Dashavtar - 60 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 60

Featured Books
Categories
Share

દશાવતાર - પ્રકરણ 60

          પવને એને લાત મારવાને બદલે હાથ આગળ કર્યો. સુબોધે નિસાસો નાખ્યો અને એનો હાથ પકડી લીધો. પવને એને ઊભા થવામાં મદદ કરી.

          વજ્ર નજીક આવ્યો. એની ચાલ જંગલી પ્રાણી જેવી ધીમી પણ સ્થિર હતી. એણે સુબોધની આંખોમાં જોયું, "તું આમ હાર ન સ્વીકારી શકે." એનો અવાજ ગંભીર હતો, “માણસ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી એ હાર ન સ્વીકારી શકે. આ કળિયુગ છે અને કળિયુગમાં તમારા છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર રહેવું પડે. જ્યાં સુધી પાટનગરમાં પૂજાતા એ મંદિરનું પતન ન થાય ત્યાં સુધી આપણામાંથી કોઈ હાર નહીં માને. કારુ અને એનું શાસન નહીં હોય, બધા લોકો સમાન હોય અને કોઈ વિભાજન ન હોય એ પહેલા તું હાર ન માની શકે. તું શું અહીં હાજર એક પણ માણસ હાર નહીં માને.”

          “મને સમજાઈ ગયું.” સુબોધ બોલ્યો પણ એની રહી સહી શક્તિ પૂરી થઈ ગઈ હોય એમ એ ફસડાઈ પડ્યો.

          વિરાટ દોડીને એની પાસે ગયો અને એને પાણીની મશક આપી પણ એ જ ક્ષણે વજ્ર બોલ્યો, “કોઈને પાણી નહીં મળે. તમે કેટલા થાક્યા છો?" એણે શૂન્યોની સામે જોયું. એ બધા જ થાકેલા દેખાતા હતા.

          કોઈએ એને જવાબ ન આપ્યો પણ કરિણ્યાએ સમ્રાટ તરફ જોઈને પૂછ્યું, “શું નિર્ભય લોકો આંધળા હોય છે?”

          “કેમ?” સમ્રાટે પૂછ્યું.

          "શું આપણે થાકેલા નથી લાગતા?" કરિણ્યાએ કહ્યું, “એને એ નથી દેખાતું?”

          “દેખાય છે." એણે જવાબ આપ્યો.

          "તો પછી એ શા માટે પૂછે છે?" 

          "કદાચ એ આપણી પાસેથી સાંભળવા માંગે છે." બીજા એક શૂન્યે ટિપ્પણી કરી.

          "કદાચ એ ન જોઈ શકતો હોય તો?" 

          "હું થાકી ગઈ છું." કરિણ્યાએ પહેલા કબૂલ્યું, અને પછી બાકીના લોકોએ પણ એ કબુલ્યું.

          "હું જાણું છું કે તમે આ પહેલા ક્યારેય નથી કર્યું." વજ્રએ કહ્યું, "પણ આપણે જે તાલીમ લેવાની છે એની સામે આ કંઈ નથી." એણે તારા તરફ જોયું.

          તારાએ એની નજર તાલીમાર્થીઓ પર સ્થિર કરી અને કહ્યું, "આપણે ટેકરી પર ચડીશું."

          બધાએ જંગલની ટેકરી તરફ જોયું. એ તાલીમના મેદાનથી લગભગ ચાર કિલોમીટર દૂર હતી.

          "અમે થાકી ગયા છીએ." આગમે કહ્યું, "અમે છ કલાકથી વધુ સમય સુધી મહાવરો કર્યો છે."

          "અને સૂર્ય પણ ક્ષિતિજની નીચે છે." દક્ષાએ ઉમેર્યું, "અમે અંધારામાં જંગલમાં ચાલી ન શકીએ."

          "કોણ ચાલવાનું કહે છે?" તારા હળવા સ્વરે બોલી, "આપણે દોડવાનું છે."

          "શું?" વિરાટે નવાઈથી કહ્યું,  “દોડવાનું? છ કલાક સખત મહાવરા પછી કોઈનામાં દોડવાની શક્તિ નથી બચી.”

          તારા કે વજ્ર કોઈએ જવાબ ન આપ્યો. 

          "અમે દોડી શકીએ એમ નથી." વિરાટે રક્ષણાત્મક અવાજમાં કહ્યું, "મારા લોકો નથી દોડી શકે એમ."

          "હું સમય બગાડવા નથી માંગતો." હવે વજ્ર બોલ્યો, "ચાલો શરુ કરીએ."

          વિરાટ પોતાની જાતને રોકી ન શક્યો, "તને દેખાતું નથી કે આ બધા દોડી શકે એમ નથી?"

          વજ્ર કશું બોલ્યા વગર વિરાટ પાસે ગયો અને એની છાતીમાં હડસેલો માર્યો.  "મેં કહ્યું કે આપણે જંગલમાંથી પસાર થઈશું." એણે ઘાટો પાડ્યો, "તેં સાંભળ્યું નહીં?"

          "પણ અમે થાકી ગયા છીએ. અમે એમ કરી શકીએ એમ જ નથી."

          "બહુ થયું તમારે એ નિર્ભય સિપાહીઓ સામે લડવું પડશે જે ક્યારેય થાકતા નથી."

          "હા, અમે જાણીએ છીએ." પવને કહ્યું, “પણ અમે થાકી જઈએ છીએ. અમે નિર્ભય નથી. અમે શૂન્ય છીએ.”

          "તમને કોણે કહ્યું..." વજ્રનો અવાજ ગર્જના જેવો હતો, "કે તમે શૂન્ય છો?" એણે પવનના બંને ખભા પકડી એને હચમચાવી નાખ્યો, “તમે શૂન્ય નથી. જે ક્ષણે તમે બીજા માટે લડવાનું વિચારો છો એ જ ક્ષણે તમે નિર્ભય છો. નિર્ભય એક સંસ્કૃત શબ્દ છે. શું તમે લોકો એનો અર્થ જાણો છો?"

          "નિડર." પવને જવાબ આપ્યો.

          “નિડર.” વજ્રએ કહ્યું, “અને તમે નિર્ભયતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? શું નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકોની હત્યા કરવી એ નિર્ભયતા છે?”

          “ના.” પવને જવાબ આપ્યો.

          “નિર્ભયતાનો અર્થ છે તમારી અંદર હિંમત છે - બીજાઓ માટે લડવાની હિંમત - શક્તિશાળી સામે લડવાની અને નબળાઓ માટે લડવાની હિંમત. જે ક્ષણે તમે તમારા લોકોને મુક્ત કરવાના શપથ લો છો એ જ ક્ષણે તમે બધા સાચા નિર્ભય બની જાઓ છો. જે લોકો દીવાલની પેલી તરફ રહે છે, જેમની પાસે હથિયાર છે અને નિર્દોષ લોકોની હત્યા કરે છે એ નિર્ભય નથી - એ તો કાયર છે. એ દેવતાઓના ગુલામ છે. એ કારુના ગુલામ છે પણ તમે નથી.”

          વજ્ર અટક્યો નહીં. વિરાટને આશ્ચર્ય થયું કે એ એક સાથે આટલું બધું કઈ રીતે બોલી શકતો હતો.

          "હું જાણું છું કે તમે થાકેલા છો. તમે બધા થાકી ગયા છો. પણ આ થાક શું કરી શકે? કશું જ નહીં. એ તમારી શક્તિને મારી શકે છે પરંતુ એ પણ હિંમતને ન મારી શકે. એ તમારી સહનશક્તિને ખાઈ શકે છે પણ એ તમારી ઇચ્છાશક્તિને ન ખાઈ શકે. તમારે ત્યાં સુધી લડવું પડશે જ્યાં સુધી તમારા શરીરમાં લોહીની એક બુંદ બાકી બચી હશે, તમારે ત્યાં સુધી લડવું પડશે જ્યાં સુધી તમારું હૃદય ધબકવાનું બંધ ન કરે, તમારે ત્યાં સુધી લડવું પડશે જ્યાં સુધી તમારી આંખો જોવાનું બંધ ન કરે કારણ કે આમાંથી કંઈ પણ તમારી હિંમતને ખતમ કરી શકતું નથી.”

          એ અહીં અટકયો અને વિરાટ તરફ જોયું, "ચાલો, હવે દોડીએ." એની આંખો બીજા શૂન્યો તરફ ફેરવાઈ, "મારી પાછળ આવો." એણે કહ્યું અને ટેકરી તરફ દોડવા લાગ્યો. કોઈ એને અનુસરે છે કે નહીં એની એને પરવા નહોતી. એ જંગલમાં ટેકરી તરફ દોડતો હતો. તારા એ એક નજર શૂન્યો તરફ કરી અને વજ્ર પાછળ દોટ મૂકી. બીજી જ પાળે એની પાછળ પવન, દક્ષા અને પછી બાકીના બધા શૂન્યો ટેકરી તરફ દોડવા લાગ્યા.

*

          વિરાટે જ્ઞાની યુવક યુવતીઓને પોતાની પાછળ ટેકરી તરફ દોડતા જોયા. જ્ઞાની યુવક યુવતીઓ એની આસપાસની ઝાડીઓમાંથી રસ્તો કરતાં આગળ વધતા હતા. વિરાટ વીજળી વેગે ઝાડીઓમાંથી પસાર થતો હતો અને થોડીવાર પછી લગભગ બધા યુવક યુવતીઓ એની પાછળ હતા. જંગલ ઘેરું નહોતું છતાં પ્રસંગોપાત ઝાડીઓ એના ચહેરા સાથે અથડાતી હતી. આ વિસ્તાર અર્ધ-રણ હોવાથી જંગલમાં ખાસ કાંટાળી ઝાળીઓ હતી. જ્યારે પણ વિરાટનો પગ જમીન પર પડી ગયેલી ડાળીઓ પર આવતો ત્યારે એના જોડા હેઠળ સુકી લાકડીઓ તૂટવાનો અવાજ આવતો. વિરાટ જાણતો હતો કે જો એના પગમાં એ મજબુત જોડા ન હોય તો કાંટા એના પગને વીંધી નાખે એમ હતા.

          એ આસપાસના વૃક્ષો અને છોડને ઓળખી શકતો નહોતો. પદ્મા એમાંથી મોટાભાગના વૃક્ષોને ઓળખતી હતી. દક્ષા પણ દરેક છોડને જાણતી પરંતુ વિરાટે આયુર્વેદના જ્ઞાન તરફ ક્યારેય ખાસ ધ્યાન આપ્યું નહોતું. અડધા રસ્તે પહોંચ્યા ત્યારે વિરાટે ચીસો સાંભળી. શું થયું એ જોવા એ અટકી ગયો.

          વજ્રએ મશાલ પ્રગટાવી અને વિરાટે એના અજવાળામાં પવનને સૂકા પાંદડા અને ડાળીઓ પર પડ્યો જોયો. એ ઝાળીઓ વચ્ચેથી માર્ગ કરતો, આડા પડ્યા વૃક્ષોના સુકા થડીયા કૂદતો પવન તરફ દોડ્યો. જોકે એની પહેલાં, તારા અને વજ્ર ત્યાં પહોચી ગયા હતા. નિર્ભય સિપાહીઓ દોડવીર શૂન્ય કરતા પણ દોડવામાં ઝડપી હતા.

          વજ્રએ પવનની પાસે જઈને પૂછ્યું, "તું ઠીક છો?"

          પવને માથું હલાવ્યું, "હા, પણ મારા પગમાં અસહ્ય પીડા થાય છે."

          "મારા પગમાં પણ દુખાવો થાય છે." દક્ષા પણ એની નજીક જમીન પર ફસડાઈ પડી.

          વજ્રએ પવનના ચહેરા સામે ધારીને જોયું, "મને લાગે કે તું છેલ્લી સફરમાં દીવાલની પેલી તરફ હતો."

          “હા.” પવને કહ્યું, “એટલે જ હું વધુ થાકી ગયો છું.”

          "તમે અમને આરામ કરવા માટે એક દિવસ પણ આપ્યો નથી." વિરાટે કહ્યું.

          તમામ જ્ઞાની યુવક યુવતીઓ એમની આસપાસ એકઠા થઈ ગયા હતા. વજ્ર શું કહેશે એ જાણવા બધા ઉત્સુક હતા.

          વજ્રએ વિરાટ તરફ જોયું, "હા, હું જાણું છું કે તમે બધા થાકી ગયા છો." પછી એની નજર પવન તરફ ફેરવાઈ, "તારા પગમાં દુખાવો કેવો છે?"

          "અસહ્ય."

          "સુરતા પર બળાત્કાર થયો ત્યારે જે દર્દ એને થયું હશે એના કરતાં તારા પગમાં વધુ દર્દ પીડા છે?" એણે ધીમા અવાજે પૂછ્યું પણ વિરાટે જોયું કે એના ચહેરા પર પરસેવો હતો અને એની આંખોમાં ગુસ્સો સળગતો હતો.

          કોઈએ જવાબ ન આપ્યો.

          “મને જવાબ આપ.” હવે એનો અવાજ ઊંચો હતો, “મને કહે કે શું આ દર્દ એ નાની છોકરીના બદલાવ કરતાં વધુ પીડાદાયક છે?”

         "ના." પવને બંને મુઠ્ઠીઓ ભીંસી લીધી.

         "શું તેં એની પીડા અનુભવી છે?"

          “હા...” પવને જવાબ આપ્યો.

          "એ પીડા કેવી હતી?"

          "અસહ્ય." પવને કહ્યું, "એટલે જ એણે કૂદીને જીવનનો અંત આણ્યો."

          વિરાટે પવનની આંખોમાં આંસુ જોયા અને તરત જ એની પોતાની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા હોય એમ એને લાગ્યું.

          "હવે, મને તારી પીડા વિશે કહે." વજ્રએ પૂછ્યું, "શું આ અસહ્ય છે?"

          "ના."

          "આ ટુકડીમાં તારો ખાસ મિત્ર કોણ છે?"

          "વિરાટ."

          "કલ્પના કર કે તું યુદ્ધના મેદાન થાકેલો છે અને પેલી ટેકરી પર એક દેવતા તારા મિત્રને મારવા તૈયાર છે, તું શું કરીશ?" એણે ઊંડો શ્વાસ લીધો, "તું શું કરીશ, પવન?"

          "હું એને બચાવવા ત્યાં સુધી દોડીશ."

          "તો ઊભો થઈ જા અને ટેકરી સુધી દોડવા તૈયાર થા કારણ કે ટૂંક સમયમાં તારે તારા ઘણા મિત્રોને યુદ્ધના મેદાનમાં બચાવવાના છે."

          વજ્રએ એને હાથ આપ્યો, “યુદ્ધમાં થાક અને ઘા કંઈ નથી. જો કોઈ બાબત મહત્વની હોય તો એ લડાઈ છે. મૃત્યુ સુધી લડો. ”

          “હા.” પવને એનો હાથ પકડ્યો અને ઊભો થયો.

          “સાંભળો.” વજ્રએ બધા ઉપર નજર ફેરવી, “હું તમને ફરીથી નથી કહેવાનો. જો કોઈને લાગે કે મારી પીડા દીવાલની પેલી તરફ બેમોત મરતા માણસોની પીડા કરતા વધારે છે તો એ આખી જિંદગી આરામ કરી શકે છે.”

          એ ફરીથી આગળ થયો અને બધા એની પાછળ દોડવા લાગ્યા.

          વિરાટના પગ હવે વધુ કઠણ અને ભારે લાગતા હતા. પણ એ જાણતો હતો કે કંઈ પણ અશક્ય નથી અને સુરતાના દર્દથી વધુ અસહ્ય કોઈ દર્દ નથી. જો કોઈ પીડા તમારો જીવ ન લઈ શકે તો એ પીડા અસહ્ય નથી.

          એ એના પગરખાંનું વજન અનુભવતો હતો. હવે એને લાગતું હતું જાણે એના જોડા હજારો કિલોના છે અને એના માટે દરેક ડગલે પગ ઉંચકવો મુશ્કેલ બની રહ્યું હતું. એણે પીડાની અવગણના કરી અને વધુ ઝડપથી દોડ્યો, ડાળીઓને એના માર્ગમાંથી બહાર ધકેલતો, હાથ પર ડાળીઓને ખસેડતા સમયે વાગતા કાંટાને અવગણતો એ દોડતો રહ્યો. જયારે કોઈ ડાળી ખસેડવાનું ચુકી જવાય ત્યારે ચહેરા પર એ કોયડા જેમ વાગતી હતી પણ એ સમજી ગયો હતો કે જ્યાં સુધી માણસ હાર ન માને ત્યાં સુધી કોઈ પીડા માણસને હરાવી નથી શકતી. એની હથેળીમાં કાંટા વાગ્યા હતા અને ત્યાંથી લોહીની ટશરો ફૂટી હતી. પણ એ ન અટક્યો.

          હું ત્યાં પહોંચીશ અથવા મરી જઈશ. એના મનમાં એક જ વિચાર હતો.

          છેવટે એ બધા જંગલ પાર કરીને ટેકરી પર પહોંચ્યા.

          વજ્રએ કહ્યું, “આજની તાલીમ પૂરી થઈ.”

          બધા થાક્યા હતા પણ ખુશ હતા. વજ્રએ ફરી એકવાર કહ્યું, “જે પળે તમે તમારા લોકો માટે લડવા માટે તૈયાર થાઓ છો એ પળથી તમે નિર્ભય છો.”

*

          તાલીમની દસમી રાતે વિરાટે સ્વપ્નમાં મંદિરનું પતન જોયું. મંદિર પ્રલય જેવા ભયાવહ દૃશ્યો વચ્ચે પડી રહ્યું હતું. એ કેવી રીતે થયું એ વિરાટને ખબર ન પડી પણ એણે મંદિરને અસંખ્ય ભાગોમાં તૂટી પડતા જોયુ. એણે દેવતાઓને મદદ માટે ચીસો પાડતા  જોયા અને કારુને પોતાનો જીવ બચાવીને ભાગતો જોયો.

          એ સ્વપ્નમાં વિરાટ પણ હતો. એ સફેદ ઘોડા પર સવાર હતો અને એના હાથમાં વળાંકવાળી તલવાર હતી. એ એક રાક્ષસી કદના દેવતા સામે લડતો હતો.

          એ પરસેવાથી લથબથ અને ગુસ્સામાં હતો. એનો ઘોડો એને ભૂલભુલૈયાની અંદર લઈ ગયો. એને લાગ્યું કે જાણે એ અંદરના કોઠા અને એની રચનાને જાણે છે. એ જાણતો હતો કે એ કોઠા કેવી રીતે અને કેમ એની રચના બદલતા રહે છે. એણે નિર્ભય સેનાનાયક તરફ જોયું જે એની બાજુમાં બીજા ઘોડા પર હતો અને બૂમ પાડી, “આ ચક્રવ્યુહ મુજબ છે. આ એ જ ભુલભુલામણી છે જેનો ઉપયોગ અભિમન્યુને મારવા કરવામાં આવ્યો હતો. ચક્રવ્યૂહ કુલ સાત વર્તુળોમાં વહેચાયેલ છે જે એકમેકની આસપાસ ફર્યા કરે છે. દરેક વર્તુળમાં સાત વિભાગો એટલે કે સાત કોઠા છે અને એ દરેક કોઠામાં અલગ-અલગ જોખમ આપણી રાહ જોઈ રહ્યા છે.”

          બધા વિભાગોમાં અવ્યવસ્થિત રીતે લખાયેલા શબ્દો હતા. એ અંદર દાખલ થયા પણ કયા કોઠા પછી કયા કોઠામાં દાખલ થવું એ એમને સમજાતું નહોતું. એ મંદિર સુધી પહોંચવા માટે એને પાર કરી ન શક્યા. એમણે એ કોઠાઓમાં દિવસો વિતાવ્યા (એના સ્વપ્નમાં) પરંતુ એ માત્ર એટલું જ જાણતા હતા કે દરેક કોઠામાં સાત બીજા કોઠા હતા જેમનાં દરવાજા સમાન દેખાતા હતા અને એમાંથી કોઈ પણ દરવાજામાં દાખલ થાઓ ત્યારે તમે નવા કોઠામાં દાખલ થાઓ છો અને એ કોઠાની અંદરના દરવાજાની સંખ્યા પણ સમાન હતી - સાત. એ પહેલા કોઠા (સૌથી સરળ વિભાગ)માં હતા છતાં એ બીજા કોઠામાં જઈ ન શક્યા કેમકે કોઠાઓ રચના બદલતા હતા એટલે બીજા કોઠા તરફ લઈ જતો કોઈ રસ્તો મળતો નહોતો. અને વિરાટનું સ્વપ્ન પૂરું થયું.

          જાણે એ હજુ એના સ્વપ્નમાં હોય, હજુ પણ જાણે એ ચક્રવ્યૂહમાં હોય એમ જાગ્યા પછી પણ એના શરીરે પરસેવો હતો અને એની આંખો હજુ પણ આસપાસ બીજા કોઠામાં દાખલ થવાનો રસ્તો શોધતી હતી. એની આસપાસ હવામાં ઠંડક હતી છતાં એને ગરમી લાગતી હતી. એનું શરીર એટલું દુખતું હતું કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.

ક્રમશ: