્યું.

'આ પૂછો તમારા નિશીકાંતને , સાહેબ શાળાએથી આવે ત્યારેને , ન જાણે માસ્તરનો એકલો જ માનીતો છે. એ ભણીને મોટો સાહેબ થવાનો છે ને ' પ્રગતિ કંટાળી હોય તેમ બોલી.

'અલ્યા નિશયા ... બહુ ભણજે હોં દીકરા, તારા બાબાની જેમ તને ખેતી નહીં કરવા દઉં ' કેશવે નિસાસો નાખ્યો.

'નિશયાના બાપુ , તમે નિરાશ ના થાવ , આ વર્ષ તો આમ વીતી જશે , પ્રગતિ ખોટો સધિયારો બંધાવતા બોલી.

'પ્રગતિ ખબર તો તને પણ છે કે સતત ત્રીજું ચોમાસુ પણ ખેંચાઈ ગયું છે. આ વખતે પાક ન થયો તો .....'

' અમંગળ ન બોલશો નિશયાના બાપુ, હવે જો આગળ એક શબ્દ પણ બોલ્યા તો તમને મારા ગળાના સમ ...' પ્રગતિએ પોતાના પતિના મોઢા આડો હાથ દઈ દીધો.

તેર વર્ષનો નિશિકાંત માબાપની વ્યથાનો સાક્ષી હતો.

સમય અને સંજોગ એવા પરિબળ હોય છે જે બાળક પાસેથી તેમનું બાળપણ છીનવી લે છે.
એવું જ કશુંક થઇ રહ્યું હતું નાયક કુટુંબ સાથે.

દસ વીઘા જમીનમાં કપાસ તો વાવ્યો હતો. પણ હવે લાગતું હતું કે ગયા બે વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજા મહેર કરવાના મિજાજમાં નહોતા. છેલ્લા બે વર્ષ લાગલગાટ દુકાળના રહ્યા હતા. આ વર્ષે રોકડીયો પાક લણી લેવાના મોહમાં કેશવે પીસી કોટનને નામે ઓળખાતા વિદેશી બિયારણવાળા કપાસનો પાક લેવાનું નક્કી કર્યું હતું. જો મેઘરાજાની મહેર થાય તો વાવેલા બીજમાંથી ચારગણો પાક થાય અને આગળ સાલનું દેવું પણ ચૂકવાઈ જાય. એ માટે લોન લેવા કેશવે ખેતર દાવ પર લગાવ્યું હતું.

આ સમાચાર પ્રગતિએ જાણ્યા હતા ત્યારે એ ભારે બગડી હતી : ને માનો કે વરસાદ ન થયો તો ? તો આટલું ચારગણું મોંઘુ બિયારણ તો ગયું જ સમજોને ? અને એ માટે ઉઠાવેલું આ કારજ ?

પ્રગતિ અને કેશવ ગામમાં પૂછાતી જોડી હતી. કેશવ સહુ કોઈની મદદે પહોંચી જતો તો પ્રગતિ ગામની સ્ત્રીઓમાં પ્રિય હતી. ત્રીસીએ પહોંચવા આવી હોવા છતાં તહેવારટાણે તૈયાર થઈને બહાર નીકળતી ત્યારે આ જ સ્ત્રીઓની ઈર્ષ્યાનું કારણ બનતી હતી. એ જ પ્રગતિ આજકાલ ચિંતામાં કંતાઈ જઈ રહી હતી.

પ્રગતિ પાસે વારે વારે પૂછવા માટે માત્ર એક જ સવાલ હતો." ધારો કે આ વર્ષ પણ નબળું ગયું તો ? તો પાટીલ ખેતર લઇ જશે ? તો પછી કરીશું શું ?

'પ્રગતિ , શુભ શુભ બોલ.' કેશવ સમજાવટથી કહેતો પણ કોણ જાણે કેમ પણ પ્રગતિના દિલમાં પડેલો ફડકો દિનબદિન ગહેરો થતો રહ્યો હતો. એમાં પણ વરસાદ ખેંચાઈ જશે એવો વર્તારો આવ્યો પછી તો કેશવ અને પ્રગતિ બંનેની નિંદર વેરણ થઇ ચૂકી હતી.

રાત્રે ટમટમતા દીવાના પ્રકાશમાં દંપતીને લાગતું કે નિશિકાંત ઊંઘી ગયો છે, ત્યારે મન મૂકીને વાત કરી લેતા.
' કહું છું સાંભળો છો ? આ સાલ પાક ન થયો તો પાટીલ આપણું ખેતર લઇ લેશે ?'

પત્નીના પ્રશ્નનો ઉત્તર ન આપવો હોય તેમ કેશવ ચૂપ રહ્યો.
'કેમ કાંઈ બોલતા નથી ?' મારી ભીતિ સાચી છે ને ?

'હવે તો બધું ઉપરવાળાના હાથમાં છે. એ તારશે કે મારશે '
કેશવ જવાબ આપવાને બદલે પડખું ફેરવીને સુઈ ગયો ત્યારે પ્રગતિને પોતાનો ભય સાચો પડતો લાગ્યો.

'પાટીલ ખેતર લઇ લેશે તો આપણે કરીશું શું?' પ્રગતિ પોતાનો ડર વ્યક્ત કરતી રહી અને ત્યાં તો કેશવના નસકોરાં શરૂ થઇ ગયા.
પ્રગતિને શું ખબર કે જે નિશિકાંતને ઊંઘી રહેલો માનતી હતી એ બાળક તમામ વાત સાંભળી રહ્યો હતો.


***********

'નિશિકાંત નાયક ' પ્રાઈમરી સ્કૂલના બિસમાર મકાનમાં માસ્તરસાહેબ વિદ્યાર્થીઓની હાજરી પૂરી રહ્યા હતા.
'હાજર સાહેબ' નિશિકાંતે હાથ ઊંચો કર્યો.

આખા વર્ગમાં નિશિકાંત જ એવો વિદ્યાર્થી છે જે સમયસર હાજર હોય છે અને તે પણ પોતાનું ગૃહકાર્ય કરીને.
નિશિકાંતને માસ્તરસાહેબે આપેલી શાબાશીથી નિશિકાંતની છાતી ગજ ગજ ફૂલી હોય તેમ એને વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ સામે જોયું. તમામના ચહેરા પર એક જ ભાવ અંકાયો હતો ઈર્ષ્યાનો.

રીસેસમાં સાહેબે નિશિકાંતને પોતાની પાસે બોલાવ્યો.
'નિશિકાંત , સાતમી કક્ષા તો પૂરી થવા આવી છે. આવતી સાલ તમે લોકો આઠમી કક્ષામાં જશો. અહીં આપણી શાળામાં એ વ્યવસ્થા નથી. એ માટે બાજુના ગામમાં જવું પડશે, તે પણ બસમાં .... તારા વાલીને જાણ કરી છે ને ?

' એમ કર એકવાર તારા બાબાને કહે મને મળવા આવે. મારે તેમની સાથે વાત કરવી પડશે. એવું ન બને બીજા છોકરાઓની જેમ તને પણ એ અભ્યાસ અધૂરો મુકાવી ઉઠાડી મૂકે, સમજ્યો ?'

માસ્તરસાહેબની વાત તો સાચી હતી. ગામમાં વસ્તી હતી નબળા વર્ગની. મોટાભાગના લોકોનો નિર્વાહ ખેતી પર ચાલતો. છેલ્લાં બે ત્રણ વર્ષ કપરાં વીત્યા હતા. મોટાભાગના લોકો બેહાલીથી ત્રાસીને પોતાના ભણવાની ઉંમરના છોકરાઓને શહેરમાં મજૂરી કરવા મોકલી આપતા હતા. માસ્તરસાહેબને ડર હતો ક્યાંક નિશિકાંત સાથે આવી સ્થિતિ ન બને. કેશવ નાયકની હાલત પણ બીજા ખેડૂત જેવી જ હતી. પણ ફરક એક વાતનો હતો. નિશિકાંત બીજા છોકરાઓ જેવો નહોતો. અભ્યાસમાં એકદમ તેજસ્વી એવા છોકરાનું ભાવિ એક વરસાદ રોળી નાખશે ? એ ચિંતા માસ્તરસાહેબને વારંવાર થતી હતી.

નિશિકાંત માસ્તરસાહેબની વાત સાંભળીને વધુ મૂંઝાર . મન તો થતું કે માસ્તરસાહેબને પોતાના ઘરમાં ચાલતી વાત કહી દે. પણ એમ કરતા એનું સ્વાભિમાન એને રોકતું. વાત કહેવી એટલે આઈ બાબાની ઈજ્જત ઉછાળવી. બંને જણાં ખેતરમાં રાતદિવસ કાળી મજૂરી કરતાં હતા એક માત્ર સ્વપ્ન સાથે કે એક દિવસ નિશીકાંતને ભણાવી ગણાવી શહેરમાં નોકરી કરતો જોવો.
નિશીકાંતનું સ્વપ્ન હતું કાશ , હું પણ ભણીને માસ્તરસાહેબ બનું .......

**********

' નિશયા , ચાલ જલ્દી પગ ઉપાડ, બાબા રાહ જોઈ રહ્યા હશે ...'

નિશિકાંત શાળાએથી આવતો પછી મા સાથે બાપુને ભાથું આપવા જતો. જમ્યા પછી મા બાબા થોડીવાર આરામ કરતા ને પછી કામે લાગતા. નિશિકાંત એ સમયે પોતાનું ભણવાનું કામ પૂરું કરતો.
આ રોજિંદો ક્રમ હતો. આજે પણ માદીકરા બંને ખેતરે જવા નીકળ્યા હતા. ખેતર પહોંચ્યા પછી બાબા લીમડાના ઝાડ નીચે બેઠેલા ન દેખાયા.

'દોડ , જરા પાણીના પંપની ઓરડી પર જઈને જો. કાલે કહેતા હતા કે પમ્પમાં કાંઈ ખરાબી હતી. કહે કે પહેલા ખાઈ લો પછી કરજો બધું. પ્રગતિએ ભાથું ખોલવું શરુ કર્યું.
નિશિકાંત વોટરપમ્પ રાખ્યો હતો એ ઓરડી તરફ દોડ્યા. ત્યાં રહેલા ખાટલા પર બાબા સુઈ રહ્યા હોવાનો આભાસ નિશીકાંતને થયો. પણ, બાબાના મોઢામાંથી ફીણ નીકળતા હતા. આંખો ખુલ્લી હતી, ડોક એક તરફ વળી ગઈ હતી. નિશિકાંત પળવારમાં મામલો પામી ગયો.

'આઈ આઈ ' કરતો નિશિકાંત દોડ્યો.
માદીકરા દોડીને પહોંચ્યા એટલી ઘડીમાં પ્રગતિના મનમાં વારંવાર ઉઠતી અમંગળ વાત તાજી થઈ ગઈ. પ્રગતિને પોતાની આશંકા સાચી પડતી હોય તેમ લાગ્યું. એમ જ થયું હતું.

કેશવે જંતુનાશક દવા પી લીધી હતી. ખાટલાની આસપાસ કરેલી ઊલટીઓ તેની સાબિતી હતી. પ્રગતિએ હાક મારીને બાજુના ખેતરમાં કામ કરી રહેલા લોકોને એકઠા કર્યા ત્યાં સુધીમાં નિશિકાંત દોડતો શાળામાં પહોંચ્યો. એને માટે માસ્તરસાહેબ એક માત્ર વ્યક્તિ હતા જેમની પાસે એ મદદ માંગી શકતો હતો.
માસ્તરસાહેબ સાથે ગામના પણ બે ચાર જણાં દોડતા આવી પહોંચ્યા. કેશવના અચેતન દેહને હોસ્પિટલ પહોંચાડવા માટે ગામના સરપંચ પાટીલની જ ગાડી કામ લાગી. મારતી ગાડીએ કેશવને લઈને માસ્તર સાહેબ પ્રગતિ અને નિશિકાંતને લઈ દોઢ કલાકે નજીકમાં નજીક ગામની હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યારે કેશવના શરીરમાં પ્રાણ બચ્યા નહોતા. ડોકટરે કેશવની નાડી હાથમાં લઈને બીજી જ ક્ષણે હાથ નીચે રાખી દીધો. હવે સામે પડ્યું હતું કેશવનું નિશ્ચેતન શરીર અને માદીકરા બંને અચેતન દેહ પાસે ઉભા હતા. અવાચક, સ્તબ્ધ.

કેશવની અંતિમ ક્રિયા માટે આખું ગામ ઉમટ્યું હતું. કેશવ એક માત્ર એવો ભડવીર હતો જે ગામલોકોને કપરા સમયમાં ટકી રહેવાની સલાહ આપતો હતો. આજે એ જ આ દુનિયા છોડી ચાલી નીકળ્યો હતો.
પ્રગતિના હૈયાફાટ રુદનને રોકવાની હિંમત કોઈનામાં નહોતી. તેર વર્ષનો છોકરો ઘડીમાં માને સંભાળતો ઘડીમાં ગામના કોઈ વડીલની સૂચના સાંભળતો .

એક રાતમાં મા દીકરા નોંધારા થઈ ચૂક્યા હતા.
અઠવાડિયું વીતી ગયું હતું કેશવની આત્મહત્યાનો. ગામમાં સોપો પડી ગયો હતો. જે માણસ બધાને સધિયારો બંધાવતો તેનું જ આમ ચાલી જવું એક નક્કર ઘા કરીને ગયું હતું. પ્રગતિ જીવતી લાશ બની ચૂકી હતી. આજુબાજુની સ્ત્રીઓ મળવા આવતી સમજાવતી પણ પ્રગતિના વર્તન પર કોઈ અસર નહોતી પડતી.
લોકોને લાગતું કે પ્રગતિ સુન્ન થઇ ગઈ છે , હકીકતમાં પ્રગતિ હેબતાઈ થઇ ગઈ હતી ડરથી , આજે નહીં તો કાલે પેલો પાટીલ ખેતર પોતાને નામે લખાવવાના સહીસિક્કા કરાવવા આવ્યા વિના નથી રહેવાનો.... તો આ મારા બાલુડા નિશિકાંતનું થશે શું ?

અને એ દિવસ આવી જ પહોંચ્યો. એક સવારે પ્રગતિ વાસીદું કરતી હતી ત્યારે જ પાટીલની પધરામણી થઇ.

' ઘરમાં કોઈ છે ?' પાટીલે ઘરની સાંકળ ખખડાવી, જોઈ રહ્યો હતો કે પ્રગતિ ઘરમાં કામ કરી રહી હતી. નિશિકાંત શાળાએ ગયો હતો.

'અત્યારે ઘરમાં કોઈ નથી, નિશિકાંત શાળાએ ગયો છે. એક વાગે આવશે. ' પ્રગતિએ છેડો આડો રાખી અંદરથી જ જવાબ આપ્યો.

'મારે કામ નિશિકાંતનું નહીં તારું જ છે.' પાટીલ નફ્ફટાઈથી તુંકારો કરતા બોલ્યો: ખબર છે ને કેશવે ખેતર મારી પાસે ગીરવે રાખ્યું હતું ? તો હવે એનું કરવાનું શું છે ? વિના કોઈ આવકારની રાહ જોયા વિના પાટીલ પરસાળમાં પડેલી ખાટલી પર બેસી ગયો.
'
પ્રગતિની વાચા હરાઈ ચૂકી હતી. માંડ માંડ બોલી શકી : અમે કારજ ચૂકવી દઈશું પણ ખેતર તો નિશિકાંત ખેડશે.

'તો તો ઘણું સારું , કેશવે છેલ્લાં ત્રણ વર્ષમાં લાખેક રૂપિયા ઉધાર લીધા હતા એની પણ ખબર તમને લોકોને તો હશે જ ને ?'

પ્રગતિના પગ તળેથી જમીન ખસી જતી લાગી: એક લાખ રૂપિયાનું કારજ ? નિશીકાંતના બાપુ તો કહેતા હતા પચાસ હજાર રૂપિયા...

'તે તેની પરનું વ્યાજ નહીં ? ' પાટીલ મૂછને તાવ દેતા બોલ્યો એ આજે ગમે એમ કરીને ખેતર પડાવવાના પેંતરા રચીને જ આવ્યો હતો.

'મને થોડા સમયની મુદત આપો. હું ને મારો દીકરો એક એક પાઇ ચૂકવી દઈશું ' બોલતી વખતે પ્રગતિનો અવાજ જરા તરડાઈ ગયો અને ન ચાહવા છતાં હાથ પણ જોડાઈ ગયા .

'એક લાખ રૂપિયા અત્યારે છે બે ચાર વર્ષ પછી એ પણ વધી જશે તો તું ને તારો દીકરો ચૂકવશો કેમ કરીને ?' પાટીલે ખંધુ હસતાં પૂછ્યું.

'અમે મહેનત મજરી કરીશું પણ પાઇ પાઇ ચૂકવી દઈશું ...' પ્રગતિએ નીચું જોઈને જ જવાબ આપ્યો. આ સિવાય કોઈ જવાબ સૂઝતો નહોતો .

આ વાતચીત ચાલી રહી હતી ત્યારે નિશિકાંત શાળાએથી પાછો ફરી ચુક્યો હતો. એ ખડકીની બહાર ઉભો ઉભો વાતચીત સાંભળી રહ્યો હતો.

'જો પ્રગતિ તું માને તો મારી પાસે એક ઉકેલ છે........તારા નિશિકાંતનું ભાવિ સલામત રહેશે, ખેતર પણ અકબંધ રહે અને તારે મજૂરી પણ નહીં કરવી પડે.'

જવાબમાં પ્રગતિ ચૂપ રહી. પાટીલે એ હા સમજીને વાત આગળ ચલાવી: 'જો તું મારુ ઘર માંડવા તૈયાર હોય તો ...'

'પાટીલ ......ખબરદાર એક શબ્દ આગળ બોલ્યો છે તો ! લોકો તને ગામનો વડીલ માને છે ને આવી નીચ વાત કરતા શરમ નથી આવતી ?' પ્રગતિ ગર્જી. તેની આંખમાં અગ્નિ ભભૂકી રહ્યો હતો.

વંડી બહાર ઉભેલા નિશિકાંતના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. દાંત એટલા જોરથી હોઠ પર પીસાયા કે લોહીનો ટશિયો ફૂટી આવ્યો. એને થયું કે ઘરમાં જઈને પોતાની મા સાથે આવી ગલીચ વાત કરનાર પાટીલનુંએ ગળું દબાવી દે.

પણ એ કશું કરી શકે એ પહેલા પાટીલ બહાર નીકળતો દેખાયો : 'પ્રગતિ , વિચારી લેજે.... તારા છોકરાનું ભવિષ્ય તારા હાથમાં છે. '


આ વાંચતા વિવાનના હાથની મુઠ્ઠી ઉશ્કેરાટમાં વળી ગઈ. એને આત્મકથાનું પહેલું પ્રકરણ જ વિચલિત કરી ગયું હતું. જે વાત ઉલ્લેખાઇ હતી એ બીજા કોઈની નહીં પણ પોતાની જ વાત હતી. એ નિશિકાંતનું રૂપાંતરણ વિવાન તરીકે કેવી રીતે થયું કોઈ જાણતું નહોતું . દુનિયામાં આ રહસ્ય જાણનાર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ હતી , એ બીજું કોઈ નહીં પણ એ પોતે ...તો પછી આ વાત બહાર કઈ રીતે આવી?

બાલ્કનીમાં ઉભા ઉભા વિચારમાં ગરક વિવાન પાંચ સિગરેટ ફૂંકી ચૂક્યો હતો. આ વાતનો કોઈ તાળો મળતો નહોતો , પહેલું જ પ્રકરણ આટલું સચોટ હતું તો આગળના પ્રકરણમાં શું હશે ? વિવાનની કુતૂહલવૃત્તિ માઝા મૂકી રહી હતી.

રહી રહીને એક જ પ્રશ્ન ઉદ્ભવતો રહ્યો; આ વાત પોતાના સિવાય કોઈ જાણતું નથી તો આ લખનાર કોણ હોય શકે ?

ક્રમશ: