પઠાન
-રાકેશ ઠક્કર
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' બોક્સ ઓફિસ પર એક પછી એક જૂના રેકોર્ડ તોડવા સાથે નવા પણ બનાવી રહી છે. હિન્દી ફિલ્મો હવે દક્ષિણની ફિલ્મોને ટક્કર આપી શકશે નહીં એવી નિરાશાવાદી વિચારધારા ધરાવનારાને જ નહીં એનો વિરોધ કરનારાને પણ 'પઠાન' આંચકો આપી ગઇ છે.
શાહરૂખ પર શંકા કરનારા ખોટા પડ્યા છે. ચાર વર્ષ પછી એણે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. ચાર દિવસમાં સૌથી ઝડપી રૂ.૨૦૦ કરોડની ક્લબમાં આવનારી 'પઠાન' ત્રણ શીખ આપી ગઇ છે. સૌથી પહેલી વાત એ છે કે બોલિવુડમાં બૉયકૉટનો ટ્રેન્ડ સ્થાયી ન હતો અને એટલો અસરકારક ન હતો. એ ટૂંકાગાળા માટે જ રહ્યો છે. 'પઠાન' પછી એ સમાપ્ત થઇ રહ્યો હોવાનું ટ્રેડ પંડિતોનું માનવું છે. અત્યાર સુધી લોકોને એમ હતું કે બૉયકૉટના એલાનના કારણે બધી ફિલ્મો ફ્લોપ થઇ રહી છે. એ ભ્રમ તૂટી ગયો છે. ફિલ્મોના ચાહકોને આ ટ્રેન્ડ સાથે કોઇ લેવાદેવા નથી.
બીજી શીખ એ છે કે સિનેમા એક એવું માધ્યમ છે જેમાં લોકોને જોડવાની તાકાત છે એ આજે બરકરાર છે. કેમકે લોકો પોતાના પૈસા ખર્ચી ફિલ્મ જોવા સ્વેચ્છાએ જતા હોય છે. 'પઠાન' ને એના વિરોધને કારણે લોકોનો પ્રેમ વધુ મળ્યો છે. ભારતમાં જે વાતની ના પાડવામાં આવે એ કરવામાં આવે છે. જયાં જવાની ના પાડવામાં આવે ત્યાં લોકો જરૂર જાય છે. 'પઠાન' માં આ રિવર્સ સાયકૉલોજીએ પણ કામ કર્યું છે.
ત્રીજી મેઇન સ્ટ્રીમ મીડિયા માટે લેવા જેવી શીખ એ છે કે શાહરૂખે પ્રચાર માટે એમનો નહીં પણ માત્ર સોશિયલ મીડિયાનો જ ઉપયોગ કર્યો છે. ફિલ્મની રજૂઆત પહેલાં શાહરૂખે કોઇ અખબાર, મેગેઝીન કે ન્યુઝ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો નહીં કે કોઇ ટીવી શોમાં ગયો નથી. મેઇન સ્ટ્રીમ મીડિયામાં 'પઠાન' ના વિરોધની ડિબેટ ચાલતી રહી હતી. છતાં એ લોકોના વિચાર અને નિર્ણયને બદલી શકી નહીં. હવે એ જ મિડીયા એની સફળતાની અને લોકપ્રિયતાની ગાથા રજૂ કરી રહ્યું છે.
જાન્યુઆરી માસમાં કોઇ ફિલ્મ હિટ રહેતી નથી એ ક્રમ તૂટી ગયો છે. ક્રિસમસ, દિવાળી અને ઇદ પછી એક નવો પ્રજાસત્તાક પર્વનો તહેવાર ફિલ્મની રજૂઆત માટે મળી ગયો છે. નવાઇની વાત એ છે કે ફિલ્મ 'પઠાન' ની ખાસ કોઇ વાર્તા નથી. આ પ્રકારની સ્પાય ફિલ્મો અગાઉ આવી ચૂકી છે. વાર્તા મજબૂત નથી પણ એને બતાવવાની રીત દમદાર છે. નિર્દેશકે ઘિસીપીટી વાર્તામાં એક્શન અને સ્પેશ્યલ ઇફેક્ટસના મામલે કોઇ કમી રાખી નથી.
એમ લાગે છે કે શાહરૂખે પોતાના સફળ પુનરાગમન માટે દેશભક્તિની ફોર્મૂલાનો સહારો લીધો છે. કેમકે IMDB પર જણાવાયું છે કે શાહરૂખની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાં જે બે સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી એ 'સ્વદેસ' અને 'ચક દે ઇન્ડિયા' છે. વાર્તા ભારત-પાક વચ્ચેની છે. કાશ્મીરમાં ૩૭૦ ની કલમ રદ થયા પછી ભારતને સબક શીખવવા પાકિસ્તાન 'આઉટફિટ એક્સ' નામના આતંકવાદી સંગઠનની મદદ લે છે. જેનો વડો જિમ (જૉન) છે. જે એક વખત રૉનો દેશભક્ત એજન્ટ રહી ચૂક્યો હોય છે. એક મિશનમાં ગર્ભવતી પત્નીની એની સામે ક્રૂરતાથી હત્યા થાય છે. દેશની મદદ મળતી નથી તેથી તેનામાં નફરત અને બદલાની ભાવના પ્રબળ બને છે. તે દેશના દુશ્મનો સાથે મળીને દેશને નુકસાન કરવાના આયોજનમાં લાગી જાય છે. આ પરિસ્થિતિનો સામનો કરવા નંદિની (ડિમ્પલ કાપડિયા) અને લૂથરા (આશુતોષ) કાબેલ એજન્ટ પઠાન (શાહરૂખ) અને એની ટીમને કામ સોંપે છે. પઠાનની મુલાકાત આઇએસઆઇ એજન્ટ રુબાઇ (દીપિકા) સાથે થાય છે. રુબાઇના રૂપમાં ખલનાયક જિમ અને નાયક પઠાન વચ્ચે વિશ્વાસ અને વિશ્વાસઘાતની પાતળી રેખા હોય છે. રુબાઇ અને પઠાનની પણ પ્રેમકહાની બને છે. હવે રુબાઇ પઠાનને સાથ આપશે કે દગો? જિમ પોતાના ઇરાદાઓમાં સફળ થશે? પઠાન દેશને બચાવી શકે છે? જેવા પ્રશ્નોનાં જવાબ ફિલ્મના અંતમાં મળે છે.
શાહરૂખ પોતાની બૉડી લેંગ્વેજ સાથે આંખોથી પ્રભાવિત કરી ગયો છે. બૉડી બનાવવા એણે દોઢ વર્ષ સુધી મહેનત કરી હતી. એક્શન દ્રશ્યોમાં આ ઉંમરે એની ચપળતા સારી છે. રોમેન્ટિક ગીતમાં સ્વેગ ગજબનો છે. દેશભક્તિના સંવાદોમાં તાળીઓ મેળવી જાય છે. એણે ફરી સાબિત કર્યું છે કે એ બોલિવૂડનો બાદશાહ છે.
જૉન અબ્રાહમ 'ધૂમ' જેવી જ ભૂમિકામાં છે. છતાં ઘણી જગ્યાએ વિલન તરીકે શાહરૂખ પર ભારે પડે છે. તેણે પોતાની ભૂમિકામાં જાન લગાવી દીધી છે. નિષ્ફળ ફિલ્મોથી પરેશાન જૉનની કારકિર્દીને જીવનદાન મળ્યું છે.
સલમાન થોડા સમય માટે આવે છે પણ બાજીને પોતાના પક્ષમાં કરી લે છે. શાહરૂખ-સલમાનની 'કરન- અર્જુન' જેવી જુગલબંદી અને એક્શન દર્શકોના પૈસા વસૂલ કરી દે છે. 'બેશરમ રંગ' ગીતને કારણે જ નહીં પોતાની એક્શન ભૂમિકાથી દીપિકા ફિલ્મનું મોટું આકર્ષણ બની છે.
'હમતુમ' જેવી રોમેન્ટિક ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર નિર્દેશક સિધ્ધાર્થ આનંદ અઢી કલાક સુધી એક્શનના દમથી દર્શકોને બાંધી રાખવામાં સફળ રહ્યા છે. યશરાજ ફિલ્મ્સની ફ્લોપ ફિલ્મોની યાદી લાંબી થઇ રહી છે ત્યારે 'પઠાન' સંજીવની બુટ્ટી સાબિત થઇ છે. 'વૉર' પછી એમણે એક્શનની નવી ઊંચાઇને સ્પર્શ કર્યો છે. તે હોલિવૂડની એક્શન ફિલ્મોની બરાબરી કરી શક્યા છે. પહાડ પર ઉડતી ટ્રેન કે હેલિકોપ્ટરની ફાઇટના દ્રશ્યો હેરતઅંગેજ બન્યા છે. દુબઇ, પેરિસ અને આફ્રિકાના લોકેશન જબરદસ્ત છે. એમણે પાત્રોના લુક અને કોસ્ચ્યુમ પર ઘણી મહેનત કરી છે.
ફિલ્મનો પહેલો ભાગ થોડો લાંબો લાગે છે. કેટલાક દ્રશ્યો માની ના શકાય એવા છે. એને ભવ્ય રીતે બતાવીને દિલ જીતી લીધું છે. ફિલ્મમાં દરેક પ્રકારના મસાલા પ્રમાણમાં નાખ્યા છે. તેથી આખી ફિલ્મ જોયા પછી દર્શક માને છે કે વાર્તામાં લૉજિક ન હોવા છતાં એને ઠગવામાં આવ્યો નથી.