Hu Salimbhai ane JD in Gujarati Comedy stories by Jyotindra Mehta books and stories PDF | હું, સલીમભાઈ અને જેડી

Featured Books
Categories
Share

હું, સલીમભાઈ અને જેડી

 આજે રવિવાર હતો, આરામનો દિવસ. બાકી દિવસોમાં સવારે છ વાગ્યા પહેલાં પથારી છોડવી પડતી હોય છે, પણ રવિવારે હું તે પથારીનો મનમોકળાપણે ઉપભોગ લેતો હોઉં છે. સુરજદાદા ઉગીને બે કલાક થઇ ગયા હતા, ત્યારે પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. ત્યાં જ  નીચેથી અવાજ આવ્યો, “ઉઠો હવે કેટલા બધાં કામ કરવાના છે, પથારીમાં શું ઘોંટી રહ્યા છો.”

હું સાવધાન થઇ ગયો. સાલું, રાત્રે પત્નીશ્રીએ કોઈ પ્રોગ્રામ કહ્યો હતો, જે હું ભૂલી ગયો હોઉં. યાદ કરવામાં પાચ મિનીટ નીકળી ગઈ, પણ કંઇ યાદ ન આવ્યું એટલે મન મજબુત કરીને નીચે ગયો. ‘પડશે એવા દેવાશે’ એ વિચાર સાથે  નીચે જઈને પ્રાથમિક વિધિ પતાવી ત્યાં જ ચા આવી જેનો મન ભરીને આનંદ લીધો.

મેં કહ્યું, “સરકાર, કયા કયા કામ કરવાના છે આજે?” પૂછતાં તો પૂછી લીધું, પણ મનમાં ફફડાટ હતો કે પાછલા રવિવારની જેમ સાફસફાઈને ધંધે નો નહિ લગાવી દે ને.

જવાબ થોડો અણધાર્યો હતો, “ના ના, કંઇ કામ નથી કરવાનું, આ તો ક્યારના ઉઠતા નહોતા એટલે એવું કહ્યું.”  ‘હાશ!’ જીવ તાળવે બેઠો.  

            “સારું, એક કામ કરું છું, નહાઈધોઈને બજારમાં આંટો મારી આવું. કંઇ લાવવાનું હોય તો કહેજે.” સારું લગાડવા થોડો વિવેક કર્યો.

એણે કહ્યું, “ના ના, કંઇ નથી લાવવાનું.” મને ખબર હતી નહાઈને બહાર આવીશ ત્યાં સુધીમાં મસમોટું લીસ્ટ તૈયાર હશે. હું નહાઈને બહાર નીકળ્યો ત્યાં સુધીમાં મારી આશા પ્રમાણે લીસ્ટ તૈયાર હતું.

ડિમ્પલે કહ્યું, “આમ તો કંઇ લાવવાનું તો નહોતું, પણ હવે બહાર જાઓ છો તો આ રિમોટના બે સેલ લાવવાના છે તે લાવજો. ગામડેથી લાવેલા મગ પતી ગયા છે, તો ચેતન કિરાના સ્ટોર્સમાંથી ઝીણા મગ લેતા આવજો અને એને કહેજો દેશી અને ઝીણા મગ આપે, પાછલી વખતે કેવા મગ લાવ્યા હતા! જલ્દી ચડતા પણ  નહોતા. ત્યાં જાઓ જ છો તો બાજરી, અડદ અને નાચણી (રાગી) પણ લેતા આવજો અને હવે એટલે સુધી જવાના જ છો તો એક બે શાકભાજી પણ લેતા આવજો અને ... “

‘લે આ તો લીસ્ટ લાંબુ થતું ચાલ્યું.’ મેં મનમાં વિચાર્યું.

“હા કોથમીર પણ લેતા આવજો અને મેથી પણ સાંજે મેથીના ગોટા બનાવીશ.”

             “નહીંતર એક કામ કરો આ બધું તમને નહિ ફાવે. હું પણ સાથે આવું છું. આટલું ભણ્યા છો, પણ શાકભાજી પણ બરાબર લેતા નથી આવડતી.” આગળ ડિમ્પલે જોડ્યું.

ખિસ્સા પર આફત આવતી દેખાઈ એટલે મેં કહ્યું, “જો કોઈ કૉલેજના કોર્સમાં શાકભાજી કેવાં લેવા જોઈએ એ ભણાવવામાં નથી આવતું અને દર વખતે તો સારી લાવું છું, ફક્ત એક દિવસ કોબી ખરાબ નીકળી હતી અને વચ્ચે તું લાવી હતી તે ફ્લાવર ખરાબ નહોતું નીકળ્યું!” મેં તલવાર કાઢી.

મારી તલવાર સામે તરત મોટી તલવાર નીકળી, કમર ઉપર હાથ મુકીને આંખો મોટી કરીને ડિમ્પલે કહ્યું, “તમે સાથે હો એટલે બગડેલા જ શાકભાજી મળે છે.”

મેં તરત પોતાની તલવાર મ્યાન કરી અને કહ્યું, “એક કામ કર, બજારમાં આપણે સાંજે જઈશું, અત્યારે એરિયામાં જ ફરું છું અને મિત્રોને મળી લઉં.“  

તે બોલી, “હા , એ સારું રહેશે! ઘરમાં કેટલા બધા કામ પડ્યા છે! બહાર જતી વખતે રેવંતને લેતા જજો એટલે ઘરમાં શાંતિથી કામ થાય.” હું ભલે કહીને તૈયાર થયો. સવારનું મરણ સાંજ પર ધકેલ્યું હતું.

 

એકવાર બજારમાં જાઓ એટલે વાર્તા પૂરી જ થઇ જાય. આ બગડી ગયું છે, પેલી વસ્તુ પૂરી થઇ ગઈ છે. હાશ કહીને રેવંતને લઈને ઘરની બહાર નીકળ્યો અને નીકળતી ક્ષણે જ રેવંતે કહ્યું, “ગાર્દન.“

મેં કહ્યું, “વા બેટા, મા ઉપર જ ગયો છે, તું પણ મને નચાવ.” ગાર્ડનમાં જઈને રેવંતને લપસણી પાસે ઉભો રાખ્યો અને હું મોબાઈલ ખોલીને ચેક કરવા લાગ્યો, કેટલા ડાઉનલોડ થયા? કેટલી કોમેન્ટો આવી?

એટલામાં મારા ખભે એક હાથ પડ્યો અને કાને અવાજ પડ્યો, “આપકો સલિમમભાઈ બુલાયા હૈ.”

હું ચમક્યો. પાછળ ફરીને જોયું તો એક લાલ ટીશર્ટ અને બ્લેક કલરની જીન્સમાં એક યુવક ઉભો હતો તેના હોઠ લાલ રંગે રંગાયેલા હતા. બહુ લાંબો નહીતો, બહુ ટૂંકો પણ નહિ, શરીરે સુકલકડી એવો એનો ચેહરો થોડો ઓળખીતો લાગ્યો. પછી યાદ આવ્યું આ ઘણી વાર નાકે ઉભો હોય છે.

તેણે આગળ કહ્યું, “ભાઈ, પૈચાના કી નઈ અપન જેડી, સલીમભાઈ કા ખાસ પંટર. વો ગણપતીમેં આયા થા ના ચંદા લેને.”

સલીમભાઈને નામથી ઓળખતો હતો, પણ એને શું કામ પડ્યું હશે મારું મેં મનમાં વિચાર્યું. સલીમભાઈ એરીયાનો દાદો હતો. કામ ગુંડાના હતા, પણ પોતાને સમાજસેવક કહેતો.

“સલીમભાઈ કો તો પૈચાનાતેના?“ જેડીએ પૂછ્યું.

આ હિન્દીની કત્લેઆમ બંધ કરે તો સારું એ વિચારે મેં કહ્યું, “હા, પહેચાનતા હું?”

પેલાએ આગળ જોડ્યું, “ઉનકો આપકા જરૂર કામ પડા હૈ, ચલ રૈલે હૈ ના?”

મેં કહ્યું, “હાં ચલો, લેકિન  બચ્ચે કો ઘર પે છોડ દુ.”

એણે કહ્યું, “કાયકો? સાથ મેં લે ચાલો સલીમભાઈકો બચ્ચે ભોત પસંદ હૈ.”

રમતા દીકરાને પટાવીને સાથે લઈને નીકળ્યો. ખડખડ કરતી તેની બુલેટ ઉપર અમે સલીમભાઈની ઓફીસ  પર પહોચ્યા. જે હિસાબે સલીમભાઈની ઈમેજ હતી મેં વિચાર્યું હતું કે તેની ઓફિસે  બે ચાર માણસો ગન લઈને ઉભા હશે, સલીમભાઈની સામે દારૂનો ગ્લાસ હશે અને તેમના ખોળામાં કોઈ છોકરી હશે. તેને બદલે સાવ જુદું ચિત્ર હતું.

સલીમભાઈ સફેદ પેન્ટ અને શર્ટમાં સજ્જ હતા અને ગળામાં જાડી ચેન અને હાથમાં સોનાનું બ્રેસલેટ પહેર્યું હતું. છ ફૂટથી વધારે હાઈટ હતી તેમની અને ચેહરો એકદમ માસુમ. માથે ચમકતી ટાલ હતી અને પાછળ એકદમ કાળા ભમ્મર વાળ, લાગે છે ગઈકાલે જ ડાય કરાવ્યા હશે!

મને જોઇને ખુરસી ઉપરથી ઉભા થઇ ગયા અને કહ્યું, “આવો આવો મહેતા સાહેબ, મારી ઓફિસમાં આપનું  સ્વાગત છે.”

તેમની ભાષા સંભાળીને હું ચકિત થઇ ગયો. મેં કહ્યું, “સલીમભાઈ, તમને ગુજરાતી આવડે છે?”

સલીમભાઇએ કહ્યું, “તે આવડે જ ને અમે મૂળ ખંભાતના, અહીં મહારાષ્ટ્રમાં રહું છું તો શું થયું? મૂળ ગુજરાતી જ છું.”  લે આ તો બધું ચિત્ર જ જુદું છે.

મેં પૂછ્યું, “તમે મને ઓળખો છો?”

એમણે કહ્યું, “તમે આપણા એરિયામાં જ રહો છો એટલે ઓળખવા તો પડે ને અને હું રહ્યો સમાજસેવક એટલે બધી જાણકારી રાખવી પડે. બોલો શું લેશો? ઠંડુ કે ગરમ?“

મેં વિવેક કર્યો, “ના ના, કંઇ જ નહિ, ઘરેથી ચા-નાસ્તો કરીને જ નીકળ્યો છું.“

સલીમભાઇએ કહ્યું, “એવું હોય કંઇ! પહેલીવાર મારી ઓફિસે આવ્યા છો, કંઇક તો લેવું જ પડે ને!” એમ કહીને જેડીને ચા લાવવા કહ્યું.

ચા પીધા પછી મેં પૂછ્યું, “શું કામ પડ્યું મારું, સલીમભાઈ? “

સલીમભાઇએ જેડી તરફ આંગળી ચીંધતા કહ્યું, “ આ મારો ખાસ માણસ છે અને આ લેખક બનવા માગે છે અને હમણાં જ કોઈકે કહ્યું હતું કે તમે પણ લેખક છે અને વાર્તાઓ લખો છો એટલે તમને બોલાવ્યા. તમને આ મળ્યો એટલે તમે આની ભાષા તો જોઈ જ લીધી હશે? આને થોડું માર્ગદર્શન આપો, થોડું વ્યાકરણ શીખવાડો જેથી આ બરાબર લખી શકે.”  

લે આ તો ફસાઈ ગયો! હવે આને લેખક બનાવવા માટે માર્ગદર્શન આપવું એટલે હિમાલય ચડવા જેટલું કઠણ હતું.

મેં કહ્યું, “સલીમભાઈ, હું કંઇ મોટો રાઈટર નથી! આ થોડું થોડું લખું છું અને એ પણ કંઇ છપાતું નથી ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પબ્લીશ થાય છે અને પાછું હિન્દીમાં નહિ ગુજરાતીમાં લખું છું.”

સલીમભાઇએ અવાજ થોડો કડક કર્યો અને કહ્યું, “પુરતી જાણકારી લઈને જ તમને અહીં બોલાવ્યા છે, મને ખબર છે તમારી વાર્તાઓ અને નવલકથાઓ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પબ્લીશ થાય છે. હું તમારી પાસે મફત કામ નહિ કરાવું , સમજી લો આને ટ્યુશન આપવાનું છે અને હું મહીને તમને પાંચ હજાર આપીશ. અને આને ટ્યુશન તમે જ આપશો અને આ મારી તમને વિનમ્ર ધમકી છે અને તે પણ આજથી જ “

એટલું કહીને પોતાના ડ્રોઅરમાંથી ચોકલેટ કાઢીને રેવંત તરફ ધરી અને પોતાની પાસે બોલાવ્યો. અત્યાર સુધી શાંતિથી બેસેલો રેવંત તરત ઉંચો થયો અને સલીમભાઈના મજબુત હાથોમાં સમાઈ ગયો અને તેમની ચોકલેટ લઈને તેમના ગાલ સાથે રમવા લાગ્યો. હવે મારી પાસે કોઈ ઉપાય નહોતો.

મેં જેડી તરફ જોયું અને પૂછ્યું, “તમને એવું કેમ લાગે છે કે તમારે લેખક બનવું જોઈએ અથવા તમે બની શકો છો?“

હું જાણે તેનો ઇન્ટરવ્યુ લેતો હોઉં એવા એકદમ વિચારશીલ ભાવ લાવીને ગંભીર ચહેરા સાથે કહ્યું, “ભાઈ અપન બોહોત સોચતા રૈતા હૈ દિનભર, ફિર શામ કો સલીમભાઈકો કહાની સુનાતા હૈ, સલીમભાઈ ચ બોલા તુમ રાઈટર બનો, અપન થોડા લિખેલા ભી હૈ, ગુજરાતીમેં.“ 

મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, “તમે ટપોરી ભાષામાં વાતચીત કરો છો ને લખો છો ગુજરાતીમાં! એ કેવી રીતે?“

“ભાઈ અપન ગુજરાતીમેં પઢા હૈ ના સાતવી તક, ફિર બાપને ધંધે પે લગા દિયા.” એણે ઉત્સાહથી જવાબ વાળ્યો અને એક નોટબૂક આગળ કરી.

એનું લખેલું વાંચીને મને ચક્કર આવી ગયા, એણે નોટબૂકમાં સલીમભાઈ ઉપર એક નિબંધ લખ્યો હતો અને એ પણ ટપોરી ભાષામાં અને ગુજરાતી લીપીમાં.

વાંચીને સલીમભાઈ તરફ જોઇને કહ્યું, “આ નિબંધમાં એકેય વાક્યમાં કાનામાત્રાના ઠેકાણા નથી.”

જેડીએ તરત કહ્યું, “આપ સીખાઓ ના, મૈ સીખ લેગા.”

મેં કહ્યું, “સલીમભાઈના લ માં દીર્ઘ માત્રા આવે એના બદલે લઘુ માત્રા લગાવી છે.”

જેડીએ તરત વિરોધ નોંધાવ્યો, “ઐસે કૈસે દીર્ગ, વો ક્યાં બોલા વો, સલીમમેં સિર્ફ જીલ્લેલાહી હી લગા સકતા. મૈ તો નફાસત સે બોલતા હૈ, તો સલિમભાઈ હી આયેગા ના? લિ છોટા હી આયેગા.”   

હવે મારે આને શું કહેવું? મેં કહ્યું, “શીખવાડે કોણ છે? હું ને! તો હું જે કહું એ રીતે જ લખવાનું અને હવે પછી મારી સાથે ગુજરાતીમાં જ વાત કરવાની. આજનો પાઠ પૂરો. પાંચસો વખત સલીમભાઈ લખવાનું.“ એમ કહી આંખો મોટી કરી અને ઉભો થયો.

જેડી, “ઠીક છે” કહીને  બેસી રહ્યો.

            સલીમભાઇએ તાળી વગાડી અને કહ્યું, “જેડી, મહેતા સાહેબ બરાબર કહે છે. હવે આ કહે તેમ કરજે તને હું મોટો લેખક બનાવીને જ રહીશ.”

હું રેવંતને લઈને ઘરે પહોંચ્યો અને પત્નીને બધી વાત કરી તો તેણે કહ્યું, “હાય હાય, એવાની ભાષા તમે કેવી રીતે સુધારશો? જો જો તમારી ભાષા બગડી ન જાય!”

મેં કહ્યું, “ફિકર નોટ ડાર્લિંગ, અપને કોન બિગાડ સકતા હૈ? અપન અભી ભાઈ લોગો પે સ્ટોરી લિખનેવાલા હૈ.”

પત્નીએ માથું હલાવતાં કહ્યું, “બેસી જાઓ ઢોકળી તૈયાર છે, જમી લઈએ.”